શાંત કોલાહલ/લગન

Revision as of 09:34, 16 April 2023 by Meghdhanu (talk | contribs) (formatting corrected.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
લગન

લાગી રે લગન
પિયા તેરી લાગી રે લગન.

રેણ રે ઝુમેલી બરિખન માસની
રુમઝુમ રેલ્યો અંધકાર,
ભીને રે અંચલ ભમતી રાનમાં
ફૂલની ફોરમનો લઈ ભાર;
વીજને તેજે તે પેખું પંથને
ઉરમાં એક રે અગન.

તમરાં બોલે રે તરુવર પુંજમાં
જલપે ઝરણાં હજાર,
અડધી રાતે યે મનનો મોરલો
મારો ગાય રે મલાર;
આભ રે વીંટાયું અવની અંગને
એવાં મિલને મગન.