રચનાવલી/૯૦

Revision as of 11:19, 8 May 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૯૦. ગુરુવચનમાળા – રમણ મહર્ષિ


રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, કૃષ્ણમૂર્તિ – આ એવાં નામો છે, જેની સાથે ભારતીયવિચાર સંકળાયેલો છે. એમાં ય રામકૃષ્ણ પરમહંસના ભક્તિમાર્ગને સામે છેડે શંકરાચાર્ય પછી જ્ઞાનમાર્ગને જો કોઈએ આગળ કર્યો હોય તો તે રમણ મહર્ષિએ, શંકરાચાર્યનો જ્ઞાનમાર્ગ ભારતીય ભક્તિઆંદોલનમાં લગભગ ભુસાઈ ગયો હતો, એને રમણ મહર્ષિએ ફરી ધબકતો કર્યો. રમણ મહર્ષિએ, કહેવાય છે કે વૈજ્ઞાનિક શોધકની જેમ પોતાની અંદર ઊતરી ચેતનાની ઊંડી સેરોને જોઈ તપાસી છે અને પોતા વિશેનો વિચાર કરવાની પદ્ધતિ વિકસાવી છે. આગ્રહપૂર્વકની બૌદ્ધિક ઝીણવટ ધરાવતી દક્ષિણ ભારતની તમિળ સંસ્કૃતિના તેઓ મહત્ત્વના પ્રતિનિધિ છે. વકીલ પિતા સુન્દરમ્ તિરુચુઝીમાં અચાનક અવસાન થતાં કિશોર વેંકટરામન પોતાના મોટાભાઈ નાગસ્વામી સાથે કાકા સુબ્બા આય્યરને ત્યાં મદુરાઈ ગયા, ત્યાં એમણે અરુણાચલમ વિશે ઘણું સાંભળ્યું. તિરુવન્નમલાઈ નજીકના આ શિવથાનક તરફ એમને આકર્ષણ થયું. અને ત્યાં એક બનાવ બન્યો. કાકાના ઘરમાં ઉપલે માળે વેંકટરામન એકલા હતા. અને શરીર સંપૂર્ણ સ્વસ્થ હતું. છતાં એમને ઓચિંતો મૃત્યુનો ભય લાગવા માંડ્યો. તેમણે વિચાર્યું : ‘હું મરવાની અણી પર છું. આ મૃત્યુનો શો અર્થ? કોણ મૃત્યુ પામે છે? આ શરીર મૃત્યુ પામે છે.' વેંકટરામને મરી જવાનો પાઠ ભજવ્યો, હાથપગ અક્કડ કરી દીધા. શ્વાસ રૂંધી દીધો. મોં બંધ કરી દીધું. વિચાર્યું : ‘શરીર તે જ હું છું? દેહ તો શાંત, સ્થિર છે. પણ મને તો મારા વ્યક્તિત્વની પૂર્ણ શક્તિનો અનુભવ થઈ રહ્યો છે.' મૃત્યુની આ અનુભૂતિએ ‘હું કોણ છું?’ની શોધ માટે તાલાવેલી જગવી. અને છેવટે વેંકટરામને અરુણાચલમ્ - તિરુવનમલાઈ જવા માટે ઘર છોડ્યું. તિરુવન્નમલાઈ પહોંચ્યા. અરુણાચલેશ્વરના મન્દિરમાં જઈ શિવ સામે ઊભા રહી ગયા. એમનાં વર્ષોનાં વર્ષો આ અરુણાચલની આસપાસ વીત્યાં. ચાર ચાર મહિના સુધી સ્નાન વગર ગાળ્યા. અઢાર મહિના સુધી વાળ કપાયા નહીં. દાઢી વધતી ગઈ. આખો દેખાવ ભયંકર બની ગયો. વેંકટરામનને પોતાનું કોઈ ભાન નહોતું. કહેવાય છે કે તેઓ પોતાનામાં લીન હતા. પહેલાં મન્દિરમાં, પછી મન્દિર નજીકના ઢોળાવ પર, પછી વિરૂપાક્ષ ગુફામાં એમ વિવિધ રીતે વાસ બદલતા ગયા. અને એમ સમાધિનાં વર્ષો વીતતાં ગયાં. એવામાં મૃત્યુનો પહેલાં થયો હતો એવો જ અનુભવ એમને તળાવમાં નહાતાં નહાતાં ફરીને થયો. મૃત્યુના આ બબ્બે વારના અનુભવે વેંકટરામનને જીવનના ઊંડા મર્મની શોધ સાથે સાંકળ્યા. અને પછી રમણ મહર્ષિ સ્થાપિત કર્યા. એમણે અરુણાચલના દક્ષિણ તરફના ઢોળાવ પર પોતાની માતાની સમાધિની આસપાસ ઘાસથી છાયેલા એક છાપરાથી ‘રમણાશ્રમ’ની શરૂઆત કરી, જેનો પછી વિસ્તાર થયો. સંસ્કૃત કવિ ગણપતિ શાસ્ત્રી અને તમિળ કવિ મુરુગનારના સંસર્ગથી અને આગ્રહથી રમણ મહર્ષિએ ઘણું લખ્યું. સંસ્કૃતના સ્તોત્રો રચવાથી માંડી તમિળ ભાષામાં નાનાં નાનાં ભક્તિગીતો લખ્યાં. ઉપરાંત ‘પદિકમ્’ના અગિયાર શ્લોકો અને ‘અષ્ટકમ્'ના આઠ શ્લોકો પણ એમણે રચ્યા. મુરુગનારના આગ્રહથી રમણ મહર્ષિની છૂટક પદ્યરચનાઓને ‘સત વિશેના ચાલીસ શ્લોકો’માં એકત્રિત કરવામાં આવી છે. ગણપતિ શાસ્ત્રીએ તેનો ‘સતદર્શન' નામે સંસ્કૃતમાં અનુવાદ કર્યો છે. રમણ મહર્ષિએ એમનું છેલ્લું કાવ્ય ‘એકાત્મપંચકમ્’ લખ્યું. આ તેલુગુમાં લખાયેલું કાવ્ય રમણ મહર્ષિએ પોતે જ તમિલ ભાષામાં અનૂદિત કર્યું છે. પણ આ બધામાં સૌથી મહત્ત્વનો ગ્રંથ તે ‘ગુરુવચનમાળા’(ગુરુવાચક કોળઈ) છે. મહર્ષિના વચનામૃતોનો એ સંગ્રહ છે. અને કવિ મુરુગનારે એનું સંપાદનલેખન કર્યું છે. એમાં ૧૨૮૨ શ્લોકો છે, જેમાંથી ૨૮ શ્લોકો મહર્ષિના પોતાના છે, જ્યારે બાકીના શ્લોકો ગુરુમુખેથી નીકળેલાં વચનોને મુરુગનારે પોતાની રીતે લખ્યાં અને સંસ્કાર્યાં છે. આ શ્લોકો કુલ ૨૩૧ પ્રકરણોમાં વહેંચાયેલા છે. તમિળ વાચકવર્ગ માટે આ મહત્ત્વનો ગ્રંથ છે. આ શ્લોકોમાં રમણ મહર્ષિના વ્યક્ત થયેલા વિશેષ વિચારો અને દૃષ્ટાંતોથી એકદમ ધ્યાન ખેંચતું ભાષાનું માળખું ભાષાન્તરમાં પણ પોતાનું આકર્ષણ ગુમાવતાં નથી. આ આભાસી જગતને સાચું માનનારાઓ માટે એમણે રચેલા એક શ્લોકનું ઉદાહરણ જોવા જેવું છે; ‘આભાસરૂપ જગતમાં, વાસ્તવિકતાનું, આરોપણ કરવાનો પ્રયત્ન કરવો તે મોહાંધ પ્રેમીના વેશ્યા પર શીલનું આરોપણ કરવાના પ્રયાસ જેવું છે.' પોતે પોતાની ચિંતાનો બોજ ખેંચવાની જરૂર નથી. એ બોજ પરમતત્ત્વને સોંપી દેવા જેવા છે. આ વાતને મહર્ષિએ ટ્રેનના ઉદાહરણ સાથે મૂકી છે : ‘સમજુ પ્રવાસીઓ પોતાનો સામાન પોતાના નિર્બળ માથા ઉપર ઉપાડતા નથી. વરાળની શક્તિથી ખેંચાતી ઝડપી ટ્રેનમાં ભારેમાં ભારે બોજ ઘાસનાં તરણાં જેવો છે.' સમુદ્રનો ઉલ્લેખ કરી સઢ અને લંગરનાં ઉદાહરણો દ્વારા મહર્ષિએ બે વિરુદ્ધ પ્રકારની વસ્તુની સહાયથી જ્ઞાનનું લક્ષણ સમજાવ્યું છે : ‘વહાણના ખુલ્લા, ફેલાયેલા અને પવન અને વરસાદથી ફાટી જતા સઢની જેમ નહીં, પણ વિશાળ સમુદ્રમાં ઊંડે નાખેલા વિનમ્ર લંગરની જેમ, મનહૃદયમાં ડૂબકી મારે અને સ્થિર બને તે જ્ઞાનનું લક્ષણ છે.' દરેકે પોતાનો માર્ગ પોતે કંડારવાનો છે. કોઈનો માર્ગ કોઈને ખપમાં આવતો નથી. આ વાતને મહર્ષિએ આમ મૂકી છે : ‘આકાશમાં પંખીઓ અને જળમાં મત્સ્યો ઉછાળા મારે છે અને પાછળ નિશાની છોડી જતા નથી. અને શોધ કરીને આત્મને પામેલા લોકોએ અનુસરેલા માર્ગને કોઈ જાણી શકતું નથી.’ મનુષ્યનો બહારનો દોરદમામ અને એનું સ્થાન જોઈને મનુષ્યને ઊંચો નીચો કલ્પવાની તો જગતની જાણીતી પદ્ધતિ છે પણ મહર્ષિ એ પદ્ધતિનો છેદ ઉડાવી કહે છે : ‘બિચારાં ફોતરાં પૂરમાં સપાટી પર તરે છે, મોતી નીચે ઊતરીને તળિયે બેસી જાય છે. જગતમાં મનુષ્યો ઊંચે કે નીચે તેઓ કેવા હોય તેને કારણે હોય છે, ક્યાં હોય છે તેને કારણે નહીં.’ આમ રમણ મહર્ષિનો જ્ઞાનમાર્ગ એ પોતાને, પોતાના સ્વરૂપને ઓળખવાનો જ્ઞાનમાર્ગ છે અને એમના કહેવા પ્રમાણે આ સીધો માર્ગ દરેકને માટે ખુલ્લો છે.’ જે પોતાને ઓળખે છે, જાણે છે, એ સર્વ જીવોની સાથે દરેક પીડા અને આનંદ અનુભવીને પૂર્ણપણે મનુષ્યધર્મ બજાવે છે એવી મહર્ષિને પ્રતીતિ છે. નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયાએ કૃ. સ્વામીનાથને લખેલી અને સરલા જગમોહને ગુજરાતીમાં અનુવાદિત કરેલી ‘રમણ મહર્ષિ’ (૧૯૭૯) પુસ્તિકા બહાર પાડેલી છે.