ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૧. ડાલ સરોવર
૭
કલાપી [સૂરસિંહજી ગોહેલ]
□
૧. ડાલ સરોવર
૪.૧૧.૧૮૯૧
સરોવર અથવા સ્વર્ગની અંદર દાખલ થયા. પાણી ઉપર કોમળ લીલા અને જરદવેલા, તેનાં કુમળાં, સુંદર અને પોપટિયા રંગનાં પાંદડાં, કેટલીકજગાએ મખલમ જેવો દીસતો લીલો ચળકતો શેવાળ, અને કમલનાં નાનાં, ગોલ, લીલાં અને સુકાઈ ગયેલાં સોનેરી રંગનાં, અડાળીનાં આકારનાં પાનો છવાઈ ગયેલા હોય છે; તેઓ પર નાનાં, મોટાં, લાંબા અને ગોલ, ચળકતાં, આમતેમ રડતાં, ઘડીમાં મળી જતાં અને ઘડીમાં છૂટા પડતાં સુશોભિત જળબિંદુઓ આકાશપટના ખરતા તારાગણ અને અચલ ગૃહો જેવાં ભાસે છે. આ પાણીનાં ટીપાં અને આ પાન, ઘણે દિવસે ઘેર આવતા ભાઈને વધાવવાને જેમ બેને સાચાં મોતીથી સોનાનો થાળ ભરી હાથમાં રાખ્યો હોય તેવાં, વર્ષાઋતુના અંધારા દિવસમાં કાળા ભીલોએ ઘીટ જંગલના મદમસ્ત વનગજોનાં ગંડસ્થલમાં તરવારોના પ્રહાર કરી લોહીથી ખરડાઈ ગયેલી રકાબીયોમાં મુકતાફળ કાઢી લીધાં હોય તેવાં, અથવા રાતે જોસભેર પડતા વરસાદનાં કણો જેવા વિજળીથી ચળકે છે-તેવાં, નજરે પડે છે. તેઓના પર સૂર્યનાં કિરણો પડે છે તેથી તેઓ યુદ્ધ કરતાં પડેલા કોઈ પૃથ્વીપતિનાં જડાવ કર્ણપલ્લવ અથવા શરદ્ ઋતુની ચાંદનીની રાતે શ્રીકૃષ્ણે કરેલી રાસક્રિડા સમાપ્ત થયા પછી તે જગાએ પડી રહેલાં ગોપવધૂઓનાં રત્નજડિત રત્નપ્રભાથી ભરાઈ ગયેલાં ગાળાવાળાં નૂપુર જેવાં દીસે છે. તેઓમાં સૂર્યનાં સેંકડો બિંબ પડે છે, તેથી પ્રલયસમયના બ્રહ્માંડ જેવાં ભાસે છે. હલેસાંથી પાણીની શીતલ ફરફર ઉડે છે, અને તેમાં સૂર્યનો તડકો પડવાથી આમતેમ દોડતાં, ઘડીમાં દ્રષ્ટિમાં પડતાં અને ઘડીમાં અદૃશ્ય થઈ જતાં, વિચિત્ર આકારનાં અનેક ઇંદ્રધનુષો રચાય છે. આથી આ સરોવર પંચરત્નની અખુટ ખાણ દેવદાનવોએ મથન કર્યા પહેલાના ચૌદ રત્નથી અલંકૃત રત્નાકર અથવા વસંત જેવું દીસે છે. આ અલૌકિક તળાવની એક બાજુએ, હલતાં અને સ્થિર ગાઢાં કાળાં વાદળોથી કેટલાક ભાગમાં છવાયેલા, બરફથી ઢંકાયેલા, ગંધકના રંગવાલા, નાની મોટી પાણીની ધારથી હાલતા દીસતા છરેરા, ઊંડી કોતરો, વૃક્ષઘટા અને ધુમ્મસથી ભયાનક, અંધારી અને વધારે ઉંડી દેખાતી ગુહાવાળી ટેકરીઓવાળા, આકાશને ટેકો દેતા પર્વતો આવી રહેલા છે. આ ભવ્ય મહાન ડુંગરો પરના બરફ પર કેટલીક જગાએ સૂર્યનાં ઉજ્જવળ કિરણ પડવાથી તેઓ ચાંદીનાં પત્રાંથી ઢંકાએલ હોય, કાચથી છવાયેલ હોય અથવા જાણે કેમ અનેક ચંદ્રવાળાં અનેક રૂપ પ્રકટ કરેલ મહાદેવનાં કપાલ હોય તેવા દીસે છે. આ તડકો ક્ષણેક્ષણે વધારે ઓછા ચળકાટવાળો થયા કરે છે અને તેથી બરફના રંગ પળે પળે બદલાયાં કરે છે.
બીજી બાજાુએ, કિનારા પર, સુંદર નીલાં, સોટા જેવાં લાંબાં સફેદાનાં, લાલ પાંદડાંવાળાં, સુવર્ણમય દીસતાં, ભમરડાના આકારનાં, મનોરંજક ચીનારનાં અને એવાં જ બીજાં અતિ સુંદર વિવિધ પ્રકારનાં વૃક્ષોની એકલ છાયા આપતી કુંજોથી સુશેાભિત બગીચા શોભી રહ્યા છે તેઓની ઉપર તોળાઈ રહેલા, પાછળ ઉભા રહી ચોકી કરતા, દૃષ્ટિ-મર્યાદા સુધી દીસતી નાટકશાળાની બેઠકો જેવા, દૃષ્ટિને ખેંચી લેતી ટેકરીઓવાળા, બીજી બાજુના ડુંગરો સાથે જોડાઈ જઈ તળાવની આસપાસ કિલ્લો કરી દેતા પર્વતો પડેલા છે. એક ખુણા પરના શિખર પર ગરૂડ જેવું શંકરાચાર્યનું મંદિર અથવા તખ્તે સુલેમાન નજરે પડે છે. કીનારા પર ચોતરફ આવી રહેલા આ દેખાવોનું ચંદ્ર જેવા શીતલ, સ્ફટિકમણિ જેવા સ્વચ્છ અને કાચ જેવા પારદર્શક જલમાં પ્રતિબિંબ પડે છે જેથી આ પ્રદેશની રમણીયતા બેવડાય છે. આ બિંબને જો કે હમેશાં પાણીમાં જ રહેવાનું છે તો પણ જલની શીતલતાથી તે કોઈ કોઈ વખતે જરા ધ્રુજ્યા કરે છે. કેટલેક સ્થાને આ જલના વિશાલ દર્પણ પર લીલી લુઇ પથરાયેલી છે, જો આ જગત્ પર કોઈ સ્થલ મહાશ્વેતાનું અચ્છોદ સરોવર હોય તો તે આ જ છે. આવા અદ્વિતીય દર્શનીય વસ્તુઓમાં ઉત્તમ પ્રદેશમાં અમારી કિસ્તી ધીમે ધીમે ચાલી કીનારા પાસે આવી પહોંચી. આ કિસ્તી તે જ વિમાન અને આ ડાલ તે જ સ્વર્ગ; ઓ દેવ! આહા! એ પણ એક સમય હતો! કિસ્તી ઉભી રહી એટલે અમે ઉભા થયા અને નીચે ઉતર્યાં. પહેલાં અમારે ચશ્મેશાઇ જે કીનારાથી આશરે સવા માઇલ દૂર છે, ત્યાં જવાનું હતું દ્રાક્ષના વેલાઓની અંદર નાની સડક પર આડાઅવળા અમે ચાલવા લાગ્યા. ટાઢ ઉડી ગઈ, ડગલા ઉતાર્યા, અગાડી ચાલ્યા. જમણી બાજાુએ એક નાના ડુંગર પર પરિમહેલ જ્યાં જહાંગીર કોઈ કોઈ વખતે નુરજહાં સાથે રહી આનંદમાં દિવસ ગુજારતો હતો તે નજરે પડ્યો તે હાલ ખંડેર જેવો દેખાય છે અમે ત્યાં ગયા નહિ પણ સડક પર ઉભા રહી દુરબીનથી જ તેનાં દર્શન કરી અગાડી વધ્યા. અર્ધી કલાકમાં ચશ્મેશાઇ પહોંચી ગયા શાહજહાંનો ચણાવેલો એક નાજુક બંગલો અહીં છે તેની અંદર ગયા. અહીં પર્વત પરથી પાણીનું એક ઝરણ આવે છે, આ ઝરણને અટકાવવાથી પાણી ફુવારામાં ચડે છે. બંગલાના એક ખુણા પાસે એક શીતલ જલનો ચશ્મો છે આ પાણી ઘણું જ સ્વાદિષ્ટ અને ઠંડું છે. મને તરશ નહોતી લાગી, નહિં તો ખરેખાત ધરાઈ ધરાઈને તે પાણી પીત; તો પણ સૌએ એ પર્વતનું ચરણામૃત અથવા ચશ્માની પ્રસાદી લીધી. આ બાગ જો કે હાલ પડતીમાં છે, તો પણ ઘણો સુંદર છે તો જહાંગીરના વખતમાં તેની ખુબી કેવી હશે?
આ જગાએ કડીના રહીશ બાબુ કાળીદાસે અમારે માટે ચાર ટટ્ટુ અને એક ખચ્ચર તૈયાર રાખ્યાં હતાં. બાબુુ કાળીદાસની સાથે અમારી મુલાકાત બીજી તારીખે થઈ હતી. તળાવની વચમાં બે તરતા ટાપુ છે એમ અમે સાંભળ્યું હતું, તેથી તે જોવાની જિજ્ઞાસાથી, ઘોડાં અને ખચ્ચરને નશાદબાગ મોકલી આપી, કિસ્તીમાં બેસી, તે આશ્ચર્યકારક અસાધારણ બેટ તરફ ચાલ્યા. ટાપુની પાસે જઈ તપાસી જોતાં માલુમ પડ્યું કે આ તરતા ટાપુ નથી પણ માત્ર ટાપુ જ છે. તેને છોડી નશીદબાગ તરફ અમે ચાલ્યા. થોડા વખતમાં ત્યાં પહોંચી ગયાં. અહિ પણ એક નાનો બંગલો છે, અને ફુવારાની ગેાઠવણ પણ સારી છે. બાગનો દેખાવ સાધારણ છે. નશીદબાગ જલદી છોડી, ટટ્ટુ પર અસ્વાર થઈ શાલેમ્હાર બાગ તરફ ઝડપથી ચાલવા લાગ્યા, કિસ્તીઓ પણ ત્યાં મોકલી આપી. અમે જે ટટ્ટુ પર બેઠા હતા તે કાશ્મીરી હતાં. આ ટટ્ટુ કદમાં નાનાં પણ મજબુત હાય છે. ડુંગર પર ઝડપથી અને સંભાળ રાખી ચડી જાય છે, ખચ્ચર પર રા. રા. રૂપશંકરભાઈ જે કુમાર શ્રી ગીગાભાઈ સાથે આવ્યા છે તે બેઠા હતા. ખચ્ચરને આ ઘોડાં સાથે દોડતાં ઘણી મુશ્કેલી પડતી હતી અને વારંવાર અટકતું હતું તો પણ સોટીથી જરા શીખામણ આપવામાં આવતી ત્યારે દોડવા લાગતું હતું. આ પણ એક નવું વિમાન!
“આહા, આ ઝાડનું પ્રતિબિંબ તળાવમાં કેવું મનહર દીસે છે! આ વાદળાંનો રંગ કેવો વિચિત્ર દેખાય છે! જાુઓ! જાુઓ! ત્યાં તે ટેકરીપરના બરફનો રંગ વાદળું ખશી જવાથી, એકદમ કેવો બદલાઈ ગયો! જમણા હાથ તરફના ડુંગરપર, જાુુઓ તો ખરા! કેવા વિચિત્ર આકારનુ વાદળું છવરાઈ ગયું છે! અને ત્યાં પણ કેવા નાનાં નાનાં વાદળાં દોડાદોડ કરે છે!” આવી આવી આનંદની વાતો કરતા કરતા કલઈના પત્રાંના બનાવેલા એક દરવાજ્જાની પાસે અમે આવી પહોંચ્યા. આ દરવજ્જો શાલેમ્હાર બાગનો હતો. આ બાગની આસપાસ એક દીવાલ છે, તેની અંદર અમે ગયા. અગાડી જોયેલા બાગ જેવો જ આ બાગનો દેખાવ છે. અમે સાંભળ્યુ હતું કે અહિ શાહજહાંનું એક ઘણું સારૂં તખ્ત છે માળીને તે બતાવવા કહ્યું, તે અમને એક સુંદર બંગલામાં લઈ ગયો પણ તખ્ત અમે ક્યાંઈ જોયું નહિ. માળીને પુછતાં માલુમ પડ્યું કે આ બંગલો તે જ તખ્ત કહેવાય છે. આ બાગમાં આમતેમ ફરી અમે બહાર નીકળ્યા. અને ટટ્ટુ પર બેશી કિસ્તી તરફ ચાલ્યા. આ બાગના દરવજ્જા સુધી એક નહેર ખોદેલી છે પણ તેમાં માત્ર વસંતઋતુમાં જ પાણી રહે છે વસંતમાં પાણી દરેક જગાએ વધારે હોય છે કેમકે તે વખતે પર્વતપરના બરફ પીગળે છે. આ સુકાઈ ગયેલી નહેરની બન્ને બાજાુએ ચીનારના ઝાડની સિદ્ધી હાર છે. આ વૃક્ષોની સુંદર ઘટા નીચે અમે ઘોડાંને દોડાવતા ચોતરફ આવેલ ખુબસુરત દેખાવો પર નજર ફેરવતા ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા એટલે કિસ્તી ચાલી શકે તેટલું પાણી આવ્યું. અહિં અમારી કિસ્તીઓ તૈયાર હતી તેથી ઘેાડા પરથી ઉતરી, તેઓને બાબુ કાળીદાસને ઘેર લઈ જવા ખાસદારોને કહી કિસ્તીમાં બેઠા. ને નસીમબાગ તરફ ચાલ્યા. પાણી પર કમલ અને લુઈ એટલાં ઘીચ ઉગેલાં છે કે માણસો તેના પર ધુળ પાથરી ચિભડાં અને એવી બીજી વનસ્પતિ વાવે છે. આ પ્રદેશ જમીન જેવો દેખાય છે પણ જો, કોઈ માણસ અજાણતાં તે ઉપર ઉતરે તો બુડી જાય અને વેલાઓમાં એવો ઘુંચવાઇ જાય કે પાછો બહાર નીકળી કે તરી શકે નહિ. આ તરતી, ત્રિશંકુના સ્વર્ગ જેવી જમીનની અંદર, ન્હાંની કિસ્તી ચાલી શકે તેવી ગલીઓ રાખેલી છે. કમલનાં પાન, લીલી લુઈ, તે પર ઉગેલી વનસ્પતિ, ધુળના ક્યારા અને પાણીની સડકો અતિશય સુશોભિત અને રમ્ય ભાસે છે.
નસીમબાગ નજદીક આવી ગયો પણ સાંજ પડી જવા આવી અને અમારા ઉતારો દૂર હતો તેથી અમે તે બાગ દૂરથી જ જોઈ લીધો; અંદર ગયા નહિ. આ બાગ તળાવના એક કીનારા પર આવેલો છે તેથી તળાવમાંથી દેખાવ ઘણો સુંદર દેખાય છે, પણ બગીચાની અંદર ગયા પછી તે ખુબી નજરે પડતી નથી. સૂર્ય પશ્ચિમમાં અધોગતિ લેવા લાગ્યો, સંધ્યારાગ ખીલી નીકળ્યો. પૃથ્વી, આકાશ, પાણી અને વિશેષ કરીને પશ્ચિમ દિશાનું મુખ લાલચોળ થઈ ગયાં. સૂર્ય દેવતાના તપાવેલા સુવર્ણના રેષા જેવાં કીરણો લાંબા થઈ પૃથ્વીના પશ્ચિમ છેડાને સ્પર્શ કરવા લાગ્યાં. જલમાં પડતાં વૃક્ષાદિનાં પ્રતિબિંબ ભુંસાઈ જવા લાગ્યાં, ઝાડઘટામાં નાનાં ચકલાં ચીંચીં કરવા લાગી ગયાં. કાગડાનાં ટોળાં કઠેાર છતાં તે વખતે આનંદકારી લાગતા ક્રૌંચશબ્દો કરતાં જુદી જુદી દિશામાં ઉડી જતાં નજરે પડતાં હતાં. થોડીવારમાં તો આ સુંદર દેખાવ અને આ મધુર અવાજ દેખાતા અને સંભળાતાં બંધ પડ્યા, સૂર્યબિંબ અદ્રશ્ય થઈ ગયું. નાના છોડ, કુમળી વેલી, અને મહાન વૃક્ષેા એકબીજા સાથે મળી જતા હોય, એકરૂપ થઈ જતાં હોય, કાળાં પડી જતાં હોય, અને દિશાઓ વિસ્તાર પામતી હોય તેવું ભાસવા લાગ્યું! ઋષિઓ ચારે દિશામાં હોમ કરતા હોય અને વેદિઓમાંથી ધુંમાડાના ગોટા ઊંચા ચડતા હોય, બીજા જન્મેજયે સર્પકુલનો નાશ કરવા યજ્ઞ આરંભ્યો હોય અને તેથી જાણે ચોતરફ આકાશમાંથી કાળા સર્પનો વરસાદ પડતો હોય, કાળા વેલા જાણે એકદમ પૃથ્વીમાંથી નીસરી ઘુમ્મટ જેવા આકાશ પર ચારેકોર ચડી જતા હોય, પૃથ્વીને ઘેરી લેવા કલિનું કાળું લશ્કર જાણે આવતું હોય અથવા ભૂમિના પર્યંતભાગો જાણે મહાપ્રલયના જળમાં ડુબી જતા હોય, તેમ અંધારૂં વ્યાપવા લાગ્યું! નાના મોટા તારા સતેજ થયા અને અંધારાને મદદ આપતા ધુમ્મસમાં ચળકવા લાગ્યા, આકાશ પાસે આવવા લાગ્યું. આગિયા અહિ તહિ ઝળકવા લાગ્યા. ઠંડી પડવા લાગી તેથી અમે ગરમ કપડાં પહેરી કિસ્તીમાં બેશી ગયા; માંજી લેાકા ગંગરીમાં કોલસા ભરવા લાગ્યા. રાતના આશરે આઠ વાગે ઉતારે પહોંચ્યા, વાળુ કર્યું અને સગડી (હાર્થ)માં લાકડાં સળગાવી બીછાનામાં સુતા, સુતાં સુતાં હું વિચાર કરતો હતો કે કાશ્મીરમાં જ ઈશ્વરની રમણીય રચનાનો વર્ષાદ વર્ષી ગયો છે. વળી હિંદુસ્તાન આવાં સુંદર સ્થલોનો માલીક હોવાથી કેવો ભાગ્યશાલી કહેવાય! વિંધ્યાટવીનો પ્રદેશ પણ કાંઈ ઓછી ખુબીવાળો ગણાતો નથી. અને ભવભૂતિ, કાલિદાસાદિ કવિઓની અગાધ કલ્પના-શક્તિનું પણ આ જ સૃષ્ટિસૌંદર્ય મુલ કારણ છે. પણ અતિશય થવાથી કઈ વસ્તુ હાનિ કરતી નથી? આ દેખાવો આનંદની સાથે દુઃખ દેનાર પણ ક્યાં ઓછા થયા છે? આર્યાવર્તમાં કુદરતની અતિશય ભવ્ય લીલાથી માણસોની કલ્પનાશકિત અતિશય વધી ગઈ અને તેથી ખરી વિચાર-શક્તિની ખામી રહી ગઈ! અને માણસો વહેમીલાં થઈ ગયાં. કાલિના બલિદાનાર્થે હજારો માણસના જીવ ગયા છે. પિતૃ પીડા અને ભૂતપલિતથી સેંકડો માણસો રીબાય છે, આવતા જન્મમાં સુખી થવા માટે, કાશીમાં કરવત મેલાવી, ગિરનાર પર ભૈરવજપ ખાઈ, હિમાલયમાં ગળી, કમલપૂજા અને એવા અનેક પ્રકારે કરોડો અજ્ઞાની અને વહેમી આર્ય બંધુઓએ કમકમાટી ઉત્પન્ન કરે તેવી રીતે આત્મઘાત કરેલ છે! કુદરત સામે બાથ ભીડવા શક્તિમાન ન હોવાથી હજારો જડવસ્તુઓને ઈશ્વરપદ આપેલ છે, દેવ બનાવેલ છે અને પૂજેલ છે. પરમબ્રહ્મની કૃપાથી તે ધુન્ન હવે મગજમાંથી દૂર થવા લાગી છે, તો પણ દૃઢ આગ્રહથી હીંમત રાખી એક કાર્ય પાછળ મંડ્યા રહેવું એ બ્રીટનોની ખાસીયત હજી હીંદુભાઈઓથી ઘણી દૂર રહેલી છે. અલબત્ત ક્યાંઈ ક્યાંઈ આ ગુણ પણ ચમત્કારો બતાવે છે. પણ તે મહાગુણ સર્વવ્યાપક ક્યારે થશે? હજી ઘણીવાર છે. તેમાં આર્યબંધુઓનો દોષ નથી. જ્યારે જ્ઞાન વહેમને દૂર કરશે ત્યારે એની મેળે બધાં સારાં વાના થશે. હવે તો વિદ્યાની સાથે ગાઢ પ્રેમ બાંધવો જોઈએ એ શસ્ત્ર ક્યાંય છુપું રહે તેવું નથી. સૂર્ય ઉગ્યો એટલે અજવાળું થવાનું જ અને ધુમ્મસ ઉડી જવાનો. અસ્તુ.
[કાશ્મીરનો પ્રવાસ, ૧૮૯૨, ૧૯૧૨]