ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/બરફમાં પ્રવાસ

Revision as of 06:09, 5 May 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૧
રમણલાલ વસંતલાલ દેસાઈ

બરફમાં પ્રવાસ

ગાડીઓના cabins –ખાનાં આમ તો સારાં હતાં. અને રાત્રે સૂવાની વિશિષ્ટ સગવડવાળાં હતાં; છતાં જરા સાંકડાં ખરાં, આપણે ત્યાંનાં ફર્સ્ટ સેકન્ડ ક્લાસનાં ખાનાં એથી ઉતરતાં જરાય લાગે નહિ. ગાડીની અમારી મુસાફરી પણ બહુ સુખપ્રદ કહેવાય—જોકે અમે એક લોખંડી પડદા પાછળ જતા હતા, જે દુનિયાને અમે પીછાનતા હતા એ દુનિયાને અણગમતા પ્રદેશ તરફ જતા હતા, લગભગ ભયંકર નવીનતામાં પ્રવેશ કરતા હતા એવો માનિસકભાવ અંદરખાને ન હતો એમ કહેવાય નહિ. સોવિયેટ યુનિયન આવતા બરોબર પોલીસના કે મીલીટરીના સૈનિકો અમારો હવાલો લેશે; જાસૂસો ગમે તે ખૂણામાંથી સૂતાં જાગતાં અમારા ઉપર જાગતી આંખ રાખશે; બોલવાની, વાંચવાની, હસવાની, ટીકા કરવાની જબરજસ્ત બંધી હશે એવી એવી કલ્પનાઓ કદી કદી આકાર ધારણ કરતી હતી. પરંતુ વાતો કરી, વાંચી, હસી, જમી કંટાળી અમે ગાડીમાં સૂઈ પણ જતા – દિવસે તેમ જ રાત્રે. પરંતુ અમારા સ્વપ્નમાં પણ કોઈ સીપાઈ કે સૈનિક અધરાતે મધરાતે પણ દેખાયો નહિ. – કોઈ વિશિષ્ટ કામે વિશિષ્ટ સ્થળે તેને જોવામાં આવે તે સિવાય. વિશિષ્ટ - Reserved ગાડી હોવાથી સ્ટેશનોએ ચઢ ઉતરની મુશ્કેલી જરાય લાગતી નહિ. ઠંડી અને બરફ ચારેપાસ વેરાયેલાં જ હતાં. છતાં સ્ટેશને સ્ટેશને માણસો દેખાતાં, અને મોટાં સ્ટેશનો ઉપર તો અમારું સ્વાગત પણ થતું. ટોળાબંધ સ્ત્રીપુરુષ બાળકો આવે, અમને પુષ્પ અર્પણ કરે અને શાંતિ ચાહનાનું પ્રદર્શન કરે. ઠંડીની સમસ્યા.

ઓસ્ટ્રીયા પ્રદેશની સરહદ છોડી અમે હંગેરીમાં પ્રવેશ કર્યો. રાષ્ટ્રોની સીમાદોરીઓ બધે જ કડક. છતાં અમારું પ્રતિનિધિમંડળ સામાન્ય કંટાળો ઉપજાવતી જકાત તપાસણીમાંથી મોટે ભાગે મુક્ત રહ્યું એમ કહીએ તો ચાલે. સરસામાન સહુ પાસે થોડો – માત્ર જરૂર જેટલો, એટલે એ બહું ચૂંથાતો નહિ. માત્ર અધિકારીઓ પાસપોર્ટ ભેગા કરી અમારાં મુખ નિહાળી પાસપોર્ટની છબીઓ સાથે સરખાવી ચાલ્યા જાય. અમારા સરખા ઉંમરે પહોંચેલાઓને તો એટલો એથી સંતોષ રહેતો કે છબી સરખા સોહામણા અમે હજી લાગીએ છીએ ખરા! કુદરત તે બધે જ સૌન્દર્ય વેરતી રહે છે– જમીન ઉપર, દરિયા ઉપર કે આકાશમાં, દરેક દેશ અને પ્રજાનું સ્વાભિમાન પોષાય એટલું પ્રકૃતિ સૌન્દર્ય પ્રત્યેક પ્રદેશને મળ્યું છે એમ કહીએ તો ચાલે – પછી ભલે આપણું સ્વાભિમાન આપણા જ પ્રકૃતિ સૌન્દર્યને શ્રેષ્ઠ ઠરાવે! ભૂમિ, પહાડ, નદીનાળાં, ક્ષેત્રો, વૃક્ષ વનસ્પતી, ગામડાં અને શહેરો એ માત્ર માનવીની આબાદી જ નહિ પણ માનવીનું સૌન્દર્ય પણ બની રહે છે. તેમાં યે યૂરોપ ખંડના ડીસેમ્બર જાન્યુઆરી માસની બરફની વ્યાપકતા મારા સરખા ગુજરાતીને એક નવું જ સૌન્દર્ય દર્શન કરાવી રહી હતી. આપણા દેશમાં ગરમી સમસ્યાઓ ઊભી કરે છે. યૂરોપમાં ઠંડીની સમસ્યાઓ ઉકેલવાની રહી. એ ઠંડી પણ આપણી ગરમી જેવી જ વ્યાકુળતા ઉપજાવી શકે. આપણાથી આગળ વધેલા યૂરોપ ખંડે એ ઠંડીની સમસ્યા ઉકેલી છે. અમારી ગાડી ભારે બરફ અને ટાઢ વચ્ચે આગળ ચાલ્યે જતી હતી. આમતો અમારાં ગરમ વસ્ત્રો પણ અમને ઠંડીથી સર્વથા રક્ષણ આપી ન શકે. પરંતુ અમારાં ખાનામાં કૃત્રિમ ઉષ્મા આપવાની યોજના હતી એટલે ગાડીમાં અમને જરાય ટાઢ લાગી નહિ – જોકે બહાર અઢળક બરફ અને અસહ્ય ટાઢ!

બુડાપેસ્ટ સ્ટેશને આવકાર

સંધ્યાકાળે હંગેરીની રાજધાની બુડાપેસ્ટ નગર આવ્યું. સેંકડો સ્ત્રી પુરુષોએ સ્ટેશન ઉપર અમારો સત્કાર કર્યો, અમને પુષ્પો આપ્યાં, શાન્તિનાં ગીતો ગાઈ શાન્તિ ભાવનાની વ્યાપકતા દર્શાવી, સરસ ચા નાસ્તાની ગેાઠવણ પણ કરી અને સ્ટેશન ઉપર જ એક જંગી સભા ભરી ત્યાંના મેયરે અને બીજા મહત્ત્વના અધિકારીઓએ ભાષણો કર્યા’, જેનો જવાબ શ્રી. કીચલુએ અને ચીન તરફે ક્યુમોજોએ વાળ્યો. આવકાર, વિદાય, સન્માન, શુભેચ્છા વગેરે ભાવનાં પ્રજા પ્રજાએ વિકસાવેલાં સ્વરૂપો ભિન્ન ભિન્ન હોઈ શકે છે. છતાં એ સ્વરૂપોની પાછળનો ભાવ અજાણી ભાષામાં થઈ ને પણ સમજાયા વગર રહેતો નથી. સોવિયેટ – માર્ક્સવાદ–ની અસર નીચે ભાવને બહુ જ જોરદાર વાણીમાં પ્રદર્શીત કરવાની ટેવ પડી જતી હશે ખરી? એમ તો મુસોલીની પણ અત્યંત અસરકારક અભિનય વક્તૃત્વમાં લાવતો અને હીટલર પણ! હીટલર તો જાણે મુખ ઉપર મારકણાપણાની છાપ લઈને જ ફરતો હોય એવો દેખાતો – એની છબીઓમાં. અને એ બન્ને સામ્યવાદના વિરોધીઓ હતા. છતાં Tub-Thumping – બહુ જ ઉશ્કેરાઈ ને થતું વક્તવ્ય અને બહુ ઉશ્કેરવા માટે થતું વક્તવ્ય તાળીઓ ભલે પડાવતું હોય, છતાં મને એમાં જરા શિષ્ટતા ભંગ થતો લાગે છે. એમ ન હોય તોય હું એટલું જ કહું કે મને અતિ ઉગ્રતા ભર્યું ઉછળતું ભાષણ બહુ ગમતું નથી. ઊર્મિ ઉછાળનારા પ્રસંગો સર્જાય ત્યારે વાણીમાં પણ ભરતી આવે એ હું સમજી શકું છું, છતાં વિધવિધ વાણીઓનાં વક્તૃત્વ સમજવા જેવાં ખરાં. ડીમૉસ્થીનીસ, સીસરો, બર્ક, ગ્લેડસ્ટન, બીસેન્ટ, સુરેન્દ્રનાથ બેનરજી, ટાગોર અને ગાંધીજી એ સર્વ મહાન વક્તાઓની શૈલી જ્યાં જ્યાં જાહેર ભાષણ સાંભળીએ ત્યાં ત્યાં યાદ આવે ખરી. ગુજરાતમાં પણ વક્તૃત્વ ખરું કે નહિ? વલ્લભભાઈ, કનૈયાલાલ મુનશી, ઇન્દુલાલ યાજ્ઞિક, ચંદ્રશંકર પંડ્યા, નર્મદાશંકર દેવશંકર મહેતા વગેરે નામ સારા વક્તાઓ તરીકે યાદ આવે ખરાં. આર્યસમાજના અગ્રણી મહારાણીશંકર શર્માનું પણ નામ વક્તા તરીકે જાણીતું હતું. ડો. કીચલુ પણ પ્રસંગ આવે ત્યારે બહુ જોરદાર ભાષા વાપરવા પ્રયત્ન કરે છે ખરા! શાન્તિને ટેકો આપવા નીકળેલા ભારતીય પ્રતિનિધિમંડળને, તેમજ અમારી સાથેનાં બીજાં પ્રતિનિધિમંડળોને આમ બુડાપેસ્ટ સ્ટેશને સારો આવકાર મળ્યો.

રેલગાડીનો કાર્યક્રમ

ઘણું કરીને ત્યાંથી જ અમારી ગાડી જોડે ભોજન-ડબ્બો પણ જોેડવામાં આવ્યો, જેમાં અમારી સગવડ બહુ સારી રીતે સચવાતી. આખી મુસાફરી દરમિયાન વનસ્પતિ આહારી તરીકે મને જરાય મુશ્કેલી પડી નથી. વાતોમાં, વાંચવામાં અને આરામમાં લાંબી મુસાફરી પસાર કરવી પડે છે. વાતો કરીને કંટાળીએ એટલે વાંચવાનો પ્રયત્ન કરવાનો; અને વાંચન–પ્રયત્નનું ગાડીમાં પરિણામ તો નિદ્રામાં જ આવે એ જાણીતી વાત છે! મારા સરખા અતડા – unsocial માનવીને વાતોની બહુ જરૂર પડતી નહિ તેમ દોસ્તી વધારવાની કે તેને ગાઢ બનાવવાની પણ ઉત્કટ ઇચ્છા થતી નહિ. શ્રી. રવિભાઈ [રવિશંકર રાવળ]નો સંગાથ અને મૈત્રી મારે માટે પૂરતાં હતાં. રવિભાઈના ઊર્મિભર્યા હૃદયે તેમને મારા કરતાં વધારે મિત્રો આપ્યા હોય તો નવાઈ નહિ.

ગાડીમાંથી દેખાતી વિશિષ્ટતા

રશિયન સરહદ આવતાં જ થોડી ધ્યાન ખેંચે એવી વિશિષ્ટતા અમારી નજરે પડી : (૧) રેલમાર્ગે આવતાં ગામડાંની રચના અને તેમાં ચાલતું ધમધોકાર કાર્ય. (૨) ગામડાંમાં દેખાતાં ખ્રિસ્તી દેવાલયો. (૩) આખા પ્રદેશમાં છવાઈ રહેલો બરફ; અને (૪) વચ્ચે વચ્ચે ઉગાડવામાં આવેલાં વૃક્ષઝુંડ – વનરાજીઓ. સોવિયેટ રશિયાનો કાર્યક્રમ ગામડાંને પણ આવરી લેતો હતો એનું ઝાંખું સૂચન ગામડાંમાં દેખાતી પ્રવૃત્તિઓથી અમને થયું, ગામડાં સારાં, ચેખ્ખાં, વ્યવસ્થિત લાગ્યાં; જોકે કદી કદી પાણી અને કાદવવાળા રસ્તાઓ પણ વચમાં દેખાતા ખરા. સોવિયેટ ભૂમિના તસુએ તસુ સ્વર્ગભૂમિ માનવાની ભૂલ આપણે રખે કરીએ!

દેવાલયોના મિનારા

ખ્રિસ્તી દેવાલયો ધણાં ગામોમાં દેખાયાં. પૂછતાં એમ ખબર પડી કે સોવિયેટ રાજનીતિનો ધર્મકોણ બદલાયો છે. દેવાલયો ઊભાં રાખવામાં આવે છે, એટલું જ નહિ, દેવળમાં જઈ જેને પ્રાર્થના કરવી હોય તેને તેમ કરવાની છૂટ આપવામાં આવે છે. અમારે માટે આ નવી હકીકત હતી. રશિયામાં રાજકારણ ધર્મથી જુદું છે એટલું જ નહિ પરંતુ એ રાજકારણ ધર્મનું જડમૂળ કહાડી નાખે છે એવો પણ ખ્યાલ ઉપજાવવામાં આવ્યો છે. ધર્મ એ મૂડીવાદી સમાજરચનામાં ઘેનની–વ્યસનની ગરજ સારે છે એવો સામ્યવાદી સિદ્ધાન્ત છે પણ ખરો. ત્યારે આ દેવાલયો શાનાં? ધર્મ પ્રત્યે રાજનીતિનું વલણ અમારે માટે – મારે માટે – એક તપાસનો વિષય બની ગયો – ઘણા વિષયો ભેગો.

બરફ અને સૃષ્ટિસૌન્દર્ય

બરફનું દૃશ્ય રશિયાનાં વિશાળ મેદાનોમાં જે સૃષ્ટિસૌન્દર્ય ઉપજાવી રહ્યું હતું તે મારે માટે તો કદી ન ભૂલાય એવું બની રહ્યું. હું તો બહુ ઊર્મિલ નથી; કલાજડ પણ હોઈશ. પરંતુ મારા સહમુસાકર શ્રી. રવિભાઈ રાવળ તો એક સહૃદયી કલાકાર છે અને સૃષ્ટિ-સૌંદર્યની આછી લકીર પણ તેમના હૃદયમાં ઝડપથી પડઘો પાડી જાય. રાત્રીએ ચન્દ્રની ચાંદની વરસતી અને દિવસે સૂર્ય ઢંકાયેલો હોય તો ય તેનો પ્રકાશ તો સઘળું દૃશ્યમાન કરે જ. કદી કદી રાત્રીમાં પણ કાચની બારીઓ બહાર નજર કરીએ તો ચન્દ્રને અજવાળે ચારે પાસ બરફ ચમકતો જ હોય, અને ઊંચી નીચી જમીન એ બરફમયતાને જુદી જુદી આકૃતિઓ પણ આપે. સરુ સરખાં વૃક્ષો પણ બરફને ઝીલી પોતાનું રૂપ વધાર્યા જ કરે. દિવસે તો દૃષ્ટિ ચારેપાસ ફરતી જ હોય. એટલે બરફની દુનિયામાં પણ માનવી કેમ જીવી શકે છે અને કેમ પ્રગતી સાધે છે એનો વિચાર સૃષ્ટિસૌન્દર્ય સાથે આવ્યા જ કરે. સુંદરતાનો ઉપભોગ પણ માનવી જ કરેને? રવિભાઈ તો કોઈ સરસ નવનવું દૃશ્ય દેખાય ત્યારે આપણું ધ્યાન દોર્યા વગર રહે જ નહિ. સમુદ્રને જેમ તેનું પોતાનું વિશાળ સૌન્દર્ય હોય છે તેમ ભૂમિને પણ બરફ અવનવું વિશાળ સૌન્દર્ય આપી રહે છે. તલ્લીનતા પૂર્વક સૌન્દર્ય દર્શન કરતા અમે ગાડીમાં જતા હતા ત્યાં એક વાર રવિભાઈથી બોલાઈ ગયું :

‘રમણભાઈ, આપણે ક્ષીર સાગરમાં ફરી રહ્યા છીએ! નહિ?’

મને આ કલાકારનું દર્શન બહુ સાચું લાગ્યું. મારું મન પણ કોઈ સરખામણી શોધવા મથી રહ્યું હતું. અને રવિભાઈ સરખા ગુર્જર કલાગુરુએ શબ્દાકાર આપી દીધો અને એ મારે મન પણ વસી ગયો. મેં કહ્યું :

‘ખરેખર, ક્ષીર સાગરની ભાવના આવા પ્રદેશને નિહાળતાં જ ઉદ્ભવી હોય!

મૂળ આર્યો આ ભૂમિમાં – કે આની પાસે – વસતા હતા ત્યારની સ્મૃતિ સાચવી રાખી પુરાણોમાં તેમણે એ નામે કેમ ઉતારી ન હોય?’ આર્યોએ આ બરફ વિસ્તારો જોયા હોય, સ્મૃતિમાં સાચવી રાખ્યા હોય અને પુરાણોમાં તેમને અક્ષર દેહ આપવા ક્ષીર સાગર કલ્પ્યો હોય! એ તો કોણ જાણે! પરંતુ રવિભાઈ સરખા કલાકારને આ પ્રલંબ બરફ વિસ્તાર નિહાળી ક્ષીર સાગર યાદ આવ્યો ખરો! એ હીમ સૌન્દર્ય અમે રહ્યા ત્યાં સુધી સતત જોયું. જોઈને અમે ધરાયા નથી. ફરી ફરી જોવાનું મન રહે ખરું. ઠંડીમાં અમારી કાળજી

આ બરફની સૃષ્ટિમાં અમને લઈ જતાં અમારા મિજબાનોને બહુ જ ચિંતા થતી હતી. ગાડીનું બારણું ઉઘાડીએ એટલે કોઈ રશિયન મિત્ર આવી અમારા ગળા ઉપરના કોલર કે મફલરને બરાબર ગોઠવી જાય. સ્ટેશન આવે અને કદાચ પ્લેટફૉર્મ ઉપર ઉતરવાની ઇચ્છા થાય એટલે ગાર્ડ કે સ્ટેશન સ્ટાફમાંથી જ કોઈ આવીને કહી જાય :

‘ગળુ બરાબર ઢાંકી રાખો, કૃપા કરીને.’

ભારતથી વીએના જતાં શ્રી. મુલ્કરાજ આનંદ પણ આવી સૂચનાઓ વારંવાર આપતા. ઠંડીથી ન ટેવાયેલા અમારા સરખા પરદેશીઓને ઠંડીની અસરથી બચાવવાની જરૂર હોય પણ ખરી. ઠંડી પણ ગજબની! અને એ ઠંડી ક્યારે કેવી માઠી અસર કરી જાય એ કહેવાય નહિ! છતાં મને કે રવિભાઈને યૂરોપની ઠંડીએ જરાય માઠી અસર ઉપજાવી નહિ! યુવાન ભાઈ-બહેનો જેટલું જ અમે પણ ફરતા. સ્ટાલીનગ્રાડમાં મારા પગે – ઘૂંટણે – મને ચસક આવી ગઈ એ કદાચ ઠંડીની અસર હોય. એ સિવાય આખી મુસાફરી દરમિયાન અમને કોઈ પણ પ્રકારની વિક્રિયા થઈ નહિ. યૂરોપની ઠંડી અમને બહુ માફક આવી એમ કહીએ તો પણ ચાલે.

વ્યવસ્થિત વનરાજી

વળી જ્યાં નજર નાખીએ ત્યાં બરફના વિસ્તારમાં ગામડાં ભાત પાડતાં હોય અતે ગામડાં સાથે નિયમિત ઢબનાં વૃક્ષઝુંડ પણ નવીનતા ઉમેરતાં હોય. જ્યાં જોઈએ ત્યાં બરફમાં ગામડું દેખાય અને એકાદ નાનું વ્યવસ્થિત વન પણ દેખાય. આવાં વૃક્ષ-ઝુંડની વ્યવસ્થિત - ગોઠવણી આપણી જીજ્ઞાસાને ઉશ્કેરે ખરી. મોટા અવ્યવસ્થિત કુદરતી વનને તો આપણે સહજ એાળખી શકીએ. પરંતુ આવી યોજનાબદ્ધ વનવ્યવસ્થા નવાઈ જેવી લાગી. પૂછતાં ખબર પડી કે સૂસવાટા ભર્યા ઠંડા પવનનું જોર ગામડાનાં માનવી અને ગામડાંની ખેતી ઉપર માઠી અસર ઉપજાવતું અટકે એ અર્થે આ વન ટુકડાઓ વ્યવસ્થાસર આખા પ્રદેશમાં ઉગાડવામાં આવે છે. વળી બળતણના પ્રશ્નનો પણ જેથી કેટલોક ઉકેલ થાય છે. શ્રી. મુનશીએ સૂચવેલો વનમહોત્સવ મને યાદ આવ્યો. મુનશીની એ સૂચનાને હસનારા ઘણા મળ્યા. પરંતુ સ્થળે સ્થળે આપણે ત્યાં રક્ષણ માટે, વરસાદ માટે અને બળતણ માટે આવા વન ટુકડાઓ વ્યાસ્થિત રીતે ઉગાડવા પડશે ખરા! દૃષ્ટિને તો એ લીલેતરી સારી લાગે જ! પરંતુ એ સૃષ્ટિ સૌન્દર્ય આર્થિક સૌન્દર્ય પણ બની રહે એ ખરેખર યોજકની બુદ્ધિનું જ પરિણામ છે. સમગ્ર દેશ વ્યાપી, અને ઉપયોગમાં આવતાં વનઉપવન વગર આપણો ભારત રેતાળ બની જાય છે એ સ્થિતિ આ વ્યાપક વનશ્રેણીએ આંખ આગળ ઊભી કરી. કાઠિયાવાડનાં ફળદ્રુપ ગણાતાં ગામોએ શેરડીનો પાક ઉગાડવામાં આવે છે એ દૃશ્ય પણ આ વનમાલાઓ જોતાં યાદ આવ્યું ખરું–જો કે શેરડીના વાઢ તો આ નાનકડાં રશિયન વનના પ્રમાણમાં ઘણા જ નાના લાગે. એક ગામ અને બીજા ગામ વચ્ચે વ્યવસ્થિત વનઉપવન! સ્વતંત્ર ભારત એ માર્ગે જાય તો સારું!


[રશિયા અને માનવશાંતિ, ૧૯૫૪]