એકોત્તરશતી/૧૨. ઝૂલન


ઝુલો (ઝુલન)


હું આજે મધરાતની વેળાએ પ્રાણની સાથે મરણખેલ ખેલીશ. ગાઢ વર્ષા છે, ગગન અંધકારમય છે, જુઓ વારિધારાએ ચારે દિશા રડે છે. ભીષણ રંગથી ભવતરંગમાં હું તરાપો તરાવું છું; રાત્રિને વખતે સ્વપ્નશયનની અવહેલા કરીને હું બહાર નીકળ્યો છું. અરે, પવનમાં ગગનમાં અને સાગરમાં આજે કેવા કલ્લોલ ઊઠે છે! હીંચકો નાખ. પાછળથી હાહા કરતું હસતું હસતું વાવાઝોડું આવીને ધક્કો મારે છે, જાણે એ લાખ્ખો યક્ષશિશુઓનો ઘોંઘાટ ન હોય. આકાશમાં ને પાતાળમાં પાગલો અને છાકટાઓનું ધાંધલ મચ્યું છે. હીંચકો નાખ. આજે મારો પ્રાણ જાગી ઊઠીને છાતી પાસે બેઠો છે. રહી રહીને કંપી ઊઠે છે, મારી છાતી દબાવીને પકડે છે, નિષ્ઠુર ગાઢ બંધનસુખથી હૃદય નાચે છે; ત્રાસ અને ઉલ્લાસથી મારા પ્રાણ છાતીની પાસે વ્યાકુળ બની ગયા છે. હાય, આટલા વખત સુધી મેં તેને સ્નેહપૂર્વક શયન ઉપર રાખી હતી. રખેને વ્યથા લાગે, રખેને દુ:ખ થાય, એ બીકે બહુ અનુરાગથી રાતદિવસ મેં ફૂલોના થરથી વાસરશય્યા તૈયાર કરી છે; બારણાં બંધ કરીને મે તેને ગોપન ખંડમાં જતનપૂર્વક રાખી હતી. સ્નેહપૂર્વક આંખોનાં પોપચાં ઉપર ચુંબન કરીને મેં તેને કેટલાં લાડ લડાવ્યાં છે, કેટલો પ્રેમ કર્યો છે. માથું પાસે રાખીને મેં મૃદુ મધુર વાણીમાં કેટકેટલાં પ્રિયનામ સંભળાવ્યાં છે, જ્યોત્સ્નારાતે ગુંજન કરીને ગાયું છે; જે કંઈ મધુર છે તે બધું સ્નેહપૂર્વક તેના બે હાથમાં આપ્યું હતું. અંતે આલસરસ અને આવેશને લીધે થાકેલો પ્રાણ સુખની પથારીમાં (પડ્યો) છે. હવે તે સ્પર્શ કરવા છતાં જાગતી નથી, કુસુમનો હાર ખૂબ ભારે લાગે છે, રાત અને દિવસ ઊંઘ અને જાગરણ ભળી જઈને એકાકાર થઈ ગયાં છે; આવેશને લીધે વેદનાવિહીન જડ વિરાગ મર્મમાં પ્રવેશે છે. મધુરમાં મધુર રેડીને મારી વધૂને કદાચ ખોઈ બેસીશ, શોધી જડતી નથી. વાસરગૃહનો દીવો બુઝાઉં બુઝાઉં થઈ ગયો છે. વ્યાકુળ નયને હું ચારેકોર જોઉં છું, માત્ર ઢગના ઢગ સૂકાં ફૂલોનો ગંજ થયો છે : અતલ સ્વપ્નસાગરમાં હું ઝૂઝી (ને મરી) રહ્યો છું. હું કોને શોધું છું? એટલે મેં વિચાર્યું છે કે આજે રાતની વેળાએ નવી રમત રમવી પડશે. મરણઝૂલામાં દોરડું પકડીને બંને જણ ખૂબ પાસે પાસે બેસીશું, ઝંઝાવાત આવીને અટ્ટહાસ્ય કરીને ઠેલો મારશે, હું અને પ્રાણ બે જણ મળીને મધરાતે ઝૂલાની રમત રમીશું. હીંચકો નાખ, હીંચકો નાખ, આ મહાસાગરમાં તોફાન જગાવ. મારી વધૂ મને પાછી મળી છે. ખોળો ભરાયો છે. પ્રલયના નાદે મારી પ્રિયાને જગાડી દીધી છે. હૃદયના લોહીમાં પાછો કોણ જાણે શોય હિલ્લોલ જાગ્યો છે. મારી અંદર અને બહાર શો કલ્લોલ જાગ્યો છે! કુંતલ ઊડે છે, અંચલ ઊડે છે. વાયુચંચલ વનમાળા ઊડે છે, મત્ત નાદે કંકણ બાજે છે, કિંકિણી બાજે છે. હીંચકો નાખ. ઝંઝાવાત આવ, પ્રાણ વધૂનાં આવરણા દૂર કરી દે, લૂંટી લઈને અવગુંઠન વસ્ત્ર ખોલી નાખ. હીંચકો નાખ. પ્રાણ અને હું આજ સામસામી આવ્યાં છીએ, ભય અને લાજ તજીને બંને (એકબીજાને) ઓળખી લઈશું. બંને ભાવથી વિહ્વલ થઈને છાતીએ છાતી ભીડીશું. હીંચકો નાખ. સ્વપ્નને તોડી નાખીને આજ બે પાગલો બહાર નીકળ્યાં છે. હીંચકો નાખ. ૧૭ માર્ચ ૧૮૯૩ ‘સોનાર તરી’

(અનુ. નગીનદાસ પારેખ)