વેળા વેળાની છાંયડી/૩. ત્રણ જુવાન હૈયાં

Revision as of 12:48, 31 October 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩. ત્રણ જુવાન હૈયાં

ઓતમચંદને જોતાં જ કપૂરશેઠ ગાડીમાંથી ઊતરી ગયા અને યજમાન તથા મહેમાન ભાવપૂર્વક ભેટી પડ્યા. પછી ઓતમચંદે ગાડીમાં બેઠેલા નરોત્તમને કહ્યું:

⁠‘તમે તમારે ઝટ ઘેર પહોંચો. અમે હવે હાલતા આવશું.’

⁠વશરામે ગાડી નાકામાં વાળી અને પાછળ પાછળ ઓતમચંદે પોતાના મહેમાનને લઈને ચાલવા માંડ્યું.

⁠રસ્તામાં એણે પોતાની સાથે આવેલા દકુભાઈની ઓળખાણ કરાવી:

⁠‘આ દકુભાઈને તમે નહીં ઓળખતા હો. મારા સાળા થાય – ઓતમચંદે એક ખંધા આદમીની ઓળખાણ આપવા માંડી.

⁠‘નામથી ઓળખું છું–કાગળપત્તરમાં એની સહી આવે છે એ ઉપરથી,’ કપૂરશેઠે કહ્યું.

⁠‘પેઢીનો બધો ભાર દકુભાઈએ ઉપાડી લીધો છે. મારે હવે વેપાર બાબતની જરાય ફિકર જ નથી રહી,’ ઓતમચંદે પોતાના સાળાનાં વખાણ કર્યાં.

⁠‘ફિકર શાની રહે ? આવું ઘરનું જ ગણાય એવું વિશ્વાસુ માણસ મળે પછી તો નફકરા…’ દકુભાઈની પ્રશસ્તિમાં કપૂરશેઠે સૂર પુરાવી દીધો.

⁠‘ને આ અમારા મકનજી મુનીમ,’ ઓતમચંદે એક અદોદળા શરીરવાળા સીસમવરણા માણસની ઓળખાણ આપી. ‘નામાંઠામાંમાં એક્કા છે. લાખથી પાણ સુધીના સંધાય હિસાબ જીભને ટેરવે. ચોપડો આખો મોઢે બોલી જાય… કઈ રકમ કોના ખાતામાં કેટલામે પાને,  કઈ મિતિએ ખતવી છે, એ ઊંઘમાં પૂછો તોય હાજર જવાબ !’

⁠‘એનું નામ સાચા મુનીમ !’ કપૂરશેઠે આ પ્રશસ્તિમાં પણ સૂર પુરાવ્યો અને તુરત એક કહેવત યાદ આવતાં એનો ઉપયોગ કરી નાખ્યો: ‘ગલઢાવે કીધું છે કે નામું ચોખું એનું નસીબ ચોખું.’

⁠વાતો કરતાં કરતાં સહુ ઘર સુધી પહોંચ્યા ત્યારે ડેલીના આંગણામાં વશરામે ગાડી છોડી નાખી હતી અને ઘોડાને તબેલામાં બાંધવા જતો હતો ત્યાં બટુકે ઘોડા પર બેસવાનું વેન લીધું હોવાથી વશરામ આ બાળઅસવારને ઘોડા પર બેસાડતો હતો.

⁠પુરુષવર્ગ ઓસરીમાં હીંચકે બેઠો હતો ત્યારે અંદરના ઓરડામાં લાડકોર સંતોકબાની આગતાસ્વાગતા કરી રહી હતી; મેંગણીના સરસમાચાર પૂછતી અને વચ્ચે વચ્ચે ચંપા તથા જસી તરફ ઝીણી નજરે જોયા કરતી હતી. ચતુર લાડકોર આ બંને બહેનોની સાવ ભિન્ન ભિન્ન રીતભાત, હાવભાવ અને ચહેરામહોરાનું નિરીક્ષણ કરી રહી હતી. સાથે સાથે, પોતાના કુંવારા દિયર નરોત્તમ માટે આ બેમાંથી કઈ કન્યા અનુકૂળ ગણાય એનો અભ્યાસ કરતી જતી હતી.

⁠ઓસરીમાં પાટલા પથરાયા અને પુરુષો જમવા બેઠા. દકુભાઈ અને મુનીમ ક્યારના કશીક છૂપી ગુફતેગો કરી રહ્યા હતા તે અત્યારે જમવાટાણે પણ ઇરાદાપૂર્વક જરાક આઘેરા બેઠા, જેથી એમની ગુપ્ત મંત્રણાઓમાં અંતરાય ન આવી શકે.

⁠મકનજી મુનીમ દકુભાઈના કાનમાં ફૂંક મારતો હતો: ‘ઠીકઠીકનો જોગ છે. ને છોકરી પણ બરોબર બાલુના બરની જ છે. મહેમાનનું મન માને તો બાલુનો ભવ સુધરી જાય એમ છે…’

⁠અંદરના રાંધણિયામાંથી દકુભાઈનો છેલબટાઉ છોકરો બાલુ હાથમાં લાડવાની થાળી લઈને પીરસવા આવ્યો અને કપૂરશેઠ તો આ યુવાનના વરણાગી વેશ સામે જોઈ જ રહ્યા. ઓસરીમાં બાલુની એન્ટ્રી, ભવાઈમાં થતા રંગલાના આગમન જેટલી આકર્ષક—બલકે આઘાતજનક — હતી. કપૂરશેઠ તો આ જુવાન છોકરાની ‘એક્ટરકટ’ કલમ અને ઓડિયા વાળ તરફ જ તાકી રહ્યા. ખુદ મકનજી પણ મૂછમાં હસી રહ્યો. પણ પારકાંને જતિ કરવામાં પાવરધા આ મુનીમે દકુભાઈને ચડાવ્યો:

⁠‘મહેમાનને ઓળખાણ કરાવો, ઓળખાણ.’

⁠અને પછી અક્કલમાં આનીભાર ઓછા દકુભાઈએ પોતાના સુપુત્રની પ્રશસ્તિ શરૂ કરી દીધી:

⁠‘છોકરાની ઉંમ૨ નાની છે પણ બુદ્ધિનો ફેલાવો બહુ…’ બાલુના દરેક પરાક્રમના વર્ણનને અંતે દકુભાઈએ આ વાક્ય ઉચ્ચારવા માંડ્યું.

⁠મુનીમ મકનજી આ પરાક્રમોના સમર્થન રૂપે ટાપશી પૂરતો જતો હતો.

⁠કપૂરશેઠ સભ્યતા ખાતર પણ હા-હોંકારો ભર્યે જતા હતા.

⁠એકમાત્ર ઓતમચંદ પોતાના સાળાના આ અર્થહીન બકવાટથી અકળાઈ ઊઠીને નીચી મૂંડીએ મૂંગો મૂંગો જમ્યા કરતો હતો.

⁠સગા બાપને મોઢેથી પોતાની બિરદાવલિઓ સાંભળીને બાલુ એવો તો ફુલાઈ ગયો હતો કે બમણા ઉત્સાહથી એ પી૨સવાનું કામ કરવા લાગ્યો હતો—અલબત્ત, વચ્ચે વચ્ચે એ પોતાના વીંખાઈ જતા કેશકલાપમાં કાંસકો ફેરવી લેતો હતો ખરો. એમ કરવા પાછળ પણ એનો ઉદ્દેશ તો મહેમાનને આંજી નાખવાનો જ હતો.

⁠‘હજી તો તમે બાલુને ગાતાં સાંભળ્યો નથી.’ દકુભાઈએ પુત્રના બહુમુખી વ્યક્તિત્વનું બીજું એક પાસું ૨જૂ કર્યું: ‘ગળું તો એવું મીઠું છે કે તબિયત હલાવી નાખે.’

⁠‘એમ કે ?’ મહેમાને આશ્ચર્ય અને અહોભાવ વ્યક્ત કર્યાં.

⁠‘જી, હા.’ દકુભાઈએ કહ્યું: ‘બપોર પછી એકાદબે ચીજ ગવરાવશું.’

⁠પણ દકુભાઈને કમનસીબે બપોર પછી તો થાક્યાપાક્યા મહેમાનોએ વામકુક્ષિ કરી અને એ પછી પણ દકુભાઈને પોતાના પુત્રની શક્તિઓનો પરચો આપવાની તક મળી શકી નહીં, કેમ કે તડકો નમતાં જ ઓતમચંદે મહેમાનને આદેશ આપી દીધો: ‘ચાલો, નવી મેડી જોવા જઈએ… કાલે તો વાસ્તુ થશે એટલે એની ધમાલ રહેશે… આજે નિરાંતે બધુંય જોઈ લઈએ.’

⁠અને કપૂરશેઠ યજમાન સાથે ઊપડ્યા. પુરુષવર્ગનો આવશ્યક મલાજો રાખીને તેમની પાછળ પાછળ થોડું અંતર જાળવીને સ્ત્રીવર્ગ પણ ઊપડ્યો. લાડકોર હોંશે હોંશે સંતોકબાને અને એમની બંને પુત્રીઓને પોતાનું નવું બંધાયેલું મકાન બતાવવા ઊપડી.

⁠જૂના જમાનાના શિષ્ટાચારના કેટલાક અણલખ્યા શિરસ્તાઓ મુજબ નરોત્તમે ખરી રીતે તો પુરુષવર્ગની સાથે જવું જોઈતું હતું પણ એનું યૌવનસુલભ ચાંચલ્ય અત્યારે ચંપાની સાથે ચાલવાનું પ્રલોભન ટાળી શક્યું નહીં.

⁠નરોત્તમના આ ચાંચલ્યનો ચેપ બાલુને પણ લાગ્યો અને એણે પણ ઇરાદાપૂર્વક પાછળ રહી જઈ એકાદ ગાયનની લીટી ગણગણવા માંડી.

⁠બાલુના આવા વરણાગીવેડા લાડકોરને પહેલેથી જ પસંદ નહોતા. અત્યારે અજાણ્યા મહેમાનોની હાજરીમાં એ વરણાગીપણાનું પ્રદર્શન થતું જોઈને એણે બાલુ તરફ ફરીને આંખ કાઢી, પણ આવા સંકેત સમજવાની શક્તિ જ એ બુદ્ધુ છોકરામાં ક્યાં હતી ? એ તો ટકોરાને બદલે ડફણાને જ પાત્ર હતો.

⁠‘આ આપણી મેડી…’ દસ-વીસ ફૂટ દૂરથી એક નવું જ બંધાયેલું મકાન બતાવતાં ઓતમચંદે કહ્યું.

⁠‘ઓહો… હો… હો !’ તમે તો વગડો વાળ્યો છે, વગડો, ઓતમચંદભાઈ !’ મકાનનો વિસ્તાર અને આસપાસની ખુલ્લી જગ્યા જોઈને જ કપૂ૨શેઠે અહોભાવ વ્યક્ત કરી દીધો.

⁠‘જમીન સાવ સસ્તામાં જ જડી ગઈ ને વળી વેત આવી ગયો એટલે કીધું કે વાળી લઈએ…’ ઓતમચંદે કહ્યું: ‘આજ એવું કાલ નહીં. આપણા બહોળા વેપા૨નાં જોખમ પણ બહોળાં… કોને ખબર છે કાલની ?’

⁠‘પણ પાણામાં આટલો બધો પૈસો નાખી દેવાય, ભલા માણસ ?’ કપૂરશેઠે કહ્યું: ‘આમાંથી તો ટકો વ્યાજ પણ ન છૂટે.’

⁠‘વ્યાજ ભલે ને ન છૂટે… પાણામાં નાખ્યું સચવાય તો ખરું ને ! વેપારમાં તો તડકાછાયા… આવે ને જાય… પણ આ પાણા કોઈ નહીં ઉપાડી જાય…’

⁠‘સાચું, સાચું, સાવ સાચું…’ કપૂરશેઠે પણ સૂર પુરાવ્યો: ‘મેડી ચણાવીને તમે ભારે ડહાપણનું કામ કર્યું છે, ઓતમચંદભાઈ !’

⁠બે શેઠિયાઓની આ વહેવારની વાતો સાંભળીને પાછળ પાછળ ચાલતા મુનીમ અને દકુભાઈ મૂછમાં હસતા હતા. એમને આવી દીર્ઘદૃષ્ટિયુક્ત વહેવારની વાતો સાવ વાહિયાત લાગતી હતી, કેમ કે, એમની દૃષ્ટિ જ ટૂંકી હતી.

⁠દરવાજામાં દાખલ થતાં જ કપૂરશેઠે કમાન પર મોટે અક્ષરે કોતરાયેલા શબ્દો વાંચ્યાં:

⁠‘હ-રિ-નિ-વા-સ.’

⁠અને થોડી વાર વિચાર કરીને એમણે કહ્યું: ‘તમે તો મેડી ઉપર તમારે બદલે ભગવાનનું નામ લખી નાખ્યું !’

⁠‘આ બધી ઈશ્વરની જ લીલા છે ને ! આપણે તો એના હાથમાં રમતાં રમકડાં છીએ—’

⁠‘સાચું… સાચું…’

⁠‘ધન, લક્ષ્મી પણ એની જ લીલા છે, નાણું તો હાથનો મેલ છે… આજે આવે ને કાલે ચાલ્યું જાય… આજે આવતો દી છે, કાલે માઠો દી આવે…’

⁠‘બરોબ૨—’

⁠‘એટલે જ આવતા દીનો એંકાર ન કરવો… માઠા દીનો શોક ન કરવો… જિંદગી તો તડકાછાયા છે,’ ઓતમચંદે કહ્યું: ‘માયાની મમત ન કરાય. આ મેડી ભલે મેં બાંધી, પણ એ મારી છે એમ ન કહેવાય. મિલકત તો વારા બદલે… આજે એનો ભોગવટો હું કરું છું, કાલે સવારે કોઈ બીજો ધણી એનો ભોગવટો કરે… એટલે જ મેં એને ભગવાનનું નામ આપી દીધું… ભગવાનને અર્પણ કરી દીધી…

⁠ઓતમચંદ ભેંસ આગળ ભાગવતની જેમ ફિલસૂફી ઠાલવી રહ્યો હતો ત્યારે દકુભાઈ અને મુનીમે ફરી મૂછમાં હસવા માંડ્યું હતું.

⁠ઓતમચંદે ઓરડે ઓરડે ફરીને મહેમાનને મકાન બતાવ્યું.

⁠‘આ આગલી ઓસરી… આ રાંધણિયું… આ કોઠાર… આ બેઠકના ઓરડા…’

⁠બરોબર એ જ વખતે ઉપલે માળે લાડકોર પણ સંતોકબાને ઓરડે ઓરડે ફેરવી રહી હતી.

⁠‘આ અમારો સૂવા-બેસવાનો ઓરડો… આ કોઈ મહીમહેમાન આવે એના ઉતારાનો ઓરડો… ને આ અમારા નરોત્તમભાઈની આવતી વહુનો ઓરડો…’

⁠સાંભળીને નરોત્તમ તો, સ્વાભાવિક રીતે શ૨માયો જ, પણ કોણ જાણે કેમ, ચંપાના રતૂમડા મોં ઉપ૨ પણ શરમના શેરડા પડતાં એ ગૌ૨વર્ણું મોં વધારે રતૂમડું બની ગયું.

⁠મોટી બહેનના ચહેરા ૫૨ એકાએક આવી ગયેલો આ ભાવપલટો, કાગદૃષ્ટિ ધરાવનાર જસીની નજર બહાર રહી શક્યો નહીં. વળી એ ભાવપલટાનું કારણ—કહો કે નિમિત્ત—પણ નાની બહેનની જાણ બહાર નહોતું.

⁠તુરત જસીએ હસતાં હસતાં હળવેક રહીને ચંપાના પડખામાં ચૂંટી ખણી.

⁠સારું થયું કે બંને વડીલો—લાડકોર અને સંતોકબા—બે ડગલાં આગળ નીકળી ગયાં હતાં; કેમ કે, જસીએ ચૂંટી ખણતાં ચંપા પણ મીઠું મલકી ઊઠેલી અને એના મલકાટનો જાણે ચેપ લાગ્યો હોય એમ નરોત્તમ પણ હસી પડેલો. તેથી આ ત્રણેય જુવાન હૈયાનું ઊભરાતું હાસ્ય મોટેરાંઓએ જોયું હોત તો એમના મનમાં ગે૨સમજ થવા પામી હોત.

⁠સારું થયું કે પુરુષવર્ગ અત્યારે વાસ્તુવિધિ માટે તૈયાર થતા યજ્ઞકુંડનું નિરીક્ષણ કરી રહ્યો હતો. અને લાડકોર, આ નવી મેડીમાં ઉતારેલાં નવી ઢબનાં આરિયાં–કબાટ—ખોલીને એમાં રહેલી છૂપાં ‘ચોરખાના’ની કરામત સંતોકબાને સમજાવી રહી હતી.

⁠બાલગંધર્વ બાલુએ આ દરમિયાન પોતાના કિન્નરકંઠનો પરચો આપવા એકાદબે કર્કશ ગીતો ગાવાનો પ્રયત્ન કરી જોયેલો. પણ દકુભાઈ સિવાય બીજા કોઈ શ્રોતા તરફથી ‘દુબારા !’ કે ‘માશા અલ્લા !’ની દાદ નહીં મળતાં એ બિચારો કલાકાર જીવ નાસીપાસ થઈને ઘરભેગો થઈ ગયેલો; પણ ઘરઆંગણે એ એકલો પડી ગયો અને ‘ભોક્તા વિણ કલા નહીં’ના સૂત્રનું સત્ય સમજાતાં એ ફરી નવી મેડી ત૨ફ દોડી આવ્યો અને નીચેથી જ હાક મારીઃ

⁠‘રસોઈ થઈ ગઈ છે. મહારાજ જમવા બોલાવે છે…’

⁠‘ચાલો, ચાલો,’ કરતાં સહુ નીચે ઊતરતાં હતાં ત્યાં એમાં ચંપા અને નરોત્તમ જ ખૂટતાં જણાયાં.

⁠‘ક્યાં ગઈ ચંપા ? ક્યાં ગઈ ચંપા ?’ ઘડીભર તો સંતોકબા બિચારાં જીવ બાવરાં બની ગયાં. ખુદ લાડકોર પણ વિમાસણ અનુભવી રહી.

⁠સારું થયું કે આ નાજુક પ્રશ્ન બહુ વધારે વાર ચર્ચાયો નહીં. તુરત જસી ઉપલા માળની બંગલીમાં દોડી ગઈ અને મોટેથી જાહેર કર્યું :

⁠‘ચંપાબેન ને નરોત્તમભાઈ અહીં છે…’

⁠આ સાંભળનારાં સહુ પોતપોતાની રીતે જુદા જુદા વિચારો કરવા લાગ્યાં.

⁠ચંપા અને નરોત્તમ શરમાતા શરમાતાં નીચી મૂંડીએ દાદર ઊતર્યાં.


⁠એકમાત્ર જસી, પોતે ‘કેવાં પકડી પાડ્યાં !’નો વિજય-ગર્વ અનુભવતી મોટી બહેન તરફ જોઈને હસ્યા કરતી હતી.

⁠ઘેર પાછાં ફરતાં, રસ્તામાં ચંપા, કોઈ ન જાણે એવી રીતે જસીની પડખે ચડી અને પોતાની ફજેતી કર્યાની શિક્ષા તરીકે નાની બહેનના પડખામાં બમણા જોરથી ચૂંટી ખણી — જસીએ અગાઉ બે વાર મોટી બહેનને આ રીતે પજવેલી એનું ચંપાએ સાટું વાળી દીધું.

⁠અને પછી આ જુવાન હૃદયત્રિપુટી આખે રસ્તે મૂંગું હસતી હસતી ઘેર પહોંચી.