ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/બાલી
૨. બાલી
ઇન્ડોનેશિયાના પ્રસિદ્ધ લેખક-વિચારક તકદીર અલીસ્યાબાના તરફથી તેમની નવી પ્રવૃત્તિ – બાલીદ્વીપમાં ખોલેલા કલાકેન્દ્ર – ના સમાચાર હમણાંં મળ્યા. સિત્તેરકની ઉંમર તો હશે. ૧૯૫૭માં તોક્યોમાં પી.ઈ.એન. આંતરરાષ્ટ્રીય સંમેનલમાં મળેલા. પછી ૧૯૭૨માં શ્રી અરવિંદશતાબ્દી આંતરરાષ્ટ્રીય સેમિનારમાં દિલ્હી તેઓ આવેલા ત્યારે વધુ નિરાંતે મળવાનું થયું. ‘શું લખો છો હમણાં?’ તો કહે ‘ત્રણ ભાગમાં એક નવલકથા લખી છે. રાજકીય, સમકાલીન રાજકીય સ્થિતિ ઉપર છે. ઠીક ઠીક વિરોધ થયો છે.’ ત્યાં, જાકાર્તાથી દૂર બાલી ટાપુ ઉપર કિંંતામણિ જિલ્લાના બાતુર પર્વતના ઢોળાવ પર તોયાબુંગકાહમાં જાવાબાલીની સ્થાનિક કલાના સંરક્ષણ-સંવર્ધન માટે – પણ ખાસ તો ભવિષ્યમુખી પ્રયોગો માટે કેન્દ્ર ખોલ્યાના સમાચાર તેમના તરફથી મળતાં આનંદ થયો.
બાલીમાં કલાકેન્દ્ર ખોલવા પાછળ તેમની એ માન્યતા કામ કરી ગઈ છે કે બાલીની કળા આપણા સમયની એક અત્યંત સપ્રાણ, સમૃદ્ધ અને વૈવિધ્યભરી કળા છે. ભાવિ વિશ્વસમાજ અને સંસ્કૃતિ અંગેના પોતાના કર્તવ્ય અંગે સભાન નવીન સર્જક કલાકારની અલીસ્યાબાનાએ ‘પર્વત ઉપર ઊભેલા, નવી ઉષાનો ઉદય નિહાળતા અને વધાવતા, માણસ તરીકે’ ઝાંખી કરી છે. કલાકેન્દ્રનું કામ તેમણે એ નિરધાર્યું છે કે ‘ભવિષ્ય માટેની એવી કળાનું સર્જન કરવું, જે માનવીય જવાબદારી, માનવીય સંગઠિતતા અને સતત વિસ્તર્યે જતા સર્જકજીવનના આનંદને અભિવ્યક્તિ આપે.’
ત્રણચાર વરસમાં તો અલીસ્યાબાનાએ સુંદર મકાનોમાં કલાકારમંડળ દ્વારા પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે. ‘બાતુર સરોવર પર ચાંદની’ એ બાલીનૃત્યમાં ગામ લોકો નાહતાં હોય છે અને પર્વત પાછળ છુપાયેલો પૂર્ણિમાનો ચંદ્ર ઉઘાડ કાઢે છે. ચંદ્ર-દેવતા (બાલી નામ છે ‘દેવી રતિ’) લોકો વચ્ચે ઊતરી આવે છે. સ્ત્રીઓને વણવાની કળા શીખવે છે, તેમની સાથે નૌકાવિહાર કરે છે અને પછી પાછી ચંદ્રમાં ચાલી જાય છે. સરોવરકાંઠે સ્ત્રીપુરુષોની આનંદલીલા મચે છે. ‘સ્ત્રીઓ સંસ્કૃતિને ત્રિભેટે’ (વિમેન ઍટ ધ ક્રૉસરોડ્ઝ) એ નૃત્ય સ્ત્રીઓના જીવનના વિકાસની વિવિધ કક્ષાઓ નિરૂપે છે. આ અંગે ૧૯૭૬માં અલીસ્યાબાનાએ આઠ કાવ્યો રચ્યાં. સ્ત્રીત્વની પ્રણય, માતૃત્વ આદિ ઝંખનાઓની પરિપૂર્તિ સાથે સ્વાતંત્ર્ય, સામાજિક ઉત્તરદાયિત્વ અને નેતૃત્વ આદિનો સુમેળ સાધવાના ભાવિ સમાજના કાર્યની દિશાનું એમાં ઇંગિત છે, ‘તિમિરમાંથી તેજ ભણી’ માનવસમાજના વધુ સુખી સર્જકતાભર્યા ભાવિ માટેની મથામણને નિરૂપે છે. ક્લાકેન્દ્રે માનવીના આજ સુધીના જીવનના જુદાજુદા તબક્કાઓ અને ભાવિ નવીન સમાજરચના અંગે છ ચિત્રો માટે સ્પર્ધા જાહેર કરી હતી. પણ કોઈ સંતોષકારક પ્રતિભાવ સાંપડ્યો નહોતો. બાલી માટે જરીક નવાઈ જેવી વાત!
કલાકેન્દ્રના સદ્ભાગ્યે બાલીનાં સર્વશ્રેષ્ઠ નર્તિકા શ્રીમતી ની કેતુત રેનેંગનો પૂર્ણ સહકાર એને સાંપડ્યો છે. સાઠ ઉપરનાં એ કલાકાર હજી જુવાન કલાકારો કરતાં પણ વધુ સ્ફૂર્તિથી નવાં નવાં કલાસર્જનો કર્યે જાય છે. ગયા વરસથી બીજાં નર્તિકા જેરો પુષ્પાવતી કેન્દ્રમાં જોડાયાં છે. ગયા ફેબ્રુઆરીમાં કેન્દ્રમાં એક પરિસંવાદ યોજાયો, જેમાં દેશના ઉત્તમ નિષ્ણાતો અને વિદ્વાનોએ ભાગ લીધો. ખાસ ઝોક હતો એ સ્પષ્ટ કરવા ઉપર કે પ્રવાસીદળો (ટૂરિસ્ટો) માટેની બાલીની કળા અને ત્યાંના સામાજિક-ધાર્મિક જીવનને પ્રતિબિંબતી બાલીની કળા એ બેને જુદાં તારવવાં, સમજવાં, જેથી યોગ્ય ભાવિદિશા સાંપડે, ‘બાલી’ શબ્દમાં જે જાદુ છે તે તેની આગવી સંસ્કૃતિને લીધે છે. ભારતીય સંસ્કૃતિ અગ્નિએશિયામાં પહોંચી, ખૂબ ફાલીફૂલી, એનાં ઉત્તમ જગન્મોહક કલાપુષ્પો હજી એવાં ને એવાં તાજાં સચવાયાં છે. પંદરમા સૈકા લગભગ ઇસ્લામનો પસારો છેક અગ્નિએશિયાના ટાપુઓ સુધી પહોંચ્યો તે પછી પણ નાનકડા બાલી ટાપુમાં ‘હિંદુ’ઓ રહ્યા. આજે બાલીમાં મુખ્યત્વે હિંદુ સંસ્કૃતિ છે અને એણે કલા તેમ જ ઉત્સવો દ્વારા એનું અમોઘ આકર્ષણ જમાવેલું છે. હિંદુ સંસ્કૃતિ પહેલાંની ત્યાંની સંસ્કૃતિનાં કેટલાંક તત્ત્વો પણ કલામાં અને રિવાજોમાં જોવા મળતાં હોય છે. આજની કલા-નેતાગીરીની નજર બધાની જ માવજત કરવા ઉપર લાગે છે.
સનૂર ગામ આવ્યું. ઠેઠ દરિયાકિનારા પાસે બેલ્જિયન કલાકાર લ માયૂરનું રહેઠાણ છે ત્યાં પહોંચ્યા. યાત્રાએ નીકળતાં પહેલાં કલાગુરુ રવિભાઈએ લ માયૂર વિશે વાત કરી હતી અને મળવા સૂચવેલું. અત્યારે આટલે દૂર લ માયૂરના બારણા આગળ હું ઊભો હતો. બાલીની શૈલીનું મકાન હતું. આંગણે મોટું ચંપાનું વૃક્ષ હતું. આંગણામાં ને આસપાસ મૂર્તિઓ હતી. પણ જીવતી મૂર્તિ લ માયૂરની બાલી નર્તિકા પત્ની આખા એ આશ્રમના પ્રાણ જેવી આગળ આવી અને અમારું સ્વાગત કર્યું. બાલી ઢબનો પોશાક હતો. પગમાં કાંઈ ન હતું. કાને સોનાનાં લોળિયાં, માથે લાલ લીટીનો ફટકો વીંટાળેલો હતો. કપાળ પર ચંપકપુષ્પ. તેર વરસની પરણી હતી. વીસ વરસથી કલાકારનું મોડેલ (આકૃતિચિત્રણ માટે નમૂનારૂપ વ્યક્તિ) છે. એની પોતાની સાધના સામાન્ય નથી. બાલીની લેગોન્ગ નૃત્યશૈલીની કલાકાર છે. બાઈ પતિ પર પ્રસન્ન હતી. સૌમ્ય તૃપ્તિ એના નિર્દોષ મોં પર ચમકતી હતી. પોતે અંગ્રેજીમાં વાતચીત કરી શકતી હતી. કલાકાર બહાર ખુલ્લામાં ચિત્રકામ કરી રહ્યા હતા. બાઈએ ચા આપી, જમવા આવવા કહ્યું. કહ્યું કે નેહરુ અહીં આવી ગયા છે. પછી અંદર બધું બતાવવા લઈ ગઈ. સમુદ્રનાં, બાલીની પ્રકૃતિનાં અને ખાસ તો નર્તિકા પત્નીનાં અનેક ચિત્રો હતાં. સમુદ્રતટ પર નૃત્યની અદાનું એક ચિત્ર ખાસ ધ્યાન ખેંચતું હતું.
ટેબલ, ખુરશી – બધું બાલી ઢબનું હતું. બારણાં સાંકડાં, ઉંબર ઊંચા, વાંસની ખાટો અને ચારે કોર અનેક ચિત્રાકૃતિઓમાં રંગોની રમણા. આંખો કરતાં કાનનો ઉત્સવ પણ નાનોસૂનો ન હતો. બેત્રણ વાર ઘરમાં ફર્યો. ઓરડાઓમાં હિંદી મહાસાગરનું સંગીત ઊભરાયા કરતું હતું.
પછી બહાર કલાકારને મળવા ગયા. છોડવાઓ વચ્ચે ચડ્ડીભેર ઉઘાડા ડિલે ૭૨ વરસના વૃદ્ધ કલાસાધક ટટ્ટાર ઊભા ઊભા સાંજના સમયે પાંદડાંમાં ઝિલાયેલો તડકો પીંછીથી પકડવા મથી રહ્યા હતા. એ એમનો સ્ટુડિયો (ચિત્રકક્ષ) જ ન હતો. ખુલ્લું દીવાનખાનું પણ હતું એમ કહો ને. મુલાકાતીઓ આવ્યાં કરે. જાવાની એક બાઈ અને પુરુષ, પછીથી બાલીની એક બાઈ મળવા આવ્યાં. અમે થોડી વાત કરી. એમણે બપોરે જમવા આવવા કહ્યું. મેં ક્ષમા માગી. કહે, વધુ રહેવા આવો અને અહીં રહો. મેં હિન્દમાં મળવાની અપેક્ષા દર્શાવી, નિકોલસ રોરિકની યાદ આપીને. વિદાય લઈ દક્ષિણ મહસાગરનાં જળ પાસે ગયા. મોજાં ઊછળતાં રસળતાં ધસ્યે આવતાં હતાં. ક્યાં કેટલેથી? દક્ષિણ ધ્રુવ સુધી વચ્ચે કશું ધરતીનું નામનિશાન ન મળે. અંજલિમાં જળ લીધું. હિંદી મહાસાગરની ભવ્યતા સાથે હસ્તધૂનનનો પાંગળો પ્રયત્ન – પણ ભીતર એના એ સ્પંદની આત્મીયતા અનુભવાતી હતી.
ડાબી તરફ લોબોકની સામુદ્રધુની વચ્ચેનો નાનો ટાપુ અને એની ઉપરના ડુંગર દેખાતા હતા. તેની પાર પે..લા ઑસ્ટ્રેલિયા ખંડ તરફના ટાપુઓ. સાંજ ઢળતી હતી. અમે પાછા વળ્યા. કિનારા પર નાળિયેરીઓની કુંજમાં થઈ રસ્તો જતો હતો. પાછા વળીવળીને વૃક્ષોનાં થડ વચ્ચેથી સમુદ્રદર્શન કરી લેવાની લાલચ રોકી શકાતી ન હતી. સૂર્ય અસ્ત પામી રહ્યો હતો. લીલા ડાંગર-જવારા પાણીભરેલા ક્યારાઓમાં ડોલતા હતા. માણસો ઝડપભેર સાઇકલો પ૨ પાછા વળી રહ્યા હતા. સાઇકલ પર બીજી સવારી સ્ત્રીની ઘણુંખરુંં હોય. જાકાર્તા પછી બધે આ દૃશ્ય જોવા મળતું. સ્ત્રીના માથામાં ફૂલ હોય. રાષ્ટ્રીય પોષાક નક્કી થયો હોય એવું લાગ્યું. પુરુષનો વેશ લુંગી, જેની ઉપર ફટકો વીંટેલો હોય. ધોળું પહેરણ. સ્ત્રીઓ લુંગી પહેરે અને બદન લીલા કે એવા કોઈ રંગનું હોય. પૂજા કરીને લોકો આવી રહ્યાં લાગતાં હતાં. પુરુષો તામ્રવર્ણ, સ્નાયુબદ્ધ. સ્ત્રીઓ સ્થૂલ નહીં, પાતળી પણ નહીં. તંદુરસ્તી આગળ તરી આવે અને નમણાપણું. કલાશ્રમમાં બે બાલિકાઓ બેઠેલી, પ્રિયંવદા અને અનસૂયા જાણે.
ગામડાનું ‘પુરાદેશ’ (ગ્રામમંદિર) આવ્યું. અંદર ગામલીન સંગીત ગામલોકોનું ચાલતું હતું. સો જેટલાં માણસોની બાન્જાર (પંચાયત) રચાય. દરેક પંચાયતનું મંદિર હોય. સૌ પોતપોતાની મહેનત આપી જાય. એક મંદિર બંધાતું હતું તે જોયું. ક્યારે બંધાશે? ફંડ તો હોય નહીં. ધીમે ધીમે મહેનત દ્વારા થશે. મંદિર દેખાવું ન જોઈએ, એની આગળ આરંભમાં જ પડદો હોય. પછી ગપુરા (દક્ષિણ હિંદના ગોપુરમ્ને મળતું) હોય. પછી પહોળો દરવાજો. દરેક પંચાયતના ત્રણ દેવ. બતારા(દેવ) સિવ, તેનું આ ગામમંદિર, બતારી (દેવી) દુર્ગા તેનુ મંદિર દૂર હોય જ્યાં શબને લઈ જાય. બતારી દેવીસ્ત્રી (લક્ષ્મીદેવી), જેનું મંદિર ખેતરમાં. ખળામાં પાક આવે ત્યારે એને પૂજવાની. મૂર્તિ એકેની નહીં.
રસ્તે ઝાડની સાથે વળગાડેલા માળા ઉપર કોડિયું બળતું જોયું. કંઈ ને કંઈ વહેમ ચાલતા હોય તેને લીધે આવો દીવો મુકે. એક મંદિર પાસે ઊંચો ટાવર જોયો. લાકડાનો ઘંટ હતો. સામૂહિક કામ માટે બધાને ભેગાં કરવાં હોય ત્યારે એનો ઉપયોગ થાય.
રાતે થાકીને લોથપોથ સૂવા લંબાવ્યું ત્યારે સ્વપ્નલોકની કોઈ અપેક્ષા જેવું રહ્યું ન હતું. જાગતાં જ સ્વપ્નલોકમાં હોવાનું અનુભવાતું હતું. સવારે વહેલો વહેલો તૈયાર થઈ હોટેલ બાલીએ પહોંચ્યો. ગોરા પ્રવાસીઓનાં ઝૂમખાં ટૅક્સીઓ ભાડે કરી બાલીદ્વીપના દર્શને સવારે નીકળી જાય. બાલીદ્વીપ નાનોઅમથો. સાંજ સુધીમાં તો લગભગ આખો ખૂંદી વળો. કુટુંબો, જૂથો, એક પછી એક વિદાય થવા માંડ્યાં. ત્રણચાર જણા ભેગા થઈને એક વાહનમાં રવાના થાય. હું એક બાજુ ઊભો હતો. છેવટે મારા જેવા બીજા એક – ગોરા – ને ઊભેલો જોયો. મેં પૂછ્યું. જઈશું સાથે? તેણે હા ભરી. ઊપડ્યા. ખુશનુમા પ્રભાત અને બાલીની વનશ્રી. ગણેશ અને તપકસિરિંગ તરફ શરૂઆતમાં વળ્યા. એક વડ (બ્રેન્ઝીન) જોયો. આપણા જેવો બહુ ફૂલેલોફાલેલો નહીં, પાંદડાં નાનાં પણ વડવાઈનો જથ્થો નીચે આવતો હતો અને વૃક્ષનું કાઠું પણ ખાસ્સું મોટું હતું. કહે છે કે દેનપાસારથી વીસ કિલોમીટર દૂર દુનિયાનો બીજા નંબરનો મોટામાં મોટો વડ છે. (કલકત્તાના વનસ્પતિવિદ્યાના ઉદ્યાનના વડનું પ્રથમ સ્થાન ગણાય છે.) તંપકસિરિંગમાં પાણીના ઝરાથી નાહવાના હોજ કરેલા છે. માણસો નાહતા હતા. અમે ટૅક્સીમાંથી ઊતરી આમતેમ ફરવા લાગ્યા. એક ઝરો ઓળંગી સામે પગથિયાંની હાર હતી તે ચઢી ભેખડ મથાળે ગયા. એકબે બંદૂકધારી ઊભા હતા. પાસે જ મકાન હતું. ત્યાંથી એક જુવાન આવ્યો. મને પૂછે : હિંદના છો? હું દિલ્હી આવેલો છું. પ્રમુખની સાથે. ત્યારે ખ્યાલ આવ્યો કે ઇન્ડોનેશિયાના પ્રમુખ સુકર્ણો હમણાં આરામ માટે બાલીમાં તંપકસિરિંગ આવેલા છે તેમનો આ મકાનમાં જ મુકામ છે. મેં પેલા ભાઈચારાથી ઉમળકાભેર મળેલા અધિકારીને કંઈક ઠપકા જેવા ભાવથી પૂછ્યું, તમે તમારા પ્રમુખની આટલી નજદીક અજાણ્યાઓને આવવા દો છો? પેલાએ તો એના એ તાનમાં જ કહ્યું, તમે ક્યાં અજાણ્યા છો? મારી સાથેના ડચ બંધુને વિસ્મયનો ભાવ પોતાના ચહેરા પર સમાલતાં ઠીક ઠીક મુશ્કેલી પડી રહી હતી. એટલામાં એક મોટર મકાન આગળ આવીને ઊભી. અધિકારી કહે, પ્રમુખ હમણાં જ બહાર જવા નીકળશે. ક્યાં જવા, તો કહે એક વિદેશી કલાકારની સાથે સવાર ગાળવાના છે, થોડી કૃતિઓ પણ ખરીદ કરશે. પછી એ ગાડી તરફ દોડ્યો. પ્રમુખ આવ્યા. ગાડીમાં ગોઠવાયા. એ જ પરિચિત ટોપીવાળી આકૃતિ. ભેખડ પરથી પ્રકૃતિસૌંદર્યનું દર્શન કર્યું. એક દેશનો ધુરીણ એક કલાકારને સામેથી મળવા ગયો એ હકીકતે આનંદમાં વધારો કર્યો. સુકર્ણો બાલીની હિંદુ મહિલા અને મુસ્લિમ પિતાનું ફરજંદ. અત્યારે એમને માથે આપત્તિનાં વાદળ ગાજતાં હતાં. ‘આરામ’ તો માત્ર મુત્સદ્દીગીરીનો શબ્દ હતો. દેશના સેનાપતિઓમાં વિવાદ જાગ્યો હતો. ગયે મહિને પાર્લમેન્ટ સામે અને પ્રમુખના મહેલ સામે તોપો ગોઠવાયા સુધ્ધાંની વાતો ચાલતી હતી. પ્રમુખે લશ્કરી તમામ સત્તા વેળાસર ધારણ કરી. અત્યારે બોર્નિયો ટાપુના સેનાપતિને મસલત માટે અહીં મળવા બોલાવવાનો બેત હતો. આ હતો પ્રમુખનો બાલીમાં તંપકસિરિંગના ઝરાઓને કાંઠે ‘આરામ’. પણ આવી ચિંતાની પરિસ્થિતિમાં તેઓ બે ઘડી કળાકારનું સાન્નિધ્ય શોધે એ મહત્ત્વની વાત તો હતી. હા, ‘બુંગ કર્ણો’ (ભાઈ સુકર્ણ) તરીકે ઉચ્ચ નેતાનું પદ તેઓ પામ્યા ત્યાં સુધી એ વ્યવસાયે સ્થપતિ - એક કલાકાર જ હતા.
ઇધરઉધર લટારો મારતી મોટર બાર વાગ્યે ઊંચાણ પર આવેલા કિંતામણિ (ચિંતામણિ જ મૂળ હશે) સરોવર પર પહોંચી. પાસે પર્વતો. અચ્છું ભવ્ય સરોવર. પ્રવાસીઓ માટે મોટી હોટેલ હતી. બપોરના ભોજનની વ્યવસ્થા અહીં ઉત્તમ હતી. ભોજન લીધું. એ બહાને દોઢ-બે કલાક આ સૌન્દર્યતીર્થ પર ગાળ્યા.
પાસે જ ગુનુંગ બાતુર હતો. ઉપર વાદળ કરતાં વધુ તો ધુમાડા જેવું જણાયું. બાન્ડુંગ પાસેના તંકુબનપ્રાહુના અનુભવથી ટૅક્સીવાળા ભાઈ સુવીરને એ વિશે પૂછ્યું. કહે કે ગુનુંગ બાતુર જીવતો જ્વાલામુખી છે. ગરમ પાણીના ઝરા પણ ત્યાં છે.
રસ્તો ઊતરવા લાગ્યા. પાઈન વૃક્ષોની કુંજમાં પસાર થવાનું હતું. ગાઢ વનમાં જંતુઓનો ‘ચ્રેતનોંગ’, ‘ચ્રેતનોંગ’ સ્વર ગુંજ્યાં કરતો હતો. પાઈન-વનમાં ડચ સાથી કહે : ધિસ કુડ જસ્ટ બી હૉલૅન્ડ. (આ તો જાણે હૉલૅન્ડ ન હોય!)
પ્રાણીઓ અને વનસ્પતિ ધ્યાન ખેંચતાં હતાં. સુંદર વછેરા જોવા મળ્યા. ગાયો, ઊંચા કાનવાળી. ભેંસો, ધોળી રુવાંટીવાળી. (જ્યાંથી વાળ ખર્યા હોય ત્યાં લાલ ચામડી દેખાય.) એક આખી ટેકરી પર ટૅરેસ (અગાશીઓ પાડીને) ખેતી કરેલી. ટેકરી સ્થાપત્ય રચના જેવી કંડારેલી લાગતી હતી. મકાઈનાં ખેતરોમાં ડોડા નીકળ્યા હતા. ડાંગરની ક્યારીઓ હતી. સુવીર કહે, વગર પાણીએ થાય છે, જમીનમાંથી એને પાણી મળી રહે છે. પાસેની નદીનું નામ સુવીરે ‘જમના’ કહ્યું એવું સ્મરણ છે.
વાડ પર જાસૂદ જેવાં ફૂલો ખીલ્યાં હતાં. મનમાં થયું : આ તો Sunny dream of mountains – પર્વતોનું તડકાસ્વપ્ન. વાંસવન આવ્યું. ઊંચા છાયાળુ વાંસ સુંદર રીતે પવનથી વીંખાયેલા, ક્યાંક ગૂંચવાયેલા-ગૂંથાયેલા. વાંસવીથિમાંથી નીકળ્યા. સરુવીથિ શરૂ. નાળિયેરીની હાર વચ્ચે થોડુંક ચાલ્યા. ફરી વાંસ. ત્યાં દરિયો ડોકાયો. સામે ટાપુ – નુસા પનીડા.
વળાંક લઈ દરિયાને માથે ઊંચી ભેખડ પર ગાડી આવી ત્યાં મીઠા મહેરામણ પર ઝળુંબતા નાનકડા લીંબડા પર મારી નજર પડી. સુવીરને ગાડી થોભાવવા કહ્યું. આટલે દૂર જોવા મળેલા લીંબડાને લગભગ ભેટી પડાયું. ડાળી ઝાલીને થોડી વાર ઊભો. લીંબડા (ઇન્તારન)-ભાઈની વિદાય લીધી. વચ્ચે એક ગામને પાધરે જૂના સમયનો મંડપ હતો. તેની છત પર અને અંદરની બાજુએ ભીંતો પર ચિત્રકામ હતું. અમે જોતા હતા. ગામનાં નાનાં છોકરાં ‘નેહરુ’, ‘નેહરુ’ કરવા લાગ્યાં. ખાદીનાં કપડાં – ચુસ્ત ચૂડીદાર અને ઝભ્ભા – ને લીધે નેહરુ હમણાં આવેલા એટલે નેહરુના દેશનો કોઈક છે એ એમનો આશ્ચર્યોદ્ગાર હતો.
સાંજ નમવા આવી હતી. જંગલોમાંથી સ્ત્રીઓ-પુરુષો ઘાસલાકડાના ભારા વગેરે સાથે પાછાં વળી રહ્યાં હતાં. બાલીમાં સામાન્ય રીતે સ્ત્રીઓ છાતી ઉપર વસ્ત્ર રાખતી નથી. કદાચ ત્યાંની હવામાં એ અનુકૂળ છે. સાંભળ્યું કે થોડા વખત ઉપર નેહરુ મુલાકાતે આવ્યા ત્યારે હજારો કબજા મફત વહેંચાયા હતા. લગભગ દીવાબત્તીનો સમય હતો. ગિઆનજાઈ ગામને પાધરેથી નીકળ્યા તો એક લાંબું સુંદર સરઘસ પસાર થઈ રહ્યું હતું. આગળ સ્ત્રીઓની લાંબી કતાર. જાકીટ, જુદા જુદા રંગનાં, પરિધાન કરેલાં. માથે ટોપલી – છાબ જેવી પહોળી. તેમાં ફળ આદિ ખાદ્યવસ્તુઓ સુંદર રીતે ગોઠવીને ઢાંકેલી. આખું માથે ઊજળું સોનેરી લાગે. તદ્દન શરૂમાં ઊંચું છત્ર હતું. સ્ત્રીઓની હારની છેડે બીજું ધોળું છત્ર હતું. સ્ત્રીઓ મંદ સ્વરે ગાતી ગાતી ચાલતી હતી. ઊઊ – એવો અવાજ માત્ર સંભળાતો હતો. પાછળ સમૂહસંગીત ગામલીન. સાંજનો સમય, રંગ, સ્વર, ગતિશીલ આકૃતિઓ, ધર્મપ્રણાલિની આભા. – એ બધાને લીધે આ એક અનુભવ બની રહ્યો. આ થોડીક ક્ષણોમાં જાણે કે બાલીના અંતરંગની ઝાંખી મળી.
દરિયા પર ગયા. થોડીવાર ઊભા તાજા થઈ ૬.૨૦ વાગ્યે હોટેલ બાલી પર પહોંચ્યા. આસ્તે આસ્તે ફર્યા પણ બાલીનો અર્ધા ઉપરાંતનો પ્રદેશ અમે ઘૂમી વળ્યા. કુલ ૨૨૯ કિલોમીટરની સફર થઈ. અર્ધા ભાગે મેં રૂપિયા ૧૪૪.૫૦ (એ વખતે આપણા એકના ઇન્ડોનેશિયાના બે ‘રૂપિયા’) આપ્યા. બપોરના ભોજનના આપવા ગયો. કેમ કર્યો ડચ બંધુ લે નહીં. (હોટેલમાં આવી રીતે ભાગે પડતા બિલના પૈસા આપવા તેને કોણ જાણે કેમ પણ ‘ડચિંગ’ કહે છે!) એ જુવાન અર્થશાસ્ત્રી શ્રી મુલડીક સુમાત્રાના એક કારખાનામાં કામ કરતો હતો. આ વરસોમાં ઇન્ડોનેશિયાના લોકોનો જૂના શાહીવાદી માલિક ડચ લોકો ઉપર બહુ રોષ હતો, જેટલો ભારતવાસીઓ પ્રત્યે સદ્ભાવ હતો. મને શ્રી મુલડીક કહે, તમારી સાથે મને આ પર્યટન કરવા મળ્યું એ મારે માટે સદ્ભાગ્યની (મતલબ કે સલામતીની) વાત હતી. આટલું મારું માનો. મેં ‘ડચિંગ’નો આગ્રહ જતો કર્યો.
મુકામ પર પહોંચતાં પહેલાં રસ્તામાં સાન્તા કલાઉસનું દૃશ્ય જોયું. ડચ અમલ વારાથી આ ઉત્સવ નાતાલ પહેલાં થતો. આગળ રસ્તે અબદુલ્લા મળ્યો. મને કહે નેહરુ સાથે મેં હાથ મિલાવેલા. હિંદ આવવું છે પણ પૈસા મળે તો ને?
સાત પહેલાં મુકામે પહોંચી ગયો. ભોજન અને વાતો કરી સાડા દસે સૂતો.
બીજો દિવસ આરામથી આમતેમ ઘૂમવાનો અને વાગોળવાનો હતો.
આખી સવાર મ્યુઝિયમમાં ગાળી, અગ્નિએશિયાની લિપિઓનો એક નકશો હતો. કેટલીક ભારતની બ્રાહ્મી લિપિની પુત્રીઓ હતી. અહીં જાવાનીઝ લિપિ વપરાતી, પણ ૧૯૪૯માં સ્વતંત્ર થયા પછી ઇન્ડોનેશિયાએ રોમન લિપિ અંગીકાર કરી છે.
શક ૧૧૦૩ (ઈ.સ. ૧૧૬૧)નું જયપંગુસ રાજાનું તામ્રપત્ર એ જૂનામાં જૂનો નમૂનો લાગતો હતો. લાકડાની વિવિધ બાલી-આકૃતિઓના નમૂના હતા, માનવ ઉપરાંત પશુપંખીની ચિત્રવિચિત્ર રંગીન આકૃતિઓ પણ હતી : ગુરડ જેવું પંખી, પૂંછડી માછલી જેવી, માથે શીંગડાં. સિંહ જેવું પ્રાણી, પૂંછડી યજ્ઞશિખાઓ જેવી.
ડાબી બાજુના ખંડમાં રંગભૂમિનાં પૂતળાં, વસ્ત્ર, મુગટ, ગામલીન સંગીતનાં વાદ્યોનો સાજ, નૃત્યનાં વિવિધ વિચિત્ર રોમહર્પણ મહોરાં વગેરે હતાં. આખો રંગમંડપ ત્યાં ગોઠવેલો છે. દુર્ગા, શિવ અને રંગદા(ડાકણોની રાણી)ની આકૃતિઓ હતી. જમણી તરફના ખંડમાં સ્ત્રીપુરુષ આકૃતિઓ સાથેના વિચિત્ર રેંટિયા હતા. એક બહુ સુંદર લાકડાનું કમલદલાકાર ચક્ર હતું.
અર્જુનવિવાહનું આલેખન હતું. દશાનન, સીતા, જટાયુનું પણ. જાવાની જૂની કાવી ભાષામાં તેનું નિરૂપણ કર્યું હતું. તાડપત્રની પટ્ટીઓ ઉપર ભારત-યુદ્ધનાં ચિત્રો હતાં. (એવી બે પટ્ટી મેં સાથે લાવવા ખરીદી.)
બાલીનું લાકડાનું કામ અનોખું લેખાય છે, વખણાય છે. હોટેલ બાલીને બારણે વેચાતી વિવિધ આકૃતિઓમાં ગાંધી અને ટાગોરની પણ મોટી રમણીય કાષ્ઠપ્રતિમાઓ મળતી હતી. મ્યુઝિયમમાં બાળ ધવરાવતી માતા અને બાળક તેડેલી માતાની આકૃતિઓ હૃદયંગમ હતી. દમ્પતી પરણીને મધુરાત્રિ માટે સ્વર્ગમાં જઈ પહોંચે છે અને પછી પાછાં પૃથ્વી પર આવે છે એ જૂની લોક-કથાનું આલેખન આકર્ષક હતું.
કૌતુકપ્રેરક હતું મૃત્યુ અંગેનું આલેખન. માણસો એક મોટો ટાવર (પૅગોડા જેવો) ઉપાડીને ચાલતા દેખાય, અંદર કફન હોય. એ સરઘસમાં શરૂમાં લેમ્બુ (બળદ). પછી આવે ભાલાવાળા, દંડધારી અને ત્રાજવાધારી. પાછળ સ્ત્રીઓ તોયગંગા લઈને ચાલે. પછી ખભે લાકડાંવાળા પુરુષો. કફનવાળો ટાવર છેક અંતભાગમાં હોય. ખુલ્લા ઓટલા પર પુરોહિત અને મદદનીશો બળદનું પેટ ખોલી ત્યાં કફન મૂકે અને અગ્નિદાહ દે. આખા દૃશ્યમાં ઘણા માણસોએ ઉપાડેલો ટાવર– એનું આખું માળખું ખાસ ધ્યાન ખેંચે, તેને નિસરણી જોડેલી હોય. જે ટાવરમાં ગોઠવેલા કફન સુધી પહોંચતી હોય.
બીજું આલેખન છે ઓજારથી દાંત સરખા ઘસવાના વિધિનું. ચૌદ-પંદરની ઉંમરે એ વિધિ થાય. કથા છે કે એક કાલ રાક્ષસ હતો. તે સૌને પૂછે : મારો બાપ કોણ? જે ઉત્તર ન આપી શકે તેને એ ખાઈ જાય. લોકો વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ એને કહ્યું : તારે બે દાંત આગળ નીકળેલા છે તે કપાવી દે, પછી કહું. કાલ રાક્ષસ દાંત કપાવવા ગયો. દાંત કપાતા ગયા તેમ તેમ એને જ્ઞાન થતું આવ્યું કે પિતા વિષ્ણુ છે અને માતા પૃથ્વી. આ વિધિથી જ્ઞાન આવે છે માટે સૌ કરાવે છે. દંતિવિધિ બેત્રણ ભેગા થઈ કરાવે. ૨૫૦ રૂપિયામાં પતી જાય. અંત્યેષ્ટિસંસ્કાર મોટા કાષ્ઠમંડપ (ટાવર)વાળો ક્વચિત જ યોજાય. મૃતદેહને દાટી રાખે. દેવાસો (સારો દિવસ) જોઈ પુરોહિત કનેથી તોયગંગા મેળવીને વિધિ કરે. પાંચ-છ હજારથી લાખ-બે લાખ ખર્ચ થાય. કલુંગકુંગમાં ૧૫૦૦ મૃતદેહનો સમૂહ-દહનવિધિ થયો. દરેકને સાડાસાત હજાર ખર્ચ આવ્યું. દેનપાસારમાં ૩૦૦ જેટલાનો વિધિ બાકી છે.
એક બ્રાહ્મણનો છોકરો શાંતિનિકેતનમાં ભણવા ગયાનું સાંભળ્યું. બાલીના સંસ્કૃત મંત્રોના ઉચ્ચારમાં ફેર છે કેમ કે તે લખાયેલા નહીં, કંઠપરંપરાથી જેવા જળવાયા તેવા ચાલુ છે. એમનું રામાયણ પણ છે.
બાલી ટાપુને ડચ સામ્રાજ્યવાદીઓએ તાળું લગાવી અલગ રાખેલો; કમાણીના સાધન તરીકે. ઉઘાડી સ્ત્રીઓનાં ચિત્રોનો પશ્ચિમમાં પ્રચાર કરી સફર માટે પ્રલોભન ઊભું કર્યું. આ એક અનોખી ચીજ હોય એમ એની માવજત કરી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઘણા લોક મનફેર માટે અહીં આવતા. બીજા વિશ્વયુદ્ધમાં જાપાને કબજો લીધો તે પછી એણે લોકોને બીજે જ રસ્તે ચડાવ્યા. જૂના સર્વ કંઈ માટે તિરસ્કાર પ્રગટાવ્યો. પાછા વલંદા આવ્યા અને ફરી ટાપુને તાળું મારવા ગયા. પણ લોકોમાં હવે જાગૃતિ આવેલી હતી.
અમે કોણ? કોઈ કહે હિંદુ, તો કોઈ કહે કે જંબુદ્વીપનો ભરતખંડ –રામાયણવાળા – તે તો સમુદ્રમાં ગાયબ થઈ ગયો છે. અત્યારે ઇન્ડિયા (ધૅટ ઈઝ ભારત) છે તે તો મુત્સદ્દી અંગ્રેજોએ કાંઈક ભ્રમણા ઊભી કરીને લોકો ઉપર ઠોકી બેસાડેલું છે. વળી કોઈ કહે, અમે હિંદુ નથી, આર્ય છીએ. હિંદુ કહેવડાવવામાં અમારી સંસ્કૃતિમાંથી ચલિત થઈ, ‘હિંદ’ના જેવીમાં સપડાવાનું થશે એવો સંભ્રમ આવા લોકોના મનમાં છે. તેમ છતાં, સ્વતંત્રતા મળ્યા પછી હિંદુ શબ્દ પ્રચલિત થયો છે. બાલીહિંદુ કહેવડાવવું ગ્રામજનોને વધુ પસંદ હોય એમ લાગે છે, વીસેક લાખની વસ્તી મુખ્યત્વે હિંદુ છે. કોઈક જ મુસ્લિમ છે, જેમાં સોએક ઘર હિંદમાંથી આવેલા વહોરા વગેરે મુસ્લિમોનાં છે.
બાલીની વિધાનસભા છે. તો શરૂઆતનાં વરસોમાં ગેરીલા પણ હતા, જેઓ બાલીની સ્ત્રીઓના ફોટોગ્રાફ વેચતા પરદેશીઓ વગેરેની હત્યા કરતા. એ વર્ગને ધર્મ પસંદ નથી. ભૌતિક વિકાસ એ ઝંખે છે.
લોકો આરામપ્રિય છે. જોઈતું મળી જાય એટલે કામ છોડી દે. ડુંગરોમાંથી એક જણ આવ્યો. ખમીસ જોઈતું હતું. તેટલો વખત મજૂરી કરવા આવ્યો હતો. પણ એક અગત્યના કામમાં એને લગાડવામાં આવ્યો. ખમીસ મળી જાય એટલું કમાયો એટલે તરત ચાલ્યો ગયો. જોવાનું છે કે મફત એ બંદો કોઈ વસ્તુ લે નહીં.
સ્ત્રીઓ પણ કામ કરે છે. બલકે બાલીમાં સ્ત્રીઓના જીવનમાં સ્વતંત્રતા જેવું છે તેનું કારણ તેઓ આર્થિક રીતે સ્વતંત્ર છે એ છે. પતિ પસંદ કરવામાં પણ મોટેરાંઓથી તેઓ સ્વતંત્ર છે. બન્જાર(પંચાયત)ને લીધે અમુક મર્યાદા જળવાય છે. બંને જણાં નક્કી કરે, મંદિરમાં પૂજારી પાણી ચડાવીને લગ્ન કરાવી દે છે. બહુપત્નીપ્રથા છે, પણ આર્થિક સ્વાતંત્ર્ય હોઈ સ્ત્રી તેની પરવા કરતી નથી. જાવામાં પંચાયતનું બંધન ન હોઈ પતિ બદલવાનો રિવાજ વધુ છે. ત્યાં મોટાં શહેરો બહુ અને ગરીબી પણ બહુ. અહીં મુખ્યત્વે ગ્રામસમાજ અને પંચાયત(ધર્મ)ની આમન્યા જેવું છે અને ખેતી ધંધો સારો છે એટલે લોકોનું વિવાહજીવન ઊંચું છે. જાવામાં તો કહેવત છે કે ગાન્તી લોકિ (અથવા ‘સ્વામી’) ગાન્તી પાકિયાન સામ સામા. – પતિ બદલવો અને કપડાં બદલવાં સરખાં છે.
બન્જાર(પંચાયત)ની સમૂહજીવનમાં ઘણી ઓથ છે. બે જણાં પરણે એટલે જુદું ઘર બાંધી લે. ઘર બંધાવવા બન્જાર આવે. સિમેન્ટ, નળિયાંનું અને ચા પિવડાવવાનું ખર્ચ થાય એ જ. ગજા પ્રમાણે ઘર બનાવે. જગા ન હોય તો બન્જાર પાસે માગી લે. આખો રસ્તો ભરીને એક મોટો વંડો બન્જારનો હોય. સમૂહજીવનની તાલીમ આ પ્રજાને સારી છે.
સમૂહ-રાંધણનો પણ એક પ્રયોગ છે. ઉતાવળ હોય ત્યારે દરેક જણા ભેગું રાંધી લે. એક હાંડી ઊકળતી હોય તેમાં નાળિયેરીનાં પાંદડાંની ગૂંથેલી ડબીમાં ચોખા રાખી ગાંઠ લગાવીને અંદર નાખી જાય. પછીથી પોતપોતાનું ઉઠાવી લે.
અહીં અમીર નથી. ગરીબ નથી. ભિખારી નથી. (જાવામાં શહેરોમાં જોવા મળે.)
અહીં બાલીમાં જ નહીં – આખા ઇન્ડોનેશિયામાં એક રિવાજ જોયો, કૉફીને લીધે પેટમાં થતી ગરમી મટાડવા માણસો પાણીમાં કમર સુધીનો ભાગ ડુબાડી ઊભા પગે બેસે.*[1] નદી આગળ પસાર થયા તો ત્યાં ઉપરવાસ સ્ત્રીઓ અને નીચેવાસ પુરુષો એ રીતે નહાવા બેઠેલ. દરિયામાં પણ બેસે.
તંપકસિરિંગમાં ડૉ. સુકર્ણોના મુકામ તરફ જતી ભેખડ અમે ચઢ્યા ત્યાં પાણીના પ્રવાહમાં એક બે બાઈઓ બેઠેલી. – અમને તો આવા રિવાજની ખબર જ નહીં!
રાતે હોટેલ બાલીમાં નૃત્યપ્રયોગ હતો, તે જોવા ગયો. પ્રસિદ્ધ મંકી(વાનર) ડાન્સ જોવાની તક મને મળી નહીં, પણ લેગોન્ગ નૃત્ય જોવા મળ્યું. અર્જુન અંગેની કાંઈક કથા હતી. લેગોન્ગ નૃત્ય નાની ઉંમરની બાલાઓ કરે છે. નૃત્યપ્રયોગની પરાકાષ્ઠાની વીગત સ્મૃતિમાં રહી ગઈ છે : નાયિકા નૃત્ય કરતાં કરતાં પુષ્પથી પ્રહાર કરે છે અને ખલનાયક એથી મૃત્યુશરણ થાય છે.
બાલીમાં હવે તો ઘણાં પરિવર્તન થયાં હશે. ઇન્ડોનેશિયાને સ્વાતંત્ર્ય મળ્યું તેની અરુણાઈમાં ત્રણેક દિવસમાં જે અલપઝલપ ઝાંખી થઈ એ એક અનોખી અને છતાં આત્મીયતા ભરી હતી.
ઇન્ડોનેશિયાથી સિંગાપુર આવ્યો ત્યારે વિમાનમાંથી ઊતરેલાં એક બહેને કહ્યું કે પોતે બાલીહિંદુ છે, પોતાના પતિ અમેરિકામાં રાજદૂતાવાસમાં કામ કરતા હોઈ તેમની પાસે એ જઈ રહ્યાં હતાં. હમણાં ૧૯૭૦માં જાપાનમાં ક્યોતોમાં વિશ્વધર્મપરિષદ ભરાઈ તેમાં પહેલે દિવસે ધર્મવાર બધા જુદા જુદા કમરામાં મળ્યા ત્યારે મને વચ્ચે બેસાડ્યો હતો. પાસે બેઠેલાં બાલીનાં હિંદુ સન્નરી શ્રીમતી બાગુસ ઓકાનું સંસ્કૃતમાં સ્વાગત કરી કાર્ય આરંભ્યું હતું. બહેન ઓકા પ્રોફેસર છે અને સંસદસભ્ય છે એમ જાણ્યું. પછીથી સાંભળ્યું કે તેઓ અવારનવાર હિંદમાં આવેલ છે અને ગીતા અને ગાંધીજી ઉપર એમને ભાવ છે. હમણાં ગઈ ગાંધીજયન્તીએ ભારતના વડાપ્રધાન તરફથી જાકાર્તામાં આપણા રાજદૂતે એમને ચરખો ભેટ આપ્યાના છાપામાં સમાચાર છે.
બાલી કલાતીર્થ છે. પહેલાં એનાં સૌન્દર્યસ્થળોએ ડચ, જર્મન, બ્રિટિશ, અમેરિકન કલાકારો ધામા નાખીને રહેતા. તાજેતરમાં ઇન્ડોનેશિયાના અગ્રગણ્ય સંસ્કારનેતા અલીસ્યાબાનાએ બાલીમાં સંસ્કારકેન્દ્ર ખોલ્યાનું જાણી સહેજે સંતોષ અનુભવ્યો.
૨૩-૧૦-૧૯૭૭[‘સંસ્કૃતિ’, ઑક્ટોબર, નવેમ્બર ૧૯૭૭માં છપાયું]
[યાત્રી, સંપા. સ્વાતિ જોશી, ૧૯૯૪]
'નોંધ:
- ↑ * નિસર્ગોપચારમાં આવા સ્નાનની હિમાયત કરવામાં આવે છે.