યાત્રા/તે જ જાણે

Revision as of 03:34, 20 May 2023 by Meghdhanu (talk | contribs) (formatting corrected.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તે જ જાણે

         માત્ર તે તે જ જાણે, –
જેણે તારા કમલચરણે શીશ દીધું ધરી, મા! –
કે શી રિદ્ધિ ભુવનભરની રિદ્ધિઓથી સમૃદ્ધ –
કેવી શાંતિ અતલ, મુદની ઝાંય શી શ્રેણીબદ્ધ,
કેવાં સત્‌નાં સ્ફુરણ, રસની સર્વ સિદ્ધિ ઠરી ત્યાં,
તે જ પોતે પ્રમાણે.

માડી, જોને તવ ચરણમાં
કેવા કેવા ગહન ઉરના સાધુ, કેવા પ્રચંડ
મેધાવંતા પુરુષ, પ્રતિભાપૂર્ણ શા સર્જકો આ,
ગાતાઓ આ કવન રસના, કર્મના કર્ષકો શા
આવી બેઠા શમવી નિજનાં સૌ અહંપર્ણ બંડ,
સ્નાનેપ્સુઓ તવ ઝરણમાં.

કોમળા પાય તારા,
શીળા તારા કર, નયનની જ્યોત મીઠી મધુરી,
તો યે કોઈ અકળ ગરિમાવંત ઊંચા અવાસે
વાસો તારો, નહિ જ્યહીં કદી લેશ ઊણા ઉસાસે
વૃત્તિ આવે, ચડતી ડમરી આંધીની ના અધૂરી.

સ્વસ્થ સંદીપ્ત તારા
જેવાં તારાં નયન વિકિરે તેજનાં રશ્મિ તીક્ષ્ણ,
અંધારાંનાં ગહન કરતાં મીટ માત્રે જ ક્ષીણ!


જૂન, ૧૯૪૩