વસુધા/ભરતીને

Revision as of 02:05, 24 May 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ભરતીને

ભરતી હતી, ના તદા હતી
લવ લેશે મન ઓટકલ્પના,
અવ ઓસરતાં જલો બધાં
અહ કંઠાર કશી જ કારમી!

અહીં જ્યાં છલકંત છોળ કૈં
છલી છાતીપુર શું છલાવતી!
અધુના અહીં માત્ર કીચડ
પ્રતિ પાદે દિલને દમે દમે!

અહીં તીર સપુષ્ટ બે દિશે
પ્રિય-બાહૂ સમ શું પડ્યો હતો! ૧૦
અવ બે ક્ષિતિજો ભરી પડ્યો
અહ, શો લંબિત વિપ્રલંભ છે!

યદિ ઓસરવાની વાત ’તી,
ભરતી ! કાં ઉર તું ભરી ગઈ?
મુજ શુષ્ક તટોની ખુશ્કી જે
કરીને કીચડ તે ય લૈ ગઈ!

અહ ના! અહ ના! હવે કદી
નહિ મોજું પણ એક ઠેલજે,
સહી જે શકતા જ પંક ત્યાં
જઈ તારું મનમાન્યું રેલજે. ૨૦