શાંત કોલાહલ/પ્રભાત

Revision as of 00:20, 16 April 2023 by Meghdhanu (talk | contribs) (formatting corrected.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રભાત

સુકોમલ સવારના કિરણસ્પર્શથી સ્વર્ણિમ
પ્રસન્ન ઇહ સૃષ્ટિ, ઓસ-જલ-ઝાલકે નિર્મલ:
સમીર લહરે તરંગમય સ્ફૂર્તિ ઉત્સાહની.

અહીંની કંઈ શ્યામ ધુલિ મહીં, વૃંદમાં, ચાસની
અવાજ-કલ-ખેલના સુખદ, ને ત્યહીં ઘાસની
કને શશક ભીરુ કૌતુકભર્યું રમે ચંચલ.

તળાવપથ આવજાવ : પનિહારીનાં અંચલ
ઊડે નયનરમ્ય ઇન્દ્રધનુરંગમાં : ઉજ્જવલ
ધરેલ ઘટ, નેપુરે લલિતબાજતી શિંજના.

પ્રકાશ તણું હોય તેમ ધણ ગામનું સીમનાં
વિશાળ બીડગોચરે ધસત, ગોપબંસી તણા
દિગંતભર વાય મુગ્ધકર સૂર નૈસર્ગિક.

અહીં તહીં પતંગ, ફૂલ ઊઘડેલ ભીને દલ :
પ્રસન્ન મન ગીતગંધમય પંછિ શું પિચ્છલ.