યાત્રા/શું અર્પું?

Revision as of 09:44, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs)
શું અર્પું?

(સૉનેટયુગ્મ)

[૧]


તને ક્હે શું અર્પું? કુસુમદલ તો આસન તવ,
અને આ પૃથ્વીની સુરભિ સઘળી તારું શ્વસન,
પ્રદીપેલી તે ગગનભરની તારું વસન–
નથી એકે એવું પ્રકૃતિ ભરમાં જે તવ નવ.

તને તો શું અર્પું? મનુજકૃતિની કે રસકલા?
સુકાવ્યે આરાધું? નરતન રચું? ગાન વિરચું?
મહા શિલ્પે તારાં દ્યુતિમય સ્વરૂપ સહુ ખચું?
અરે એ તો લીલા તવ ભંવરની માત્ર સકલા!

ખરે, આ સષ્ટિમાં મનુજ તણું તે એવું જ કશું
ન જે બીજે ક્યાંયે? અહ, મનુજમાં તો ઘણું ભર્યું –
મહા રાગદ્વેષો, કંઈ કુટિલતાનું દળ નર્યું –
ઘણાં દુઃસત્ત્વોનું નગર અહિયાં આવી જ વસ્યું.

છતાં એ સંધાંમાં પરમ વસ છે એક નરવી –
ત્વદર્થે ઈપ્સાની પ્રખર–તવ તે પાદ ધરવી.

[૨]


અને થાતું પાછું : કયમ કુસુમ ના અર્પણ કરું?
ન ધૂપે આરાધું? યુતિમય સુચિત્રા નવ રચું?
ને કાં કાવ્યે ગુંજે? નરતન સુગીતે ધુમ મચું –
ન કાં ધીગાં શિલ્પ જગપટ બધા ભવ્ય ઉભરું?

અરે આ સંધાં યે યદિ તવ જ, તે શું મુજ નવ?
અભીપ્સા જે હુંમાં તવ મિલનની તેવી તુજમાં
નથી ઈપ્સા– લેવા શિશુકુસુમને તારી ભુજમાં?
રહ્યો આ તો સારચે તુજ મુજ ઉભેનો ય વિભવ.

ખિલી તું પુષ્પોમાં, પ્રગટી ઘુતિમાં, સર્વ રસમાં;
પ્રફુલ્લી તેવી તું અમ ઉરની ઈપ્સાની રતિમાં.
જગત્ આ જે જગ્યુ તવ ચિતિની નિઃશ્વાસગતિમાં,
થઈ તે ઉચ્છ્વાસ પ્રતિ તવ ચઢે ઊર્ધ્વ નસમાં.

જગન્માતર્, તારો સકલ રસ, તારી જ રસના
વિખેરીને લેતી મધુ કણકણે ઘૂંટ રસના.

એપ્રિલ, ૧૯૪૩