રચનાવલી/૧૦૪

Revision as of 15:09, 15 June 2023 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૦૪. કવિ મોરોપંત


૧૯૯૪ના ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં અજન્તા ઈલોરાનો પ્રવાસ પતાવી હું અને મારાં પત્ની શાલિની ઔરંગાબાદથી પૂના થઈને બારામતી એક સ્નેહીને ત્યાં પહોંચ્યાં. આઠેક દિવસના અમારા ત્યાંના મુકામ દરમ્યાન એક દિવસ બારામતીની ગલીમાંથી પસાર થતાં બહાર મોટા પાટિયા પર વાંચ્યું : ‘કવિવર્ય મોરોપંત નિવાસ' વાંચતાં જ, આ મરાઠી કવિનું નામ કાને પડેલું તેથી કૂતુહલ થયું. બાકીના મકાનમાં એક અત્યંત મધ્યમવર્ગીય મરાઠી પરિવારનો પરિચય થયો. એના એક સભ્યે રસપૂર્વક મોરોપંત જ્યાં લખતાંવાંચતાં એ ખંડ અને મોરોપંતના હવે બજારમાં ઉપલબ્ધ નથી. એવાં જૂનાં મુદ્રિત પુસ્તકો અને કેટલીક મોરોપંતની હસ્તપ્રતો બનાવ્યાં. દર વર્ષે મોરોપંતની જયંતીને બારામતી કઈ રીતે ઊજવે છે એની વાત કરી. શરૂનાં થોડાંક વર્ષો બાદ કરતાં કવિ મોરોપંતનો દીર્ઘકાળ લેખવાચનમાં બારામતીમાં વીત્યો છે. મધ્યકાલીન મરાઠીમાં પંડિત પરંપરાના આ પ્રતિનિધિ કવિના પિતા રામાજીવંત પરાડકર મૂળ તો સૌંદળના. પણ વિદ્યાની ઉપાસના માટે સૌંદળ નાનું પડતાં રામાજીવંત બે પાધ્યા મિત્રો સાથે અણુસ્કા ઘાટ ઓળંગીને કોલ્હાપુરની રાજધાની પહાળગઢમાં આવીને વસ્યા. મોરોપંતનો જન્મ ઈ.સ. ૧૭૨૯માં અહીં જ થયો અને રામાજીવંત ગણપતિભક્ત હોવાથી એમણે પુત્રનું નામ મયૂર રાખ્યું. મયૂરપંત તે મોરોપંત. શરૂમાં પિતાએ સંસ્કૃત લખતાં વાંચતા કર્યો, આગળનો અભ્યાસ પાધ્યા પાસે કર્યો. ૧૨ વર્ષની ઉંમરે શ્લોક રચતો જોઈ પાધ્યાએ શિષ્ય મોરોપંતમાં વિશેષ ધ્યાન પરોવ્યું. દરમ્યાન પિતાએ પોતાના હાથ નીચેના માણસને હિસાબી ભૂલ માટે જરૂરથી વધારે શિક્ષા કરતાં પિતાને પન્હાળગઢ છોડવું પડ્યું. રામાજીવંત પન્હાળગઢથી બાબુજી નાઈક પાસે બારામતી પહોંચી જાય છે. મોરોપંત પાધ્યા પાસે પન્હાળગઢમાં રહી જાય છે. ધનિક બાબુજી નાઈકને ત્યાં રામાજીવંત સ્વાભિમાન સાથે જવાબદારી ભરી કોઠીની વ્યવસ્થા કરવાની નોકરી સ્વીકારે છે. આ બાજુ મોરોપંત ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, ધર્મશાસ્ત્ર, વેદાન્ત, પંચ મહાકાવ્યનું અધ્યયન કર્યા પછી ઉદરનિર્વાહ માટે કારકૂની કરે છે. ત્રણ વર્ષની નોકરીમાં એક દિવસ એક પૈસાની ભૂલ આવતા હિસાબી ચોપડા ઘેર લઈ જઈ મોરોપંત આખી રાત જાગીને ભૂલ શોધે છે અને મધરાતે થાળી વગાડી ભૂલ જડ્યાનો આનંદ વ્યક્ત કરે છે. આ સમયે કોઈ વરિષ્ઠ અધિકારી દરવાજો ખોલીને આશ્ચર્યથી જોઈ રહે છે અને વાત જાણ્યા પછી મોરોપંતને કહે છે ‘મોરોલા, એક પૈસાની ભૂલ માટે તું રાતભર જાગ્યો, એકાગ્રચિત્ત કર્યું. સ્કૂલ જતા આનંદથી નાચ્યો. આવી એકાગ્રતા તું ભમવતની આરાધનામાં આવે તો તને કેવો આનંદ થાય. બોપના મનમાં આ બરાબર ઠસી ગયું. મોરોપંત આતુર યુનથી પહાળગઢ છોડી બારામતી આવી ગયા. ધીમે ધીમે મોરોપંતનું મન બારામતી સાથે હળી જવા લાગ્યું. ૨૪ વર્ષની વયે નાનાં બાળકો માટે નાની નાની રચનાઓ કરવા માંડી. આમાંની એક રચના બાબુજી નાઈક સુધી પહોંચી. બાબુજી નાઈકે શિવકવચ પોથી આપી અને મોરોપંતે એનું શાર્દૂલવિક્રીડિત છંદમાં મરાઠી ભાષાન્તર કર્યું. મોરોપંતની પાંડિત્યબુદ્ધિ અને કવિત્વશક્તિથી ખુશ થઈ બાબુજી નાઈકે પાંચસો રૂપિયાનું સાલિયાણું (વાર્ષિક) વધારી આપ્યું. અને જણાવ્યું કે વાડી પર રોજ પુરાણ સંભળાવું. મોરોપંત પુરાણિક બની ગયા. મોરોપંતના જીવનમાં જીવનનિર્વાહની ચિંતા દૂર થતાં સ્થિરતા આવી. લેખનકાર્યનો પ્રવાહ વહ્યા કર્યો. એમની કાવ્યપ્રવૃત્તિથી ખેંચાઈને દૂર દૂરના વિદ્વાનો આવવા લાગ્યા. પંત રોજ રાત્રે બાબુજીની વાડીના ભવ્ય દિવાનખંડમાં પુરાણ સંભળાવે. બાબુજીના પુત્ર પાંડુરંગરાવે પણ મોરોપંત પર અમીષ્ટિ રાખી અને તેથી મોરોપંત અનેકના નિમંત્રણ છતાં બારામતીમાં જ વસ્યા. બારામતી છોડ્યું નહીં. મોરોપંતનો એમના સમકાલીન રામજોશી સાથેનો સંબંધ ઉલ્લેખનીય છે. મોરોપંતને કારણે તમાશાની લાગણીઓ છોડી ૨ામજોશી કીર્તનકાર બન્યા, મોરોપંત સતત લખતા રહ્યા. મુદ્રણ વિનાના જમાનામાં ઠેર ઠેર જઈને ઘણા બધા ઉતારા કરતા રહ્યા. ઈ. ૧૯૮૮માં માલેગોંવના અમરસિંહ જાધરને સાથે મોરોપંત કાશી જાય છે. કાશીમાં શલાકા પરીક્ષા દ્વારા મરાઠી પ્રાકૃતભાષાના ગ્રંથો માટે સંસ્કૃત વિદ્વાનોની માન્યતા મેળવે છે. પંડિતોનો દુરાગ્રહ દૂર કરે છે. અને પ્રાકૃતભાષાનું ગૌરવ વધારે છે. એમણે કહ્યું છે કે મેં કેવળ મરાઠી ભાષામાં જ કાવ્યો રચ્યાં છે, પરંતુ મરાઠી ભાષાનું શબ્દભંડોળ પૂરતું નથી અને સંસ્કૃત ભાષામાં શબ્દભંડોળ મોટું છે, માટે જ નાઈલાજ માટે આવી મિશ્રભાષા વાપરવી પડે છે. મારી કવિતા ધીમે ધીમે વંચાતા જતાં કાલાન્તરે તેનો પરિચય થતાં કઠણ લાગવાની નથી. મોરોપંત સંસ્કૃતના પંડિત હતા છતાં એમની મરાઠીપ્રીતિએ એમને મરાઠીમાં રચનાઓ કરવા પ્રેર્યા. અને એમ મરાઠીના જ્ઞાનેશ્વર, એકનાથ, રામદાસ, તુકારામ, મુક્તેશ્વર, વામન શ્રીધર, મહીપતી વગેરે જોડે પોતાનું સ્થાન મેળવ્યું છે. એમણે કુલ ૭૫૦૦૦ આર્યાઓ લખી છે. જેમ જ્ઞાનદેવની ઓવી જાણીતી છે, તુકારામના અભંગ જાણીતા છે અને વામનનાં શ્લોક જાણીતા છે તેમ મોરોપંતની આર્યાઓ જાણીતી છે. ભક્તિ અને ભાષાની દૃષ્ટિએ એ ખાસ ધ્યાન ખેંચે છે. મહાભારત, રામાયણ, ભાગવત, હરિવંશ, એમણે મરાઠીમાં ઉતાર્યાં છે. એમણે ૧૦૮ રામાયણ લખ્યાં છે. એમણે ‘નિરોષ્ઠ રામાયણ’ પણ લખ્યું છે. નિરોજ એટલે જે વાંચતા ક્યારે ય બે હોઠ મળે નહિ. એમણે પ, ફ, બ, ભ, મ – વર્ણોને દૂર કરીને રામાયણ રચ્યું છે. પણ એમની કીર્તિ સૌથી વધુ ‘કેકાવલી’ને આધારે ટકી છે. ‘કેકાવલી'માં ૧૨૧ પદ્યસ્તોત્ર છે. એની મધુરતા અનોખી છે. મોરોપંતના પાંડિત્યને કારણે એમની રચનાઓ અઘરી છે, કેવળ અનુવાદ જેવી છે, અને અલંકાર તેમજ પ્રાસાનુપ્રાસથી લદાયેલી છે એવા આક્ષેપો થયા છે. પણ એકંદરે મોરોપંતની સંસ્કૃત રસિકતાનો મરાઠી ભાષાને જે લાભ મળ્યો છે એને વિસારે પાડી શકાય તેમ નથી. એટલે જ ગોવિન્દાગ્રજ જેવા મરાઠી કવિએ મોરોપંતને અંજલિ આપતાં કહ્યું છે કે ‘મયૂર કવીચ્યા પૂર્ણ ચમકમય મહારાષ્ટ્ર દેશા' ઈ.સ. ૧૭૯૪માં અવસાન પામેલા આ મધ્યકાલીન મોરોપંત કવિને કીર્તનકાર અને પુરાણિકને – આપણા પ્રેમાનંદ જેવા આખ્યાનકાર સાથે સરખાવીશું તો બંનેનો વધારે સારો પરિચય થશે.