દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૯. અંધારું

Revision as of 10:54, 21 April 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૯. અંધારું


રવિતણું તેજ છતે છુપાયું,
અંધારું પૃથ્વીપડમાં છવાયું;
તે જેમ જ્યારે શુભ રાજ્ય જાય,
અંધેર જ્યાં ત્યાં નજરે જણાય.

રવિ રહ્યો નાટક ખેલિ છાનો,
હવે દિસે છે શશિ આવવાનો;
આ અંધકાર પ્રસરી અડ્યો છે,
શું રંગભૂમિ પડદો પડ્યો છે.

કેવું દિસે છે વળિ અઁધારૂં,
ચોફેર જોઈ ચિત્તમાં વિચારૂં;
વહી જતાં રાજ્ય દિનેશવાળું,
ધર્યું ધરાએ પટકૂળ કાળું.

ન્હાના વડા પર્વત જે જણાતા,
હવે નથી તે નજરે જ થાતા;
તે જેમ જ્યારે પરરાજ્ય ફાવે,
ઉદાર કોઈ નજરે ન આવે.

જોગી જનો પર્વતમાં વસે છે,
તેઓ તણી તાપણીઓ દિસે છે;
જાણે નથી મેઘ તથાપિ આજે,
આકાશ મધ્યે વિજળી બિરાજે.