એકોત્તરશતી/૩૨. વૈશાખ
હે ભૈરવ, હે રુદ્ર વૈશાખ, તારી ધૂળથી ધૂસર, રુક્ષ અને પિંગળ જટાજાલ ઊડે છે, તારું શરીર તપથી ક્લિષ્ટ છે, ભયંકર વિષાણ (શિંગું) મોઢે માંડીને તું કાને હાક મારે છે, હે ભૈરવ, હે રુદ્ર વૈશાખ?
બધા છાયામૂર્તિ અનુચરો બળીને તાંબા જેવી થઈ ગયેલી દિશાઓના કયા છિદ્રમાંથી ધસી આવે છે! કેવા ભીષણ અદૃશ્ય નૃત્યથી મધ્યાહ્ન આકાશમાં તારા નિઃશબ્દ પ્રખર છાયામૂર્તિ અનુચરો મત્ત બની જાય છે.
મસ્તીના શ્રમથી શ્વાસમાં હુતાશ(અગ્નિ) છોડી રહ્યા છે. રહી રહીને ગરમ થઈ થઈને ઉગ્ર વેગથી ઘૂમવા માંડે છે, ઘાસ પાંદડાંને ઘૂમરીએ ચડાવે છે, ધૂળરાશિને વંટોળને છંદે આકાશમાં ઘુમાવે છે—અને મસ્તીના શ્રમથી શ્વાસમાં હુતાશ છોડે છે,
દીપ્ત ચક્ષુવાળા હે શીર્ણ સંન્યાસી, જેનાં પાણી સુકાઈ ગયાં છે એવી નદીને તીરે ધાન્ય વિનાના તૃષાથી ફાટતા ખેતરમાં આવીને લાલ આંખો કપાળે ચડાવીને પદ્માસન વાળીને બેસ, હે ઉદાસી પ્રવાસી, દીપ્ત ચક્ષુવાળા હે શીર્ણ સંન્યાસી.
તારી સામે વિરાટ અંબરને ચાટતી લાલુપ ચિતાગ્નિશિખા જલી રહી છે— વિશ્વની પરિત્યક્ત વસ્તુઓના મૃત ઢગલા જેવા ગત વર્ષને ભસ્મસાત્ કરી દઈને તારી સામે ચિતા જલી રહી છે. હે વૈરાગી, શાંતિપાઠ કર, (તારો) ઉદાર ઉદાસ કંઠ ડાબી અને જમણી બાજુ ભલે દોડતો જતો, ભલે નદીને વટાવીને મેદાનોને ભરી દઈને એક ગામથી બીજે ગામ ચાલ્યો જતો, હે વૈરાગી શાન્તિપાઠ કર. તારા સકરુણ મંત્ર સાથે બધાં મર્મભેદી દુઃખો વિશ્વમાં ફેલાઈ જાઓ, કલાન્ત કપોતના કંઠમાં, ક્ષીણ જાહ્નવીના શ્રાન્ત સ્વરમાં, અશ્વત્થની છાયામાં તારા સકરુણ મંત્ર સાથે. સુખ અને દુઃખ, આશા અને નિરાશા તારા ફુત્કારથી ઊડેલી ધૂળની પેઠે આકાશમાં ઊડી જાઓ, કુંજના ખરી પડેલાં ફૂલની ગંધ સાથે સુખ અને દુઃખ, આશા અને નિરાશા આકુળ આકાશને ભરી દો. તારા ભગવા વસ્ત્રનો છેડો આકાશમાં પાથરી દે—જરા મૃત્યુ ક્ષુધા તૃષ્ણા અને ચિંતાથી વિકલ નરનારીનાં હૃદયોને વિશાળ વૈરાગ્યથી ઢાંકી દઈને તારા ભગવા વસ્ત્રનો છેડો પાથરી દે. હે રુદ્ર વૈશાખ, હાક માર. બપોરની તંદ્રાને તોડી નાખીને જાગી ઊઠીને અમે બારણે નીકળી પડીશું, પ્રાણીશુન્ય, બળેલા ઘાસવાળી ક્ષિતિજની પાર નિસ્તબ્ધ અને નિર્વાક્ બનીને જોઈ રહીશું. હે ભૈરવ, હે રુદ્ર વૈશાખ. મે, ૧૯૦૦ ‘કલ્પના’