યાત્રા/હું ગાન ગાઉં
હું ગાન ગાઉં
હું તારાં ગાન ગાઉં પિયુ પિયુ ટહુકંતા બપૈયાની જેમ,
હું તારાં ગાન રેલું છલછલ છલકંતા સમુદ્રોર્મિ જેમ,
હું તારાં ગાન ફોરું શત શત દલના ફુલ્લ કે પદ્મ જેમ,
હું તારાં ગાન નર્તું વન વન મરુતો નર્તતા મત્ત તેમ.
જેણે મારા અધૂરા મનુજ – કરણમાં પૂરી કો નવ્ય શક્તિ,
જેણે જાળાં વિદારી રસ – અપરસનાં દીધી કો ઉચ્ચ ભુક્તિ,
જેણે ઊંચી અદીઠી ગગનતલ તણી દિવ્યની ભૂમિ ચીંધી,
જેણે મિટ્ટી તણી આ મુજ સહુ ઘટના તેજને બાણ વીંધી :
તે આ પૃથ્વી પરેનાં અબલ મનુજમાં ભવ્ય જે શક્તિપુંજ,
મૂર્છા નીરે ડુબેલાં અબુઝ મગજમાં દિવ્ય જે જ્ઞાનગંજ,
દુઃખો દૈન્યો તણા આ વિકલ વમળમાં સિદ્ધ આનંદ-અદ્રિ,
સૃષ્ટિ દૌર્ભાગ્યમાં આ ધ્રુવતમ દ્યુતિનો ફુલ્લ સૌભાગ્યચંદ્ર.
તેનાં હું ગાન ગાઉં પલ પલ રટતો ભૂમિનો જન્મ નવ્ય,
ઊંચા ચૈતન્ય વેશે સુમુદિત ભમતો ભાખતો ભાવિ ભવ્ય.
એપ્રિલ, ૧૯૪૩ </poem>