સમુડી/સાત

Revision as of 07:27, 13 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાત}} {{Poem2Open}} હમણાં હમણાંથી હર્ષદને એ પ્રસંગ તો વારંવાર યાદ આવે છે – ‘લી સમુડી,’ છીંકણી તાણતાં શાંતાફૈબાએ કહ્યું, ‘અવઅ બજાર જાય એટલઅષ ઉંદર મારવાની ટીકડીઓ લેતી આવજે. નાથા મગનની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સાત

હમણાં હમણાંથી હર્ષદને એ પ્રસંગ તો વારંવાર યાદ આવે છે – ‘લી સમુડી,’ છીંકણી તાણતાં શાંતાફૈબાએ કહ્યું, ‘અવઅ બજાર જાય એટલઅષ ઉંદર મારવાની ટીકડીઓ લેતી આવજે. નાથા મગનની દુકોંને મળશે. રહોડોમોં ઝેંણી ઝેંણી ઉદેડીઓ બઉ વધી ઘઈ સ.’ ‘તે ઈમોં ઉંદેડીઓનં મારી નખવાની હું જરૂર?’ ચપટી વગાડતાં સમુ બોલી, ‘હમણો મું બધીય ઉંદેડીઓનં પકડી પકડીનં નખી આવું ગોંમનં ગોંદરઅષ.’ પછી તો ઉંદરડીઓ પકડવાનો પ્લાન ગોઠવાયો. એક નાની બેઠા ઘાટની પિત્તળની તપેલીમાં સમુડીએ થોડોક લોટ નાંખ્યો. એની ઉપર અધખૂલી તાસક ઢાંકી. થોડોક લોટ તપેલીની પાસે ભોંયતળિયે વેર્યો. થોડોક લોટ જેની પાછળ ઉંદરડીઓ સંતાઈ રહેતી એ તેલના ડબ્બા પાસે વેર્યો ને પોતે ખૂણામાં સંતાઈને બેસી રહી. વધારે રાહ પણ ન જોવી પડી. થોડીવારમાં જ એક ઉંદરડી આવી. નાક અડકાડીને નીચે વેરેલો લોટ સૂંઘ્યો, આરોગ્યો ને દોડતી તેલના ડબા પાછળ ભરાઈ ગઈ. સમુડીનો ચહેરો ફિક્કો પડી ગયો. પણ થોડીવારે ફરી પાછું એ ઉંદરડીએ તેલના ડબા પાછળથી લગીર ડોકું કાઢયું. આમતેમ નજર ફેરવી નાક ઊંચું કરી કશુંક સૂંઘ્યું ને પછી તપેલી તરફ આગળ વધી. સમુડીના મનમાં ધડકષ ધડકષ થવા લાગ્યું. એની મોટી કાળી આંખોમાં ઉત્સુકતા, કુતૂહલ, રોમાંચ ને ન જાણે કેવા કેવા ભાવો એકીસાથે પ્રગટી ઊઠયા! ઉંદરડી છેક તપેલીની નજીક ગઈ. સમુડીના મનમાં થયું કે તેપલીની કિનારી સુધી પહોંચશે કે કેમ? પણ ત્યાં તો એ ઉંદરડીએ, પાછલા બે પગ ઉપર ઊભી રહીને આગલા બે પગ અધ્ધર કરી, બેઠા ઘાટની તપેલીની કિનારી પર નખ ભેરવ્યા. તપેલીમાં શું છે એ સૂંઘી જોયું ને પછી પાછલા બે પગથી સહેજ જોર કરી કૂદી ને તપેલીમાંનો લોટ ઝટ ઝટ આરોગવા લાગી. સમુડી માટે મોટી મૂંઝવણ એ થઈ કે તાસક બંધ શી રીતે કરવી? કારણ ઉંદરડીની પૂંછડી બહાર હતી! જો એ જોરથી તાસક બંધ કરે તો તો… બિચારીની પૂંછડીનું શું થાય? સમુડીને સાત પૂંછડીવાળા ઉંદરની વાત યાદ આવી ગઈ. પણ સમુડી હજી તો આમ વિચારતી હતી ત્યાં જ બહાર રહી ગયેલી પૂંછડી તપેલીમાં ગઈ! તરત જ સમુડી બિલ્લીપગલે ભાંખડિયે આગળ વધી. અધખૂલી તાસક તપેલી પર ફટ કરતીક ઢાંકી દીધી ને બે હાથે તાળીઓ પાડતી કૂદવા લાગી. આમ એણે બધી ઉંદરડીઓનો નિકાલ કરેલો. જ્યારે નયના? – નયનાનું રૂપ જોઈને તો હર્ષદ ધ્રૈજી ઊઠેલો ને વિવાહ તોડી નાખવાનો વિચાર એના મનમાં રોપાયો. હર્ષદે નયનાનાં કેટકેટલાં રૂપ કલ્પેલાં! મિત્રોનેય એ અતિ ઉત્સાહથી કહેતો ફરતો – નયના તો કોરી સ્લેટ જેવી. એની ઉપર મારે જે અક્ષર પાડવો હોય એ પાડી શકું! કુંભારની માટી જેવી, મારા આ બે હાથોથી એને જેવો ઘાટ આપવો હોય તેવો આપી શકું! તાજા તાજા માખણના પિંડ જેવી, એને સ્પર્શતાં જ એના દેહ પર જાણે આપણી ફિંગરપ્રિન્ટ પડે! હરણ જેવી જ આંખો, પતંગિયા જેવી જ ચંચળતા. ઊંચાઈ પાંચ ફૂટ બે ઈંચ. વય હશે વીસેકની. રંગ ઘઉંવર્ણોય નહિ ને ગોરોય નહિ એવો. ઝીણો મધુર અવાજ. સરસ શેપ આપેલી ભરાવદાર આય-બ્રો. જન્મ્યા પછી પ્રથમવાર આંખો ખોલતા બાળક જેવું જ વિસ્મય એની આંખોમાં તગતગે. હર્ષદે નયના માટે કંઈ કેટલીય કલ્પનાઓ કરેલી. એ જો લખવા બેસું તો પાનાંનાં પાનાં ભરાય. આમેય વિવાહ પછીનો સમય જ કલ્પનાભૂમિમાં વિહરવાનો. એમાંય હર્ષદ તો નાનપણથી જ કલ્પનામાં રાચનારો જીવ. પછી પૂછવું જ શું? નાનપણથી જ એ એક કપોલકિલ્પત કન્યા મનમાં ઘડતો આવેલો. સતત ઝંખતો – મારે આવી જ કન્યા જોઈએ. ચહેરો, ઊંચાઈ, છાતી, કમર, વાળ, નિતંબ, આંખો, કાન, ગરદન, ચાલ, ચરિત્ર, અવાજ, રસ, શોખ, સ્વભાવ… બધું જ હર્ષદે કલ્પી રાખેલું. હર્ષદે પહેલીવાર નયનાને જોઈ ત્યારે તો – નયનાની નસોમાં લોહી નહોતું વહેતું પણ જાણે કે લાલ લાલ શરમ જ વહેતી જળળ જળળ! શરમથી ચહેરાનો રંગ અંધારી રાતે સળગતી મશાલ જેવો જ થઈ ગયેલો. કપાળમાં ને નાકના ટેરવે તો પરસેવાનાં ઝીણાં ઝીણાં ટીપાંય બાઝેલાં. વારંવાર બોલાવવા છતાં નીચે ઢળેલી પાંપણો ઉપર ઊઠતી જ નહોતી. જાણે પોપચાં પર આખાયે ગોવર્ધનનો ભાર ન હોય! વૌશાખમાંય થરથરતા દેહમાં કશીક ભીતિ, વિસ્મય, રોમાંચ, શરમ, વ્યાકુળતા ને ન જાણે કંઈ કેટલાયે ભાવો નરી આંખેય સ્પષ્ટ જોઈ શકાતા. જાણે કે એનો દેહ, મન, મગજ… બધુંય પારદર્શક ન હોય! હર્ષદે મનોમન જ ધારી લીધું કે નયનાનો દેહ લોહીમાંસનો નહિ પણ જાણે કે લાગણી ને સંવેદનાનો જ બનેલો છે, માત્ર મુલાયમ સોનરી પીછાંઓનો જ; એ જ સોનેરી પીછાંઓ… જેનો સ્પર્શ હર્ષદે ઘણીયે વાર સ્વપ્નમાં અનુભવ્યો છે… ને હર્ષદે કશું જ જાણ્યા-વિચાર્યા વગર જ વિવાહ માટે ‘હા’ પાડી દીધેલી. પણ હવે સતત થાય છે કે આમ ‘હા’ નહોતી પાડવી જોઈતી. આવી ઉતાવળ નહોતી કરવી જોઈતી.