રચનાવલી/૧૫૭

Revision as of 15:46, 22 June 2023 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૫૭. લૉંગ ડેય્‌ઝ જર્ની ઇન્ટુ નાઇટ (યુજિન ઑનિલ)


આમ તો અમેરિકાનો મોટો નાટકકાર, યુજિન ઑનિલને ૧૯૩૬માં નૉબેલ પારિતોષિક પણ મળ્યું છે, આધુનિક અમેરિકી નાટકના વિકાસમાં એનો ફાળો છે છતાં વિવેચકોમાં મતભેદ છે. કેટલાક માને છે કે યુજિન ઑનિલ ઇબ્સન, બર્નાર્ડ શૉ, સ્ટ્રિન્ડબર્ગ અરે, શેક્સપિયર જેવાની જમાતમાં બેસી શકે એવો સશક્ત છે, તો કેટલાક માને છે કે યુજિન ઑનિલે એક પણ એવું નાટક લખ્યું નથી, જેને ‘માસ્ટરપીસ’ કહી શકાય. યુજિન ઑનિલની આસપાસ હંમેશાં એક રહસ્ય રહ્યું છે. ૧૯૩૬માં યુજિન ઑનિલને ઈનામ મળ્યા પછી પણ લગભગ વીસેક વર્ષ સુધી આ નાટકકાર લગભગ ભુલાયેલો રહ્યો છે. એના જીવનની આસપાસ ખાસ્સું રહસ્ય રહ્યું છે. યુજિન ઑનિલનો ૧૮૮૮માં ન્યૂયોર્કમાં જન્મ છે. એ એક પ્રતિભાવાન અભિનેતાના પિતાનો પુત્ર છે ‘મોન્ટે ક્રિસ્ટો’ નાટકમાં ભૂમિકા ભજવીને એની ખ્યાતિ અમેરિકાભરમાં હતી. એની મા યેલ્લા પ્રમાણમાં શાંત અને સમર્પિત નારી હતી. ઑનિલને પોતાથી દશ વર્ષ મોટો એક ભાઈ હતો અને ઑનિલના જન્મ પહેલાં થોડા વર્ષ પૂર્વે અવસાન પામ્યો હતો. પરિવારનો ઑનિલ પર ઊંડો પ્રભાવ છે. ઑનિલના જીવનનાં શરૂનાં સાત વર્ષ એનાં માતાપિતા સાથે ‘મૉન્ટે ક્રિસ્ટો’ની ભજવણી કરતી મંડળી જોડે માર્ગપ્રવાસમાં વીત્યાં છે. એટલે ઑનિલનો અભ્યાસ ત્રૂટક રહ્યો. આ પછી એક વર્ષ પ્રિન્સટનમાં ગાળ્યા પછી એ ખલાસી તરીકે ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશો ફરી આવ્યો. આ વર્ષો એની પીડાનાં, હાડમારીનાં, સંઘર્ષનાં, નિરાશાનાં હતાં પણ આ જ વર્ષોએ ઑનિલને જગતની લોકોની, પોતાની એ જે સ્થાનોની મુલાકાત લે છે તે સ્થળોની સમજ આપી છે. આ જ પ્રવાસમાં ઑનિલને ક્ષય લાગુ પડે છે છ મહિના એ સેનેટોરિયમમાં ગાળે છે અને ત્યાં એને નાટકો લખવાની ઇચ્છા જાગે છે. આ પછી ઑનિલની ત્રણ પત્નીઓ અંગે, એની સ્ત્રીમિત્રો અંગે, એનાં ત્રણ બાળકો અંગે, એની પીવાની આદત અંગે, એણે આપઘાત કરવાનો પ્રયત્ન કરેલો એના અંગે ઘણું ઘણું લખાયું છે. પણ આ બધા અનુભવોએ ઑનિલને આધુનિક જીવનની ઊંડી સમજ આપી છે. આથી જ નાટકકાર તરીકેની જવાબદારી સમજાવતા ઑનિલ કહે છે કે અત્યારના નાટકકાર એ જે અનુભવે છે તે આજના રોગના મૂળ સુધી પહોંચવું જોઈએ. સદીઓ પુરાણા ઇશ્વરનું મૃત્યુ થયું છે. વિજ્ઞાન તેમજ ભૌતિકતાએ નવો વિકલ્પ આપ્યો નથી. જીવનનો અર્થ શોધનારી કે મૃત્યુનો સામનો કરનારી જૂની ધાર્મિક વૃત્તિને સ્થાને કોઈ નવી વ્યવસ્થા ધરવામાં વિજ્ઞાન અને ભૌતિકતા સદંતર ઊણાં ઊતર્યાં છે. મને લાગે છે કે જે કોઈ આજે સમર્થ સાહિત્ય રચવા માગે છે એમનાં નાટકો કે એમની નવલકથાઓનાં નાનાં નાનાં વિષયવસ્તુઓ પાછળ આ મોટો વિષય પડેલો હોવો જોઈએ. ઑનિલે પોતાના અનુભવોમાંથી મળેલી આ સમજ લગભગ એનાં ઘણાં બધાં નાટકોમાં પ્રગટ કરી છે અને તેથી ઑનિલનાં નાટકો મોટે ભાગે આત્મકથાનક બન્યાં છે. એમાં ય પોતાના જીવનના પ્રસંગોમાંથી સીધું નાટક જો રચાયું હોય તો તે ‘લાંબા દિવસની યાત્રા રાત્રિમાં’ (લૉંગ ડેય્‌ઝ જર્ની ઇન્ટુ નાઇટ) છે. પોતાના અભિનેતા પિતા, પોતાની માતા, પોતાના બે ભાઈઓ વગેરેની વિગતો સાથે તૈયાર થયેલું આ નાટક યુજિન ઑનિલની સમર્થ નાટ્યકૃતિ ગણાયું છે. ૧૯૫૩માં ઑનિલના મૃત્યુ બાદ ૧૯૫૬માં દિગ્દર્શક જોસ ક્વિન્ટર દ્વારા રજૂઆત પામેલા આ નાટકના ૩૮૮ જેટલા પ્રયોગો થયા અને ચોથીવાર ઑનિલને મરણોત્તર પુલિત્ઝર પારિતોષિક એનાયત થયું. ‘લૉંગ ડેય્‌ઝ જર્ની ઇન્ટુ નાઇટ' ચાર અંકી નાટક છે. એમાં ભગ્ન થતા જતા પરિવારનો કરુણ અહેવાલ છે. જેમ્સ ટાયસન કંજૂસ પિતા છે. વ્યસની બનેલી નાજુક માતા છે, પીવાને રવાડે ચઢેલો મોટોભાઈ જેની છે અને ક્ષય લાગુ પડેલો નાનો ભાઈ એડમન્ડ છે. આ બધા પોતે ક્યાંકને ક્યાંક ગુનેગાર છે અને ગુનેગાર વૃત્તિ છુપાવી શકતા નથી અને એકબીજા પર આક્ષેપો કરી પોતાની નિરાશા એકબીજા પર ઢોળે છે એટલું જ નહીં, એકબીજાને ગુનેગાર ઠેરવવાનો પ્રયત્ન કરે છે. નાટકનું દૃશ્ય ૧૯૧૨માં કનેક્ટીકટમાં ખુલે છે. જેમ્સ ટાયસન એક નિવૃત્ત અભિનેતા છે અને પરિવાર પર પોતાની મમત અને કંજૂસાઈથી કબજો જાળવવા પ્રયત્નશીલ છે. આવા પતિને કારણે એની પત્નીનું વ્યક્તિત્વ કચડાઈ ગયું છે અને એ અફીણની વ્યસની બની ગઈ છે. પણ જેમ્સ આ બંને વાતોની ઉપેક્ષા કરે છે. એમનો મોટો દીકરો જેમી પીવા તરફ વળી ગયો છે અને પિતાની જડ વર્તણુંક પર એને ભારે રોષ છે. એનો નાનો ભાઈ એડમન્ડ સમુદ્ર કિનારે વર્ષો ગાળીને પાછો આવ્યો છે અને ક્ષયથી સબડી રહ્યો છે, પણ ઘમંડી પિતા એડમન્ડની પરિસ્થિતિને ગંભીરતાથી સ્વીકારવા તૈયાર નથી. આ કંજૂસ પિતા એને સારા સેનેટોરિયમમાં મોકલવા અને એને અંગે ખર્ચ કરવા પણ રાજી નથી. આથી મોટો દીકરો જેમી વધુ પીવા તરફ વળ્યો છે નાટકને અંતે પત્ની મૅરીને ભૂતકાળમાં, પોતામાં, આ વાસ્તવિકતાથી દૂર જતી રહેતી બતાવી છે. અને એમ નાટકનો સમય દિવસમાંથી રાતમાં આગળ વધે છે. યુજિન ઑનિલનું આ નાટક અમેરિકી સમાજને પ્રતિબિંબિત કરતું કરતું, દૃશ્યો પછી દશ્યો દ્વારા ટ્રેજેડી બનીને ઊભું રહ્યું છે. આ નાટક માટે એવો અભિપ્રાય ઉચ્ચારાયો છે કે ‘લૉંગ ડેય્‌ઝ જર્ની ઇન્ટુ નાઇટ’ નાટક, નાટકને સાહિત્યમાં અને રંગભૂમિને કલામાં ફેરવી નાંખે છે.