રચનાવલી/૧૧૯

Revision as of 15:21, 15 June 2023 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૧૯. માંડૂક્યોપનિષદ


૧૯મી સદીમાં માત્ર ૨૧ વર્ષની વયે ગેલ્વા સિદ્ધાન્ત આપી, દ્વન્દ્વ યુદ્ધમાં ગુજરી ગયેલા ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી એવરિસ્ત ગેલ્વાએ કહેલું કે ‘જાણવાથી વધુ અભ્યાસનું અને સત્યને મેળવવાથી વધુ એની શોધનું માહાત્મ્ય છે. આ કથન આપણા ઉપનિષદકાળનું સ્મરણ કરાવે છે. વેદો, બ્રાહ્મણો, આરણ્યકોની પરંપરામાં ઉપનિષદોએ ચાલી આવેલા જ્ઞાન અંગે વારંવાર રચનાત્મક શંકા ઊભી કરી છે. પ્રાચીન પરંપરાનું કઠોરતાથી પાલન કરવા છતાં એમાં સત્ય અંગેની શોધ અને તરસ જોઈ શકાય છે. ઉપનિષદોમાં ઋષિઓ અને આચાર્યોની ઊંચી કલ્પના છે, સાહસિક અને સ્વતંત્ર ચિંતન છે અને પોતાનાં તેમજ જગતનાં રહસ્યો પામવા માટેની નિત્ય નવી તાલાવેલી છે. એમાં જીવનના વિવિધ અભિગમો છે અને જ્ઞાન તથા અનુભવનું અજબનું સંમિશ્રણ છે. મૂળે ઉપનિષદો તો પ્રવચનોનાં રૂપમાં હતાં. એ જમાનામાં લેખનનો ઉપયોગ જ્વલ્લે થતો. યાદ રાખી શકાય એ માટે મોટેભાગે શ્લોકોમાં રચના થતી. વળી ગદ્ય લખાયું તો તે પણ એવું સૂત્રાત્મક અને લયાત્મક લખાયું કે તરત ચિત્તમાં ચોંટી જાય, આવાં ઉપનિષદોની સંખ્યા, મુક્તિકોપનિષદ જણાવે છે તેમ લગભગ ૧૧૮૦ની છે પણ એમાંથી આજ સુધીમાં ૨૦૦ જેટલાં જ ઉપનિષદો પ્રકાશમાં આવ્યાં છે; એમાં ૫ ૧૦૮ જેટલાં અભ્યાસને પાત્ર છે. પણ એ બધામાં ઉપનિષદોના સારરૂપ ઉપનિષદ ‘માંડૂક્યોપનિષદ' કહેવાય છે. અથર્વવેદીય બ્રાહ્મણભાગમાં મુકાયેલું ‘માંડૂક્યોપનિષદ’ નાના દશ મંત્રોનું બનેલું છે. એ દશ મંત્રોમાં આ ઉપનિષદ માનવચેતનાની જાગૃત અવસ્થાથી માંડી નિતાન્ત સુષુપ્તિ પછીની નિતાન્ત પરમ અવસ્થાને આવરી લે છે. તેથી આ ઉપનિષદ ખૂબ અઘરું મનાયું છે. આ અઘરા ઉપનિષદને સમજાવવા શંકરાચાર્યના ગુરુના ગુરુ વેદાન્તાચાર્ય ગૌડપાદે ૨૧૫ અનુષ્ટુપ શ્લોકોમાં ટીકા લખી છે. ‘માંડૂક્યોપનિષદ’ને સમજવા માટે આ ટીકા કે કારિકાઓ એના અભ્યાસનો મહત્ત્વનો ભાગ ગણાયેલી છે. એટલું જ નહીં આ કારિકાઓમાં અદ્વૈતસિદ્ધાન્તની પહેલીવાર વ્યવસ્થિત માંડણી થયેલી છે. ‘માંડૂક્યોપનિષદ'માં બાર મંત્રો છે. જેમાં ૐ કારના ધ્વનિપ્રતીકને લઈને જાતનો અને જગતનો પરિચય અપાયો છે. બીજી રીતે કહીએ તો સ્થૂલજગત અને સૂક્ષ્મજગતનો પરિચય અપાયો છે. આમ જોઈએ તો આ ઉપનિષદના બાર મંત્રો ત્રણ ખંડમાં આગળ વધે છે. પહેલા ખંડના બે મંત્રોમાંથી પહેલા મંત્રમાં ૐ ના ધ્વનિપ્રતીકને બ્રહ્મના પ્રતીક તરીકે આગળ કર્યો છે; જ્યારે બીજા મંત્રમાં બધું જ બ્રહ્મ છે, એમાં આત્મા પણ બ્રહ્મ છે એવું કહી આત્માના ચાર અંશો (પાદો)નો નિર્દેશ કર્યો છે. બીજા ખંડના પાંચ મંત્રોમાં ક્રમશઃ આત્માના અંશોનો વિચાર કરવામાં આવ્યો છે, એમાં ત્રીજો મંત્ર જાગૃત અવસ્થાનાં, ચોથો મંત્ર સ્વપ્ન અવસ્થાનાં, પાંચમા અને છઠ્ઠો મંત્ર સુષુપ્ત અવસ્થાનાં અને સાતમો મંત્ર તુરીય અવસ્થાનાં લક્ષણો બાંધે છે. આ પછી ત્રીજા ખંડના પાંચ મંત્રોમાં કારની માત્રાઓની સાથે અવસ્થાઓને સરખાવવામાં આવી છે અને ૐ ના ધ્વનિપ્રતીકને બ્રહ્મના સ્વરૂપની બરાબર મૂકી આપ્યું છે. ટૂંકમાં, આ ઉપનિષદ સ્થૂલ અને સૂક્ષ્મ, અંદર અને બહારના જગતનો નજીકથી પરિચય આપે છે. આપણી જાગૃત અવસ્થામાં સ્કૂલ જગતને અંદર લાવતી આપણી ચેતના કેવી બહાર કરે છે! સ્વપ્નઅવસ્થામાં બહારથી સંચિત કરેલા સંસ્કારો વચ્ચે આપણી ચેતના કેવી અંદર ફરે છે! અને સુષુપ્ત અવસ્થામાં સ્વપ્ન ન જોતી અને કશી ઇચ્છા ન કરતી આપણી ચેતના કેવી નરી આનન્દમયી થઈ જતી હોય છે! અહીં આ સર્વનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ છે, પણ આ ત્રણ અવસ્થાથી આગળ વધી ઉપનિષદકાર કલ્પનાથી આદર્શ કહી શકાય એવી ચોથી તુરીય અવસ્થા વર્ણવે છે. આ અવસ્થામાં બધે નકાર છે. ત્રણ અવસ્થામાં જે છે, તે આ અવસ્થામાં નથી. જે ‘છે’ એમાંથી જે ‘નથી’ એમાં પ્રવેશવાનું છે. આ મંત્ર ઉપનિષદનો મુખ્ય મણકો છે. ઉપનિષદકારે અહીં ન-કારથી અને અ-કારથી જે નિષેધનું બળ ઊભું કર્યું છે તે માણવા જેવું છે : ‘ન અન્તઃપ્રજ્ઞ છે, ન બહિર્પ્રશ છે; ન ઉભયતઃ પ્રજ્ઞ છે, ન પ્રજ્ઞાન ઘન છે, ન પ્રજ્ઞ છે, ન અપ્રજ્ઞ છે. પણ અ-સૃષ્ટ છે, અવ્યવહાર્ય છે, અગ્રાહ્ય છે, અ-લક્ષણ છે, અ-ચિંત્ય છે, અ-વ્યપદેશ્ય છે’, આવું જ એકસરખા સમાન્તર લયનાં વાક્યોથી વારંવાર ધ્યાન ખેંચાયા કરે છે. જેમકે, ‘આ સર્વ બ્રહ્મ, આ આત્મ બ્રહ્મ – એ આ આત્મા ચતુષ્પાત’ કે પછી, જેમકે ‘આ સર્વેશ્વર, આ સર્વજ્ઞ, આ અંતર્યામી, આ કારણ સમસ્ત જીવોની ઉત્પત્તિ તથા લયના સ્થાનનું.' આ ઉપરાંત ‘સ્થૂલભ', ‘પ્રવિવિક્તભુક્’, ‘આનન્દભુક્' જેવાં સમાન્તર વિશેષણો કે ‘બહિ ર્પ્રજ્ઞઃ', ‘અન્તઃ પ્રજ્ઞઃ' જેવાં વિરોધી વિશેષણો પણ એકદમ ધ્યાન ખેંચે છે. ઉપનિષદના કેન્દ્રમાં કારનું સ્વરૂપ છે. ઉપનિષદકારે અ, ઉ અને મ – એમ ત્રણ માત્રાથી બનેલા ૐ ને અનુક્રમે જાગૃતઅવસ્થા, સ્વપ્નઅવસ્થા અને સુષુપ્તઅવસ્થા સાથે જોડ્યો છે; અને સમગ્ર ને તુરીય અવસ્થા સાથે જોડ્યો છે અને એ રીતે એને બ્રહ્મ સાથે સરખાવ્યો છે. ૐ ના બ્રહ્મ સ્વરૂપમાં પછી જગત રહેતું નથી. અને જગત રહેતું નથી, એટલે કે દ્વૈત – જુદાપણું – રહેતું નથી. આ જગતમાં જે કાંઈ દુઃખ કે બંધન ઊભું થાય છે તે જાતથી અન્યને કે જગતને જુદા ગણવામાંથી ઊભું થાય છે. વેદોનું અને ઉપનિષદોનું ધ્યેય દ્વૈતજ્ઞાનની સામે અદ્વૈતજ્ઞાનનો આદર્શ મૂકવાનું છે. ઉપનિષદકારને મન આ અદ્વૈત જ પરમ આનંદ કે મુક્તિ છે. છૂપી રીતે તો સર્વને પોતાની જ જેમ ચાહવાનો અઘરો સંદેશ આ વેદાન્તજ્ઞાનમાં પડેલો છે.