વસુધા/ભરતીને

Revision as of 05:10, 8 October 2022 by MeghaBhavsar (talk | contribs)
ભરતીને

ભરતી હતી, ના તદા હતી
લવ લેશે મન ઓટકલ્પના,
અવ ઓસરતાં જલો બધાં
અહ કંઠાર કશી જ કારમી!

અહીં જ્યાં છલકંત છોળ કૈં
છલી છાતીપુર શું છલાવતી!
અધુના અહીં માત્ર કીચડ
પ્રતિ પાદે દિલને દમે દમે!

અહીં તીર સપુષ્ટ બે દિશે
પ્રિય-બાહૂ સમ શું પડ્યો હતો! ૧૦
અવ બે ક્ષિતિજો ભરી પડ્યો
અહ, શો લંબિત વિપ્રલંભ છે!

યદિ ઓસરવાની વાત 'તી,
ભરતી! કાં ઉર તું ભરી ગઈ?
મુજ શુષ્ક તટોની ખુશ્કી જે
કરીને કીચડ તે ય લૈ ગઈ!

અહ ના! અહ ના! હવે કદી
નહિ મોજું પણ એક ઠેલજે,
સહી જ શકતા જ પંક ત્યાં
જઈ તારું મનમાન્યું રેલજે.