સોરઠી બહારવટિયા ભાગ-2/ઇણાજનો નાશ
“કાલે અહીંયાં તોપો મંડાશે. આપણા ઇણાજ ગામને તોપે ઉડાડશે. તમે સહુ નીકળી જાઓ, ભાઈઓ!” જૂનાગઢનું રાજ હતું : વેરાવળ પાટણનો વનસ્પતિએ લચકતો મુલક હતો : વેરાવળથી પાંચ ગાઉ ઉપર ઇણાજ નામનું ગામડું હતું. એ ગામની અંદર સંવત 1939ના ભાદરવા સુદ ત્રીજને દિવસે સવારે આ શબ્દો પડ્યા. બોલનારનું નામ જમાદાર અલીમહમદ : જાતે રિન્દ-બલોચ મકરાણી હતો. ઇણાજનો એ ગામેતી હતો. આધેડ અવસ્થા હતી. પોતાની વસ્તીને ભેળી કરીને આજે ભર્યે ભાદરવે એણે આજ્ઞા દીધી કે “ભાઈ સામત સોલંકી, પૂંજા આયર, ફૂલી ડોશી, તમે સહુ આજ ને આજ તમારાં ઢોરઢાંખર અને ઘરની ઘરવખરી લઈને નીકળી જાઓ. કાલે આંહીં તોપો ચાલશે.” “ભલે ને તોપું ચાલતી, બાપુ! અમે તમને મેલીને કેમ જાયેં?” અલીમહમદ ઉપર હેત રાખનાર વસ્તીએ ભેળા મરવાની હિંમત બતાવી. વસ્તીનાં લોકો કેટલાયે દિવસથી આખો મામલો સમજ્યે જતાં હતાં અને આજે તેઓને અલીમહમદના એક વેણમાં જ પૂરો ઘાટ સમજાઈ ગયો. એ અરસામાં આવી વસ્તી-ગણતરી : સને 1881નું વર્ષ : ગામનાં “નાભાઈ, ભીંત હેઠળ ભીંસાઈને તમારે મરવાની જરૂર નથી. મારા તો મુકદ્દરમાં હશે તે થાશે. તમે સહુ નીકળી જાઓ. આજ ને આજ ક્યાંઈક પડખેનાં ગામોમાં પહોંચી જાઓ” “બાપુ! અમે નીકળીએ તો ઇણાજ લાજે.” “ઈણાજ નહિ લાજે. હું ઠીક કહું છું. મારે કાંઈ ધીંગાણે ઊતરવું નથી. સરકાર સામે લડાઈ નથી માંડવી. હું તો મરવા માગું છું ને ઇણાજની લાજ સાચવવા હું એકલો આંહીં બેઠો છું. તમે ફિકર કરો મા. જાઓ જલદી. ગામલોકોને સમજાવીને ઝટ બહાર નિકાલો.” વાતો કહેતાં કહેતાં અલીમહમદના હાથમાં તસબી ફરી રહી હતી. અવાજમાં ઉશ્કેરાટ નહોતો. આંખોમાં રોષની નહિ, પણ વેદનાની લાલપ ભરી હતી. ગામની અંદર વાત પ્રસરી ગઈ. ગામેતીની શિખામણને વશ થઈ વસ્તીનાં લોકોએ ભારે હૈયે પોતાની ગાયો-ભેંસો ખીલેથી છોડી, આંસુભરી આંખે ઉચાળા ભર્યા. સહુ અલીમહમદને રામ રામ કરી, રોતાં રોતાં બહાર નીકળ્યાં. અને કાલ સાંજ થાશે ત્યાં તો આ ખોરડાં, આ પાદર, આ વડલા ને આ પંખીડાં, કોઈ નહિ હોય, આપણું ઈણાજ પડીને પાદર થશે, એ વિચાર કરતાં કરતાં, ગામનાં ઝાડવાં ઉપર મીટ માંડતાં માંડતાં, લોકો માર્ગે પડ્યાં. પણ બુઢ્ઢાં હતાં તેટલાં પડ્યાં રહ્યાં. પડ્યાં રહેનારમાં એક સામત સોલંકી, બીજો પૂંજા વાલા આયર, ત્રીજી ફૂલી ડોશી લુવાણી, ચોથો બોદો ઢેઢ, પાંચમો કિસો મેતર વગેરે જણ હતાં. એને પણ ગામેતીએ પૂછ્યું, “તમે શા માટે પડ્યાં છો?” “બાપુ!” પોતાની ડગમગતી ડોકને સ્થિર રાખવા મહેનત કરતી ફૂલી ડોશી બોલી, “અમારે ભાગીને શું કરવું છે? મડાંને વીજળીનો ભો કેવો? ટાંટિયા ઢસરડીને મરવા કરતાં અમારા બાપુને પડખે રહી તોપે ઊડીએ તો સદ્ગતિએ જવાય ને! અમે તો આંહીં જ પડ્યાં છીએ, ભલે આવતી તોપું.” “બેટા અબ્દરહેમાન!” અલીમહમદે પોતાના પાંચ દીકરા માંહેલા એકને બોલાવી કહ્યું, “આપણા ભાઈ-ભત્રીજાને આજ ને આજ ભેળા કરો. તરસૂલીએથી ભાણેજોને — એમણાબૂના ત્રણેય દીકરા અલાદાદ, ફકીરમામદ અને દીનમામદ ને — તેડાવી લ્યો.” “પણ અબાજાન! એની સાથે તો અદાવત છે ને?” “હવે અદાવત ખતમ થાય છે. ખુદાને ઘેર જાતાં જાતાં દોસ્તી કરી લેવા માગું છું. જલદી સાંઢિયો રવાના કરો.” “બીજા કોને?” “જમાદાર સાહેબદાદને સનવાવ ખબર ભેજો.” “સનવાવ તો અઢાર ગાઉ થાય. કોણ મજલ કરી શકશે?” “આપણા કરસનજી ગામોટ કરી શકશે. એને દોટાવો. અને અમરાપર ભાઈ કાદરબક્ષ તથા અબાબકરને કહેવરાવો. છેલ્લી વારનો કુટુંબમેળો કરી લઈએ. કાલે તો ખુદાના દરબારમાં હશું.” નોખનોખી દિશાઓમાં ખેપિયા છૂટી ગયા છે. મોહબતદારો આવી પહોંચવાની વાટ જોવાય છે, અને વેરાવળ પાટણમાં એક મોટી ફોજ ઇણાજ ઉપર ચડતી હોવાના સમાચાર મળે છે. જમાદાર અલીમહમદની બધી આશા આથમી ગઈ. એ પોતાના ઓઝલને ઓરડે ચાલ્યો. પોતાની બીબી અમનને પૂછ્યું, “બોલો, તમારી શી મરજી છે? બાલબચ્ચાંને લઈ ચાલ્યાં જાઓ તો હું ખરચી આપું. આપણા વતન મકરાણ ભેગાં થઈ જાઓ.” “અને તમે?” “હું અહીં ઘરઆંગણે મરીશ. કાલે આંહીં કતલ ચાલશે.” “ખાવંદ! ચાલીસ વરસથી તમારી સોડ્ય વેઠનારને આજે તમે એકલી જાન બચાવવાનું કહીને કયા વેરનો બદલો લઈ રહ્યા છો? મને શું મરતાં નથી આવડતું? હું બલોચની બેટી છું, બલોચની ઓરત છું, બલોચની જનેતા છું.” “પણ બીબી! તમારે આંહીં બહુ બૂરી રીતે મરવું પડશે. આ ઓરડાની નીચે હું દારૂ ભરાવીશ ને છેલ્લી ઘડીએ આખો ઓરડો ફૂંકાવી દઈશ. મારાં બાલબચ્ચાંને રાજાના હાથમાં જવા નહિ દઉં. હું રિન્દ-બલોચ છું.” “આપને ઠીક પડે તે રીતે અમને ઉડાવી દેજો. બચ્ચાં સહિત મારું છેલ્લું ઠેકાણું તો ઓરડો જ છે.” ઓરડા નીચે સુરંગ ખોદાવીને અલીમહમદે દારૂ ધરબાવ્યો. પોતે ઓસરીમાં બેઠક લીધી. એક બાજુ હથિયાર મૂક્યાં છે. સામે ઘોડી પર ઉઘાડું કુરાન પડ્યું છે. દીવો બળે છે. આખી રાત જાગીને અલીમહમદ કુરાન વાંચી રહેલ છે. સવાર પડતાં જ તેડાવ્યા હતા તે પિતરાઈઓ ને ભાણેજો હાજર થઈ ગયા. હાજર થનારા આટલા જણ હતા : અમરાપરથી જમાદાર અલીમહમદના કાકા નૂરમહમદના દીકરા જમાદાર કાદરબક્ષ અને અબાબકર; તરસૂલીએથી પોતાની બહેન એમણાબૂ અને બનેવી લશ્કરાનના ત્રણ દીકરા ફકીરમામદ, દીનમામદ અને અલાદાદ; સનવાવથી જમાદાર સાહેબદાદ તથા તેનો ચૌદ વરસનો દીકરો ગુલમહમદ, પોતાના પાંચ દીકરા વજીરમામદ, અબ્દરહેમાન; મહમ્મદ, અબ્દલા અને ઇસ્માઇલ; પોતાનો સગો ભાઈ વલીમહમદ તથા તેનો દીકરો ઉમર અને હુસેનભાઈ નામનો એક બુઢ્ઢો સાથી. એ આખા દાયરાને અલીમહમદે પ્રથમથી માંડીને વાત કરી : “મારા ભાઈ-બેટાઓ, મકરાણીઓની ઇજ્જત આજ ઊતરી ગઈ છે. ઘણા ઘણા ઊતરતા ખવાસના બલોચોએ આંહીં કાઠિયાવાડમાં આવી પેટને ખાતર ખૂટલાઈનો સિક્કો બેસારેલ છે. પણ આપણે તો રિન્દ-બલોચ. આપણે મૂળથી જ ગરાસદાર. આપણે આજ ‘મકરાણી’ નામનો બટ્ટો ધોવાની વેળા આવી છે.” “એવડું બધું શું થયું છે?” “આપણા માંહેલાની જ ખટપટથી નવાબ સરકારના અમલદારો આપણા પર કોપાણા છે. મને કાલે હરિદાસ દીવાને વેરાવળ મુકામે તેડાવેલો. પૂછ્યું કે હથિયાર કેમ રાખો છો? સરકારી અમલદારોને ગામમાં કેમ આવવા દેતા નથી? “મેં કહ્યું કે ‘સાહેબ, એવું કાંઈ જ નથી.’ ” ડાહ્યા, ધીરા અને ગરવા મોંવાળા કાદરબક્ષે અદબથી કહ્યું, “બડાભાઈ! એ વાત તો સાચી છે. તે દિવસે આપણા બનેવી લશ્કરાન સાથે કજિયો થયો. તેની તપાસ કરવા આસિસ્ટંટ પોલીસ ઉપરી હોરમસજી કોઠાવાળા આવ્યા. તેને આપણે ઇણાજમાં ક્યાં આવવા દીધા હતા? ગામને ઝાંપે આપણે ભરીબંદૂકે વિલાયતીઓનો પહેરો બેસાર્યો હતો.” અલીમહમદે ખામોશીથી કહ્યું, “તમારી એ વાત સાચી છે, ભાઈ કાદરબક્ષ! આપણી એ કસૂર થઈ કહેવાય. પણ મારા ગામમાં વળી પોલીસ કેવી, એ જીદ ઉપર હું દોરાઈ ગયો હતો. ખેર! પણ હવે તો મને દીવાને હુકમ દીધો છે કે ‘કાલ સવાર સુધીમાં હથિયાર છોડી દ્યો, અને ઇણાજ ગામ ખાલી કરો. તમને સરકાર બીજું ગામ ખાવા આપશે.’ હું જવાબ દઈને આવતો રહ્યો છું કે ‘મારા ભાઈઓને પૂછીને કહેવા આવીશ.’ મને ચેતવણી આપેલી છે કે ‘કાલ સવાર સુધીમાં હા-નાનો જવાબ લઈ વેરાવળ નહિ આવી પહોંચો તો ઇણાજને ફૂંકી દેવા ફોજ મોકલશું’. હવે બોલો ભાઈ, હથિયાર અને ઇણાજ છોડવાની હા કહેતા હો તો હજી વખત છે. તમે વેરાવળ જઈ પહોંચો.” “તમારી ખુદની શી મતલબ છે, બડા ભાઈ?” “હું તો હથિયાર નહિ છોડી શકું. હથિયાર તો મને મારા જાનથી જ્યાદે પ્યારાં છે. એટલે હું આંહીં ઘરઆંગણે બેઠો બેઠો મારી ઇજ્જત માટે મરીશ.” “અમે પણ સાથે મરશું,” સહુએ અવાજ દીધો. “તમને કાંઈ કહેતો નથી, ભાઈ! મારે આંહીં લડાઈ કરવી નથી. મારે જૂનાગઢ જીતવું નથી. મારે તો ઇજ્જત માટે મરવું છે. તમારાં બાળબચ્ચાં વાસ્તે તમે ખુશીથી જીવો.” “મોટાભાઈ!” કાદરબક્ષની આંખોમાં પાણી આવી ગયાં, “આજ સુધી હું તમને સહુને વારતો આવ્યો છું. તમારી બધાની ગરમીને ઠંડી પાડવા મહેનત કરતો આવ્યો છું. તમે બધા મને પોચો ને કમજોર કહેતા. ખેર! મારા એ દિવસો ગયા. હવે તો બાલબચ્ચાંની પરવા નથી. હવે તો હું દુઃખમાં તમારી સાથે શરીક થાઉં છું.” “તો ભલે. હું આજ રોજું રહ્યો છું તેમ તમે પણ રહો. કુરાનના દોર કરો. હમણે ફોજ આવી સમજજો. ભેળા માણેકવાડાથી એજન્સીના પોલિટિકલ એજન્ટ ઇસ્કાટ સાહેબ પણ પાંચસો-સાતસોની પલટન તેમ જ તોપ લઈને આવવાના છે, માટે દિલને તૈયાર કરો.” નાનકડા ઇણાજ ગામની અંદર તે દિવસ આવો મામલો મચેલો હતો. ગામ જાણે કબ્રસ્તાન હતું ને માણસો જાણે પ્રેતો હતા. વેરાવળમાં વાટ જોઈ જોઈને જ્યારે ઈણાજનો કોઈ આદમી કળાયો નહિ, ત્યારે ઠરાવેલે સમયે નવાબી સૈન્ય કૂચ કરી ચૂક્યું હતું. આંહીં કુરાનના દોર પઢાતા હતા, ને રસ્તા પર ફોજનાં પગલાં પડતાં હતાં. દારૂગોળો ઓરો ને ઓરો આવતો હતો. ફોજ આવી. વેરાવળ અને ઈણાજ વચ્ચેના ‘ઊંડા કૂવા’ પાસે રોકાણી. ત્યાંથી જૂનાગઢવાળા જમાદાર નજરમહમદ તથા દિલમુરાદને અને સાથે માણેકવાડાના પ્રાંતસાહેબના એક જમાદારને, ત્રણ જણને, છેલ્લી વાર સમજૂતી કરવા ઇણાજ મોકલ્યા. ત્રણેય આવીને જમાદાર અલીમહમદ સન્મુખ ઊભા રહ્યા. ત્રણેયે બધી વાત કહી. સમજાવ્યું કે “નહિ માનો તો થોડી જ વારમાં ઇણાજ ગામ પર ચુડેલો રાસડા લેશે.” એ બધી વાત સાંભળી જમાદાર અલીમહમદ બોલ્યા : “ભાઈઓ, હું માફી માગું છું. મેં જૂનાગઢનું નિમક ખાધું છે. ઇણાજ પણ અમારા વડવાને નવાબ સાહેબે ચાકરી બદલ દીધું છે. મારે ઈણાજ છોડવું એ મોટી વાત નથી. પણ મારા ઉપર આવું શીદ કર્યું? મારી ભૂલ હતી તો મને જૂનાગઢ તેડાવવો હતો. પણ હવે તો મારા ઘર ઉપર તોપ આવીને ઊભી રહી. હવે હું ખસું તો મારી ઇજ્જત જાય. હવે તો મારે મારા માલેકની તોપને વધાવી લેવી જોઈએ. મારે તો મરવું જ માંડ્યું છે. માટે આપ પધારો અને લશ્કરને ખુશીથી આંહીં લઈ આવો. હવે વાર લગાડશો નહિ. સલામ આલેકુમ!” છેલ્લું કહેણ સાંભળીને ફોજ ફરી વાર આગળ ચાલવા લાગી. માણેકવાડાનો પૉલિટિકલ એજન્ટ સ્કૉટ અને જૂનાગઢના પોલીસ-ઉપરી નાગર અંબારામ સુંદરજી છાયા ધોળી માટીના ઓરિયામાં બેઠા. ફોજને આજ્ઞા દીધી કે “ઇણાજ ફરતા વીંટી વળો, પણ વગર જરૂરે કોઈ માણસને મારશો નહિ.” ફોજે આવીને ઈણાજ ઘેર્યું. અલીમહમદ રોજો રહી, ઉપરાઉપરી બે પાયજામા પહેરી, તે ઉપર ભેટ બાંધી, તમંચો, બંદૂક, ઢાલ ને તરવાર બાજુમાં મૂકી લોબાનની ભભકતી સુગંધ વચ્ચે ઓસરીમાં બેઠો કુરાનના દોર કરે છે. પાસે નિમકહલાલ બુઢ્ઢો હુસેનભાઈ અરધી મીંચેલી આંખે કુરાને શરીફ સાંભળે છે, અને એ જ ઓસરીના ઓરડામાં પુરાઈને બીબી અમન પોતાનાં બાલબચ્ચાં સહિત નમાજ પઢે છે. મરવું મીઠું લાગે એવી ચુપકીદી મહેકી રહી છે. અને એથી ઊલટી ચાલ ચાલતા એના તેર જુવાન સગાઓએ પાદરમાં ઓડા લઈને સામે ઊભેલી ફોજ ઉપર ગોળીઓ ચલાવવાનો આદર કર્યો. થોડી વાર ફોજે ખામોશી પકડી. અઢીસોની સામે તેર નવજુવાન મકરાણીઓ એવા રૂડા લાગતા હતા કે ફોજ આખી જોઈ રહી. ત્યાર પછી તો તોપ ચાલી. પણ સામા તેર જણાએ પોતાની અચૂક બરકંદાજીથી એ બે તોપોના બળદોનો સોથાર વાળી નાખ્યો. ગોળીઓની ઝડી વરસી રહી છે, ત્યાં તોપ ભરવા તો શું પણ તોપની પાસે જવાયે ફોજનો કોઈ આદમી તૈયાર નહોતો. ફક્ત એક આદમી તોપખાના પાસે ઊભો હતો. એનું નામ નાયબ હાશમભાઈ : રાજના વંશપરંપરાના તોપચી. “જુવાનો!” તેર મકરાણી જુવાનોની અંદરનો આગેવાન વજીરમહમદ બોલ્યો, “જોજો હો, હાશમભાઈને જોખમતા નહિ. એ ભલે ઊભો. હજી એની કાચી જુવાની છે. એને નથી મારવો.” બહાદુર હાશમ ઊભો હતો, પણ દુશ્મનો એને જાણીબૂજીને બચાવી રહ્યા છે તેની એને ખબર નહોતી. તોપો ભરાતી નથી કે નથી પેદલ ફોજ આગળ પગલું ભરી શકતી. ઈણાજના બરકંદાજો જાણે મંત્રી મંત્રીને બંદૂકો છોડે છે! અને આઘેરી આંબલીની ઘટામાંથી એ કોની બંદૂક ગોળીઓનો મે’ વરસાવી રહી છે? કોઈને ખબર પડતી નથી. કોઈ આદમી કળાતો નથી. ફક્ત ધુમાડાના ગોટા ઊઠે છે. થોડી વાર સુધી તો ફોજવાળા મૂંઝાઈને ઊભા થઈ રહ્યા. પછી તેઓએ એ ધુમાડાનું નિશાન નોંધીને એક સામટી બંદૂકોની ધાણી વહેતી કરી. ઊભો ઊભો ગોરો સ્કૉટ સાહેબ પગ પછાડે, અંબારામભાઈ ધૂંઆપૂંઆ થાય, આગળ વધવાની આજ્ઞાઓ આપે, પણ ફોજ થીજી ગઈ હોય તેવી થઈને ઊભી રહી. આખરે બે ગાડાં ઊભાં કરીને ઠેલતા ઠેલતા તોપની પાસે લાવ્યા. અને ગાડાંની ઓથે તોપો ભરી ભરીને દાગવી શરૂ કરી. પહેલે જ ધુબાકે ગામનાં ખોરડાં ઢગલો થઈ ઢળી પડ્યાં, બે-ચાર મકરાણી જુવાનોને પણ ઢાળી દીધા. છતાં જુવાન બેય વજીરમહમદનો મોરચો ચાલ્યે જ જાય છે. બાઈઓ બંદૂકો ભરી ભરીને દેતી જાય છે ને દાઢિયાળા તાશીરો દીધ્યે આવે છે. કોઈ પણ ઇલાજે રાત પાડી દેવી એ મકરાણીઓની નેમ હતી. ને જો રાત પડી હોત તો મકરાણીઓને નવી મદદ આવી પહોંચતાં ભયંકર સંગ્રામ મંડાયો હોત એ ચોક્કસ વાત છે. તોપો જ્યારે ફરી વાર વહેતી થઈ અને ગાડા આડે ગોળીઓની કારી ફાવી નહિ, ત્યારે એ તેર જણાના ડાહ્યા જણ કાદરબક્ષે નવેસર વિચાર કર્યો કે ‘હવે નહિ પહોંચાય, અને કનડે ડુંગરે જેમ મહિયા મૂઆ તેમ જો આંહીં ભીંત હેઠળ ભરાઈને મરશું તો લોકો મકરાણીઓની બદબોઈ કરશે. માટે હવે નીકળી જઈએ.’ કાદરબક્ષ પાછો વળ્યો. જમાદાર અલીમહમદની પાસે આવીને એણે આ વિચાર કહી સંભળાવ્યો. અલીમહમદે જવાબ વાળ્યો : “ભાઈ કાદરબક્ષ! હું તમને કંઈ જ નથી કહેતો. નિમકહરામ થઈને આપણી સરકાર સામે થવાનું કે વસ્તીને પીડવાનું તમને કહેતો નથી. હું પોતે તો આંહીં મરવા માગું છું. તમે તો તમારા દિલમાં ખુદા જે કહેતો હોય તે જ કરજો!” કાદરબક્ષ બહારવટાનાં પગલાં ભરી બીજી બાજુથી ગામ છોડવા નીકળ્યો. ભેળા એના બીજા બધા પિત્રાઈઓ પણ નીકળ્યા; માત્ર અલીમહમદના બે દીકરાઓ વજીરમહમદ અને અબ્દરહેમાને કાદરબક્ષની સાથે જવા ના પાડી કહ્યું કે “બાપુને છોડીને અમે નહિ આવીએ. અમે પણ આંહીં જ મરી મટશું.” કાદરબક્ષ નીકળી ગયો. પાદરને ઝાંપે મકરાણીઓના મોરચા તૂટી પડ્યા. ફોજ અંદર ઘૂસી. અલીમહમદની ડેલી પાસે પહોંચી. બંદૂકોની તાળી પડે છે અને તોપના ગોળા ગાજે છે; તે સાંભળતો સાંભળતો અલીમહમદ કુરાનના દોર કરવામાં તલ્લીન છે. જ્યારે ફોજ લગોલગ આવવા લાગી ત્યારે એક અકસ્માત બન્યો. વજીરમહમદના મોરચા સામે ઊભા રહીને કોઈ હલકટ ગુલમેંદી સવારે એને ખરાબ ગાળો કાઢી. ગાળો સાંભળતાં જ રિન્દ-બલોચ વજીરમહમદનું લોહી ઊકળી આવ્યું. કોણ જાણે શા કારણથી એણે પોતાની બંદૂક ઓટલા ઉપર પછાડી ભાંગી નાખી અને ‘યા અલી, મદદ!’ કરી, તરવાર ખેંચી, ઓટા ઉપરથી એણે ઠેકડો માર્યો. દોડીને એણે ગાળ કાઢનાર સવારને તો ઠાર કર્યો, પણ ત્યાં તો એના શરીર ઉપર ગોળીઓનો મે’ વરસી ગયો. વજીરમહમદ ઢળી પડ્યો. મોટાભાઈને પડતો દેખી ચૌદ-પંદર વરસનો નાનો ભાઈ અબ્દરહેમાન તરવાર ખેંચી દોડ્યો અને પોતાના હાથનું કાંડું ઝાટકા વડે કપાઈને લટકી પડ્યું ત્યાં સુધી એ ઝૂઝ્યો. એ પણ પડ્યો. મકરાણીના મોરચા તૂટ્યા. ગામના ખોરડાં સળગ્યાં. લાખેણા જુવાનો ઊભા ઊભા ભાંગી ગયા, પણ તસુયે હટ્યા નહિ. થોડી વાર થઈ અને એક જખ્મી મકરાણી પેટ પર કપડું વીંટી લથડિયાં લેતો ઓસરીએ આવ્યો : અલીમહમદને ખબર દીધા : “બાપ, વજીરમહમદ કામ આવી ગયા ને અબ્દરહેમાન જખ્મી થઈને બેહોશ પડ્યા છે.” અલીમહમદે ખામોશીથી ખબર સાંભળ્યા. એણે પોતાના દિલને જરા પણ ઉશ્કેરાવા ન દીધું. ધીરે હાથે કુરાન બંધ કરી અદબથી એક તરફ મૂક્યું. જખ્મી અબ્દરહેમાનનું શરીર આવી પહોંચ્યું. તેને બીબી અમનવાળા ઓરડામાં ઢોલિયા પર પોઢાડ્યું ને પછી પોતે ઊભા થઈ હમેલ અને તરવાર બાંધી, ભેટ વાળીને જમૈયો નાખ્યો, તમંચો કમર પર બાંધ્યો, હાથમાં મોટી બંદૂક લીધી. લઈને ધીરે પગલે બીબી અમન પાસે આવ્યો. આટલું જ બોલ્યો, “ખુદા હાફેઝ! હમારા ગુન્હા માફ કરના! રંજ નહિ કરના! રોજ હશરકે રોજ ખુદા મિલાએગા જબ મિલેંગે. ખુદાકી યાદ કરના.” એટલું કહીને બાલબચ્ચાંને ગોદમાં દાબ્યાં. બચ્ચી દીધી. બીબી અમનને છેલ્લી સલામ કરી એ પાછો વળ્યો. બરાબર ફોજની સામે જ ચાલ્યો. પછવાડે બુઢ્ઢા હુસેન બંધાણી પણ તરવાર લઈને અલીમહમદના ઓછાયા રૂપ બની ચાલ્યા. “હુશિયાર!” એટલો જ શબ્દ એણે ફોજની સામે જઈને કહ્યો. બંદૂક ઉપાડી છાતીએ ચડાવીને છોડી. ગોળી ફોજમાં જઈને ચોંટી. બડામિયાં નામે માણસને પાડ્યો. બસ, અલી મહમદે બંદૂક ફેંકી દીધી. પછી તમંચો ખેંચ્યો. છોડ્યો. મકરાણી પોલીસ હવાલદાર દોસ્તમહમદને પાડ્યો. બસ, તમંચો પણ ફેંકી દીધો. છેલ્લી એણે તરવાર ખેંચી. ફોજને પડકારી, સામે દોટ દીધી. સામેથી ચાલીસ-પચાસ બંદૂકોની ગોળીઓ છૂટી. સાવજ પડ્યો. પણ પડતી વેળા એનો હાથ જમૈયા પર હતો અને એના હોઠમાં કંઈક શબ્દો ફફડતા હતા. એને વેરાવળના કબ્રસ્તાનમાં દફનાવેલ છે. સાંજ પડવા માંડી હતી ત્યાં જ બધું પૂરું થઈ ગયું. મરેલાંઓની લાશો ગોતાવા લાગી. લાશો ગોતતાં ગોતતાં કોઈનું ધ્યાન આંબલીના ઝાડ માથે ગયું. ત્યાં ઊંચી ઊંચી ડાળ્યે એક લોથ લટકતી હતી. લોથ નીચે ઉતરાવી. ઓળખાયો : આ તો ઇણાજનો મકરાણી જુવાન દીનાર : ઓલ્યો આંબલીની ઘટામાંથી સવારથી સાંજ સુધી ગોળીઓના મે વરસાવનારો : આંબલીની ડાળ સાથે ફેંટાથી પોતાનું શરીર બાંધીને એ લડેલો લાગ્યો.એના પેટ, પેડુ અને છાતીમાં આવા જખ્મો હતા. અને દરેક જખ્મના ખાડામાં લૂગડાંના કકડાના ગાભા ખોસેલા નીકળ્યા. એ ચીથરાં એના પોતાના જ કપડામાંથી ફાડેલાં હતાં. શું એ શૂરો જુવાન ગોળીઓ ખાતો ખાતો જખ્મોમાં ગાભા ભરી ભરી તે ઉપર ભેટ કસકસાવીને આંબલીને ઝાડેથી દી આથમ્યા સુધી લડતો હતો! શું છેલ્લી ગોળી અને છેલ્લો દમ ખૂટ્યાં ત્યાં સુધી આ જુવાન ઝૂઝ્યો હતો! દેસાઈ હરભાઈ કહેતા કે “મેં જ્યારે એની કમર છોડાવી ત્યારે તૂર્ત જ એના આંતરડાં બહાર નીકળી પડ્યાં હતાં ને અમલદારો ‘આફરીન! આફરીન!’ કરતા ખુરશી પરથી ઊભા થઈ ગયા હતા.” આ દીનાર એકલો આંહીં આંબલી ઉપર ક્યાંથી? વહેલો ઊઠીને એ તો સીમમાં આંટો દેવા ગયેલો. પણ પાછો વળે તે પહેલાં તો ફોજ આવી પહોંચેલી. દીનાર ગામમાં ન જઈ શક્યો એટલે આંબલી પર ચડીને એકલે હાથે લડ્યો. ઘાયલ થઈને ઘરમાં પડેલા જુવાન અબ્દરહેમાનની લોંઠકાઈ પણ ક્યાં ઓછી હતી? એનું કાંડું લબડી પડ્યું હતું. દાક્તર એને તપાસવા આવ્યા. તપાસીને દાક્તરે કહ્યું કે “ધોરી નસો કપાઈને સામસામેની ચામડીનાં પડોમાં પેસી ગઈ છે. તેથી શીશી સુંઘાડવી પડશે.” બાળકે હાથ લાંબો કર્યો અને કહ્યું, “મલમપટ્ટા બાંધના યાદ હૈ, તો બાંધો, ખટખટ મત કરો! શીશી નહિ મંગતા!” ને જ્યારે દાક્તરે એ તૂટેલી નસોના છેડા ચીપિયાથી ખેંચીને બાંધ્યા ત્યારે આ ચૌદ વરસના બાળકે સિસકારોય નહોતો કર્યો. આજે એ અબ્દરહેમાન અંગ્રેજી ભાષા જાણે છે. ગામડામાં બેસી ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામનાં ગૂઢ તત્ત્વોનો અભ્યાસ કરે છે. જુઓ તો જણાય જ નહીં કે આ એ જ અબ્દરહેમાન. તેની સાથેનો બીજો વીર બાલક ગુલમહમદ સનવાવવાળો. એણે આ ધીંગાણામાં શો ભાગ ભજવ્યો તે તો ખબર પડતી નથી, પણ એ બન્નેએ જેલમાં બેસી જન્મકેદ રહ્યો રહ્યો અનેક કેદીઓને સુધાર્યા, માર્ગે ચડાવ્યા, ને આખરે જે દિવસ તેઓની પણ બેડીઓ તૂટી, તે દિવસ આખી કાઠિયાવાડ રાજી થયેલ. રાત પડી, પણ ગામનો કબજો સાચવવા કોઈ કબૂલ થતું નથી. આખરે જગતસિંહ કરીને એક શીખ સિપાઈ અને એની હિમ્મતે બે બીજા મળીને રાત રહ્યા. ઇણાજ ગામ પર લશ્કરી પહેરો બેઠો. કાદુ, અલાદાદ, દીનમહમદ, ફકીરમહમદ અને કાજી વિલાયતી, એમ પાંચ જણા રાતના અંધારામાં પાછા આવ્યા અને ઓરડામાં પૂરેલાં બીબી અમનને બાળબચ્ચાં સાથે બહાર કાઢી ચાલ્યા ગયા. સંવત 1939ના ભાદરવા સુદ ચોથના રોજ આ ધિંગાણું ખતમ થયું અને કાદુનું બહારવટું શરૂ થયું.