[ચાર સૈનિકો સાથે ચંદ્રહાસ ધૃષ્ટિબુદ્ધિનો પત્ર લઈને કૌન્તલપુર જાય છે રાજ્યના પાદરમાં પહોંચતાં જ રસ્તામાં આવેલી વાડીમાં વિશ્રામ કરે છે ત્યાં આ સૂકી વાડી લીલી થઈ જાય છે. સેવકો અચાનક લીલી થયેલી વાડી જોવા ચંદ્રહાસને સૂતો મૂકીને જાય છે.]
રાગ : મેવાડો
નારદજી એમ ઊચરે : સુણ, અતલિબળ અર્જુનજી;
પછે મેધાવિની માતાની પાસે મળવા આવ્યો તનજી : ૧
‘હે માતાજી, હું જાઉં છઉં, મોકલે છે કુલિંદ તાતજી.
પુરોહિતે પત્ર લખ્યું છે, કાંઈ નથી જણાતી વાતજી. ૨
મેધાવિની કહે : ‘કાર્ય કરીને ઘેર વહેલા આવો, બાળજી.’
એવું કહીને આલિંગન દીધું, તિલક કીધું કપાળજી. ૩
‘પુત્ર! જાતી વેળા તું ફૂટડો દીસે છે, શી કહું શોભાયજી!
વર થઈ ચાલજે તું વહેલો, લાવજે કો એક કન્યાયજી. ૪
આજ્ઞા માગી પાયે લાગી પૂજ્યા શાલિગ્રામજી;
પછે અશ્વ અનુપમ પલાણ્યો ‘હંસલો’ જેનું નામજી. ૫
પરમ વિષ્ણુ વળી સાથે લીધા, સેવક તેડ્યા ચારજી;
પછે પરવર્યો તે પુર વિષેથી સર્વને કરી નમસ્કારજી. ૬
કોટિ કોટિ બ્રહ્માંડનો સ્વામી શાલિગ્રામ કીધો બંધનજી;
વાટમાં વૈષ્ણવ જનને મંડાયો શુભ શુકનજી. ૭
કાળી કપિલા[1] ધેનુ મળી, વળી વચ્છ જેહને સંગજી;
દક્ષિણ ભાગે મૃગલી સાથે ઊતર્યો કૃષ્ણ કુરંગ[2]જી. ૮
વળી વરકન્યા પરણી પધાર્યાં, માનિની મંગળ ગાયજી;
એવે બ્રાહ્મણનું ટોળું મળ્યું જાતાં મારગમાંયજી. ૯
ઋષિ કહે ‘તમો રાજપુત્ર ગાજતે ગામમાં આવોજી;
પરણજો કોક પ્રેમદાને, સુંદરી સુંદર લાવોજી.’ ૧૦
શુકન વંદી સંચર્યો સાધુ, મુખે લેતો હરિનું નામજી;
જાતે થકે આગળે આવ્યું કૌંતલપુર જે ગામજી. ૧૧
એવે એક સરોવર દીઠું, જેમાં ભર્યું મીઠું નીરજી;
સેવક પ્રત્યે વાત કહી, અશ્વથી ઊતરિયો વીરજી. ૧૨
પછે કલ્પવૃક્ષ હેઠળ જઈ બેઠો, મનમાં આનંદ આણીજી;
એક સેવક વાયુ નાખે, એક લાવે છે પાણીજી. ૧૩
સ્વામી કહે : ‘અરે સેવકો, ક્ષણ એક આંહાં રહીએજી.’
ઘટિકા[3] એક શયન કરું, પછે પુરમાં જઈએજી.’ ૧૪
એવે સમે એક જમણી પાસે હુતું સૂકું વનજી,
નવપલ્લવ થઈ રહી વાડી સાધુ તણે દર્શનજી. ૧૫
સેવક થયા જોઈ વિસ્મે, રહ્યા વિચારીને આપજી;
‘સૂકાનું લીલું થયું એ પ્રભુ તણો પરતાપજી. ૧૬
પછે કુંવર પોઢ્યો પૃથ્વી, પરિસ્તરણ[4] પથરાવીજી;
એક પગ ચાંપે, એક વાયુ નાખે, એમ કરતાં નિદ્રા આવીજી. ૧૭
વલણ
એમ કરતાં નિદ્રા આવી સાધુ પુરુષને સુખે રે,
પછે સેવક ઊઠીને સંચર્યા જોવાને વાડી વિખે રે. ૧૮