મનીષા જોષીની કવિતા

Revision as of 05:10, 28 December 2022 by MeghaBhavsar (talk | contribs)
13-Manisha-Joshi-Kavya-Title.jpg


મનીષા જોષીની કવિતા

સંપાદક: પન્ના ત્રિવેદી



૧. સામ્રાજ્ય

મને ઝરુખામાં બેસાડો.
મને વીંઝણો નાંખો
મને અત્તરના હોજમાં નવડાવો.
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
મારો સ્વયંવર રચાવો.
જાવ, કોઈ વિદૂષકને બોલાવો
મને હસાવો.
ક્યાં ગઈ આ બધી દાસીઓ?
કેમ, કોઈ સાંભળતું નથી?
મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.
બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.
જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી?
એક રાજવી તરીકેના મારા અભિમાનનું
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે.
જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે.
પણ એ પહેલાં,
રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો
જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
એ જોઈ લેવા છે. અને
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા
ભયાનક સિંહ - વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.

૨. ગોઝારી વાવ

હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે.
પણ હું એને રજા નથી આપતી.

૩. હિજરત

માલધારીઓ હિજરત કરી ગયા છે.
પાછળ મૂકી ગયા છે, એક ચૂલો સળગતો.

ખબર નહીં, ક્યારે, કોણ ભૂખ્યું આવી ચડે?
ચૂલો જો પાણી છાંટીને ઠારી દેવાય તો
અગ્નિ નારાજ થઈ જાય.
ચૂલાના અડધા ઝરી ગયેલા કોલસાની સામે
દયામણી નજરે જોઈ રહ્યા છે
પાછળ એકલાં રહી ગયેલાં સીમનાં ઝાડ
આવશે કોઈ ભૂખ્યું જણ?
વૃક્ષો વચ્ચેથી સરસરાતી
હવાની એક લહેરખી આવી ચડી.
ઠરી જવા આવેલી ચૂલાની આગ
ફરી પ્રજ્વલિત થઈ.
સીમનાં ઝાડ, અગ્નિને આહુતિ આપવા
તૈયાર થઈ ગયાં.
માલધારીઓ નજર પહોંચે ત્યાં સુધી
વળી વળીને જોઈ રહ્યા છે,
તેમના નેસડાનાં ઝાડને સળગતાં.
માલધારીઓ હવે બેઠા છે,
ત્રણ ઈંટ ચૂલાના આકારે ગોઠવી રાખી છે.
અગ્નિને પેટાવવા કાઠીઓ છે.
અગ્નિને હવા આપવા પૂઠું છે.
એમ તો મુઠ્ઠી ધાન પણ ક્યાં નથી,
પણ ભૂખ,
ભૂખ ક્યાં છે?

૪. જેલ

જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું!
પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જડ, સખત.
રોજ એક નવા કેદીને હાથ-પગ બાંધીને
મારા પર સુવડાવવામાં આવે છે.
એ ખૂબ તરફડે છે પણ મોઢામાંથી એક હરફ બોલતો નથી,
થોડીવારમાં મરી જાય છે.
છેક બીજા દિવસે સિપાહીઓ એને ઊપાડી જાય છે.
હું ઠંડીગાર, સ્થિતપ્રજ્ઞ પડી રહું છું.
એણે એકરાર ન કરેલા ગુનાઓ મારામાં સમાઈ જાય છે.
હું એવી જ અકથ્ય, વધારે ને વધારે જિદ્દી બનતી જઉં છું.
મારામાંથી પણ એક ટીપું યે બરફ
પાણી બનીને વહેતો નથી.
જેલના લોખંડી સળિયાઓ પાછળ
કડક ચોકી-પહેરા વચ્ચે હું પડી છું.
જેલર એનો પગ મારા પર ટેકવીને, થાકેલો ઊભો છે.
એના બુટની અણીદાર ખીલીઓ મને ઉઝરડા પાડે છે.
એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે.
મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે....

૫. કંસારા બજાર

માંડવીની કંસારા બજારમાંથી પસાર થવાનું
મને ગમે છે.
‘ચિ. મનીષાના જન્મ પ્રસંગે’
આ શબ્દો મમ્મીએ
અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા,
વર્ષો વીત્યાં.
મારા હાથ-પગની ચામડી બદલાતી રહી
અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ,
વપરાઈને, ઘસાઈને
વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં.
એ વાસણોની તિરાડને રેણ કરાવવા
હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે
સાથે સાથે સંધાઈ જાય છે
મારાં છૂટાં છવાયાં વર્ષો પણ.
ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ
કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે
ખૂબ સંતોષથી જઉં છું.
આ વાસણો જ્યાંથી લીધાં હતાં
એ દુકાન કઈ, એ દુકાનદાર કોણ
કાંઈ ખબર નથી, છતાં
આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી
હું ચૂપચાપ પસાર થતી હોઉં છું ત્યારે
સતત એમ લાગ્યા કરે છે કે
હું અને આ અવાજ ક્યારેય મરતા નથી.
નવાં નવાં દંપતી અહીં આવે છે.
મારા માટે નવું નામ પસંદ કરીને
વાસણો પર કોતરાવીને
મને તેમના ઘરે લઈ જાય છે.
હું જીવું છું વાસણોનું આયુષ્ય
અથવા તો, બેસી રહું છું.
માંડવીની કંસારા બજારમાં
જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર
ધરાઈ જઉં છું.
બત્રીસ પકવાન ભરેલી થાળીથી,
મૂંઝાઈ જઉં છું
એક ખાલી વાટકીથી.

વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં,
તાકે છે મારી સામે
તત્ત્વવિદ્રી જેમ ત્યાં જ, અચાનક,
કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે
ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે.
હું એવી અસ્વસ્થ થઈ જઉં છું
જાણે કોઈ જીવ લેવા આવ્યું હોય.
વાસણો અને જીવન વચ્ચે
હાથવ્હેંત જેટલું છેટું,
ને વ્હેંત, કંસારા બજારની લાંબી સાંકડી ગલી જેવી
ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય
એ સમજાય તે પહેલાં
વ્હેંતના વેઢા
વખતની વખારમાં
કંઈક ગણતા થઈ જાય,
કંસારા બજારનો અવાજ
ક્યારેય સમૂળગો શાંત નથી થતો.
બજાર બંધ હોય ત્યારે
તાળા મારેલી દુકાનોની અંદર
નવાંનકોર વાસણો ચળકતાં હોય છે.
ને એ ચળકાટમાં બોલતા હોય છે
નવાં સવાં જીવન
થાળી વાટકા અને ગ્લાસથી સભર થઈ ઊઠતાં
ને એઠાં રહેતાં જીવન
હું જીવ્યા કરું છું
ગઈ કાલથી
પરમ દિવસથી
તે ’દિ થી.

૬. લૂણ

આમ તો મળી છું હું ગાંધીને
અમદાવાદના આશ્રમમાં
લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં
અને સાન ફ્રાન્સિસ્કોની ફેરી બિલ્ડિંગમાં
પણ હજી મારે કરવાનો બાકી છે
સત્યનો એક પ્રયોગ.

કેટલીક રેલગાડીઓના ગંતવ્ય સ્થાન
અલગ હોય છે, જે લખેલું હોય તેનાથી.
તેમાં બેઠેલા નવયુવકો ઊતરી પડે છે
અધવચ્ચે જ ક્યાંક, ટ્રેનનો આભાર માનીને.
ઊતરી જાવ જ્યાં, અધવચ્ચે
એ જ હોય છે, સૌથી પૂર્ણ મુસાફરી.
કોઈ ક્રાંતિકારીને સાચા સ્ટેશન પર ઉતારીને
આગળ ધપી ગયેલી ટ્રેનો હોય છે
યુગપુરુષોની પત્નીઓ જેવી
સંતોષસભર ને એકાકી.
મા બની ગયેલી પત્ની
સાફ કરી આપે ચશ્માં પર જામેલી ધૂળ
પોતાની જીર્ણ સાડીના છેડાથી
અને પિતા બનેલો પતિ
ભરી લે એની મુઠ્ઠીમાં
થોડુંક કાચું મીઠું.

ગાંધીની હથેળીમાંથી ત્યારે
ખર્યું હશે થોડું લવણ જમીન પર
મારે હજી લૂવાનું બાકી છે
મારી પરસાળમાંથી
એ ચપટીક લૂણ.

૭. મેખલા

મારી પાસે પણ એક કોડિયું છે.
જેની રોશનીમાં મને દેખાય છે, આખું યે બગદાદ.
ચારે તરફ બ્લેક-આઉટ અને
અને ઉપર ફરતાં અમેરિકી વિમાનો.
જાદુઈ સાદડીના ચીરા, સંતાઈ ગયેલો જીન,
અલીબાબાનાં ગધેડાં,
ગુફાઓ આડેથી હટતા મોટા મોટા પથ્થરો,
ખણખણતી અશરફીઓ, મરજીનાની આંખોની ચમક
અને પેલા તણખા ઝરતા બૉમ્બ.
અખાતમાં તેલના કૂવાઓ હજી સળગ્યા કરે છે.
અને જીવતી રહે છે પંચતંત્રની વાર્તાઓ.
રાજકુમારીના રૂપથી દિગ્મૂઢ થઈ ગયેલો
એક બરછટ, ગાંડો રાક્ષસ
          માણસ ગંધાય - માણસ ખાઉં
          માણસ ગંધાય - માણસ ખાઉં
પણ રાજકુમાર તો પહોંચી ગયો છે,
આકાશથીયે ઊંચા એ ઝાડ પર, રાક્ષસના જીવ સુધી.
નીચે એ ઝાડ કાપી નાખવા મથે છે રાક્ષસ.
કૂવામાં પડી જાય છે સિંહ.
ચંદ્ર પર ઉતરાણ કરે છે નચિકેતા.
લાકડાના ઘોડાથી રમે છે લવ-કુશ.
કામધેનુ બંધાયેલી છે ઋષિના આશ્રમમાં.
પાર્વતીને ડંખે છે એના શરીર પરની મેખલા.
ઝૂંપડામાં રહે છે રાજાની એક અણમાનીતી રાણી.
ભયભીત થઈ જાય છે યશોદા
કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ જોઈને.
મકાન બાંધતા જમીનમાંથી નીકળે છે ચરુ.
તલનો લાડુ ખાતાં જીભ કચરાઈ જાય છે
ગુપ્તદાનના એક પૈસાથી
બરાબર એમ જ, જેમ કોઈ સ્વયંવરમાં
કોઈ રાજાનું અપમાન થયું હોય!
ફરી મારે કોડિયામાં થોડુંક તેલ રેડવાનું છે...

૮. હાથ

દેવી લક્ષ્મી,
તારા હાથમાંથી વરસતી સોનામહોર ન જોઈએ મને.
ન જોઈએ તારું ત્રિશૂળ કે શંખ કે તારી માળા.
હે હજાર હાથવાળી!
મને તારો કમળવાળો હાથ જોઈએ.
એ સુકુમાર કમળ જોયું છે ત્યા૨થી
મને કોઈ રાજકુમાર પણ નથી ગમતો.
પુખ્ત સુંદર દેહયષ્ટિ, એનું લાલિત્ય,
એની છટા, સૌરભ,
ખીલેલું એ કમળ જોઈએ મને.
અને તારો હાથ!
જે સદા યુવાન રાખે છે એને.
પાણીથી અલગ એ કમળ
અને તારા અંગથી અલગ એ હાથ ને
રેશમી કપડામાં વીંટાળી
સાચવીને મૂકી દઈશ.
દેવી લક્ષ્મી,
તારા હજાર હાથમાંથી એક હાથ આપ મને!

૯. અશ્વપુરુષ

તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત[1]?
તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે,
તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ.
ઘોડાઓ દોડ્યે જાય છે. પવન સાથે વાતો કરતા,
અને તું, બસ જીત્યા કરે છે,
નવા નવા પ્રદેશોને,
પણ હું હજી હારી નથી તારી સામે.
તારા ઘોડારમાં પાગલ અશ્વો સૂઈ જાય ત્યારે,
ક્યારેક નજર પરોવજે મારી આંખોમાં.
સાંકળોમાં જકડાયેલા કેદીથી વિશેષ તું કંઈ જ નથી.
તારા અશ્વો કરતાં પણ
પાણીદાર છે મારી પીઠ,
શક્તિથી તરબતર, હણહણતા અશ્વોના પગ તળે
કચડાઈને મરી જવું,
એ તારી અંતિમ ઇચ્છા છે તે હું જાણું છું.
પણ, તું એક વાર
મારા પગ તરફ તો જો.
જો, મારા પગમાં ખરીઓ ફૂટી છે.
મારી પાસેથી જ મળશે તને
એક જીગિતનું મોત.

૧૦. તાપ વિનાનો ઉજાસ

ઓરડા બધા અગાશી
અને રાત બધી બપોર.
ઓરડામાં ખરતા તારાઓ
અને અગાશીમાં છે પડદા.
રાત્રે દેખતાં ચામાચીડિયાં
ને બપોરે બોલતાં તમરાં.
નથી બદલાઈ મારી
સવાર અને સાંજ.
સવાર એવી જ –
‘પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારાં ગાન’
સાંજ પણ એવી જ –
કુદરતી દૃશ્ય જેવી.
બે પર્વત, વચ્ચે આથમતો સૂરજ,
એક મંદિર, એક નદી, એક હોડી.
તો પછી શું થયું રાતને?
કેમ ઓસરી ગયાં અંધારાં?
શું થયું બપો૨ને?
કેમ કરમાઈ ગયાં સૂરજમુખી?
તાપ વિનાના ઉજાસમાં મને સપનાં આવે છે.
રાતનાં સપનાં બપોરે
અને બપો૨નાં સપનાં રાત્રે.

૧૧. વાળની ગૂંચ

સોનાની વેણીથી મારા વાળ સજાવતા
સુંદર, શાશ્વત નરેશો ક્યારેય
વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા.
તું રક્તપીતિયો રોગી હોય તો પણ આવ.
એક કાંસકો લઈને મારા વાળ ઓળ.
હું તને ગંગામાં સ્નાન કરાવીશ.
ચંદનના લાકડા પર સૂવડાવીને
શુદ્ધ ઘીનો અગ્નિદાહ આપીશ.
તારા માટે વિલાપ કરીશ.
શ્વેત વસ્ત્રો પહેરીશ.
જમીન પર સૂઈશ.
પરપુરુષના ઓછાયાથી પણ દૂર રહીશ.
મારે હવે કોઈ પુરુષને પ્રેમ નથી કરવો.
કોઈ પુત્રને જન્મ નથી આપવો.
કોઈ પિતાને પ્રણામ નથી કરવાં.
જો તું મારા વાળની ગૂંચ ઉકેલી શકે તો
મારે મરી જવું છે.
ક્યારેય જન્મી જ ન હોઉં એવી રીતે.
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે.
આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ.

૧૨. નરપિશાચ

કોઈ માણસખાઉ નરપિશાચ જેવી ભૂખ લાગી છે.
ઝાડ પર બેઠેલા આ એકલવાયા ગીધની
પ્રેયસી બની જવાનું મન થાય છે હવે તો.
મોટી, જાજરમાન પાંખો ફેલાવીને
એની સાથે અગોચર પ્રદેશોમાં ઊડતી રહું!
જ્યાં પણ મૃત્યુ દેખાય ત્યાં રોકાઈ જવાનું!
કેટલા બધાં, જાત જાતનાં શબનાં ભોજન.
આ એક શબ મારા એ પ્રેમીનું પણ છે,
જેને લાખ ચાહવા છતાં હું મેળવી નહોતી શકી.
જીવનમાં ક્યારેય નહોતો ચાખ્યો એવો
તૃપ્તિનો ઓડકાર મળ્યો છે મને
આ ગીધની પ્રેયસી બનીને!

૧૩. પ્રદક્ષિણા

જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું.....
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.
પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હું મૂંગી, અવાક્‌ થઈ જઉં છું,
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણેકે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતાં
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા લાગે છે.
હું જીવ બચાવતી દોડું છું.
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું.
મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છૂંદાઈ જઉં છું
હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં.
મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો,
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી

૧૪. સ્ત્રી

મારી અંદર એક વૃક્ષ
ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે.
નવાં મહોરતાં ફૂલોના રંગથી મહેકતી,
તાજાં જન્મેલાં પંખીઓનાં બચ્ચાંના
તીણા અવાજથી ચહેકતી.
તસુએ તસુ તરબતર, હું એક સ્ત્રી.
કીડીઓની હાર ફરી વળે છે મારા અંગ પર,
અજગર વીંટળાય છે.
અંધારું આલિંગે છે
અને મારી શાખાઓ પરથી ઝર્યા કરે છે મધ.
મોડી સાંજે,
ડાળીએ ડાળીએ ફરી વળતા અંધારા ભેગી
સરકતી આવતી ઉદાસીને
પાંદડાંની છાલમાં છુપાવી લેતાં મને આવડે છે.
મને આવડી ગયું છે
પાનખરમાં પાંદડાંઓને ખંખેરી નાખતાં.
સૂકાં, પીળાં પાન
તાણી જાય છે ઉદાસીને
નદીના વહેણમાં.
હું અહીંથી પડખુંયે ફરતી નથી,
પણ મને ખબર છે.
નદીપારના કોઈક સ્મશાનમાં
સૂકાં, પીળાં પાંદડાંઓ ભેગી
ભડકે બળતી હશે મારી ઉદાસી.
પાંદડાં બળવાની સુગંધ
ઓળખી લે છે,
દરેક લીલુંછમ વૃક્ષ.

૧૫. તડકાના દાણા

સૂરજનો હૂંફાળો તડકો
આસપાસ એમ વેરાયેલો છે,
જાણે ચોખાના દાણા.
નાનકડી ચકલીઓ જમીન પર કૂદાકૂદ કરી રહી છે.
ચોખાના દાણા કેટલાક ચાંચમાં આવે, કેટલાક સરી જાય.
તડકો હવે આકરો બની રહ્યો છે.
અને ચકલીઓ
ચાંચમાંથી સરી જતા
આ ચોખાના દાણાને
સાચા માનીને પકડવા
મથામણ કરી રહી છે
એટલી ઉગ્ર
કે બાઝી પડે છે
બીજી ચકલીઓ સાથે.
એકબીજાના નાનકડા શરીરમાં
ચાંચ ખૂંપાવીને લડી રહેલી
આક્રમક ચકલીઓને
પાગલ કરી દેશે આ તડકો.
હું મુઠ્ઠી ભરીને ફેંકું છું
થોડા સાચા ચોખાના દાણા.
અને ચોંકી જઈને ઊડી જાય છે,
સૌ ચકલીઓ.

૧૬. બહારવટી

કેટલીક ટેકરીઓ ચડીને, પછી ઊતરો
ત્યાં એક ગામ આવે.
અને એક વખત ત્યાં પહોંચ્યા પછી તો
એવું પાધરું કે ક્યારેય ભૂલા જ ન પડો.
કામશક્તિથી ભરપૂર જુવાનોને કારણે
લચી પડી છે ફળોની વાડીઓ.
ગામની તેર-ચૌદ વર્ષની કુંવારીઓનાં
સ્તનો પણ એવાં સુંદર, જાણે દૂધ ઊભરાતું હોય.
મેનોપોઝના આરે આવેલી સ્ત્રીઓ પણ
આનંદથી કાલાં ફોલતી હોય.
બજા૨માં જાવ તો ખાસ ધીરગંભીર, ઘરડી સ્ત્રીઓના
હાથે બનેલી મીઠાઈ મળે, જેમને બરાબર ખબર પડે
એકતારી, બેતારી ચાસણીની.
ફેરિયો નીકળે બૂમો પાડતો,
ડોશીના વાળ જેવી સફેદ-ગુલાબી સૂતરફેણી લઈને.
ડોસાઓ એ મોંમાં મૂકે ને
ગળ્યા, ગળ્યા ખુશ થઈ જાય.
રાતના બીજા ત્રીજા પ્રહરમાં બહારવટીઆઓ આવે
તો ગામની પ્રહરીએ નદીનું પાણી પીને સૂઈ જાય.
સવારે ચાલ્યા જાય, કશુંયે લૂંટ્યા વિના.
આ નદીના પાણીની મીઠાશ તો આ પટને કારણે છે.
આ પટની રેતી, જેના પર ઊગે છે.
પાકાં પાકાં ટમેટાં.
સૂપ કે સોસ કશું જ બનાવવાની જરૂર નહીં.
બસ, બાળકો એ તોડી લે અને નદીમાં ધોઈને ખાઈ લે.
લાલ ગેરુઆ માટીનો સેંથો પૂરતી પરિણીત સ્ત્રીઓ,
સાંજે મંદિરથી વળતાં,
ઘઉંના મીઠા મીઠા ઘૂઘરાની પ્રસાદી વહેંચે.
પીળાં રાઈનાં ફૂલોથી શોભતું આ ગામ
જાણીતું છે દૂર દૂરના પંથકોમાં સુખ માટે
પણ ત્યાં રહી તો એ જ શકે
જેના પૂર્વજો એ ગામના હોય.
બીજા લોકો તો આવીને ચાલ્યા જાય
પેલા બહારવટીયાઓની જેમ જ.
રહે તો માત્ર કણબીઓ જ.
ઉપજાઉ એ જમીનમાં ઊંડે સુધી ખૂંપી ગયેલા
કણબીઓ.
ખભે હળ અને મોઢામાં અંગૂઠો ચૂસતા
કણબીઓ.

૧૭. ડોશીના વાળ

ડોશીના વાળ.
આમળાં-અરીઠાંથી અસંખ્યવાર ધોવાઈ ગયેલા,
સૂકા વાળ. માથાની જીર્ણ ચામડીમાં બચેલા
થોડા જર્જરિત વાળ.
લીખીયાના દાંતામાં ભરાઈને તૂટી જાય છે.
એ વાળનું ગૂંચળું બનાવીને પગના અંગૂઠામાં બાંધી દે છે.
અને અંગૂઠા આગળ લોહીનું ભ્રમણ થતું અટકી જાય છે.
એને યાદ આવે છે,
પોતે નાની હતી ત્યારે હવામાં ઊડતા ડોશીના વાળને
ફૂંકો મારી ઊંચે ને ઊંચે ઉડાવતી હતી તે.
પછી એના પોતાના વાળ ઉતારવાની વિધિ થઈ હતી તે.
અને એનો જન્મસમયનો એક પ્રિય ફોટો,
તેલ માલિશથી ચમકતા વાળ અને શરીરનો.
અચાનક રસોડામાંથી વહુનો કર્કશ અવાજ સંભળાય છે,
એનો સફેદ વાળ કદાચ ઊડીને
રસોઈમાં પડી ગયો હશે એટલે જ સ્તો!

૧૮. માછીમારોને

હું જાણું છું, મિત્રો,
કે સૂરજ ઊગે અને આથમે છે ત્યારે
દરિયો માત્ર એક પશ્ચાદભૂ હોય છે.
દરિયાદેવ પાસે તમે વધેરેલા નારિયેળના પાણીની
આ ધસમસતા મોજાં સામે શી વિસાત?
સુસવાટા મારતા દરિયાઈ પવનને
પાણી પર દોરેલી સરહદની લીટી ન દેખાય
એ તમારો ગુનો નથી.
પણ તમારી વાર્તાઓમાં
દરિયાને ખલનાયક કહેવાનો નિષેધ છે.
દરિયાપારની જેલના અધિકારીઓ
તમને કોઈક સજા સંભળાવે છે.
એમની ધર્માંધ બોલીમાં,
દરિયો તો વર્ષોથી એ સજા કાપી રહ્યો છે.
પાણી અને પવન વહેંચાઈ ગયા પછી
દરિયા પાસે
હવે રઘવાટ સિવાય રહ્યું છે શું?
ચારે તરફ પાણી અને આસપાસ
માણસનો એક દીકરો નહીં.
જેલમાં રહીને તમે
ઊલેચો દરિયાને
એને નથી દિવસ કે રાતનું ભાન.
બહાર સૂરજ ઊગે કે આથમે
દરિયો માત્ર એક પશ્ચાદભૂ છે.
એની પૃષ્ઠભૂમિમાં ડૂબી ગયેલી જેલ,
સ્થળ-સમયથી પર છે.

આ કારાવાસ અનાયાસ છે.
તમે તો દરિયાના દેશના.
જેલને હલેસું બનાવીને નીકળી પડો.
ખૂંદી વળો રઘવાટને.
દરિયો આપમેળે શાંત થઈ જશે.

૧૯. ખારવાની વહુ

એ ખારવાના ગયા પછી
શૂન્યમનસ્ક, મૂંગી થઈ ગઈ છે એની વહુ.
એક વાર મેં એને જોઈ,
દરિયાની સાવ નજીક ઊભેલી.
ધારીને જોયું તોે
એના મોંમાંથી કરચલા ખરી રહ્યા હતા.
એ કરચલા જમીન પર પડતાંવેંત
દોડી જઈ રહ્યા હતા દરિયા તરફ.
એ ખારવાની વહુ પણ
ધીમેથી આગળ વધી રહી હતી
દરિયા ભણી.
પણ એ પેલા કરચલા જેમ
દરિયામાં ભળી ન શકી.
પાછી વળી ગઈ એ પોતાની વસાહત તરફ.
હવે હું ક્યારેક જોઉં છું એને.
એ પોતાના ઘર આગળ
સતત પથ્થરોની પાળ બાંધવામાં વ્યસ્ત હોય છે.
એને ભય છે કે દરિયો
ભાળી ગયો છે એનું ઘર
અને આગળ વધી રહ્યો છે એના તરફ.
એને ભય છે કે એની કૂખમાં છે હવે
નર્યું ખારું પાણી.
એના મોંમાંથી ખરી રહેલા કરચલાની વાત પણ
ફેલાઈ ગઈ છે આસપાસની વસાહતોમાં.
દરિયાના નામનો
વાસો લઈને ધૂણતી એ સ્ત્રી
જ્યારે દરિયો એના ઘટમાં આવે ત્યારે
કોઈ જબરી તાકાતથી ધૂણવા માંડે છે.
નવી ખેપ પર જઈ રહેલા ખારવાઓ
આવી રહ્યા છે એના દર્શને.
એ આપી રહી છે જાતજાતના આશીર્વાદ
અને બાંધી રહી છે એક પાળ પોતાના ઘર આગળ

૨૦. વ્હેલનું શરીર

સિનેમાના પડદા પર

સમુદ્રમાં આવેલા તોફાનનું દૃશ્ય હતું.
હું એકીશ્વાસે જોઈ રહી હતી,
ત્યાં અચાનક, મોટી વ્હેલ માછલીએ
મોઢું ખોલ્યું અને મને ખેંચી લીધી.
હું મારા રૂમમાં હોત તેના કરતાં
વધુ સુરક્ષિત છું, એના શરીરમાં.
એના શરીરમાં મારા શરીરની કોઈ વૃદ્ધિ નથી,
એ મને સૌથી વિશેષ ગમે છે.
જોકે, આ વ્હેલ હવે વૃદ્ધ થવા આવી છે.
સમુદ્ર તટે આવતાં સહેલાણીઓને રીઝવવા
અગાઉની જેમ એ પાણીમાંથી બહાર આવી
ઊંચે ઊંચે ઉછાળા નથી મારતી.
વ્હેલ મરી જશે ત્યારે મારે
ફરીથી મારા રૂમમાં આવી જવું પડશે.

મને ખરેખર ડર લાગે છે,
હવા-ઉજાસનો.
મારા રૂમમાં મને નથી જોઈતો સૂર્યપ્રકાશ.
જીવનથી ભાગીને
હું ક્યાં જઈને રહું?

૨૧. ત્રિતાલ

ટ્રેન આગળ વધતી રહી,
હું બારી બહાર જોતી વિચારતી રહી.
ઠંડીમાં સૂસવાતા પાટાઓ પડ્યા રહેશે પાછળ.
ડાયનોસોરની આખીયે જાતિ હવે લુપ્ત થઈ ગઈ છે.
મેં આંખો બંધ કરી અને અંધારામાં
ઉત્ક્રાંતિની જ એક કડીરૂપ, મને સૂઝે તેવા
આકારના પ્રાણીની કલ્પના કરી.
એને માથું ન હોય? ના, તો તો ખવીસ કહેવાય.
પગ ઊંધા હોય? ના, તો તો ડાકણ કહેવાય.
તો પછી પેલી ડોશી જેવું કંઈક,
જે પોતાનું જ માથું ખોળામાં લઈને જૂ શોધતી હોય?
એ પ્રાણી નર હોવું જોઈએ કે માદા?
માત્ર માદા.
એની ચામડી જ એવી જાડી હોય
કે કોઈ નર એની નજીક જ ન આવી શકે.
એ સ્વયં પ્રજનનશીલ હોય.
મને બકરી ગમે છે એટલે એનું કદ એટલું હોય.
પગ ત્રણ અને એક ટૂંકો હાથ આગળ લટકતો હોય.
જેથી એ જરા જુદી દેખાય.
પગના તળિયે ગાદી હોય.
એ ગમે તેટલે ઊંચેથી પડે, મરે નહીં.
એની ડોક જિરાફ જેમ લાંબી હોય એવું કંઈ નહીં.
ભલે એ નાનાં પ્રાણીઓનો શિકાર કરી લે.
એને સ્તનો તો હશે જ.
બચ્ચીઓ જંગલ જેવા રંગની જન્મશે.
એની આંખો તો આગળ જ હશે.
માથા પાછળ આંખ તો બહુ એકલી અટૂલી લાગે.
એક શીંગડું પાછળ હોવું જોઈએ, પ્રતિકાર માટે.
અને આયુષ્ય?
એ પોતે જ એને સંતોષ થાય એટલી પ્રસૂતિઓ
પછી મરી જશે.
એની જણેલી દીકરીઓ એના વતી જીવતી રહેશે.
મનુષ્ય એમને મારવા ઇચ્છશે.
પણ અંતિમ મનુષ્યનાં હાડકાં તો એ જ ચાવશે.
આ માદાને નામ શું આપવું?
ટ્રેનની ગતિમાં મને એક
લાંબા આવર્તનનો તાલ સંભળાય છે.
જાણે એના ત્રણ પગોની જ એ ગતિ!

૨૨. શીતળા સાતમ

આખું વરસ, આખો દિવસ ધમધમતા રહેતા
અમારા સામૂહિક પરિવારના આ રસોડામાં
આજે સવારથી
સાવ શાંતિ છવાયેલી છે.
શીતળા સાતમ છે ને એટલે.
આજે સૌ ઠંડું ખાશે તેથી ગઈ કાલે બનાવી રાખેલું ખાવાનું
મલમલના સફેદ કપડા નીચે ઢાંકેલું પડ્યું છે.
રસોડું એવું તો શાંત છે કે જાણે
એ સફેદ કપડા નીચે
ખાવાનું નહીં
પણ ખુદ શીતળા માતા સૂતેલાં હોય.
ઘરના સૌ લોકો સાતમના મેળામાં ગયા છે
અને હું, નથી જીરવી શકતી અહીં આ સ્મશાનવત શાંતિ.
બાકસના ખોખા પર દોરેલા એક શાંત કમળનો ફોટો તો જાણે
મને વધુ અશાંત કરી નાખે છે,
આખરે રસોડામાં જઈને
મેં સળગાવી એક દીવાસળી
ને પછી બીજી
ને એમ કરી નાખ્યું બાકસ આખું ખાલી.
શીતળા માતા સફાળાં જાગી ગયાં અને ગુસ્સામાં બૂમાબૂમ શરૂ કરી
પણ હું તો મગ્ન રહી આ સળગતા ચૂલાને જોવામાં.
લાલ, પીળી, કેસરી ઝાંયવાળી આ અગ્નિની શિખાઓ
કેવી સુંદર, કેવી તો ભવ્ય છે.
ઘરના લોકો સાંજે મેળામાંથી પાછા આવે છે
અને કંઈક બળવાની વાસ આવે છે એવું ગણગણે છે
ને પછી ગોઠવાય છે સૌ જમવા માટે.
સફેદ કપડા નીચે ઢાંકેલું
ઠંડુંગાર ખાવાનું ખાતા ખાતા સૌ હસે છે –
‘આ ટાઢશીરાથી તો કંટાળ્યા.
હવે કાલે તો કંઈક ગરમ ખાવાનું મળે તો મજા આવે.
હા, મોં દઝાડી જાય એવું.
હા, કાલે તો ચૂલા પરથી સીધી જ મોંમાં નાખવો છે
ગરમ ગરમ ઊકળતી દાળ.’
મને હસવું આવી જાય છે
મેં તાજા જ આચરેલા એક પાપ પર.

૨૩. પ્રથમ રુદન

કોઈ એક દેશના, કોઈ એક ગામના,
કોઈ એક ઘરમાં, કોઈ એક મધરાતે,
મેં કર્યું હશે,
એક હળવું,
પ્રથમ રુદન.
એ વખતે આંગણામાં ઊભેલું એક વૃક્ષ
સહેજ સળવળ્યું હશે, કદાચ.
આજે હવે,
હું એ વૃક્ષ પાસે જઈને
આક્રંદ પણ કરું
તો એ ઓળખશે મને?
એક નાનકડા સ્કાર્ફમાં સમાઈ જતું હતું એ મારું શરીર
હવે તો જાણે
કેટલાયે ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે.
મમ્મી-પપ્પાએ તેમની સગાઈ વખતે પડાવેલો
એક સુંદર ફોટો દીવાલ પર ગોઠવાયેલો છે.
હું તાકી રહું છું એ ફોટા સામે.
ધારી ધારીને જોઈ રહી છું,
એ એક અજાણ્યા દંપતીને.
તેઓ મને ઓળખતાં થયાં
અને હું તેમને ઓળખતી થઈ
એ પહેલાંની
કોઈ એક ક્ષણ
હાથમાં આવે તે પહેલાં જ સરકી જાય છે.
ઘણી વખત મન થાય છે કે
મારા જન્મના સાક્ષી
એ ઘરની દીવાલોના નવા રંગ ઉખેડી નાખું,
એ વૃક્ષની છાલ ઉતરડી નાખું.
જુઓ, મને ઓળખો.
એ હું જ છું.
મારું રુદન ધ્યાનથી સાંભળો.
શોધી આપો મને
એ એક ક્ષણ.
વિલાપની ભાષા જાણનાર
તમારા સિવાય
બીજું કોઈ નથી મારું.

  1. ૧ જીગિતઃ રશિયન ભાષામાં અર્થ છે એક કુશળ ઘોડેસવાર