રચનાવલી/૧૭૦


૧૭૦. અ પેસિજ ટુ ઇન્ડિયા (ઇ. એમ. ફોર્સ્ટર)


‘માત્ર સંબંધ જોડી!’નો ઇ.એમ. ફોર્સ્ટરનો સંદેશ આજે પણ કેટલો વ્યાજબી છે! આજે પણ માણસ માણસની સાથે લાખ ઉપાયે જોડાઈ શકતો નથી, માણસ માણસ વચ્ચે પડેલું ભંગાણ રીતસરનું જોઈ શકાય છે. નથી બે પ્રજા જોડાઈ શકતી, નથી બે કોમો જોડાઈ શકતી કે નથી બે વ્યક્તિઓ જોડાઈ શકતી. વળી નકામાં એકબીજાને સમજવા જતાં પાર વગરની ગેરસમજો વહોરી બેસીએ છીએ. માનવજીવનની આ વ્યાપક કરુણતાનું નિદાન વર્ષો પહેલાં અંગ્રેજી નવલકથાકાર ઇ. એમ. ફોસ્ટરે એની બહુ જાણીતી નવલકથા ‘ભારત પ્રવાસ’ (એ પૅસિજ ટુ ઇન્ડિયા)માં કરેલું છે. લંડનમાં ૧૮૭૯માં જન્મેલા ફોર્સ્ટર પહેલા ઇટલી અને ગ્રીસમાં રહીને પછી ભારતમાં બે વાર આવી ગયા છે. ૧૯૧૧-૧૨ની એમની પહેલી મુલાકાત પછી એમની બીજી મુલાકાત ૧૯૨૧માં દૈવાસના રાજાના મંત્રી તરીકેની હતી. ભારતના પહેલા પ્રવાસે ભારતના દૃઢ કરેલા સંસ્કારો એમના બીજા પ્રવાસ દરમ્યાન ‘અ પૅસિજ ટુ ઇન્ડિયા’ નવલકથાનો ચોક્કસ આકાર લે છે. એમાં એમણે બ્રિટિશ સમયના ભારતનો, અંગ્રેજો અને ભારતીયોના વ્યવહારોનો, હિન્દુઓ અને મુસલમાનોનાં પરસ્પરનાં વલણોનો જાત અનુભવના બળ ઉપર બારીકાઈથી ચિતાર આપ્યો છે. આમ તો, પાંચ જેટલી પ્રશિષ્ટ નવલકથાઓથી અંગ્રેજી નવલકથામાં પોતાનું સ્થાન મુકરર કરનાર ફોર્સ્ટરની આ ‘અ પૅસિજ ટુ ઇન્ડિયા’ એ ૧૯૨૪ લખાયેલી છેલ્લી નવલકથા છે. ૧૯૭૦માં ફોર્સ્ટર અવસાન પામ્યા ત્યાં સુધીનાં ૪૬ વર્ષમાં એમણે બીજી એક પણ નવલકથા રચી નથી. ‘અ પૅસિજ ટુ ઇન્ડિયા’ નવલકથા ત્રણ ભાગમાં ખૂલે છે : મસ્જિદ, ગુફાઓ અને મંદિર. મસ્જિદ વિભાગમાં અંગ્રેજો અને ભારતીયોના રાગદ્વેષ દૃઢ થાય છે, તો ગુફાઓમાં બંને વચ્ચે ખાઈ વિસ્તરે છે, અને મન્દિરમાં વિસ્તરેલી ખાઈ કોઈ પણ હિસાબે ભારત મુક્ત થાય તો જ પુરાય એવી છે એનો અણસાર પમાય છે. કથા આ પ્રમાણે છે : ડૉ. કૈલિન્ડર ડૉ. અઝીઝને હૉસ્પિટલ પર એકદમ બોલાવે છે પણ પછી હાજર રહેતા નથી અને જે વાહનમાં ડૉ. અઝીઝ આવેલા એ વાહનને લઈને બે અંગ્રેજ મહિલા કોઈ પણ જાતની આભારની લાગણી બતાવ્યા વગર ચાલતી પકડે છે. એથી ડૉ. અઝીઝ અંગ્રેજો દ્વારા થતા ચોક્કસ પ્રકારના વર્તાવ પર ક્ષુબ્ધ થઈ મસ્જિદમાં જઈને શાંત થવાના પ્રયત્નો કરે છે. ત્યાં એક વૃદ્ધ અંગ્રેજ મહિલા મિસિસ મૂરને જોઈ ડૉ. અઝીઝ પહેલાં તો બગડે છે, પણ પછી એની સાથેની વાતચીતથી રાજી થાય છે. મિસિસ મૂર ચન્દ્રપુરમાં મેજિસ્ટ્રેટ તરીકે કામ કરતા રોની હીોપની તાજેતરમાં ઇંગ્લૅન્ડથી આવેલી માતા છે. મિસિસ મૂર સાથે રોનીની મિત્ર એડિલા પણ આવી છે અને એ સાચું ભારત જોવા માગે છે. આ બાજુ ગવર્નમેન્ટ કૉલેજના પ્રિન્સિપાલ ફીલ્ડિંગનો ભારતીયો તરફ વિશેષ સમભાવ છે; અને ડૉ. અઝીઝ સાથે એને સારું બને છે. ફીલ્ડિંગ ચાની પાર્ટીમાં એડિલા અને મિસિસ મૂર સાથે ડૉ. અઝીઝ તેમજ પ્રોફેસર ગોડબોલેને પણ નિમંત્રે છે પણ ત્યાં મેજિસ્ટ્રેટ રોનીનો વ્યવહાર અત્યંત રૂક્ષ છે અને તેથી એની મિત્ર એડિલાનો એની સાથેનો સંબંધ ભયમાં આવી પડે છે. મિસિસ મૂર અને એડિલાને ડૉ. અઝીઝ ચન્દ્રપુરની ગુફાઓ જોવા નિમંત્રે છે. ફીલ્ડિંગ અને ગોડબોલે ત્યાં આવવામાં મોડા પડે છે, અને એક ગુફા જોયા પછી મિસિસ મૂર બેચેની અનુભવે છે. વળી આટલા બધા દેશીઓને પોતાની તહેનાતમાં કામ કરતા જોઈને પણ મિસિસ મૂર વ્યથિત થઈ જાય છે. આથી ગુફાની બહારના એક પથ્થર પર મિસિસ મૂર બેસી જાય છે અને ડૉ. અઝીઝ તેમજ એડિલા બીજી ગુફાઓ જોવા આગળ વધે છે. આ દરમ્યાન બંને સહેજ જુદા પડી જાય છે ત્યારબાદ ફીલ્ડિની કારમાં મિસિસ મૂર અને ડૉ. અઝીઝ પાછા ફરે છે. ડૉ. અઝીઝ સ્ટેશન પર પહોંચે છે તો એને ખબર પડે છે કે એની પર એડિલાએ બળાત્કારનો આરોપ મૂક્યો છે. પ્રિન્સિપાલ ફીલ્ડિંગ અને મિસિસ મૂર બંને સ્પષ્ટ કહે છે કે આ આરોપ એકદમ ખોટો છે. છતાં ડૉ. અઝીઝને જેલમાં ધકેલી દેવામાં આવે છે. અંગ્રેજ પરિવારો એકદમ રોષે ભરાય છે અને ભારતીયો તેમજ અંગ્રેજો વચ્ચે એક મોટો તણાવ ઊભો થાય છે. આ દરમિયાન મેજિસ્ટ્રેટ રોની માતા મિસિસ મૂરને ઇંગ્લૅન્ડ મોકલી આપે છે. મેજિસ્ટ્રેટ રોનીની આ ઘટનામાં સીધી સંડોવણી હોવાથી આ સુનાવણી ભારતીય દાસ આગળ ચાલે છે. દાસ આગળ સાક્ષીના પાંજરામાં આવતા એડિલા કબૂલે છે કે ડૉ. અઝીઝ એની પાછળ આવેલા કે કેમ એની એને ચોક્કસ ખબર નથી. આટલું કહીને એ ભાંગી પડે છે. સુનાવણીનો ઓચિંતો અંત આવતા અંગ્રેજ પરિવારો ધૂંઘવાઈ ઊઠે છે. ભારતીયોના વિજય ઉત્સવ દરમ્યાન પ્રિન્સિપાલ ફીલ્ડિંગને અઝીઝથી જુદા કરી એને એડિલા સાથે સાંકળવામાં આવે છે. બે વર્ષ પછી ડૉ. અઝીઝ ચન્દ્રપુર છોડીને સ્વતંત્ર હિન્દુ રાજ્યના કોઈ વૃદ્ધ રાજવીની ચિકિત્સાથે તહેનાતમાં રહી જાય છે. ફીલ્ડિંગ ઇંગ્લૅન્ડ પહોંચે છે અને જૂના મિત્ર ડૉ, અઝીઝ પર પત્રો લખવા છતાં એમના પત્રો અનુત્તરિત રહે છે. ડૉ. અઝીઝ માને છે કે પોતાને માનહાનિના મળનાર પૈસાથી ફીલ્ડિંગ ઇંગ્લેન્ડ પહોંચી ગયો છે અને ત્યાં એડિલા સાથે લગ્ન કરી બેઠો છે. હકીકતમાં ફીલ્ડિંગે એડિલા સાથે નહીં પણ મિસિસ મૂરની દીકરી સ્ટેલા સાથે લગ્ન કર્યા હતા. કોઈએક ધાર્મિક ઉત્સવમાં એક રાત્રે ફિલ્ડીંગ અને સ્ટેલા ડૉ. અઝીઝને મળવા આવે છે અને સાચું કારણ જાણી લીધા પછી પણ ડૉ. અઝીઝનો વ્યવહાર ઠંડો રહે છે. આ દરમ્યાન વૃદ્ધ રાજવીનુ મૃત્યુ થતાં ડૉ. અઝીઝ અને ફીલ્ડિંગ બંને ગામપ્રદેશમાં ઘોડા પર ફરવા નીકળે છે. બંને ભારતના ભવિષ્ય અંગે ચિંતિત છે પણ ડૉ. અઝીઝ સ્પષ્ટ જાહેર કરે છે કે અંગ્રેજોથી મુક્તિ સિવાય બીજું કશું હવે ખપે તેમ નથી. એક બાજુ અંગ્રેજોની રીતભાતથી હંમેશા નારાજ રહેતો ફીલ્ડીંગ હવે અંગ્રેજોની વચ્ચે સ્થિર થવાનો છે બીજી બાજુ અઝીઝ વધુ ને વધુ ભારતીય બની ગયો છે. બંને મિત્રો ફરી મળવાના ન હોય એમ જુદા પડી જાય છે. આમ અંગ્રેજો અને ભારતીયો વચ્ચેની ગેરસમજની આ કથા છે, પણ એમાં એ સમયના ભારતની સુંદરતા અને વિકટતાનું દૃશ્ય બરાબર ઝિલાયેલું છે અને હજી આજે પણ આ નવલકથાએ રજૂ કરેલી પ્રજા-પ્રજા કે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના ભંગાણની સમસ્યા ડોળા કાઢીને આપણી સમક્ષ ઊભેલી જ છે.