વસુધા/દ્રૌપદી

Revision as of 01:57, 17 June 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દ્રૌપદી

યજ્ઞના અગ્નિપંકેથી ખીલેલી તેજપદ્મિની,
સૃષ્ટિની દિવ્ય કો શોભા, નમસ્તે, દેવિ દ્રૌપદી!

ઉષ્માભર્યે અંગ ગુલાટી તું હશે
માતાપિતાના ઉછરંગ ખૂંદતી.
દિવ્યાગ્નિની લેઈ શિખા ઘુમી વળી
પ્રજ્વાલતી જંગલ પૃથ્વીરાજ્યનાં.

અગ્નિનો છોડવો મ્હોર્યો અગ્નિની ઉગ્ર મંજરી,
તામસી સૃષ્ટિમાં એણે બજાવી વ્યગ્ર ખંજરી.

આ અગ્નિનું પુષ્પ પ્રફુલ્લ ચૂંટવા
આવ્યા ઉમંગે નૃપલેક નર્તતા, ૧૦
સૌની દઝાડી યશ-દેહ-ડાળીઓ
ઝીલાઈ તું પાણ્ડવ-તામ્રકુણ્ડમાં.

પાણ્ડુના પંચ પુત્રોના પાત્રમાં પ્રાણને ધરી,
સાચવી રહી જ્વાલાઓ વિશ્વભુક્-સત્રને સ્મરી.

નૃપત્વને રાખભરી જટા વિષે
લપેટી ઘૂમ્યા વન જેમ પાણ્ડવો,
સંતાડી જ્વાલા નિજ સૌમ્ય સાળુમાં
તું યે ભમી ઉજ્જ્વલ ભાવિ ઝંખતી.

રાજ્યના મુકુટો આવ્યા, સામ્રાજ્ઞીત્વ પદે પડ્યું,
વિધિના સૂત્રયંત્રે ત્યાં ઘટનાકોકડું ચડ્યું. ૨૦

એ અંધના ગૌરવઅંધ પુત્રને
હસી રહી તું હસતી અટારીથી,
એ હાસ્યપડઘા પ્રતિઘોષ પામતા
શમ્યા સહુ રાજ્યની દાહભૂમિમાં.

ખખડવા દ્યૂતના પાસા, શિરથી મુકુટો સર્યા,
ઊંચાં એ શિર થ્યાં નીચાં, કરોથી શસ્ત્ર યે સર્યાં.

પાંચાલીની પોક સભા વિષે પડી,
ને નિમ્ન નેત્રે નૃપમંડળી ખડી.
દુઃશાસને વસ્ત્રવિમોચ આદર્યો,
સૌભાગ્ય-તારો પલટા કંઈ ફર્યો. ૩૦

પૃથ્વીની પટરાણીની લજ્જા રક્ષાઈ દૈવથી,
ખેંચાતાં દ્રૌપદી વ નવસ્ત્રા કીર્તિ કૌરવી.

લઈ પ્રતિજ્ઞા ભડ ભીમ ઊછળ્યો,
આર્યત્વનો રોષ મહાન ઊકળ્યો.
વિનાશની શ્યામળ ઘર છાયા
સૌ કૌરવો પે ચકરાઈ ત્યાં રહી.

અરણ્યે તૃણશય્યામાં પોઢેલા પાણ્ડુપુત્રના
તળાંસી દ્રૌપદી નિત્યે પોઢ્યા પૌરુષને રહી.

કિરીટીએ ત્યાં રિઝવ્યો કિરાતને,
ને ભીમ વન્યત્વ વધારી ત્યાં રહ્યો, ૪૦
સૌમ્યપ્રભા ધારત ધર્મ કેરી
પ્રજ્વાળી જ્વાલા નિત દ્રૌપદી રહી.

શક્તિ ને તપ, ઉત્સાહ સંવર્ધી પાણ્ડુપુત્ર સૌ
દટાયા વેશ અજ્ઞાતે ધાન્ય શા ફૂટવા ફરી.

સૈરિન્ધ્રીની સોડ ચહંત કીચક
અગ્નિતણી છેવટ સોડ પામ્યો,
ને ઉત્તરાનો ગુરુ મુગ્ધ વ્યંડળ
સ્વપુત્રની ભાવિ વધૂ જ પામ્યો.

વિષ્ટિની વાત વંઠી ગૈ, ખાંડાં ત્યાં ખખડી રહ્યાં,
મૃત્યુના મોરચાનાં આમંત્રણો વિશ્વમાં વહ્યાં. ૫૦

તેં ભીમની કમ્મરને કસી હશે,
પ્રેર્યો હશે અર્જુનને ય ચુમ્બને,
યુદ્ધે થતા અસ્થિર તે યુધિષ્ઠિર
હશે હલાવ્યા સ્મરણોથી દૈન્યનાં.

મદથી અંધ ઝાઝેરા અંધના પુત્રજૂથની
પાશવી રાજ્યવૃત્તિની સીમા ત્યાં તૂટવા ખડી.

સ્વસ્વસ્થિતિ ન્યાયભરી પ્રમાણતા
અધર્મ પક્ષે ય સ્વધર્મ માનતા,
મહાન પ્રજ્ઞો સ્થિરબુદ્ધિ વિજ્ઞ સૌ
રહ્યા વહાવી નિજ શસ્ત્રસ્રોતને. ૬૦

ગીતાનો ઘોષ સંગ્રામે શંખભેરી સમો થયો,
શત્રુ ને મિત્ર બંનેને પ્રયોજી કર્મમાં રહ્યો.

સમગ્ર સંતપ્ત સુદુઃખી જીવને
ઝંખેલ ઐશ્વર્ય ફળંતું ન્યાળતી
સંગ્રામના તે શિબિરે સુતેલીને
નિદ્રા કદી નેત્રની ઢૂંકતી હશે?

ભીષ્મના પદ પૂજીને યાચી સૌભાગ્યની સુધા,
ભીમનાં ભીમકર્મોની બની એ પ્રેરણા સદા.

ઝઝૂમતા યુદ્ધ વિષે સુયોધથી
ઝાઝેરું હૈયે ધરતી જ ધૈર્ય, ૭૦
સુવીર્યને વીરતણાં ટપી જતી
સંગ્રામની યોજક એ બની રહી.

કોપેલી ભ્રમરે એની કૌરવો રગદોળિયા,
ઉગ્ર આવેગથી એના મોડાયાં માન મત્તનાં.

અસ્તે જતા યુદ્ધની એક રાત્રિએ
પાંચે હણાતાં સુકુમાર પુત્રો,–
પંચાંગથી છિન્ન શી માતૃવલ્લરી
બની રહી કાલિ કરાળ કોપતી.

આંતરી અવસ્થામાં ભીમે ભોગળ શા ભુજે
ઝૂંટવી તેજ એનું લૈ પાંચાલીને પ્રસન્ની ત્યાં. ૮૦

સ્મશાનમાં એ કુરુક્ષેત્રકેરા
નિહાળી અગ્નિ શતશઃ ચિતાના,
એ અગ્નિજા કૌરવની નિષૂદની
શોચી રહી કૈં શિબિરાંગણે ખડીઃ

પૃથિવી પ્રાપ્ત થૈ હાવાં, શત્રુનાં શૂળ સૌ ટળ્યાં,
આંગણે આવ્યું ઐશ્વર્ય, હૈયે કાં અશ્રુ ના ઘટ્યાં?

સ્વપુત્રને જ સ્વરાજ્યની ધુરે
પ્રસ્થાન ત્યાં આદરતા જ પાણ્ડવો,
પાંચાલપુત્રી પતિપાય પેખતી,
રહ્યાં વધી સૌ હિમવાનની દિશે. ૯૦

ભવ્ય એ ગિરિને ભાલે વસેલી વિશ્વશાંતિ ત્યાં
યુદ્ધદાઝ્યા નરોને તે શાંત્યર્થે નોતરી રહી.

ત્યાં કંદરાને શિર લાગી કેડીએ
આલંબી અન્ય વધી રહ્યાં સૌ,
ચોમેર ઊભો હિમથી છવાયલો
મહાદ્રિ સૌનાં પગલાં ઝીલી રહ્યો.

રંગબેરંગી કર્મોની જાગે છે જીવનસ્મૃતિ,
વધતાં પગલાં આગે વિસ્મૃતિ મેર મુક્તિની.

અમૂર્ત ભાવી ગમ મુગ્ધ હૈયે
નિહાળતી ઉત્સુકનેત્ર દ્રૌપદી ૧૦૦
સરી પડી જીવન અદ્રિકેડીથી
ઢળી તહીં મૃત્યુ તણી કરાડમાં.

‘ક્ષમા...'ના અધુરા વાક્યે સમાતી વાણી કંઠમાં,
પાંચે યે પાણ્ડવો ભાળે હૈયાનાં રિક્ત રંધ્રમાં.

વસેલી હૈયે મધુરા હતાશ શી,
તેના જતાં અંતર ખાલી કંદરા
સમાં થયાં, આંધી હિમાળી મૃત્યુની
ઠારી રહી જીવનકેરી ઉષ્મા.

અગ્નિની દુહિતા કેરી ચિતા ત્યાં હિમમાં થઈ,
બળેલાં ઉરની ભસ્મે છાવર્યો અદ્રિને જઈ. ૧૧૦

ને જિંદગીની અવશિષ્ટ સંસ્મૃતિ
વાગોળતા પાણ્ડવ પાંચ શોચતા,
સ્વર્ગાભિમૌખ્યે પગ માંડતા શનૈઃ
હૈયું દબાવી હિમનું વધી રહ્યા.