બહુવચન/અતુલ ડોડિયાની ચિત્રકળા

Revision as of 01:13, 16 July 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અતુલ ડોડિયાની ચિત્રકળા
કમલા કપૂર

ચિત્રકળાનાં પ્રદર્શનોની હમણાં ગઈ તે મોસમ સાવ શુષ્ક અને નીરસ કહી શકાય એવી નીવડી. એમાંથી ફક્ત ત્રણ પ્રદર્શનો નોખાં તરી આવ્યાં. સપ્ટેમ્બરના પ્રારંભે અતુલ ડોડિયાનું, એની આખરમાં શોભા ધારેનું અને તાજેતરમાં જ સમાપ્ત થયું એ ફિરદોસ દાદાભોયનું જેને વિશે વિગતે વાત કરવાનું પ્રાપ્ત થાય છે. આ પ્રદર્શનો વિશે નોંધનીય વાત એ છે કે અહીં ત્રણ કલાકારોમાંના બે જે અમૂર્તશૈલીના ચિત્રકારો છે એમણે પોતાની શૈલીની ચિત્રકળાની પ્રવર્તમાન પરંપરાનો ચીલો ચાતરીને પોતાની કૃતિઓમાં અંગત ગણી શકાય એવા પડકારોને સમાવિષ્ટ કરી આગળ વધવાનો પ્રયાસ કર્યો છે અને ત્રીજો ચિત્રકાર જે વાસ્તવવાદી છે તે પ્રતિનિધાનાત્મક કળાની જે કંઈ સમસ્યાઓ અને શાસ્ત્રીય વિવેચન છે એ સઘળાથી સભાન રહીને એને અતિક્રમવા મથ્યો છે. આ ત્રણેયને એક સંબંધસૂત્રે સાંકળતું એક સમાન તત્ત્વ છે પારગામી દૃષ્ટિમત્તાની ખોજ. ચિત્રકળાની ચારુ શૈલીઓએ આધુનિકતાના આ યુગમાં કપરા કાળનો સામનો કરવો પડ્યો છે. ચાક્ષુષી વાસ્તવ, ઘનિષ્ઠ આત્મીયતા, ઇન્દ્રિયસંતર્પક તત્ત્વની છોળ અને પ્રસન્નતાનો અનુભવ કરાવતી શૈલીઓને ઘૃણાભરી નજરે જોવામાં આવે છે. એને ઠેકાણે બૌદ્ધિક, દુર્બોધ, યદૃચ્છાવિહારી અને પાશવી સુધ્ધાં પર પસંદગી ઢળતી હોય છે. અતુલ ડોડિયા – સદાતન ચિત્રાત્મક વાસ્તવનો આ લેખક – પ્રવર્તમાન પ્રમુખ વલણોને રદિયો આપવાનું જારી રાખે છે. એમનું તાજેતરનું કામ મુંબઈના જ એક ઉદ્યોગપતિના આવાસ માટે કરવામાં આવ્યું છે. ભીંતિ ચિત્ર (મ્યુરલ)નું એનું સ્વરૂપ છે. વિવિધ કદ પ્રમાણનાં પેનલોનું એક સપત્ક રચાય એની ગૂંથણી કરી છે. એનું શીર્ષક છે, “The song still remains”. અતુલ ડોડિયા (હાલમાં તેઓ પૅરિસમાં એકોલ દ બા આર્ટ્‌સમાં જોડાયા છે, એક વર્ષ માટે ત્યાં રહેવાના છે)નાં ચિત્રોમાં પ્રકાશનું એક ચોક્કસ પ્રકારનું હોવું, ભારતીય ભૂમિખંડનો પરિવેશ, ડાઘડૂઘ ધાબા તિરાડવાળી ખખડી ગયેલી દીવાલોની ભંગુરતા, વારંવાર ડોકિયાં કરી જતી બચપણની ટ્રેનગાડીના પ્રવાસની સ્મૃતિઓ એ સઘળું એકરૂપ થઈને અવર્ણ્યેય એવા અતીતરાગ અને પ્રશમતામાં ઝબકોળાઈને ચિત્રોમાં પ્રગટી ઊઠે છે. ડોડિયા માટે પીંછી અને રંગોનું કલ્પનાજગત એમની આજુબાજુના બાહ્ય જગત જેટલું જ નક્કર અને વાસ્તવિક છે. માધ્યમ પરનું એમનું પ્રભુત્વ અને કૌશલ્ય આત્મસભાનતાની હદે પહોંચીને વિદગ્ધ બની રહે છે. એમનાં વસતિવિહોણાં ભૂમિદૃશ્યો પરિચિત હોવા છતાં કશાક રહસ્યસભર અને ચિત્તનો કેડો ન મૂકે એવા વિષાદથી ભરપૂર હોય છે. ભીતરી તેજથી ઝગી ઊઠતા આથમતા સૂર્યનાં દૃશ્યોની પળે પળે બદલાતી એવી ક્ષણિકતા, ક્વચિત્‌ ઇન્દ્રિયસંવેદ્ય નાટ્યાત્મકતા, ક્વચિત્‌ પ્રશાંત દીપ્તિવાળા આકાશની નીચી ઝળૂંબતી ક્ષિતિજોને અડીને આવી રહેલાં વેરાન ખેતરોનું બુઠ્ઠું પોત પ્રસ્તાર પામતું આપણી તરફ આગળ વધતું એકાએક જેમાંથી સીમાબદ્ધ (ફ્રેઈમ્ડ) થઈને એ બધું દેખાઈ રહ્યું છે એ ટ્રેનની બારી કે દરવાજાના ચોકઠાને અથડાઈને અટકી રહે છે. છતાં, આ બધું દેખાય છે એટલું સરળ નથી જ. પ્રવહમાન કાળમાં સ્મૃતિજન્ય અને કલ્પનાજન્ય સ્તરોનું ચિત્રોમાં ઉપસાવાતું આલેખન ચક્ષુજન્ય અને આંતરચક્ષુજન્ય જ્ઞાન અંગેનો વિવાદ જગાડી મૂકે છે. સુંવાળી દેખાતી સપાટીની ભીતર કાળજીપૂર્વક કરેલી રંગોની મેળવણી સાંધારહિત જડબેસલાક બંધ કરી દેવામાં આવી હોઈ, ચિત્રને કોઈ અન્ય જગતીય સ્વપ્નભૂમિની વિશદતા અર્પે છે. એની સાથોસાથ અવકાશની સંયોજનરચના બે અંતિમ ધ્રુવોનું નિરૂપણ બની ગયું છે; દરવાજા અને દીવાલોની ઊભી રેખાઓની સામે છેડે ભૂમિદૃશ્યનું આડી રેખામાં હોવું, મજ્જાગત લયની ભૌગોલિક સંરચનાની સામે ટ્રેન અને કસ્બાસ્થિત રેલવેસ્ટેશનના સ્થાપત્યની ભૌમિતિક રેખાઓનું હોવું, ભ્રાંતિજન્ય સપાટીની સામે છેડે ચિત્રસપાટીનું દ્વિપરિમાણી અને અલબત્ત દૃશ્યની પોતરચનાની સાથેસાથે એને ચોક્કસ સીમામાં બાંધી રાખવાનું રચનાકાર્ય પણ ખરું જ. સાવ સામાન્ય એવા વિષયવસ્તુને ચિત્તનો કબજો જમાવી લે એવી કૃતિમાં રૂપાંતર કરી શકવાનું આ ચિત્રકારનું સામર્થ્ય કંઈક અંશે આ પ્રકારનો જ અનુભવ કરાવતાં આરંભકાળની ડચ ચિત્રકળામાંનાં ભૂમિદૃશ્યો અને અવકાશનું સંયોજનોનું આ સંદર્ભે સ્મરણ થઈ આવે છે. સાતમાંનું જે સૌથી મોટું પેનલ છે એમાં ચિત્રમાં મધ્ય અંતરે એક એકાકી મકાન ચીતરેલું છે. અંતરિયાળ ગામડાગામના કોઈક ખાલીખમ દેખાતા રેેલવે સ્ટેશનની ધારની પેલી કોર આવી રહેલું નિર્જન અને લગભગ મઠ જેવું દેખાતું આ મકાન ઘેરાતા જતા પ્રદોષવેળાના પ્રકાશમાં તરબોળ બની ઊઠ્યું છે. ચિત્રમાંનું આ મકાન ચિત્ર જોનારને નિદિધ્યાસનની હદે તાણી જાય એવા નિઃશબ્દતાના પારાવારમાં પ્લાવિત કરી મૂકે, એકાંકીપણાના વિષાદનું કળતર જગાડી જાય છે, ઝડપથી સરકી રહેલા સમયની એક નાજુક પળમાં સદાયને માટે અંકાઈ ગયું છે. આ જ તો છે અતુલ ડોડિયાના વિશેષત્વનું સત્ત્વ.

મૂળ અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ.
(નવનીત-સમર્પણ, ફેબ્રુઆરી ૧૯૯૧)