ગંધમંજૂષા/મૃગયા

Revision as of 05:33, 28 May 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|<big>'''મૃગયા'''</big>}} {{Block center|<poem> આપણે જઈ ચડીએ દૂરસુદૂર સાંધ્ય પ્રકાશમાં, પ્રભાતના ઉજાસમાં અરણ્યમાં કે વનપ્રાંતરમાં - મૃગયા કરવા. યોજનગંધાની વ્યાકુળ ગંધથી વ્યથિત વિહ્વળ તેની ગતિથી. અલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

મૃગયા



આપણે જઈ ચડીએ
દૂરસુદૂર
સાંધ્ય પ્રકાશમાં, પ્રભાતના ઉજાસમાં
અરણ્યમાં કે વનપ્રાંતરમાં
- મૃગયા કરવા.

યોજનગંધાની વ્યાકુળ ગંધથી વ્યથિત
વિહ્વળ તેની ગતિથી.
અલપઝલપ દેખાતા નાજુક પગો,
કુમળી ખરીઓ તળે દબાયેલું નરમ ઘાસ,
તેની હાંફમાં ભળી જતી આપણી હાંફ.

સીતાના તર્જની-સંકેતથી
સવાર પડે
ને પડે સાંજ
ફરી પડે સવાર
એક દિવસ થાકીને લોથપોથ
નરમ કણક જેવાં અંગો
ને
મારણના શબ જેવી
જડ આંખ લઈને લથડ પથડ પડીએ
 પછી જોઈએ
કે
આ કાયા જ એક દિવસ હતી મૃગ.