પારુલ બારોટ
હું પતંગ ને તું પવન થઈ જાય તો કેવું સરસ.
આભમાં પુષ્પો ખીલી પથરાય તો કેવું સરસ.
કાપવાને લૂંટવાની વાતને બાજુ મૂકી,
બાંધવાની રીત બસ સચવાય તો કેવું સરસ.
કોઈ ખૂણો ક્યાંય ના કોરો રહે બસ એ રીતે,
રંગનો દરબાર અહીં છલકાય તો કેવું સરસ.
તું મને નટખટ બનીને કાનમાં જે કહી ગયો,
વાત એ તનમન સુધી પડઘાય તો કેવું સરસ.
આવ આખી જાત ઓઢાડી દઉં નખશિખ તને,
લટ ઘટા ઘનઘોર શું? સમજાય તો કેવું સરસ.