એકોત્તરશતી/૩૩. નવવર્ષા

Revision as of 02:14, 17 July 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નવવર્ષા

આજ મારું હૃદય નાચે છે, મોરની જેમ નાચે છે, હૃદય નાચે છે. સો સો રંગના ભાવઉચ્છ્વાસ કલાપની જેમ ફેલાવે છે. આકુલ પ્રાણ આકાશ ભણી જોઈને ઉલ્લાસમાં કોને યાચે છે? આજ મારું હૃદય નાચે છે, મોરની જેમ નાચે છે. મેઘ ઘુમરાઈ ઘુમરાઈને આખાયે આકાશમાં ગાજે છે, આખાયે આકાશમાં ગાજે છે. વાદળની ધારા ધસતી ચાલી આવે છે. માળામાં બીધેલું કબૂતર કંપે છે. દેડકા વારેવારે ડ્રાંઉ ડ્રાંઉ કરે છે. મેઘ ઘુમરાઈ ઘુમરાઈને આખાયે આકાશમાં ગાજે છે. મારી આંખોમાં જલભર્યાં મેઘનું નીલ અંજન લાગ્યું છે, આંખોમાં લાગ્યું છે. તાજા તૃણદલમાં, ગાઢી વનછાયામાં મારું હૃદય બિછાવી દીધું છે. પુલકિત નીપનિકુંજમાં પ્રફુલ્લ પ્રાણ આજ જાગ્યા છે. નયનમાં જલભર્યા સ્નિગ્ધ મેઘનું નીલ અંજન લાગ્યું છે. અરે, મહેલની ટોચે આજે કોણે એના કેશ છુટ્ટા મૂક્યા છે, અંબોડો છુટ્ટો મૂક્યો છે? અરે, નવા મેઘરૂપી નીલ વસ્ત્ર કોણ પોતાની છાતી પર સંકોરે છે? વિદ્યુતશિખાના ચકિત પ્રકાશને કોણ રમાડતું ફરે છે? અરે, મહેલની ટોચે આજે કોણે એના કેશ છુટ્ટા મૂક્યા છે? અરે નદીને કાંઠે ઘાસ પર કોણ સ્વચ્છ વસ્ત્રમાં બેઠું છે, હરિયાળા વસ્ત્રમાં બેઠું છે? દૂર આકાશમાં એ કોને જુએ છે? ઘાટ છોડીને ઘડો ક્યાં વહી જાય છે? નવમાલતીની કુમળી પાંદડીઓને બેધ્યાનપણે પોતાના દાંતથી કાપે છે. અરે, નદીને કાંઠે ઘાસ પર કોણ સ્વચ્છ વસ્ત્રમાં બેઠું છે? અરે, નિર્જનમાં બકુલની ડાળે કોણ આજ હીંડોલે ઝૂલે છે, હીંચકતું ઝૂલે છે? ઝરઝર બકુલ ઝરે છે. આકાશમાં એને અંચલ ફફડે છે. લટો ઊડીને પોપચાંને ઢાંકે છે. અંબોડો ખસીને ખૂલે છે. અરે, નિર્જનમાં બકુલની ડાળે કોણ આજ હીંડોલે ઝૂલે છે? વિકસિત કેતકીવાળી તટભૂમિ પર કોણે પોતાની નાવ બાંધી છે, નાજુક નાવ બાંધી છે? શેવાળના દલનો પુંજ લઈને ફરફરતો અંચલ ભરી લીધો છે? અશ્રુભર્યા નયને મનોહર મેઘરાગિણી (કોણ) ગાય છે? વિકસિત કેતકીવાળી તટભૂમિ પર કોણે પોતાની નાજુક નાવ બાંધી છે? આજ મારું હૃદય નાચે છે, મોરની જેમ નાચે છે, હૃદય નાચે છે. નવ પલ્લવ પર મેઘની ધારા ઝરે છે, તમરાંના અવાજથી વન કંપે છે. કાંઠા છલકાવીને નદી કલકલ્લોલ કરતી કરતી ગામ પાસે આવી છે. આજ મારું હૃદય નાચે છે, મોરની જેમ નાચે છે, હૃદય નાચે છે. ૨ જૂન, ૧૯૦૦ ‘ક્ષણિકા’

(અનુ. નિરંજન ભગત)