સોરઠી બહારવટિયા ભાગ-2/જેરામભા

Revision as of 10:15, 20 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જેરામભા|}} {{Poem2Open}} રામજીના ભાઈ જેરામે બેટમાં પહોંચીને શું કર્યું? બહાદુરી કરીને કિલ્લો બચાવ્યો, ગાયકવાડી સિપાહીઓને શૌર્ય ચડાવ્યું કે “દ્વારકાવાળા ખૂટી ગયા, પણ તમે ખૂટશો મા. ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જેરામભા

રામજીના ભાઈ જેરામે બેટમાં પહોંચીને શું કર્યું? બહાદુરી કરીને કિલ્લો બચાવ્યો, ગાયકવાડી સિપાહીઓને શૌર્ય ચડાવ્યું કે “દ્વારકાવાળા ખૂટી ગયા, પણ તમે ખૂટશો મા. કિલ્લો સોંપશો મા.” એણે સામો પક્ષ લીધો. સિપાહીઓ કહે, “પણ અમારે ખાવાનું શું કરવું?” જેરામ કહે, “હું સગવડ કરી દઉં. મંદિરમાં વાંધો નથી.” વાઘેરો ચડી આવ્યા. મંદિરનો કિલ્લો બંધ દીઠો અને આખી રાત કિલ્લા ઉપર કપાસિયાના તેલના દીવા માંડી એક આદમીને ‘ખબરદાર! ખબરદાર!’ એવી હાકલો સાથે ચોકી દેતો દીઠો. વાઘેરોએ અવાજ ઓળખ્યો. “એ અવાજ જેરામભાનો. એ હશે ત્યાં સુધી કિલ્લો નહિ સોંપવા દે.” ગામ લૂંટ્યા વિના વાઘેરો પાછા દ્વારિકા ગયા. જોઘાને અને રામજીભાને તેડી લાવ્યા. જુવાન જેરામભા કિલ્લા ઉપર ઊભો છે. નીચે ઊભાં ઊભાં જોધાએ અને રામજીભાએ સમજાવટ આદરી. “ભાઈ જેરામભાઈ! હેઠો ઊતરી જા!” જોધો બોલ્યો. “ન ઊતરું; એમ કિલ્લો ન સોંપાય. તું તારે બે હજાર વાઘેરની ફોજ લઈને ચડી આવ. કિલ્લો જીતીને ખુશીથી લઈ લે. પણ ખૂટલાઈ કરાવીને શું લેવા આવ્યો છો, જોધા ભા?” “જેરામભા! આજ તો હું તને શરમાવવા આવ્યો છું. અમારે રાજપલટો આણવો છે. અને તું ઊઠીને શું ઓખાનો શત્રુ થઈશ? જેરામભા, દ્વારકા કોની? દ્વારકા પાંજી આય!” “દ્વારકા પાંજી આય!” એ વેણે જેરામનું હૈયું હલમલાવી નાખ્યું. તેમાં વળી રામજી શેઠનો સાદ પુરાયો : “ભાઈ જેરામ! હવે હુજ્જત મ કર.” જેરામ કહે, “તો એટલી બાંયધરી દે, કે આ કિલ્લાના કોઈ પણ આદમી ઉપર ઘા ન કરવો; સહુને હેમખેમ સલાયા ભેળા થવા દેવા.” જોધો કહે, “કબૂલ છે, રણછોડરાયની સાખે!” કિલ્લાના સિપાહીઓને ગાયકવાડી કે સરકારી કુમક આવી નહિ. બચાવ લાંબો વખત થાય તેમ નહોતું રહ્યું. જેરામભાના રક્ષણ નીચે સહુ નીકળીને સલાયા ગામ તરફ ચાલતા થયા. બરાબર શંખ તળાવ પાસે પહોંચે ત્યાં પાછળથી માંકડા જેવા વાઘેરોનું એક ટોળું તેઓને આંબી ગયું અને ટોળાએ ચસકા કર્યા કે “મારો! મારો! મારો!” આડો ઊભો રહીને જેરામભા બોલ્યો, “ખબરદાર, જો આગળ વધ્યા છો તો? તમે જોધાભાનો કોલ ઉથાપો છો?” વાઘેરોએ હુજ્જત કરી, “જેરામભાઈ, આ સિપાઈઓએ અમારા એક આદમીને માર્યો છે એટલે અમે એક ધીંગાણું કર્યા વગર તો પાછા જાવાના જ નથી.” જેરામભાના હાથમાં લાકડી હતી. ધરતી ઉપર ધૂળમાં આડો લીંટો કરીને કહ્યું કે ‘વાઘેર બચ્ચાઓ, જો આ લીંટો વળોટો તો તમને જોધા માણેકની આણ છે.” એટલી આણ બસ હતી. લાકડીની લીટી હતી તે દીવાલ જેવી થઈ પડી. વાઘેરો પાછા વળી ગયા.