રચનાવલી/૧૧૮

Revision as of 15:20, 15 June 2023 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૧૮. ગોત્રયાન (અય્યપ્પા પણિક્કર)


‘ગૌવત જો ભૂમિની રક્ષા કરીશું તો ગૌવત અમારી પણ રક્ષા કરશે ભૂમિ' આવા પર્યાવરણનો મંત્ર જેમાં ગુંજી ઊઠ્યો છે તે રચના ‘ગોત્રયાન' અય્યપ્પ પણિક્કરની છે. પશ્ચિમના જગતનું આધુનિક ગાન જો ટી. એસ. એલિયટના ‘વેસ્ટ લૅન્ડ’ કાવ્યમાં મળ્યું છે તો પૂર્વના જગતનું આધુનિક ગાન પણિક્કરના ‘ગોત્રયાન'માં છે. પણ ‘ગોત્રયાન’ પૂર્વનું ગાન કરતાં કરતાં આખી માનવજાતની મહાકથાને વર્ણવે છે. એટલું જ નહીં પણ માનવજાતના ભૂતકાળનો કોઈ સમય પસંદ કરી એની પૂર્વકથાની વાત માંડીને માનવજાતની ભવિષ્યની દિશાને પણ સૂચવે છે. દુ:ખોના દ્રવ્યમાંથી માનવજાત એના જીવનના લયતાલને કેવી રીતે મેળવે છે એનો અર્થ એમાં પડેલો છે. આજની ભારતીય ભાષાઓમાં મલયાલમ ભાષાના કવિ પણિક્કરનું સ્થાન ગણનાપાત્ર કવિઓમાં મોખરે છે. તાજેતરનાં વર્ષોમાં એમની બધી જ કવિતાના ત્રણ ખંડો અને એમના નિબંધના બે ખંડો, એમ કુલ પાંચ પુસ્તકોમાં એમનું સાહિત્ય પ્રગટ થઈ ચૂક્યું છે. ૧૯૬૦માં આલપ્પુપા જિલ્લાના કોવાલમ ગામમાં જન્મેલા પણિક્કરે ભારતમાં તેમજ વિદેશમાં અંગ્રેજી સાહિત્યનું અધ્યયન કર્યું છે. એમણે કેરલ સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી, દિલ્હીનાં પુરસ્કારો મળેલાં છે. ‘ગોત્રયાન’ પણિક્કરે મહાકાવ્યનો આદર્શ સામે રાખીને લખ્યું છે. ભારતીય વેદોપનિષદો તેમજ ભારતીય પ્રાચીન સાહિત્યની મંત્રભૂમિકા પરથી ઊંચકાયેલું આ દીર્ઘકાવ્ય ભાષા, છંદ અને ભાવોનો ઊંચો સ્તર બતાવે છે. એમાં ભારતીય ભૂતકાળના આર્યસમયના કોઈ એક ગોત્રનો નાયક પોતાના ગોત્રને ઉત્તરમાંથી દક્ષિણમાં મહાપ્રસ્થાન કરાવી રહ્યો છે, એની વાત છે. સવારના બ્રાહ્મમુહૂર્તના મહાપ્રસ્થાન પહેલાની રાતથી ગોત્રનો નાયક સંબોધન શરૂ કરે છે અને છેવટે દક્ષિણ તરફની યાત્રાથી કાવ્યનો અંત આવે છે. પણ રાતથી શરૂ થઈ સવારના બ્રાહ્મમુહૂર્ત સુધી પહોંચતા આ સંબોધનમાં નાયક માત્ર ગોત્રને નહીં પણ જાણે કે સમગ્ર માનવજાતને ઉદ્બોધન કરે છે. બાર સર્ગોમાં વહેંચાયેલું આ દીર્ઘકાવ્ય ‘તૃષ્ણા’થી શરૂ થાય છે અને પછી ‘પ્રસ્થાન’, ‘અવસ્થા’, ‘જ્ઞાન', ‘મંત્ર', ‘યજ્ઞ’, ‘કર્મ’, ‘ધ્યાન’, ધર્મ’, ‘ગીત', ‘દૃષ્ટિ’ અને છેવટે ‘યાત્રા’ આગળ પૂરું થાય છે. અહીં આગેકૂચ કરતી પ્રજાની સાથે સાથે જીવનમાંથી પસાર થતાં મનુષ્યને અને સમયમાંથી પસાર થતાં જીવનને પણ આપણે જોઈએ છીએ. આ દીર્ઘકાવ્ય માત્ર કોઈ ગોત્રનું મહાપ્રસ્થાન નથી રહેતું પણ ગોત્રના મહાપ્રસ્થાનને બહાને સમસ્ત માનવજાતનું સતત ચાર્લી રહેલું પ્રસ્થાન અને એના સંઘર્ષની ગતિને આપણે અનુભવીએ છીએ. કાવ્યના પ્રારંભે ગોત્રનાયક કહે છે : ‘કાલે સૂરજ ઊગતા જ આપણે એ તરફ પ્રયાણ કરીશું. ડાબો પગ ભૂલ્યા વગર અને જમણો પગ આગળ લંબાવીને.' વિકસતું દુઃખ એને જ માત્ર આ પ્રસ્થાનમાં પુંજી સમજવાની છે. માર્ગમાં અવરોધો આવશે પણ દિવસે સૂર્યને, રાતે ચન્દ્રને અને અમાસની રાત્રે મનના મહાપ્રકાશને લક્ષ્ય કરવાનો છે. વળી, કાં પહોંચીશું એની પૂરેપૂરી અનિશ્ચિતતા છે. દક્ષિણ દિશામાં જવાનું છે; અને એ મૃત્યુની દિશા છે. પણ મૃત્યથી ભય પામવાનું નથી. નાયક કહે છે : ‘ભય જ છે મૃત્યુમાર્ગ, ભય જ પરાજય છે. ભય આત્માનો નિષેધ.’ આ પ્રસ્થાન કોઈ આર્યાવર્તની શોધમાં કરવાનું છે પણ આર્યાવર્ત પહોંચવાનો કોઈ નકશો પાસે નથી. કોઈ પિતામહોએ આર્યાવર્ત બતાવ્યું નથી. અને તો પણ ધ્રુવને લાખ હાથ જોડી એનાથી ઊલ્ટી દિશામાં દક્ષિણમાં ચાલવાનું છે. નાયકને ખબર છે કે સમયની એક જ દિશા છે એ આવે છે, આવી આવીને જાય છે અને આવતો રહે છે. મનુષ્યે શાશ્વત યાત્રીની જેમ ક્યાંય લાંબો પડાવ નાંખ્યા વિના મુકાબલો કરતાં આગળ વધવાનું છે. આ અવસ્થામાં બીજાના દુઃખને અપનાવીને જ દુઃખને દુઃખથાં જીતી શકાય છે. કદાચ બે હાથ પસારીએ અને ખાલી પાછા આવે, તો પણ એવી અવસ્થામાં વ્યાપેલી વિમૂઢતાને હસતા મોઢે ઝીલવાની છે. કારણ નાયકને ખબર છે કે મનુષ્ય ઇતિહાસ રચવા, અવસ્થા બદલવા સર્જાયો છે. આ દીર્થયાત્રા પછી યાત્રાઓનો ગતિ દરમ્યાન ભૂમિ પર ન તો શરણાર્થી બનવાનું છે, ન તો આક્રમક બનવાનું છે. યાત્રાઓ દરમ્યાન બદલાતી ભાષા, બદલાતા શત્રુઓ, મિત્રો, બદલાતાં લક્ષ્ય અને માર્ગ – બધાને જીરવવાનાં છે. મનુષ્ય યાત્રાઓ દરમ્યાન પોતાની હસ્તીને શોધવા નીકળ્યો છે. આથી જ આવનારા ઉષ:કાલોનો સામનો કરવા એ તૈયાર છે. ગતિશીલ મનુષ્ય માટે ગતિ એ જ માત્ર એનું જીવન છે. નાયક કહે છે : ‘જન્મભૂમિ છોડીને જ્યારે તમે ચાલ્યા છો ત્યારે યાદ રાખો કે જન્મ સ્વયં દીર્ઘ યાત્રાનો આરંભ છે.' મૃત્યુની વાત ભૂલીને મજા લેવાની છે અને જાણી લેવાનું છે કે અહીં અસ્થિરતા સિવાય કશુંય સ્થિર નથી. આ યાત્રાઓ દરમ્યાન સ્નેહ જ એક મંત્ર હોઈ શકે. સ્નેહનો અંશ જ્યારે જ્યારે ભુલાયો ત્યારે ત્યારે રાક્ષસો જન્મ્યા છે. જરા પણ સ્નેહ નહીં હોય તો મૂળ અને પાંદડાં ફૂટવાનાં નથી. આમાં તો હાથ થાકી જાય તો પગ સંભાળી લેશે, પગ લપસી પડશે તો હાથ ટેકો આપશે, હાથપગ ગળી જશે તો મન નિગરાની કરશે અને મન ડગશે તો આત્મા બચાવ કરશે. આવા સ્નેહનો મંત્ર મહાદુ:ખોને અગ્નિમાં પલટી નાખો પછી બે ચરણથી ત્રણ લોકને માપવા અઘરા. આ રીતે જ દુઃખકાલમાં દુઃખી અને સુખી કાલમાં સુખી થતી જન્માન્તર પરંપરા ચાલતી આવે છે. આ જન્માન્તર પરંપરાનું લક્ષ્ય કર્યું? નાયક એક ભરવાડ અને ઘેટાંના ટોળાની વાત માંડે છે. ઘાસની શોધમાં ભટકતા ભરવાડ આગળ ભૂત કહે છે : ‘જેટલાં બકરાં એટલું ઘાસ આપીશ પણ દરરોજ એક ઘેટું મને ખાવા આપવાનું.' પણ ઘેટાંઓનાં બચ્ચાંને જોઈ ભરવાડે કહ્યું ‘એવું ન થાય.’ ઘાસની શોધમાં ભરવાડ રણમાં આવી પડ્યો. ત્યાં એક વિકરાળ પ્રાણી કહે : ‘જેટલાં બકરાં એટલું ઘાસ આપીશ પણ દરરોજ બે બકરાં ખાવા આપવાનાં.' માતા બકરીઓ બોલી અમને આપી દો પણ બચ્ચાંઓને બચાવો.’ બચ્ચાં બોલ્યાં : ‘એવું ન થાય.’ છેવટે ભરવાડ આગળ વધ્યો. પછી એક ભીમકાય જનાવર સામે આવ્યું. કહે ‘તું અને તારાં બકરાં, બધાં જ મરવાનાં. કોઈ વિકલ્પ માની લે.' માતા બકરીઓ અને બચ્ચાંઓને બચાવવા ભરવાડે કહ્યું ‘બદલામાં તું મને લઈ લે. આમને છોડી દે.' આ કથા કહીને ગોત્રનાયકે પોતાની પ્રજાને નાયકનું ઊજળું દૃષ્ટાંત આપ્યું. સર્વ માતાઓને શુભાસન આપવા વિનંતિ કરી. કારણ માતાઓ જ ભવિષ્ય બનાવે છે. નાયક કહે છે : ‘જ્યાં પણ આપણે પહોંચીશું, સમજજે કે એ આપણી મા છે.’ ગોત્રનાયકે દક્ષિણ સાગર તટના ગામમાં કોઈ બાળકના જન્મની વાત કરી અને જણાવ્યું કે એ બાળક જ ભવિષ્યમાં આપણે વિશે વાત કરશે.’ છેવટે પો ફાટતાં યાત્રાનું મૂહુર્ત આવે છે. ગોત્રનાયક નૃત્યની પ્રતીક્ષા કરતાં જીવનની સ્તુતિ કરવાનું કહે છે. પણિક્કરનું ‘ગોત્રયાન’ આધુનિક મલયાલમ કવિતાનું અને ભારતીય કવિતાનું વિશેષ અર્પણ છે.