અમૃતા/પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/એક

Revision as of 14:28, 26 August 2023 by Meghdhanu (talk | contribs)
એક


સપ્રમાણ ધૂમ્રપટ રચતું વાયુયાન આકાશમાં અદૃશ્ય થઈ ગયું અને ઉદયનની દૃષ્ટિ પાછી વળી. ધૂમ્રપટના આરંભવાળો છેડો આકાશમાં નિરાધાર લટકતો લાગ્યો. ખાલીપણામાં ફેલાઈ જવા માટે એ પટ પોતાનું વ્યક્તિત્વ છોડીને ધૂસરતા બનવા લાગ્યો. ઉદયનની આંખોમાં જાગેલી ધૂમ્રસેર પણ ફેલાઈ રહી.

એક નાજુક પંખી અમૃતાની સામે બેસીને પાંખો ફફડાવતું હતું. એને જોતાં જોતાં એકવાર અમૃતાની પાંપણ ફરકી ઊઠી.

અહીં એક ત્રીજી ઉપસ્થિતિ પણ હતી – ‘સમુદ્ર… મુંબઇનો? એવું કહીએ છીએ પણ વાસ્તવમાં તો કેવળ કિનારો જ મુંબઇનો. સમુદ્ર તો વ્યાપક અને અખંડ. જ્યાં ઉપર નથી દેખાતો ત્યાં ભીતર છે. સમુદ્રના એક કિનારે મુંબઇ નગર છે. અને આ નગરના દરેક છેડે સમુદ્ર છે. છે અને હશે. મુંબઇ જ્યારે સમુદ્ર બની જશે ત્યારે પણ સમુદ્ર તો…’

‘શું વિચારો છો અનિકેત?’

‘સમુદ્ર તો પછી પણ હશે. જેમ આકાશ હશે. આપણે બેઠાં છીએ ત્યાં એટલે કે અહીં, સંભવ છે ભવિષ્યમાં જળ ઘૂઘવતું હોય.’

‘અથવા આપણી દૃષ્ટિના છેડા પહોંચે ત્યાં સુધી રણ ઊડતું હોય.’ — ઉદયન વચ્ચે એ રીતે બોલ્યો કે જાણે એને કશું બોલવામાં રસ ન હતો પણ જે બોલાઇ રહ્યું હતું તેને કશો અર્થ ન હતો. ઉદયને પશ્ચિમ આકાશમાં નજર સ્થિર કરીને સૂર્યાસ્તનો સમય થવાથી આછી આછી ભભક લઇને જાગી આવેલા લાલ કેસરિયા રંગને પસંદ કર્યો. લઈ શકાય એટલો પોતાની આંખોમાં ગ્રહી લીધો. પોતાના વચ્ચે બોલવાથી અનિકેત રોકાઇ ગયો છે તે જોઇને એણે અમૃતા સામું જોયું અને પૂછયું અનિકેતને-

‘તું ભવિષ્યમાં માને છે?’

‘વ્યતીત અને ભવિષ્ય બંનેમાં. કારણ કે વર્તમાન તો ભ્રમ છે. ક્ષણથી પણ નાનું સમયનું કોઈ અવિભાજ્ય ઘટક લો અને પછી વિચારી જુઓ કે એટલો સમય પણ વર્તમાન હોય તેવું અનુભવી શકાય તેમ છે? આવવાનું હોય છે તેની આપણને ખબર નથી, છતાં ‘એ’ આવનાર છે એમ માની લઈને આપણે જીવીએ છીએ, કદાચ એટલા માટે જ જીવીએ છીએ. પરંતુ એ આવે છે અને કેવું તીવ્ર વેગે વહી જાય છે — વિગત બની જાય છે? સ્મૃતિશેષ થઈ જાય છે! વિગતને ટેકે અને અનાગતની પ્રતીક્ષામાં જીવવાનું હોય છે. માણસનાં બે ચરણ, એક સ્મૃતિમાં બીજું શ્રદ્ધા વિશે.’

‘હું વર્તમાનમાં માનું છું — ચાલુ વર્તમાનકાળમાં. મારા માટે એ કદી પૂર્ણ થતો નથી. અને જે મારી પીઠ પાછળ છે તેમાં મને રસ નથી. ભૂતકાળ છે, છે જ. પણ જે મૃત છે તેની સાથે મને નિસ્બત નથી.’ સિગારેટની ધૂણીને અમૃતાની દિશા આપતાં ઉદયન બોલ્યો.

‘હું સમયનું વિભાજન કરતી નથી. એમ કરવું શક્ય નથી. કારણ કે સમય તો શાશ્વત છે.’

શાંતિ, નીરવ શાંતિ નહીં, કેવળ અશબ્દ શાંતિ. કારણ કે પવન હતો. સફેદ ગુલાબનો છોડ હતો. ગુલાબના છોડને પવનનો સ્પર્શ થાય ત્યારે કેવો રવ જાગે છે તે જાણનાર જાણે છે. અમૃતા જાણે છે. અમૃતાનું મુખ પૂર્વ તરફ હતું. ઉદયન અને અનિકેત એની સામે બેઠા હતા. ગુલાબનો છોડ એ બે પુરુષો વચ્ચેના અવકાશને કારણે દેખાતો હતો, એના કૂંડા સાથે. કૂંડાનો રંગ સિમેન્ટના ઢગલાનો હોય છે તેવો હતો. કેટલાક રંગ જોતાં જ આંખને સુંવાળપનો અનુભવ કરાવે છે. કેટલાક જ રંગો? અમૃતાને પ્રશ્ન થયો. હા, બધા રંગો નહીં. નહીં તો વરણીનો પ્રશ્ન જ ન રહે.

છોડ પરનાં બે ગુલાબ અમૃતા તરફ નમેલાં હતાં. એટલું જ નહીં એ બંને અમૃતાનું ધ્યાન પણ ખેંચતાં હતાં. તેમ છતાં બંનેના અભિનિવેશમાં ભેદ જરૂર હતો. એક ફક્ત ઝૂકેલું જ લાગે, એનું મૌન સુંદર લાગે. બીજું કંઈક તિર્યક્ લાગે. વાતાવરણ તરફ એ ઉદાસ લાગે. પણ એનું લક્ષ હતું ત્યાં વ્યંગની તીખાશ પ્રગટાવે. અમૃતાએ ઇચ્છયું — એક ગુલાબ વીણી લઉં? બીજું હાલે નહીં તે રીતે છોડને સાચવીને એકને ઉપાડી લઉં? બેમાંથી આ, પણ પછી પેલું? એ… વિચારતાં વિચારતાં એની નજર છોડના કૂંડા તરફ ગઈ. કૂંડાની ભીની કાળી માટી પર એક અપૂર્ણ વિકસિત ગુલાબ ઊંધું પડીને કરમાઈ રહ્યું હતું. એને તોડીને કોણે અહીં નાખ્યું હશે? એણે પોતે તો તોડ્યું નથી. અને આ છોડ એનો તો વાવેલો છે. એ તો એને જાળવે છે… કોણે તોડ્યું એ ફૂલ? નોકરને પૂછવાનું મન થયું. પ્રશ્ન હોઠ સુધી આવ્યો ત્યાં એણે જોયું કે ઉદયને છેલ્લો પફ ખેંચીને સિગારેટ નીચે નાંખી અને એને બૂટથી દબાવી. નોકરને પૂછવાનું એણે જતું કર્યું. વળી, અવાજ આ આગાશી પરથી છેક નીચે પહોંચે ન પહોંચે, એ છેક આગળના બાગમાં હોય અને શાંતિનો સમય ગાળતો હોય, અવાજ નથી ને કદાચ સાંભળે, કદાચ બીજું કોઇ કહે અને એ દોડતો આવે……એ બધું બરોબર નથી. એને બોલાવવા અને વાત કરવા દરમિયાન અનિકેત અને ઉદયનનું પણ નાહકનું ધ્યાન ખેંચાય. એનાથી તો અશબ્દ રહેવું જ ઠીક. અમૃતા અશબ્દ રહી શકે છે.

ફરી પાછી એની નજર પેલાં બે ગુલાબ વચ્ચે એકથી બીજા તરફ ખસતી રહી. એણે એ અનિર્ણયની વિમાસણમાંથી બહાર આવવા પોપચાં ઢાળીને મુખ સમુદ્ર તરફ કર્યું.

સામે બેઠેલી અમૃતાએ પોતાની દિશામાં જોયું તે જોઈને તથા એની વંકાઈ ઊઠેલી ગ્રીવા અને સહેજ ખેંચાયેલા વક્ષને જોઈને સંધ્યાના રંગો વડે પોતાના મનોજગતમાં એણે એક દેહયષ્ટિ રચી લીધી. એ એટલે અનિકેત. એને થયું કે આ કલ્પનાર્મૂતિ એણે રચી છે માટે સુંદર લાગે છે કે પછી એ સ્વયં સુંદર છે? એણે ફરીથી અમૃતા સામે જોયું. પેલી કલ્પના અલોપ થઈ ગઈ. વક્ષના સ્પર્શ માટે આતુર બનવા જતી દૃષ્ટિને એ સમુદ્ર તરફ લઈ ગયો. સમુદ્રનાં પાછાં વળતાં મોજાંના દૂરથી વરતાતા અવરોહ સાથે ભળીને અનિકેતની દૃષ્ટિ સમુદ્રમાં ભળી ગઈ. એની આંખોમાં આખો સમુદ્ર ઊછળવા લાગ્યો. બહારના આકર્ષણથી સમુદ્રનાં મોજાં ઊછળે છે કે પછી એ જુવાળમાં અંદરના વડવાનલનો પણ ફાળો હશે?

અનિકેત તટસ્થ થઈને સમુદ્રને જોવા લાગ્યો. ક્ષિતિજની છેક નજીક એને નાની નાની નૌકાઓ દેખાવા લાગી. એ નૌકાઓના સઢ સાથેના પવનના સંપર્કથી જાગતા શબ્દને ચોતરફની શાંતિ સાંભળતી હશે. આંખો બંધ કરીને એણે એ શાંતિને અનુભવવા પ્રયત્ન કર્યો.

ઉદયન અમૃતાની પાસે જઈને ઊભો રહ્યો. એટલી સરળતાથી એ ઊભો હતો કે જોનારને લાગે કે આ જગા એના ઊભા રહેવા માટેની છે.

પોતાની છેક નજીક ઉદયન ઊભો છે તે જોઈને અમૃતાએ કંઈક બોલવું જોઈતું હતું ‘શું જુએ છે?’

‘સમુદ્ર! અનિકેત કહી રહ્યો હતો ને કે સમુદ્ર પછી પણ હશે! પછીની તો મને ખબર નથી પણ અત્યારે તો જોઈ લઉં કે સમુદ્ર છે કે નહીં? અને આજે દેખાય છે તે સમુદ્ર જ છે કે પછી એનો ભ્રમ કરાવતું મોટું ખાબોચિયું છે?’

‘સમુદ્ર છે મોશાય, સમુદ્ર! આજુબાજુ જોયા વિના જરા સામે જુઓ. ક્ષિતિજની પેલી પાર પણ એ વિસ્તરેલો જણાશે.’

‘ક્ષિતિજની પેલી પાર શું છે તેની મને ખબર નથી. શું હશે તે જાણવાની જિજ્ઞાસા નથી. મને તો મારી આજુબાજુમાં રસ છે.’ ઉદયને અનિકેત અને અમૃતાને બરોબર નિહાળીને કહ્યું.

‘આપણે જેને ક્ષિતિજ કહીએ છીએ તે શું કોઈ વાસ્તવિકતા છે? કે પછી આપણે કહીએ છીએ માટે એ છે? પણ અનંતને આપણે જોઈ શકતાં નથી તેથી આવી કલ્પિત સરહદો સ્વીકારી લઈએ છીએ.’ અમૃતાને લાગ્યું કે એણે ઊભા થવું જોઈએ.

‘અમૃતા, તારી કલ્પિત સરહદ, નામે ક્ષિતિજ, અત્યારે સંધ્યાના રંગોથી ભભકી રહી છે. થોડી વાર પછી એ સઘળી ભભક સમુદ્રના આભ્યંતર અંધકારમાં શમી જશે. અંધકાર બહાર આવશે. અને જે અલગ અલગ પદાર્થો દેખાય છે તેમના અવકાશને પૂરી દેશે. પછી જોનારને સઘળું અંધકાર રૂપે દેખાશે.’

‘આપણે હવે જવું જોઈએ ઉદયન!’

‘જઈએ. પણ હા, હમણાં તો વાત થઈ છે: જમવાનું અહીં નક્કી કર્યું છે ને!’

‘હું તો ભૂલી જ ગયો. માફ કરજો અમૃતા!’

‘તમે જવા તૈયાર થયા તે ક્ષણે, તમે જાઓ છો એ જોઈને હું પણ ભૂલી ગઈ હતી. સારું થયું, ઉદયનને યાદ આવ્યું – નહીં તો મારા આતિથ્યધર્મનું શું થાત? માનો કે એ અંગે તો તમારામાંથી કોઈ મને શાપ ન આપત; પરંતુ હું જ્યારે એકલી જમવા બેસત ત્યારે કેવી વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હોત? હું જરા નીચે જઈને આવું.’

અમૃતાની ખાલી થયેલી આરામખુરસીનું કાપડ સુંદર લાગ્યું. કાપડના વણાટમાં જૂની શૈલીની ડિઝાઈન હતી. એ કપડું અત્યારે અનિયમિત હવાને કારણે કોઈકવાર કંપી ઊઠતું હતું. અનિકેતે એ જોયું. ઉદયન ઊભો થઈને એ ખુરસીમાં બેઠો. પોતાની ખાલી પડેલી ખુરસીને પગ વડે નજીક ખેંચી અને લહેજતથી બંને પગ એમાં મૂકીને ગજવામાંથી સિગારેટ-કેસ બહાર કાઢયું.

‘લઈશ અનિકેત?’

‘તું પીએ છે એથી મને સંતોષ છે.’

‘ત્યાગના સંતોષમાં અને અનુભવથી મળેલા સંતોષમાં ઘણો ભેદ છે દોસ્ત!’

‘બે સંતોષની સરખામણી કરવા માટે હું સિગારેટ જેવી કડવી વસ્તુને અજમાવી જોઉં?’

‘તું કોઈ વાર મારું કહ્યું કરતો નથી અનિકેત, તું કેવો મિત્ર છે!’

‘જે કરવામાં તારું હિત હશે તે કરીશ. હું નાહક મારું અહિત શા માટે કરું?’

‘હિત અને અહિત, સારું અને ખોટું — આ બધો ઉપરછલ્લો ભેદ આપણને પોતાનાથી દૂર નથી લઈ જતો? એવી બધી ગણતરી કરવા જતાં હું તો મને સ્વાર્થી લાગું છું. આપણું સમગ્ર આમ વહેંચાઈ જાય તે બરોબર નથી. આપણે પોતાના અસ્તિત્વને વફાદાર રહીએ તે જરૂરી છે.’

‘મારું લક્ષ પણ વફાદારી છે. કેવળ પોતાના તરફની નહીં, સમગ્ર તરફની બલ્કે સમગ્રનું ધ્યાન રહે તો પોતાનો પણ એમાં સમાવેશ થઈ જાય છે.’

‘મેં પણ એ બધું વાંચ્યું-સાંભળ્યું છે. મારે એની સાથે કંઈ લેવાદેવા નથી. તું શું કરે છે હમણાં?’

‘વાંચું છું.’

‘એ તો તું કરતો જ હોય છે, બીજું કંઈ?’

‘હમણાં હું જે વાંચું છું તે મારું પોતાનું લખેલું. લખું છું અને વાંચું છું.’

‘શું નિબંધ લખ્યો?’

‘ના, વાર્તા.’

‘નિબંધ જેવી હશે.’

‘કવિતા જેવી પણ હોય. તું આવતી કાલે મારે ત્યાં આવજે, તને સંભળાવીશ.’

‘આવતી કાલે હું એક નૃત્ય જોવા જવાનો છું. એક અમેરિકન નૃત્ય – મંડળી આવી છે. ઍબસર્ડ નૃત્યના પ્રયોગ કરે છે.’

‘તો આજે જ ચાલ. જોકે એ તો અહીંથી ક્યારે નીકળી શકાય છે તેના પર આધાર રાખે છે.’

‘તને અહીંથી નીકળવાની ઈચ્છા થાય છે?’

‘તારે પહેલાં એ પ્રશ્ન પૂછવો જોઈએ કે અહીં આવવાની ઇચ્છા થાય છે?’

‘એ તો હું પૂછયા વિના પણ સમજી શકું છું.’

અમૃતા આવી. ઉદયને પોતાના પગ ઉપાડી લીધા. અનિકેત ઊભો થયો.

‘કેમ ઊભા થયા?’

‘ફરવા જવાની ઇચ્છા જાગી. આ જૂહુના કાંઠે ફરવાનું મને ગમે છે; પણ એવા સંયોગ ઓછા સાંપડે છે.’

‘હવે વધુ સાંપડશે. હું તારી સાથે આવીશ.’

‘કોણ કોની સાથે આવે છે તે કરતાં કોણ શા માટે આવે છે તે વધારે મહત્ત્વનું છે. તો, તું બેસ. હું જરા રખડી આવું.’

અમૃતા વિમાસણમાં મુકાઈ. ઉદયન બેઠો છે. અને એને બેસવાનું તો અનિકેતે કહ્યું પણ ખરું. હવે એને અહીં મૂકીને અનિકેત સાથે નીકળવું અજીબ લાગે. કદાચ હું નહીં જાઉં એમ માનીને જ ઉદયન બેસી રહ્યો હશે.

અનિકેત દાદર ઊતરીને, મકાન વટાવીને દરવાજા સુધી પહોંચતો દેખાયો ત્યારે તો એનાથી એક ડગલું ચલાઈ પણ ગયું. એ ઉદયને જોયું. અમૃતાથી ચલાઈ ગયું તેથી એ ભોંઠી પડી જાત; પણ એણે પોતાની ગતિને બીજી દિશામાં વાળી લીધી. એણે લાઈટ કરવાનો વિચાર કર્યો જ્યાં અગાસી પૂરી થતી હતી અને પોતાના રૂમ અને એક બીજા રૂમ વચ્ચે દાદર શરૂ થતો હતો ત્યાં જવા એ આગળ વધી. વળી પાછી ઊભી રહી. એણે નોકરને બોલાવ્યો અને એ થોડીક પાછી આવીને ઊભી રહી. ડે-લાઈટ બલ્બ ઝગમગી ઊઠયો. અમૃતાની છાયા ઉદયનના મુખને આવરી રહી. બીજો બલ્બ સળગ્યો. તે વધુ વોલ્ટ-પાવરનો દૂધિયો બલ્બ હતો. અને ઉદયનની નજીક હતો. અમૃતાની છાયા વિદ્યુતવેગે સરકી ગઈ. પછી એણે જોયું તો પોતાની બે છાયાઓ દેખાઈ.

‘શું અમૃતા! હવે અભિનંદન આપું તો ચાલશે?’

‘પહોંચી ગયાં.’

‘પણ અનિકેતને સહુથી પહેલાં કેવી રીતે ખબર પડી?’

‘પ્રયત્ન કરવાથી.’

‘યુનિર્વસિટી ગયો હશે.’

‘હં.’

‘એને બધા પ્રોફેસરો સાથે સારાસારી છે. કોઈએ કહ્યું હશે.’

‘ના, એ કાર્યાલય ગયા હતા. જાણી લાવ્યા. આમેય મને પત્ર પણ હમણાં મળી ગયો છે.

‘પણ એ કેવો માણસ! એણે મને કહ્યું નહીં કે અમૃતા પીએચ.ડી. થઈ ગઈ. મેં તને ફોન કર્યો ત્યારે જાણ્યું. હું એને ઘેર ગયો. તો કહે છે : મેં તો ફોન પર અભિનંદન આપી દીધાં. તું જા. આગ્રહ કર્યો તો કહે કે મારે આજે ટપાલ લખવી છે. કેવા કેવા મૂરખ માણસો સાથે પણ એ પત્રવ્યવહાર કરે છે? બહુ આગ્રહ કર્યો ત્યારે છેવટે સાંજે આવવા તૈયાર થયો. મને લાગે છે મારે એકલાએ આવવું જોઈતું હતું. હું સાચે જ આજે ઘણો ખુશ છું. અભિનંદનનો અધિકારી આજે હું હોઉં એવું મને લાગ્યા કરે છે.’

‘મારા વિકાસમાં તારો ફાળો છે જ.’

‘વિકાસ શબ્દ તો હું નહીં વાપરું. તારી જાગૃતિમાં સંભવ છે હું નિમિત્ત બન્યો હોઉં. સાવ ના પાડવાની નમ્રતા મારામાં હોત તો હું અનિકેત જેવો પ્રભાવ પાડી શકત.’

અમૃતા સાંભળી રહી. કશું બોલી નહીં. આછા આછા અંધારામાં દૂર જઈ રહેલો અનિકેત દેખાયો. અમૃતા એને જોવામાં મગ્ન થઈ. આમ એને સતત જોઈ રહેવાથી જાણે કે એની નજીક પહોંચી ગઈ. અને વિચાર આવ્યો કે અનિકેત આ તરફ નજર કરે તો મને જોઈ શકે. હું તો અજવાળામાં ઊભી છું. સ્પષ્ટ દેખાઉં. કેવી નિશ્ચિત અને ધીર ગતિથી એ ચાલે છે!

‘સરકી જવાથી આ તારો પાલવ નીચે અડી ગયો.’

‘આભાર. તું મારી ઘણી કાળજી રાખે છે.’

અમૃતાએ પાલવ ઠીક કર્યો. એણે ઉદયનના સામું જોયું નહીં. એના મનમાં તૃષ્ણા જાગી હતી. એ બોલત પણ ખરી: અનિકેત… એ ન બોલી. એણે ઉદયનના સામું જોયું.

‘તારો એક સન્માન-સમારંભ રાખવામાં આવે તો?’

‘આમ ઉડાવ નહીં.’

અનિકેત તો સન્માન વગેરેમાં માને છે. એવા સમારંભોમાં જાય છે પણ ખરો. પણ તારા માટે એવો સમારંભ રાખીએ અને તું ન આવે તો? હા, તારી એક સુવર્ણપ્રતિમા મૂકી શકાય. એ નિષ્પ્રાણ પ્રતિમા પર તારી આભાદ્યુતિનું આરોપણ કરીને વક્તાઓ પ્રશંસા કર્યા કરે. તારા શુભેચ્છકો આજ સુધી તારા સૌંદર્યની પ્રશંસા કરતા રહ્યા છે. આ પ્રસંગે તારી બૌદ્ધિક ક્ષમતા વિશે મોટા મોટા ઉદ્દગાર કાઢવા લાગી જાય.

અનિકેત પણ ઔપચારિકતાઓનો તો વિરોધ કરે છે છતાં કોઈનું ગૌરવ કરવામાં તેને વાંધો નથી. જરૂર તારી પ્રશંસા કરે!’

‘તને આવું બધું બોલવાનું કેમ ગમે છે? તું તો કોઈનું ગૌરવ કરવામાં નથી માનતો.’

‘હા, નથી માનતો. પરંતુ શું નિયમોને અપવાદ નથી હોતા?’

‘નિરપવાદ ન હોય તે નિયમ અધૂરો કહેવાય.’

‘આ સૃષ્ટિમાં નિરપવાદ બહુ ઓછું છે અમૃતા!’

‘જે નથી તેમાં મને રસ નથી, ઉદયન.’

‘અનિકેત અત્યારે નથી.’

‘ના એ છે જ. દૂર હોવાથી એનું હોવું શંકાસ્પદ નથી બની જતું.’

અમૃતાને ખ્યાલ આવ્યો કે એણે અનિકેત માટે એકવચનનો પ્રયોગ કર્યો. એની અનુપસ્થિતિમાં આમ બોલાઈ જાય તે સહજ છે. તોપણ એ પોતાના શબ્દો પરત્વે આ રીતે સભાન કેમ થઈ ગઈ? એ ઉદયનની સામે ખાલી પડેલી ખુરશીમાં બેઠી. ઉદયને ઝીણવટથી અમૃતાનું એક અવલોકન કર્યું.

‘તું ઘણી વાર નાહક અકળાવે છે ઉદયન!’

‘એમ? તને અકળાવવામાં હું સફળ થાઉ છું ખરો! તો તો મારો તારા પર પ્રભાવ છે તેમ કહી શકાય.’

‘તારે કહેવું હોય છે તે, સામાનો વિચાર કર્યા વિના તું કહી શકે છે.’

‘તારી વાત સાચી છે.’

ઉદયન ખડખડાટ હસી પડ્યો. અમૃતા એના હાસ્ય પર મલકાઈ.

‘જો, સાંભળ. દૂરથી મંગલ શબ્દો આવી રહ્યા છે.’

‘હા, એ સ્વર અનિકેતનો જ છે.’

અમૃતા ઊભી થઈ.

‘’સાગરતીરે મધુર તિમિરે વિહરે એકલતા.’’

અનિકેતનો સ્વર નિકટ અને નિકટ આવતો ગયો. અને પાછળ પાછળ અનિકેત આવતો ગયો.’એક પંક્તિ મળી.’

‘લય ગમ્યો. બોલો તો-’

‘સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.’

અમૃતાએ એ પંક્તિની ત્રીજી આવૃત્તિ કરી. ફરીને એ અનિકેત સાથે ગાઈ ઊઠી. ઉદયનને પંક્તિમાં રહેલું ‘મધુર’ વિશેષણ ગમ્યું ન હતું. આ ભૂલ બતાવવા જતો હતો ત્યાં એ આપોઆપ સુધરતાં એને બીજી ભૂલ જડી આવી-

‘બે કંઠ એક થતાં પંક્તિમાં રહેલો એકલતાનો ભાવ ખંડિત થાય છે.’

‘બે કંઠ એક થતા હોય તો એટલી ખોટ ચલાવી લેવાય.’

અમૃતાએ ઉદયનને પજવવા માટે જ આવો પ્રગલ્ભ ઉત્તર આપ્યો હતો પણ એની ઉદયનને અસર ન હોય તેમ એ તો બોલ્યો-

‘કદાચ અનિકેત તારી સાથે સહમત નહીં હોય.’

‘હા હું એમની સાથે સહમત નથી.’

અમૃતાને અનિકેતનું વાક્ય ગમ્યું નહીં, એ તરત જ બોલી ઊઠી-

‘તમે પોતાની સાથે સહમત હો તો મને વાંધો નથી. એમ છે ખરું?’

‘હા પણ હું ઉદયનની સાથે પણ સહમત નથી. જેમાં કોઈના પ્રવેશનો નિષેધ હોય એવી મારી એકલતા નથી. જે મારું છે તેને હું સુરક્ષિત રાખી શકું છું.’