[બાળકને ભગવતસ્મરણ કરતો જોઈને ક્રૂર મારાઓના મનમાં દયાભાવ જાગ્રત થાય છે. એમને લાગે છે કે ધૃષ્ટબુદ્ધિ તો પાપી છે, એના પાપનું ફળ આપણે શા માટે ભોગવીએ? આવો વિચાર કરતાં એ બાળકના ડાબા હાથે રહેલી છઠ્ઠી આંગળી કાપીને એને દૂર દૂર ચાલ્યા જવાનું કહે છે. રાજ્યમાં આવી ધૃષ્ટબુદ્ધિને બાળકની આંગળી બતાવી બાળકને મારી નાખ્યાની સાબિતી આપે છે.]
રાગ : કેદારો
નારદજી એમ ઊચરે, પાર્થ વીર શ્રવણે ધરે;
શું કરે પછે તે સાધુને રે. ૧
ચાંડાળ ચારે જોઈ રહ્યા, સુતને દેખી વિસ્મે થયા;
અંતર્યામી પ્રગટ હવા તેહને રે. ૨
ઢાળ
તેને પ્રગટ હવા અંતરજામી, આવી બેઠા શ્રી ભગવાન
દુષ્ટ ભાવ ગયો અધર્મીનો, ઊપન્યું અંતર જ્ઞાન. ૩
‘શ્યામાસુત[1] સ્વજન મનોહર, આપણ તે ઉપર હિત કરીએ;
બાળક તો સર્વેને સરખો, નમાયાને શેં હણીએ?’ ૪
એક કહે : ‘સાધુને મારીએ, પાપીને પમાડીએ હર્ખ;
એ કર્મ કીધે સાધુપ્રાણ લીધે, પડિયે કુંભીપાક નર્ક. ૫
બીજો કહે છે : ‘મૂકો એહને, શું દુષ્ટ મળતાં દુષ્ટ થઈએ?
એ પુરોહિત પડશે નર્કમાં આપણ વૈકુંઠ જઈએ. ૬
ત્રીજો કહે : ‘માર્યાની વાતે અંગ તપે છે મારું,
એ સાધુ સામું જુએ તેને હું આગળથી સંઘારું.’ ૭
ચોથો ચતુર થઈને બોલ્યો : ‘સાંભળો એક ઉપાય;
એ સુત ન મરે ને અર્થ સરે, દુષ્ટ નવ દુભાય. ૮
એંધાણ આપીએ અધર્મીને, એનું અંગ તમો કાંઈ કાપો;
અભડાયે નહિ માટે વેગળા રહીને પાળી આપો.’ ૯
એવું કહીને કુંવરને છુરિકા કરમાં આપી;
જોતાં માંહે જમણા પગની છઠ્ઠી આંગળી કાપી. ૧૦
જ્યાંહાં લગણ વધતી હતી, આંગળી પગ મોઝાર;
ત્યાંહાં લગણ બાળકને નહોતો, રાજ્ય તણો અધિકાર. ૧૧
ચાંડાળ ચારે વિસ્મે થયા, સુતની સામું જોઈ;
પીડા ન પામે અંતર વિષે, પગે વહેવા લાગ્યું લોહી. ૧૨
પછે અંત્યજ ઊઠીને ચાલ્યા, કહેતા ગયા એક વચન;
‘નગર ભણી ન આવીશ, સાધુ જાજે બીજે વન.’ ૧૩
એક મૃગ વાટે મુઓ હતો, તેનાં લોચન કાઢી લીધાં,
અન્યોઅન્યે કહેવા લાગ્યા : ‘કારજ આપણાં સીધ્યાં.’ ૧૪
જઈ પુરોહિતને પગે પડિયા, માગ્યાં આપ્યાં એંધાણ;
ધૃષ્ટબુદ્ધિ તે દેખી હરખ્યો, શાતા પામ્યો પ્રાણ. ૧૫
વલણ
શાતા પામ્યો પ્રાણ રે, ચાંડાળને ધન આપ્યું ઘણું રે,
પુરોહિતનું હરખ્યું મન જે, મિથ્યાવચન થયું મુનિ તણું રે. ૧૬
- ↑ શ્યામાસૂત – દાસીનો પુત્ર