કલમ
૧
કલમ
ક્યારેય કાગળને અડી શકે નહિ
વચ્ચે
અક્ષરો આવી જ જાય
અક્ષરો સમેટાય તો
બિંદુ રહી જાય
બિંદુ પર થંભી
કલમ
નિર્બંધ કોરાપણું જોઈ રહે
૨
કલમ નિષ્કંપ અને
કાગળ નિષ્ક્રિય હોય એવી વેળાને
કોઈ
વિષાદનું નામ દે
કોઈ એને આહ્લાદ કહે છે
૩
કાગળ
ખળભળતો સમંદર હોય છે ત્યારે
ઉછાળ
એકેય વળાંકને
સ્થિર થવા દે નહિ
અક્ષરનો અ ઊભરવા દે નહિ
ક્યારેક તો
કલમને પણ ડુબાડી દઈ
સમંદર ડૂબી જાય
ન લખાયેલા ‘અ’માં
૪
કલમ
ખૂંતી ગઈ છે કાગળમાં છેક ઊંડે
અક્ષર પ્રગટે નહિ ત્યાં સુધી
કલમ ઊગરી શકે નહિ
કલમ ઊગરે નહિ ત્યાં સુધી
આ ઘાવની વેદનામાં
કાગળ
ચૂપ... ચાપ
અને કલમ પણ
૫
કલમે
અકથ કથ્યું
કથ્યું છતાં અકથ રહ્યું
કથનમાંય અકથ રહ્યું
કલમને કારણે
કથન અપૂર્ણ રહ્યું
કલમને કારણે
અકથ પૂર્ણ ન રહ્યું
૬
કલમને ખોળે છઉં
કારણ
અવ્યક્ત
એની ભીતર છે
કલમને ખોળે છઉં
કારણ
વ્યક્ત
વિસ્તરી રહ્યું છે
કલમને ખોળે છઉં
કારણ
અવ્યક્તવ્યક્ત ભેદ
ભૂંસાઈ રહ્યો છે
૭
કલમ ઝબકોળું ને
આકાશ ઊઘડે
છંટકારું કે વેરાય તારા-નક્ષત્રો
અણીમાંથી ટપકે પૃથ્વી
લસરકે પ્રગટે અગ્નિ
વળાંકે જળ
ઘૂંટુંઘૂંટું ને વાય વાયુ
રચું વનસ્પતિ-જીવસૃષ્ટિ
કલમગતિથી
જાળવું લય
કોઈ વાર
કલમ તરડાવું તો
સઘળું નિર્લય નિર્વર્ણ
નિર્વિકલ્પ