કેટલાંક જળચિત્રો
ટપ
ટપાટપ
ટપ
ટપ
જળ ઝરે-સૂની સીમ ૫૨, ખેતર પર
ખેતર વચ્ચે ઊભેલા વડ ૫૨
વડના
નગારા જેવા એક એક પર્ણ પર
❊
ધાતીર તીરકીટ ધાતીર તીરકીટ ધાતીર તીરકીટ
અષાઢનો મેઘ
ધાધાધા ધોધોધો ધાધાધા ધોધોધો
ધારાએ ધારાએ ગાય
❊
ત્યાં જો સરોવર જળમાં ભફાંગ દઈને નહાવા પડ્યો
સામે પર્વત, સરોવરકાંઠો ને કાંઠે ઊભું વન આખુંય
ને હોય મધ્યાહૂને જળ સ્તબ્ધ નિસ્તરંગ
જલમલ જલમલ જળમાં ઝિલાય આકાશ આખું
ઓ પણે ઊડે ચીલ
જળની છાતી નીલ
❊
જળ મારી પ્રિયા
એક એક પડ ઉકેલી
સ્પર્શે મારી નગ્નતાને.
❊
જોયા કરું છું.
ડોલના જળને ડખોળતું શિશુ અને
પ્રથમ વર્ષ પછીના ઉઘાડમાં
રતુમડા ખાબોચિયામાં જાણી જોઈને
પગ મૂકતા કિશોરને
❊
દરિયાકાંઠે જળભરેલી એક છીપ
જાણે ઝલમલતી આચમની
આવડી એવી છીપમાં આકાશ એવું શું ભાળે ?
કે રમવા ઊતરી આવે !
❊
સાંજના નરમ પ્રકાશમાં
નદીના જળમાં હળવેકથી ઊતર્યું
ભેંસનું ટોળું ને બની ગયું જળ.
❊
યાદ આવે છે
દૂર ક્યાંક નીચાણમાં
ઝરણાનો અસ્પષ્ટ ધ્વનિ વહ્યા કરે છે ખીણમાં.
નીચાણવાળા ધરાના ઘાસની ગંધથી ભારે
ભીની ભીની ભરી ભરી
અરણ્યની એ રાત્રિઓ
❊
અમાસ રાત્રે
અહીં જળમાં નાખી જાળ
ખેંચું ખેંચું ત્યાં તો
અઢળક અઢળક તારાઓનો ભાર