રચનાવલી/૧૬૫

Revision as of 15:51, 22 June 2023 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૬૫. ત્રણ કમાની પુલ (ઇસ્માઇલ કાદેર)


એલ્બેનિયા યુરોપના બાલ્કન દ્વીપકલ્પમાં આવલો એક દેશ. એની ઉત્તરે યુગોસ્લાવિયા અને દક્ષિણે ગ્રીસ. એની અડધા ઉપરાંતની વસતી મુસ્લિમ. આ નાના દેશનો મોટો લેખક છે, ઈસ્માઈલ કાદેર. અનેકવાર નૉબેલ પુરસ્કાર માટે એના નામની દરખાસ્ત થઈ ચૂકી છે. નૉબેલ પુરસ્કાર માટે એની દરખાસ્ત કરનારાઓ, એને એલ્બેનિયાનો સોલ્જેનિત્સિન ગણે છે, જ્યારે એના ટીકાકારો કહે છે કે, ‘એ સામ્યવાદી પક્ષનો ભાડાનો ટટ્ટુ છે, એને નૉબેલ ન આપશો.’ એલ્બેનિયામાં ૧૯૯૦-૯૨માં સામ્યવાદનું પતન થયા બાદ ઇસ્માઇલ કાઢેરની કારકિર્દી જોખમમાં મૂકાઈ ગઈ. તેથી ૧૯૯૦માં એલ્બેનિયા છોડીને એ ફ્રાંસમાં વસ્યો છે. અંગ્રેજીમાં નવ અને ફ્રેન્ચમાં વીસેક જેટલાં એનાં પુસ્તકોના અનુવાદ થયા છે. ‘મૃત સૈન્યનો સેનાપતિ' (૧૯૬૩) જેવી એની સમર્થ નવલકથાથી જ ઈસ્માઈલ કાદેરનું એલ્બેનિયાના લેખકોમાં મોખરાનું સ્થાન છે. એલ્બેનિયાના સરમુખત્યાર એન્વર હોજાનો પ્રભાવ અને સામ્યવાદી માળખાનો પ્રભાવ હોવા છતાં આ લેખકે પોતાની અંદરના જગત સાથેની વફાદારી છોડી નથી અને એનું પ્રમાણ જ્હૉન હોસન દ્વારા અંગ્રેજીમાં અનુવાદ પામેલી એની નવલકથા ‘ત્રણ કમાની પુલ’માં જોઈ શકાય છે. આ લઘુનવલ છે. એમાં લેખકનો મિજાજ અને એની શૈલી બરાબર ઊતર્યાં છે. ‘ત્રણ કમાની પુલ’માં ઇતિહાસની ભૂમિકા છે. ૧૪મી સદીમાં તુર્કી ઓટમને એલ્બેનિયાનો કબજો લીધો ત્યારની વાત છે. પણ કથાના કેન્દ્રમાં પુલની ઘટના છે. એક સવારે એલ્બેનિયાની કોઈ મોટી નદીને કાંઠે કોઈ એક માણસને ફેફરું આવે છે અને એ પટકાઈ પડે છે. એની બાજુમાંથી પસાર થતા કોઈ અજાણ્યા માણસે લોકોને કહ્યું કે ઈશ્વરે આ દ્વારા સંકેત કર્યો છે કે આ જ જગ્યા પર પુલ બાંધવો. ત્રણ અઠવાડિયા પછી એક પુલ બાંધનારી કંપનીએ રાજ્યની મુલાકાત લઈ કહ્યું કે અમે ઈશ્વરના સંકેતની વાત સાંભળી છે અને પુલ બાંધવા આવ્યા છીએ. જગા માટે અને બાંધવાના પરવાના માટે તમે માંગશો એટલું નાણું આપીશું. મહેસુલ અમે રાખીશું. રાજા ખમચાયો. રાજાએ આ અગાઉ બીજી એક કંપની પાસેથી ખાસ્સા નાણાં લીધા હતાં પણ પુલ બાંધનારી કંપનીએ એથી વધુ આપીને સોદો પાકો કર્યો. રાજાએ એમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. આ કથા જ્હોન નામના કેથલિક પાદરી દ્વારા કહેવાયેલી છે. એ પુલની ઘટનાનો સાક્ષી છે. લોકોના વર્તનની એને ગંધ આવ્યા કરે છે. એને લાગ્યું કે નદીને કાંઠે ફેફરું ખાઈને પટકાઈ પડેલા માણસનો પ્રસંગ તદ્દન બનાવટી છે. પુલ બાંધનારી કંપનીએ જ ખરેખર તો એ પ્રસંગ ઊભો કરેલો હોવો જોઈએ. આ બાજુ પુલ બંધાઈ રહેવાની તૈયારીમાં હતો ત્યાં પુલમાં રહસ્યમય રીતે આડીઊભી તિરાડો પડવાની શરૂ થાય છે, પાણીની અંદરના માળખાને પણ હાનિ પહોંચવા માંડે છે. પાદરી જ્હૉનને ત્યારે પણ થાય છે કે આમાં વિરોધી કંપનીના માણસોનો જ હાથ હોવો જોઈએ. પરંતુ સ્થાનિક લોકોને વહેમ હતો કે નદીનો રોષે ભરાયેલો દેવ જ બદલો લઈ રહ્યો છે. પુલ બાંધનારી કંપનીને પણ હતું કે વિરોધીઓનું જ આ કાવતરું હોઈ શકે. છતાં એમને ચિંતા એ હતી કે વહેમને કારણે લોકોના મનમાં પુલ માટે ક્યાંક પૂર્વગ્રહ ન બંધાઈ જાય. રાતને સમયે ભાંગફોડ કરતાં પરિબળોને શોધી કાઢવા કંપનીએ ચોકિયાતો નીમ્યા, પણ સાથે સાથે લોકમાન્યતાની સામે લોકમાન્યતાનો ઉપયોગ કરવાની પણ પેરવી કરવા માંડી, જ્હૉન પાદરી પાસેથી કંપનીએ ઉત્તર એલ્બેનિયાનો જાણીતો ‘કિલ્લાનો રાસડો’ સાંભળેલી. એમાં આ જ રીતે રાત પડે ને અદૃશ્ય હાથથી કિલ્લો તૂટી પડતો હતો. પછી કિલ્લાને તૂટી પડતો અટકાવવા નરબલિ ચઢાવવામાં આવ્યો. ત્રણ કડિયામાંના એકની પત્નીને કિલ્લાની દીવાલના બાકોરામાં જીવતી ચણી લેવામાં આવી એનું બાળક દૂધ પી શકે એ માટે એનું એક સ્તન દીવાલમાં ખુલ્લું રાખવામાં આવેલું આજે પણ દીવાલમાંથી દૂધ જેવો પદાર્થ ઝરે છે. આ રાસડો પુલ બાંધનારી કંપનીએ પ્રચલિત કર્યો. એમાં વાત વહેતી મૂકી કે પુલને તૂટી પડતો અટકાવવા નરબલિ જરૂરી છે. પુલ બાંધનારી કંપનીએ છેવટે કોઈ એક માણસને સીમેન્ટ કોંક્રેટમાં માથું બહાર રાખી ચણી દીધો. લોકોએ એ પુલ માટેનો નરબિલ ગણ્યો, પણ જ્હૉન પાદરીના મનમાં પોતે રાસડાની વાત કરી હતી એમાંથી પરિણામ એ આવ્યું છે અને કંપનીએ વિરોધી કંપનીના કોઈ માણસને ચોકિયાત પાસે પકડાવી મંગાવી ચણી દીધો છે એની ગંધ આવી ગઈ. પુલ પૂરો થયો. યુદ્ધની સામગ્રી લઈને પહેલો કાફલો પસાર થયો પછી ભાલા ઉછાળતા તુર્ક ઘોડેસવારો અંધારામાં આવ્યા અને અંધારામાં અદૃશ્ય થઈ ગયા. પુલમાં વચ્ચોવચ્ચ લોહીના ધાબા નિશાનીરૂપે છે. પુલ એવી છાપ ઊભી કરે છે કે આવનાર સદીઓની બધી યાતનાઓ માટે જાણે કે એને ખુલ્લો મૂકાયો છે. ‘ત્રણ કમાની પુલ’ લઘુનવલમાં પુલની કથા પુલની કથા નથી રહેતી સઘન વાતાવરણમાંથી અને કાવ્યપૂર્ણ રજુઆતમાંથી જાતજાતના અર્થ કાઢવામાં આવ્યા છે. અહીં સ્થાપત્યના પાયામાં નરબલિની દંતકથાનો જે ઉપયોગ થયો છે એ દંતકથા એશિયા, યુરોપ, આફ્રિકા, દક્ષિણ આફ્રિકા એમ બધે જ મળે છે. ગુજરાતમાં પણ વાવમાં પાણી લાવવા માટે નરબલિ ચઢાવ્યાની કથા પ્રચલિત છે પણ આ કથામાં લોકમાન્યતાની સામે લોકમાન્યતાનો ઉપયોગ કરી માણસો દ્વારા જે કાવાદાવા થયા છે. એ પુલને પુલ ન રાખતાં એક અપરાધનું સાધન બનાવી દે છે. સામ્યવાદી પ્રચારમાં બલિ મુખ્ય આધાર રહ્યો છે. પ્રજાને દેશને માટે બલિ થવાનું ઠરાવવામાં આવે છે ઇસ્માઇલ કાદેરનું મુખ્ય ધ્યેય આ પ્રકારના બલિ એ બીજું કશું નથી, જધન્ય અપરાધ છે એ બતાવવાનું છે. આજે એલ્બેનિયામાં વગોવાયેલો આ મોટો લેખક ઈસ્માઈલ કાઢેર સામ્યવાદી છે કે સામ્યવાદ વિરોધી છે એ ભલે ચર્ચાનો વિષય બને પણ એની આ નવલકથા કોઈ વિચારધારાનું સામ્યવાદી કે સામ્યવાદ વિરોધી દૃષ્ટિબિંદુનું પરિણામ નથી. આ કથામાં થર ઉપર થર પથરાયેલા છે જેમાંથી અંતે માનવીય સંવેદનનો ઊંડો સૂર ઊઠે છે, જે આ લેખકને સમર્થ લેખક તરીકે સ્થાપિત કરે છે.