શાંત કોલાહલ/આછેરો અંતરાય

આછેરો અંતરાય
સોળ કળાએ ચાંદની રેલે પૂનમ કેરો ચંદ,


આથમણે બીજ મ્હોરતી એની ઑર છટા, ઑર છંદ.


કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,


એ જી અંતરાયથી જોવાય.


પલને તે પલકારે આપણ મનડું મોહાય.



બોલતું જે અહિં, ડોલતું ડોકાય સુદૂર તે બુલબુલ,


વાયરે વહે ગંધ ને ઘેરાં જલમાં કમળ ફૂલ.


કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,


એ જી અંતરાયથી જોવાય


પલને તે પલકારે આપણ મનડું મોહાય.



નજરે નજર મળતી એમાં નહિ ઠેકો, નહિ તાલ,


આછેરાં ઘુંઘટની આડે ઉછળે ઝાઝું વ્હાલ.


કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,


એ જી અંતરાયથી જોવાય,


પલને તે પલકારે આપણ મનડું મોહાય.