મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૭૧.ખીમસાહેબ

Revision as of 12:20, 2 February 2023 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૭૧.ખીમસાહેબ

ખીમસાહેબ (૧૮મી સદી ઉત્તરાર્ધ):
ખીમદાસ/ખીમસાહેબ એવા નામે જાણીતા રવિભાણ સંપ્રદાયના આ જ્ઞાનમાર્ગી સંતકવિ રવિ(સાહેબ)ના શિષ્ય અને ભાણ(સાહેબ)ના પુત્ર હતા. આરતી, કાફી, ગરીબી વગેરે પ્રકારો બતાવતાં આ કવિનાં ગુજરાતી પદો કરતાં હિંદી પદો વધારે મળે છે. યોગની પરિભાષા તથા રૂપકાદિ અલંકારોનો આશ્રય લેતાં આ પદોમાં કબીરપરંપરાનાંતત્ત્વજ્ઞાન, અધ્યાત્મઅનુભવ અને સદ્ગુરુમહિમાનું અસરકારક આલેખન છે.

૩ પદો

૧.
આદ્ય ધણીને તમે ઓળખો
આદ્ય ધણીને તમે ઓળકો હો જી રે,
કે ભૂલ્યા તમે શું ભટકો છો ભાઈજી?

આ પંડમાં લેજો પારખી હો જી રે,
કે ના કરો હટવારાનો હાટ જી.

આ ગગનમંડળમાં ગોતી લેજો જી રે;
કે રહેણી તમે રમોને નિરાધાર જી.

અનહદ વાજાં ત્યાં વાગિયાં હો જી રે;
કે સદ્ગુરુ ઘટમાં માંડ્યો પાટ જી.

ક્યાંથી આવ્યા ને તમે ક્યાં જશો હો જી ર;
કે તેનો દિલે ખોજ કરોને વિચાર જી.

ઝળહળ જ્યોતું જ્યાં ઝળહળે હો જી રે;
કે વીરા મારા, ઓહં આવે ને સોહં જાય જી.

આવરણ-અંતર મટી ગયાં હો જી રે;
કે મટ્યો તારો ખેદ વેદવેપાર જી.

ભાણચરણે ખીમદાસ ભણે હો જી રે;
કે મટી તારી લખચોરાશીની ખાણ જી.


સંતો! ફેરો નામની માળા
સંતો! ફેરો નામની માળા,
હે જી તેરા કટે જનમ જંજાળા...          સંતો...

ગુરુગમ કેરી કૂંચી કર લે, કટે મોહકા તાળાં;
ઈ તાળાંને દૂર કરો તો, ઘટ ભીતર અંજવાળાં...         સંતો...

આ કાયામાં પરગટ ગંગા, શીદ ફરો પંથપાળા,
ઈ ગંગામાં અખંડ નાઈ લ્યો, મત નાવ નદિયું–નાળા...         સંતો...

આ દિલ ભીતર બુદ્ધિ સમુંદર, ચલત નાવ ચોધાર,
ઈ રે નાવમાં હીરલા–માણેક, ખોજે ખોજનહારા...          સંતો...

સમરણ કર લે, પ્રાશ્ચિત કર લે, ચિત્ત મ કર તું ચાળા,
ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે, હરદમ બોલે પ્યારા...         સંતો...


જુઓ ને ગગના હેરી
જુઓ ને ગગનાં હેરી ત્યાં બંસરી બાજે ઘેરી ઘેરી...
તરવેણીમાં ટંકશાળ પડત હૈ, તા પર ઝીણી શેરી,
અખર અજીતા આસન બેઠા, નગર બસાયા ફેરી...
–કોઈ જુઓને ગગનમાં હેરી...૦

ઘડી ઘડીનાં ઘડીયાળાં વાગે, ઝીણી ઝીણી વાગે સૂર ઘંટેરી,
ઢોલ નગારાં શરણાયું વાગે, ધૂમ મચી હે ચો ફેરી...
–કોઈ જુઓને ગગનમાં હેરી...૦

ગગન મંડળ મેં કર લે વાસા, વહાં હે જોગી એક લહેરી,
નૂરતે સુરતે નામ નીરખ લે, સુખમણા માળા ફેરી...
–કોઈ જુઓને ગગનમાં હેરી...૦

સ્વાસ ઉચ્છવાસ દોનું નહીં પહોંચે, વહાં લે’ લાગી મેરી,
સતગુરુએ મું ને સાન બતાવી, જાપ હે અજપા કેરી...
–કોઈ જુઓને ગગનમાં હેરી...૦

સાચા સતગુરુ નેણે નીરખ્યા, મીટ ગઈ રેને અંધેરી,
ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે, અબ ચોટ નહીં જમ કેરી...
–કોઈ જુઓને ગગનમાં હેરી...૦