અથવા અને/તક જતાં –

Revision as of 01:05, 29 June 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તક જતાં –| ગુલામમોહમ્મદ શેખ}} <br> <br> <poem> ૧ હા-ના વચ્ચેની ફાડમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તક જતાં –

ગુલામમોહમ્મદ શેખ





હા-ના વચ્ચેની ફાડમાં
થઈને નીકળ્યો અશ્રુજાત ચહેરો.
ફૂટેલી ધરામાં ધરો ખાબોચિયે ખળભળી
અરીસાની ઊખડેલી ચાંદીમાં
ચળાયો અડધપડધ
અડતાં અડ્યો ખડકખભો
આછેતરી માટી ખરી મ્હોર ખર્યો
મ્હોરી ન મ્હોરી રુવાંટી
અંગૂઠે જંતુ ચડતુંચડતું રહી ગયું.
ઝાંખી ભળાતી સુંવાળપ
જામા થકી ઝળકી
ને ટેરવે ટટળતી રહી ગઈ.
ગાલમાં ગરકાવ થઈ જીભ
ભોંયમાં ભોરિંગ ઊતરી ગયો.

તું વહાણા સમી વાઈ
વાંભવાંભ વનમાં
હવાની હેલી સમી
આ ઊઠી, આ ઊડી
આ ઢળી, ભળી ભોંયમાં.
તૃણ પરથી તરતો દેહ
આ વહ્યો, આ રહ્યો!
વચ્ચેવચ્ચે આખો ઊભો થયો
આંતરી આંખ, પાર ઊતરી ગયો.
હજુ હલબલે પડછાયા
તૃણમાં ઊતર્યા તે હવાની હાલકે.
રહી ગયો છાલક શો સ્પર્શ
સ્વપ્ન જેવું ઠીબડું
હથેળીમાં સ્તનાગ્રનો ખાલી પ્રદેશ
હોઠમાં થથરતી હા
આંખમાં નફકરી ના.




તરવરતાં તૃણ વચ્ચે
છકેલા છોડ જેવી
જોતજોતાંમાં
ટેરવાં વચ્ચેથી સરકી ગઈ.

આમ જો લીમડે લીલાશ મ્હોરી
શુકગણની સાખે સાંજ ઊડું ઊડું.
ધૂળને ગર્ભ
અંજાશ ઓઢીને પોઢ્યું ઘાસ.
તું નીકળી તેવી જ
લીલાધરી
મ્હોર શી પાંગરી
ને તડકાનાં તંગ વસન તૂટ્યાં.
જો ઘાસમાં થઈ લીલોતરો વ્હેળો વછૂટ્યો
હિલ્લોળ છેક ટચલી ડાળે
લીમ પેટે જાણીતી જામગરી
ફરી પેટાઈ
ફાટું ફાટું, ફૂટું ફૂટું વેળ...

૧૯૮૦નો દશક (?)
અને