અથવા અને/જ્યોતિ ભટ્ટનાં રેખાંકનો

Revision as of 00:44, 29 June 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જ્યોતિ ભટ્ટનાં રેખાંકનો

ગુલામમોહમ્મદ શેખ





હમણાં ઊઠીને ગઈ તે રમણીનાં સ્તનોની છાપ
કિનારાની રેતીમાં સ્પષ્ટ, મોહક, સૂકી, પોલી.
અને પેલો વહી જતો શ્વાન –
એના ભસવાની સાથે સરખાવી શકાય એવી
એનાં પગલાંની ત્રુટક રેખા જે આકૃતિ રચે છે
તે મનુષ્ય જેવા લાગતા હલેસાની છે.
માણસો તો ટાંપીટાંપીને બેઠા અને તણાઈ ગયા.
ફૂલેલા પેટે હસ્યો સમુદ્ર-આરસો.
નફ્ફટ થઈને હું
રેતીમાં પડેલા ખાડા પાસે ગયો
અને આસપાસ કોઈ નથી, જાણી
પગના અંગૂઠાના ખાડાને પકડી ઊંચો કર્યો
ત્યાં તો –




મોજાં એક વાર એવાં તો અવળસવળ ગોઠવાયાં
કે એનો આકાર
કોઈ અણઘડ સુથારે ઘડેલ ફરતી ખુરશી જેવો થઈ ગયો.
પરંતુ ત્યાર પછી તો એ પડ્યાં, કૂદ્યાં અને સૂતાં સૂતાં ચાલ્યાં
તે છેક પેલા રંગ વગરના ઊંઘતા કૂતરા લગી.
મોજાં વહી ગયા બાદ મેં કૂતરાને પથ્થર માર્યો
કારણ કે કૂતરાના શરીર નીચે કોરી રહી ગયેલ રેતીના
સ્તનીય વળાંકોને જોવાની વાસના હું દાબી શકું તેમ નહોતો.
પરંતુ જ્યારે કૂતરો ઊઠ્યો
ત્યારે મોજાં ખાડા પરથી સીધી લીટીમાં વહી ગયેલાં દેખાયાં
તેથી મેં બૂમ પાડી

પકડો, પકડો
પણ એ તો
એક નગ્ન સુન્દરીના સ્તનના પડછાયામાં માથું ખોસી
આરામથી ઊંઘવા માંડ્યો હતો.

મે, ૧૯૬૩
અથવા