રચનાવલી/૪૩
બાળપણના સ્મરણના દાબડામાં તળિયે સાચવીને મૂકી રાખેલી કવિતાઓમાંથી કોઈ પણ ગુજરાતીને બે-પાંચ હાથ ચઢે તો એમાં ‘ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ' પ્રાર્થનાકાવ્ય હોય છે કે, ‘ઊંટ કહે આ સભામાં’ જેવું વ્યંગ કાવ્ય હોય કે ‘આસપાસ આકાશમાં અંતરમાં આભાસ/ ઘાસ ઘાસની પાસ પણ વિશ્વપતિનો વાસ’ જેવું સ્તવન કાવ્ય હોય કે એક શરણાઈવાળાને કસોટીએ ચડાવતી પંક્તિ ‘સાંબેલુ વગાડે તો હું જાણું કે તું શાણો છું’ વાળું હાસ્ય કાવ્ય હોય — તો એમાં નવાઈ પામવા જેવું નથી. સાદી, સીધી અને આટલી સરળ કવિતા દલપતરામ સિવાય ગુજરાતીમાં ભાગ્યે જ કોઈએ લખી છે. નર્મદે દલપત - ગુજરાતી અર્વાચીન સાહિત્યનાં આ બે પહેલાં મોટાં નામો છે. નર્મદ ડગલાં પર ડગલાં હાંફભેર ભર્યે રાખનારો કવિ છે, તો દલપતરામ દરેક ડગલે થોભીને ચાલનારો કવિ છે. નર્મદ પડતો ધોધ છે તો દલપતરામ શાંત પ્રવાહ છે. અંગ્રેજી કાળનો બંને કવિ પર મોટો પ્રભાવ છે. અંગ્રેજો આવ્યા, અંગ્રેજી કેળવણી લાવ્યા, નવું સાહિત્ય અને નવી શોધો લાવ્યા, નવી રહેણીકરણી, જીવનને જોવાની નવી દ્રષ્ટિ લાવ્યા, સમાજમાં બધું તળેઉપર થઈ ગયું. જીવનમાં બધે ઊથલપાથલ મચી. મધ્યકાળ અને મધ્યકાલીન વિચારનો જાણે કે છેડો આવી ગયો. પણ અંગ્રેજો મહેમાનો થઈને નહોતા આવ્યા. એ આપણા શાસકો બન્યા. બહારથી આવીને બહાર જ એમના પોતાના વતન પર જ નજર રાખનારા શાસકો હતા. અહીંની પ્રજાનું કલ્યાણ કે અહીંની પ્રજાનું હિત એમને હૈયે ક્યાંથી હોય? અહીંથી બધું લૂંટી ઘૂંટીને આ શાસકવેપારીઓને તો પોતાનું ઘર ભરવું હતું. વિલાયતી માલ આવી આવીને અહીં ભારતના બજારમાં ખડકાય, ભારતનું ધન બહાર ઘસડાતું જાય, પ્રજા પાયમાલ થતી આવે અને દેશ ધોવાતો જાય-એ સ્થિતિ મહાચિંતાનો વિષય હતી. દલપતરામે આ સ્થિતિ પર ઔદ્યોગિક અને આર્થિક વિચારણા કરી. લોકોની સભાઓમાં સ્વદેશીભાવનાં વિશેનાં અનેક ભાષણો આપ્યાં. પણ આ ભાષણો કવિતામાં પદ્યમાં આપ્યાં. એમાંનું એક ભાષણ એ ‘હુન્નરખાનની ચઢાઈ’ (૧૮૫૧) છે. એ દલપતરામનું રૂપકકાવ્ય છે. એને પ્રબંધકાવ્ય પણ કહી શકાય. રૂપકકાવ્યમાં કથા હોય છે. આ કથાને બે સ્તરે વાંચીને એનો અર્થ નીકળી શકે એટલે કે એ કથા દ્વિઅર્થી હોય છે. એમાં ભાવ અને વસ્તુને પાત્રો બનાવવામાં આવે છે. મધ્યકાળમાં તો આ કાવ્યસ્વરૂપ બહુ જાણીતું હતું. દલપતરામમાં નર્મદ કરતા વધારે મધ્યકાલીન અંશો પાડેલા છે. દલપતરામે નર્મદની જેમ સીધી અંગ્રેજી કેળવણી નહોતી લીધી. સ્વામીનારાયણ સંપ્રદાયની સાત્ત્વિકતાનો એમના પર દૃઢ સંસ્કાર છે. દલપતરામને શામળ જેવી સરલ કવિતાનું આકર્ષણ છે. ઉત્તરહિન્દના વ્રજવારસાનો એમના પર મોટો પ્રભાવ છે. એટલે સ્વાભાવિક છે કે દલપતરામ નવા વિષયની માંડણી કરે ખરા, પણ મધ્યકાલીન માળખામાં કરે. આ કાવ્યમાં ૧૯મી સદીના પૂર્વાર્ધના સમયની દેશની આર્થિક દુર્દશાનો જે વિષય હતો એ આજે પણ એટલો જ સંગત છે. આજે ૨૦મી સદીના અંતિમ ભાગમાં પણ આપણે આવી જ આર્થિક દુર્દશા તરફ ધકેલાઈ રહ્યા છીએ. એક બાજુ કૌભાંડો અને હવાલાઓની બોલબાલા છે તો બીજી બાજુ વિશ્વભંડોળના આર્થિક દેવાઓનો બોજ માથે વધતો ને વધતો જાય છે. આર્થિક ઉદારીકરણની નીતિને કારણે બહુરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ કંપનીઓ દેશનું નાણું બહાર ઘસડી લઈ જવાની પેરવીમાં છે. આ બધા વચ્ચે સ્વદેશદાઝ જેવી કોઈ વસ્તુ આજે ભાગ્યે જ બચવા પામી છે. આવે સમયે દલપતરામની ‘હુન્નરખાનની ચઢાઈ’ રચના યાદ કરવી પડે. દલપતરામે સ્વદેશદાઝને કેન્દ્રમાં રાખીને ‘હુન્નરખાનની ચઢાઈ’માં પહેલીવાર દેશચિંતા વ્યક્ત કરી છે. કોણ હિન્દુ ધણી, રાખિ ચિંતા ઘણી / જાતું પરદેશ ધન બંધ કરશે / હર ઘડી ચાલિયું કેમ રહેશે હવે / તૂટિયું ટાંકુ જળ કેમ ધરશે’ ટાંકુ તૂટી ગયું છે તો હવે જળ કઈ રીતે એમાં ધરી શકશે? આ ચિંતાની કથાને દલપતરામે ૧૪૩મી કંડીમાં વિસ્તારી છે. દોહરા, ચોપાઈ, પ્લવંગમ, ભુજંગી, તોટક, શંખધારી, નારાચ - એવા વિવિધ છંદોને કવિએ આસાનીથી ઉપયોગમાં લીધા છે. વળી કથાને રમ્ય બનાવવા માટે દલપતરામે વિવિધ પાત્રોની કલ્પના કરી છે. જેમ કે હુન્નરખાન, યંત્રખાન, અફીણસિંહ, વહેમખાન વગેરે. હુન્નરખાન વિદેશમાં રહ્યો રહ્યો પોતાના મંત્રી યંત્રખાન દ્વારા અગ્નિરથ-બોટોમાં માલ ભરી ભરીને દેશ પર આક્રમણ કરે છે. એની એક જ નેમ છે: ‘ખુંખારી કહે હુન્નરખાન / હાથ કરું હું હિન્દુસ્તાન’ આ બાજુ દેશનો સલાહકાર વહેમખાન છે. ભૂત, જાદુ અને ભોળપણનો એ અવળો ઉપદેશ આપે છે. પ્રજામાં અપાર કુમતિ પ્રેરે છે. સ્ત્રીઓને વિદ્યાભ્યાસથી દૂર રાખે છે, પરદેશ જવાથી લોકોને રોકીને સંકુચિત કરે છે, પુસ્તકવાચનને સમયનો બગાડ ગણે છે. આથી પ્રજા વધારે ને વધારે આળસુ બનીને હુન્નરખાને મોકલેલા આક્રમણથી દબાતી જાય છે અંતે ‘લૂંટી મુલક હિન્દુનો લીધો દશે દિશામાં ડંકો કીધો / વશ કરી જન ઉદ્યમપુરવાળા, તે ઘર જડ્યાં વિલાયતી તાળાં’ આમ દેશના ઉદ્યમો ભાંગી જાય છે, હુન્નર હિંદમાં આવતો નથી અને બહારના હુન્નરથી આવેલા માલના આક્રમણથી દેશની પાયમાલી ચાલુ રહે છે એની સામે સજાગ થવા દલપતરામે પોતાની રીતે વિનંતી કરી છે. અહીં તક મળી છે ત્યાં યુદ્ધનાં વર્ણનોને દલપતરામે ઠીક ઠીક ચગાવ્યાં છે : ‘થાય ધ ડુડાટ રથ બાણ સહુડાટ વળી / તોપ ઘડુડાટ ગડુડાટ ગોળા; કટક ડુડાટ પિંડ શીશ ડુડાટ દડી / વ્યોમ ફડુડાટ ધ્વજ રંગ ધોળા.’ આ યુદ્ધનાં વર્ણનોમાં અને શૈલીમાં દલપતરામ પરનો વ્રજશૈલીનો પ્રભાવ છૂપો રહેતો નથી. આ કાવ્યમાં બહુ ઊંચી કલ્પના જોવા મળતી નથી, તેમ છતાં સામાન્ય લોકોને કવિતાની મોઢામોઢ કરવા માટેની જનતાપરાયણ દલપતરામ કવિની તાલાવેલી એમાં જરૂર જોઈ શકાય છે.