રચનાવલી/૧૬૯
અંગ્રેજી સાહિત્યમાં રૉમેન્ટિક યુગ પછી વિક્ટોરિયન યુગમાં એક પ્રકારની નિરાશાનો ભાવ છવાયેલો હતો. આ નિરાશાના વાતાવરણ વચ્ચે આશા અને ઉત્સાહ વધારે એવો એક શક્તિશાળી કવિ આવ્યો, એનું નામ રોબર્ટ બ્રાઉનિંગ. ૧૮૧૨થી ૧૮૮૯ દરમ્યાન હયાત આ કવિએ ઘેર બેઠા અંગ્રેજી શિક્ષણ લીધું પણ પછી શાળામાં અને લંડન યુનિવર્સિટીમાં પણ પ્રવેશ મેળવેલો. વિદ્યાર્થી તરીકે બ્રાઉનિંગને બાયરન, કીટ્સ અને શેલી જેવા કવિઓ તરફ વધારે આકર્ષણ હતું. કારણ બહુ નાની ઉંમરે બ્રાઉનિંગે કવિતા લખવાની શરૂઆત કરેલી. આમ તો બ્રાઉનિંગના જીવનમાં કોઈ મોટી ઊથલપાથલ થઈ નથી; સિવાય કે એનાથી છ વર્ષ મોટી લંડનમાં વિમપોલ સ્ટ્રીટમાં પિતા સાથે રહેતી એક અશક્ત અને માંદી ઇલિઝાબેથ બેરેટ જેવી કવિ સાથે ૧૮૪૬માં બ્રાઉનિંગે ભાગી જઈને લગ્ન કર્યું. લગ્ન પછી થોડા સમયમાં બંનેએ ઇટાલિને પોતાનું ઘર બનાવ્યું. ઇલિઝાબેથ ફ્લોરેન્સમાં જ મૃત્યુ પામી. પણ બ્રાઉનિંગના જીવનમાં એણે પ્રેમનું જબરું મહત્ત્વ ઉપસાવ્યું. બ્રાઉનિંગે પોતાની કાવ્યરચનાઓમાં કલા, ધર્મ અને પ્રેમને વિષય બનાવેલાં, તેમાં ય પ્રેમની રચનાઓમાં બ્રાઉનિંગને ખાસ સફળતા મળી છે. બ્રાઉનિંગની રચનાઓમાં પ્રેમ મધ્યવર્તી છે, તેની સાથે આ રચનાઓમાં નાટ્યાત્મક ગતિ પણ મધ્યવર્તી છે. બ્રાઉનિંગે નાટ્યાત્મક એકોક્તિ (ડ્રામેટિક મોનોલોગ)નો એક ખાસ કાવ્યપ્રકાર ખેડ્યો, એની પહેલાં ટેનીસને આ કાવ્યપ્રકાર અખત્યાર કરેલો ખરો, પણ બ્રાઉનિંગ અનેક પ્રયોગો દ્વારા આ કાવ્યપ્રકારનો અગ્રણી બનીને ઊભો રહ્યો. નાટ્યાત્મક એકોક્તિમાં કોઈ એક પાત્રની હાજરીમાં બીજું પાત્ર બોલ્યા કરે છે એટલે કે કોઈ એક પાત્રની ઉક્તિમાં બીજા પાત્રની હાજરી વર્તાયા કરે છે અને એ રીતે પાત્રનું મન આપણી આગળ ખુલ્લું થયા કરે છે. બ્રાઉનિંગનાં ઘણાંબધાં પાત્રો અસાધારણ અને અસામાન્ય છે. એમનું ભીતર રચનાઓમાં પ્રગટ થાય છે. બ્રાઉનિંગ કાવ્યરચનાઓ પરિસ્થિતિ અંગે નહીં પણ મનઃસ્થિતિ અંગે નાટ્યોક્તિઓ રચે છે. એક રીતે જોઈએ તો ફ્રોઇડના આગમન પહેલાં અહીં મનોવિશ્લેષણ અને મનના પ્રવાહોનું નિદર્શન જોવા મળે છે. વળી, બ્રાઉનિંગનું વાચન વિશાળ હતું તથા ઇટાલિયન પુનરુત્થાન સમયના ઘણા વિષયો બ્રાઉનિંગે હાથ ધરેલા, તેથી એની રચનાઓ ખાસ્સી અઘરી અને સમજવી મુશ્કેલ હતી. પરંતુ બ્રાઉનિંગની અઘરી રચનાઓ વચ્ચે પ્રેમનો મહિમા સમજાવતી એની એક કાવ્યરચના વધુ જાણીતી છે. ‘ખંડેરો વચ્ચે પ્રેમ’ (‘લવ અમંગ ધ રૂઈન્સ’) કાવ્ય રચનામાં સામાન્ય રીતે બ્રાઉનિંગે પોતાની બરછટ, જથરપથર અને બલિષ્ઠ શૈલીને સ્થાને જુદી શૈલી અપનાવી ‘પ્રેમ સર્વોત્તમ છે’ (‘લવ ઇઝ બેસ્ટ’)નો અનુભવ ઊભો કર્યો છે. પ્રેમ સમય અને મૃત્યુથી પર છે. ભૌતિક વસ્તુઓ નાશવંત છે. ભૌતિક ઇચ્છાઓ અને સિદ્ધિઓ ક્ષણજીવી છે પરંતુ પ્રેમની લાગણી ચિરંજીવી છે. આ વાતને બ્રાઉનિંગે બરાબર વિરોધ સાથે કાવ્યમાં ઉપસાવી છે. વિરોધને માટે બ્રાઉનિંગે રચનામાં રોમન ખંડેરોનું દૃશ્ય લીધું છે. ૧૮૫૩-૫૪ દરમ્યાન ઇટાલિમાં રોમની ફરતે ચારે તરફના ઢોળાવ પર વિખરાયેલા પ્રાચીન ખંડેરોની કવિએ મુલાકાત લીધી હતી એનો અહીં ઉપયોગ કર્યો છે. આજના રોમની ફરતે ચારેબાજુના ઢોળાવ પરનું રોમન સામ્રાજ્ય એકવારનું અનેક નગરોનું સત્તાસ્થાન હતું. આ સમગ્ર ક્ષેત્રનો વિસ્મયકારી સન્નાટો કવિના ચિત્તને મધુર વિષાદથી ભરી મૂકે છે અને છેવટે પ્રેમની ચિરંજીવી લાગણી પર પહોંચાડે છે. અહીં ઘેટાના ટોળા સાથેનો એક ગોપયુવક બીજા ગોપયુવકને સંબોધી રહ્યો છે. બીજા ગોપયુવકની તો માત્ર અહીં હાજરી જ છે. પહેલું સાંજનું દૃશ્ય ઊઘડે છે. માઇલોના માઇલો સુધી સાંજના શાંત રંગો પથરાયેલા છે. એકાન્ત ઘાસનાં મેદાનો પર અઘઊંઘમાં ઘેટાંઓ વહી રહ્યાં છે. એમના ગળાની ઘંટડીઓ બજી રહી છે. ઘેટાં ક્યાંક થોભે છે, ક્યાંક જરા છૂટા પડે છે અને ક્યાંક ઘાસ ખેંચીને ખાઈ રહ્યાં છે. આ મેદાનો એકવારના ઉલ્લાસપૂર્ણ મહાનગરની જગા છે. અહીં રાજધાની હશે, અહીં રાજા બેસતો હશે, અહીં મંત્રીઓ જોડે મસલતો થતી હશે. અહીંથી યુદ્ધ અને શાંતિના નિર્ણયો લેવાતા હશે. પણ અત્યારે તો સમ ખાવાનું એકાદું ઝાડ પણ આ ઢોળાવ પર નથી. નાનાં નાળાંઓ વહી આવીને એકબીજામાં ભળી જાય છે. જ્વાલાઓની જેમ ઊંચે જતાં મિનારાઓ, સો સો દ૨વાજાઓ અને ફરતી દીવાલો વચ્ચે આરસનો મહેલ હશે. પણ આજે તો અફાટ ઘાસ, ઉનાળામાં જાજમની જેમ પથરાયેલું છે. ચાંક ખંડેરોનો રહ્યો ખડ્યો ખૂંપો કે પત્થર દેખાય છે. સદીઓ પૂર્વે અહીં લોકસમુદાય સુખદુઃખને શ્વસતો હતો. વૈભવ અને જાહોજલાલીથી ચકનાચૂર હતો. પણ આજે મેદાન વચ્ચે એક ભાંગેલો મિનારો બચ્યો છે. ઉપર વેલ ચઢી ગઈ છે. ક્યાંક તિરાડમાંથી વેલનાં ફૂલો ડોકિયું કરી રહ્યાં છે. પ્રાચીન કાળમાં આ જ પગથારમાં રથની સ્પર્ધા થઈ હશે. રાજા, એના શાગિર્દી અને એની રાણીઓએ રમતોને નિહાળી હશે. પણ અત્યારે શાંત રંગભરી સાંજ જવા જવામાં છે. ઘંટી બજાવતાં અનેક ઘેટાં વચ્ચેની શાંતિમાં આ ઢોળાવો અને નાળાંઓ અસ્પષ્ટ ભૂખરમાં ઓગળી જઈ રહ્યાં છે. ગોળ બુરજ પરથી રાજાની નજરો મહારથીઓને પ્રેરણા આપતી હશે. એ જ બુરજમાં આજે આતુર આંખો સોનેરી વાળવાળી કન્યાની રાહ જોઈ રહી છે. અહીંથી રાજાએ નગરને જોયું હશે, દૂર દૂર અને ચારે તરફ. જોયા હશે દેવળોથી શોભતાં પર્વતશિખરો, વનના મારગો, થાંભલાઓની હારો, કમાનો, પાણીની નહેરો અને લોકસમુદાય, ગોપયુવક બુરજ પર પહોંચશે ત્યારે કન્યા કાંઈ બોલશે નહીં. ખભે હાથ રાખીને ઊભી રહેશે. ગોપના ચહેરાને એની આંખો પીશે અને છેવટે બંને જણ આલિંગનમાં ઓગળી જશે. અહીંથી જ એકવાર દશદશ હજાર યોદ્ધાઓને ઉત્તર ને દક્ષિણમાં દોડાવવામાં આવ્યા હશે. અહીંથી જ દેવો માટે ગગનચુંબી ઊંચા સ્થંભો બંધાયા હશે. અહીં જ વધારાના હજાર હજાર રથને અને સોનામહોરોને આરક્ષિત રાખવામાં આવ્યા હશે. પણ આ બધું જ છેવટે માટીમાં મળી ગયું હશે. સદીઓની મૂર્ખતા, ધમાલ અને એનાં પાપો સિદ્ધિઓ અને સમૃદ્ધિ સાથે દટાઈ ગયાં હશે માત્ર પ્રેમ સર્વોત્તમ છે. છ પંક્તિઓનો એક, એવા ચૌદ એકમોમાં વિસ્તરેલા આ કાવ્યમાં દરેક લાંબી પંક્તિને અંતે આવતા શબ્દો, એની પછી આવતી એક અત્યંત નાની પંક્તિના અંતે શબ્દ સાથે પ્રાસ રચાતો આવે છે; જે એક ચોક્કસ અસર ઊભી કરે છે. મહેલો, મિનારાઓ, ઈમારતો અને ભવ્ય રસ્તાઓ, ભૌતિક વસ્તુની વ્યર્થતાનો આપણને અનુભવ કરાવે છે. આ રીતે માર્ટીમાં ભળતી જાહોજલાલીની સાથે પ્રેમની જાહોજલાલી અમર છે એનો સંદેશો કવિએ વિરોધના જીવતા વાતાવરણ દ્વારા આપણને પહોંચાડ્યો છે. અહીં નાટ્યાત્મક એકોક્તિ મનો સ્થિતિ પર આધારિત છે એથી વધુ બે પરિસ્થિતિના વિરોધ પર આધારિત છે. ભૂતકાળ અને વર્તમાનકાળનાં હૂબહૂ ચિત્રોથી વાત મૂર્તિમંત થવાને કારણે બ્રાઉનિંગનું આ કાવ્ય ખૂબ પ્રચલિત રહ્યું છે.