અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/ઘૂંઘટમાં

Revision as of 10:22, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ભીની માટી ને ઊના વીંઝણા મારુજી, પ્હેલી જોબનિયાની વાટ રે ઘૂંઘટમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ભીની માટી ને ઊના વીંઝણા મારુજી,
પ્હેલી જોબનિયાની વાટ રે ઘૂંઘટમાં;
         ઘૂંઘટમાં રઈવર ઓળખ્યા મારુજી!

ઝાકળ સમાણો ઝીણી ઘૂમટો મારુજી;
પેખ્યું પોલાદી એનું પોત રે ઘૂંઘટમાં;
                           ઘૂંઘટમાં.

ઝાઝી ભીંત્યો ને થોડી બારિયો મારુજી,
કંઠે રૂંધાણાં છે કપોત રે ઘૂંઘટમાં;
                           ઘૂંઘટમાં.

ઘમ્મર ઘેરાયા ટોડર ઘોડલા મારુજી,
આંખ્યો ત્રોફાણી ગઢને ગોખ રે ઘૂંઘટમાં;
                           ઘૂંઘટમાં.

આંબા ઝૂક્યા ને ઝૂકી આંબલી મારુજી,
પાંખો ઝૂરે છે પિંજર કાજ રે! ઘૂંઘટમાં;
                           ઘૂંઘટમાં.

(અલસગમના, પૃ. ૬૨)