Thinking, Fast and Slow

Revision as of 01:44, 30 August 2023 by Atulraval (talk | contribs) (Created page with "<center> <span style="color:#ff0000"> '''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''<br> ''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો'' </center> </span> <hr> {{BookCover |cover_image = File:Homo Deus title.jpg |title = Thinking, Fast and Slow <br> Daniel Kahneman <br>{{larger| વિચારવલોણું, તેજ અને મંદ}} <br>{{larger| અંતઃપ્રેરણા કે વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’
પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો


{{BookCover |cover_image = File:Homo Deus title.jpg |title = Thinking, Fast and Slow
Daniel Kahneman
વિચારવલોણું, તેજ અને મંદ
અંતઃપ્રેરણા કે વિચાર-વિમર્શ? ક્યારે મગજ પર વિશ્વાસ કરી શકાય અને ક્યારે નહિ?
ડેનિયલ કાનમેન}
સારાંશનો અનુવાદ: હેમાંગ દેસાઈ

લેખક પરિચય:

ર્ડા. ડેનિયલ કાનમેનને 2002માં અર્થશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક એનાયત થયું. તેઓ વુડ્રો વિલ્સન સ્કૂલ ઓફ પબ્લિક એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સ ખાતે વરિષ્ઠ વિદ્વાન, વુડ્રો વિલ્સન સ્કૂલમાં સાયકોલોજી અને પબ્લિક અફેર્સના એમેરિટસ પ્રોફેસર અને પ્રિન્સટન યુનિવર્સિટીમાં યુજેન હિગિન્સ મનોવિજ્ઞાનના એમેરિટસ પ્રોફેસર છે. તેઓ જેરુસલેમની હીબ્રુ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર રેશનાલિટીના ફેલો છે.

પુસ્તક વિશે:

ડેનિયલ કાનમેને દાયકાઓ સુધી કરેલા સંશોધનના સારરૂપ અને તેમને નોબેલ પારિતોષિક અપાવનાર પુસ્તક ‘વિચારવલોણું, તેજ અને મંદ’ (2011) મનોવિજ્ઞાન અને વર્તણૂકીય અર્થશાસ્ત્રની આપણી વર્તમાન સમજણમાં તેમના યોગદાનને રેખાંકિત કરે છે. કાનમેન અને તેમના સાથીદારોનાં વર્ષોનાં સંશોધનને પરિણામે આપણે જાણી શક્યા છીએ કે નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે, અમુક નિર્ણયસંબંધી ભૂલો કેમ અવારનવાર થતી જોવા મળે છે અને જાતસુધારા માટે આપણે શું કરી શકીએ છીએ. {{Poem2Close}

પૂર્વભૂમિકા:

એક તન બે મન: આપણું વર્તન કેવી રીતે બે અલગ-અલગ પ્રણાલી દ્વારા નિયંત્રિત થાય છે. એક સ્વચાલિત અને બીજી સજાગ પ્રણાલી.

આપણા મગજમાં હંમેશા એક નાટક ચાલી રહ્યું હોય છે, કોઈ દ્વિપાત્રી ફિલ્મની કથા જેવું, જેમાં ડ્રામા પણ છે, ટેન્શન પણ છે અને ટ્વિસ્ટ પણ. એમાંનું એક છે આવેગજન્ય, સ્વચાલિત, સાહજિક પાત્ર (પ્રણાલી 1) અને બીજું છે વિચારશીલ, ઇરાદાજન્ય, ગણતરીબાજ પાત્ર (પ્રણાલી 1). આ પ્રણાલીઓની પારસ્પરિક અથડામણ દરમ્યાન ઉદભવતી તેમની ક્રિયાપ્રતિક્રિયાઓ આપણા વિચાર, વિવેક અને નિર્ણયો તથા આપણી કાર્યપદ્ધતિ નક્કી કરે છે.

પ્રણાલી 1 એ આપણા મગજનો જ એક ભાગ છે જે મોટે ભાગે આપણા સભાન નિયંત્રણ વિના સાહજિક રીતે તેમજ અચાનક કાર્ય કરે છે. અત્યંત મોટો અને અનપેક્ષિત અવાજ કાને પડે ત્યારે તમે આ પ્રણાલીની કાર્યશીલતાનો અનુભવ કરી શકો છો. આ પરિસ્થિતિમાં તમારો પ્રતિભાવ શું હોય છે? કદાચ તરત જ અને આપમેળે તમારું ધ્યાન એ અવાજ તરફ આકર્ષાય છે. એ છે પ્રણાલી 1.

આ પ્રણાલી આપણા ઉદ્વિકાસી ભૂતકાળનો વારસો છે: આવી ઝડપી પ્રતિક્રિયા તથા નિર્ણય લેવાની ક્ષમતા સાહજિક રીતે અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષમાં ઉપકારક નીવડે છે.

પ્રણાલી 2 એ આપણી વ્યક્તિગત નિર્ણયશક્તિ, તર્ક અને માન્યતાઓ માટે જવાબદાર મગજના ભાગની કલ્પનાનું વૈચારિક સ્વરૂપ છે. સ્વ-નિયંત્રણ, પસંદગીઓ અને સહેતુક ધ્યાનકેન્દ્રિકરણ જેવી મનની સભાન પ્રવૃત્તિઓ સાથે તેનો સીધો સંબંધ રહેલો છે.

દાખલા તરીકે, કલ્પના કરો કે તમે ભીડમાં એક સ્ત્રીને શોધી રહ્યા છો. તમારું મન સપ્રયોજન એ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે: તે વ્યક્તિની લાક્ષણિકતાઓ અને તેને શોધવામાં મદદ કરી શકે તેવી કોઈપણ વસ્તુને યાદ કરે છે. આ અવિભાજિત ધ્યાન સંભવિત વિક્ષેપોને દૂર કરવામાં મદદરૂપ થાય છે, અને પરિણામે તમે ભીડમાંના અન્ય લોકો પર ભાગ્યે જ ધ્યાન આપો છો. જો તમે ધ્યાનની અવિભક્તતા જાળવી રાખશો, તો તમે થોડી જ મિનિટોમાં એ સ્ત્રીને શોધી કાઢશો, અને જો વિચલિત થશો, તો તમને શોધપ્રક્રિયામાં મુશ્કેલી પડશે.

નીચેનાં પ્રકરણોમાં જોઈશું તેમ, આ બે પ્રણાલી વચ્ચેનો સંબંધ જ આપણા વર્તનનું સ્વરૂપ નક્કી કરે છે.

અગત્યના મુદ્દાઓ:

૧. આળસુ મન: કેવી રીતે આળસ આપણને ભૂલો તરફ દોરી જઈ શકે અને આપણી બુદ્ધિને માઠી અસર કરી શકે એનો ચિતાર

બે પ્રણાલી કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા પ્રખ્યાત બેટ અને બોલ સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરીએ. એક બેટ અને બોલની કિંમત છે $1.10 બોલ કરતાં બેટની કિંમત એક ડોલર વધુ છે. તો બોલની કિંમત કેટલી હશે? મોટે ભાગે તમારા મગજમાં આવતો $0.10 નો આંકડો સાહજિક અને સ્વચાલિત પ્રણાલી 1નું પરિણામ છે, પણ તે આંકડો ખોટો છે. હવે એક સેકન્ડ વિચારો અને પછી ધ્યાનથી ગણતરી કરો. ભૂલ પકડાઈ? સાચો જવાબ છે $0.05. થયું એવું કે તમારી સંવેગશીલ પ્રણાલી 1એ હાવી થઈ, સાહજિક સ્ફૂરણા પર આધાર રાખી ઉતાવળે જવાબ આપી દીધો. સામાન્ય રીતે, કોઈ વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનું થાય ત્યારે સમસ્યાનો ઊકેલ લાવવા પ્રણાલી 1 પ્રણાલી 2ને નિવેદન કરતી હોય છે, પરંતુ બેટ અને બોલની સમસ્યામાં, પ્રણાલી 1 છેતરાઈ જાય છે. તે સમસ્યાને હોવા કરતા વધારે સરળ માની બેસે છે, અને ધારી લે છે કે આપમેળે જ તે સમસ્યાનો નિવેડો લાવી શકે છે. બેટ અને બોલની સમસ્યા જે મુદ્દાને ઉજાગર કરે છે તે છે આપણું જન્મજાત માનસિક આળસ. મગજનો ઉપયોગ કરતી વેળા આપણે દરેક કાર્ય માટે શક્ય તેટલી ઓછી ઊર્જાનો પ્રયોગ કરીએ છીએ. એ હકીકત ન્યુનતમ પ્રયત્નોના નિયમ તરીકે ઓળખાય છે. કેમ કે પ્રણાલી 2 સાથેની મસલતમાં વધુ ઊર્જા ખર્ચાવાનો ભય છે અને આપણું મન એવું વિચારે કે પ્રણાલી 1 પાસે જવાબ છે જ ત્યારે તે આવી મસલત ટાળી દેતું હોય છે. મનનું આવું આળસ એક રીતે દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે સિસ્ટમ 2 નો ઉપયોગ એ આપણી બુદ્ધિનું એક મહત્વનું પાસું છે. સંશોધન દર્શાવે છે કે ધ્યાનકેન્દ્રીકરણ અને સ્વ-નિયંત્રણ જેવાં પ્રણાલી-2નાં કાર્યો ઉચ્ચ બુદ્ધિઆંક તરફ દોરી જાય છે. બેટ અને બોલની સમસ્યા આનું સુંદર ઉદાહરણ છે; આપણું મગજ પ્રણાલી 2 નો ઉપયોગ કરીને જવાબ ચકાસી શક્યું હોત અને આ રીતે આ સામાન્ય ભૂલ ટાળી શક્યું હોત. આળસ તથા પ્રણાલી 2 નો ઉપયોગ કરવાનું ટાળવાને કારણે આપણું મન આપણી બુદ્ધિશક્તિને મર્યાદિત કરી રહ્યું છે.

૨. ઓટોપાયલટ: આપણા વિચારો અને ક્રિયાઓ પ્રત્યે શા માટે આપણે હંમેશા સભાન નથી હોતા

"SO_P" જેવો ખંડિત શબ્દ જોતાં સૌ પ્રથમ શું વિચાર આવે છે? કદાચ કશું નહીં. પરંતુ જો તમે પહેલાં “EAT” શબ્દને ધ્યાનમાં લો તો? હવે, તમે "SO_P" શબ્દને કદાચ "SOUP" તરીકે પૂર્ણ કરી શકશો. કોઈ શબ્દ, વિભાવના અથવા ઘટનાના સંપર્કમાં આવતાં જ તેમને સંબંધિત શબ્દો અને વિભાવનાઓ મનમાં સ્ફુરવાની પ્રક્રિયાને પ્રાઇમીંગ કહેવાય છે. જો તમે “EAT” ને બદલે “SHOWER” શબ્દ જોયો હોત, તો કદાચ “SOAP” જેવો શબ્દ બનાવી શક્યા હોત. આવું પ્રાઈમિંગ માત્ર આપણાં વિચારને જ નહિ પરંતુ આપણાં વર્તનને પણ અસર કરે છે. અમુક શબ્દો અને વિભાવનાઓ સાંભળવાથી જેમ મન પ્રભાવિત થાય છે, તેવી જ રીતે શરીર પણ પ્રભાવિત થઈ શકે છે. આનું એક ઉત્તમ ઉદાહરણ છે એક અભ્યાસ જેમાં "ફ્લોરિડા" અને "કરચલી” જેવા વૃદ્ધત્વ સાથે સંકળાયેલા શબ્દો સાંભળતા જ સહભાગીઓએ સામાન્ય કરતાં ધીમી ગતિએ ચાલીને પ્રતિક્રિયા આપી હતી. માન્યામાં નહીં આવે પણ ક્રિયાઓ અને વિચારોનું પ્રાઇમિંગ સંપૂર્ણપણે અસંપ્રજ્ઞાત હોય છે; આપણે અભાન અવસ્થામાં જ એ પ્રક્રિયામાં રાચતા હોઈએ છીએ. એ વિરુદ્ધમાં સેંકડો દલીલો અપાય છે, છતાં પ્રાઇમિંગ એ હકીકત પ્રતિપાદિત કરે છે કે આપણી ક્રિયાઓ, નિર્ણયો અને પસંદગીઓ હંમેશા આપણા સભાન નિયંત્રણમાં નથી હોતાં. આપણે અમુક સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓ દ્વારા સતત પ્રાઈમ થતા રહીએ છીએ. દાખલા તરીકે, કેથલીન વોનું સંશોધન સાબિત કરે છે કે પૈસાની વિભાવના વ્યક્તિપરક ક્રિયાઓને પ્રાઇમ કરતી હોય છે. પૈસાના વિચારથી પ્રાઈમ થયેલા લોકો – દા. ત. પૈસાની છબીઓના સંપર્કમાં આવવાથી વધુ સ્વતંત્ર રીતે કાર્ય કરતા જોવા મળે છે; તેઓ અન્ય લોકોની જરૂરતો સાથે નિસબત રાખવા, તેમના પર નભવા અથવા તો તેમને સ્વીકારવા માટે ઓછા તત્પર હોય છે. વોના સંશોધનનો એક સૂચિતાર્થ એ છે કે મુખ્યત્વે પૈસાની છબી ઉપજાવતા સંવેગોથી ભરેલા સમાજમાં દીર્ઘનિવાસ આપણને પરોપકારની વિચારધારાથી દૂર કરી શકે છે. અન્ય સામાજિક તત્ત્વોની જેમ જ, પ્રાઇમિંગ પણ વ્યક્તિનાં વિચાર, પસંદગી, નિર્ણય અને વર્તનને પ્રભાવિત કરી શકે છે અને આ સંપુટ ફરી ફરીને આપણી સંસ્કૃતિમાં પ્રતિબિંબિત થાય છે અને આપણા સમાજ પર પણ ભારે અસર કરે છે.

૩. ત્વરિત નિર્ણયો: તર્કસંગત નિર્ણય લેવા માટે પૂરતી માહિતીનો અભાવ હોય ત્યારે પણ આપણું મન કેવી રીતે ત્વરિત નિર્ણયો લઈ લે છે.

ધારો કે તમે પાર્ટીમાં બેન નામની કોઈ વ્યક્તિને મળો છો અને તમને વાતેચીતે માણસ વ્યવસ્થિત લાગે છે. પછી, કોઈ તમને પૂછે છે કે ચેરિટીમાં યોગદાન આપવા માંગતું હોય એવા કોઈને જાણો છો ત્યારે તમને બેનનો વિચાર આવે છે, ભલે પછી બેન વિષે તમને બીજી કોઈ માહિતી નથી, સિવાય કે એ તે વાતચીતમાં ઠીકઠાક છે. બીજા શબ્દોમાં કહીએ તો, તમને બેનના ચરિત્રનું એક પાસું ગમ્યું, અને તમે ધારી લીધું કે તમને તેનાં બીજાં પાસાં પણ ગમશે. કોઈના વિશે બહુ ઓછું જાણતા હોઈએ ત્યારે પણ આપણે ઘણીવાર તેમનો સ્વીકાર કે અસ્વીકાર કરી દેતા હોઈએ છીએ. પર્યાપ્ત માહિતી વિના ચીજોનું સરલીકરણ કરવાની મનોવૃત્તિ ઘણીવાર ભૂલભરેલા નિર્ણય તરફ દોરી જતી હોય છે. આ વૃત્તિને અતિશયોક્તિયુક્ત ભાવનાત્મક સુસંગતતા કહેવામાં આવે છે; એ પ્રભામંડળ અસર તરીકે પણ ઓળખાય છે. તેના વિશે બહુ ઓછું જાણતા હોવા છતાં બેનની સંપર્કક્ષમતા વિશેની સકારાત્મક લાગણીઓ તમને બેનની આસપાસ એક પ્રભામંડળ રચી કાઢવા પ્રેરે છે. પરંતુ મન પાસે નિર્ણય લેતી વખતે શોર્ટકટ લેવાનો આ એકમાત્ર વિકલ્પ નથી. બીજો વિકલ્પ છે પુષ્ટિ પૂર્વગ્રહ; મતલબ, વિદ્યમાન માન્યતાઓને સમર્થન આપતી માહિતી સાથે સંમત થવાની લોકવૃત્તિ જેમાં કોઈ પણ માહિતી વગર વિચાર્યે સ્વીકારી લેવાની વૃત્તિનો પણ સમાવેશ થાય છે. "શું જેમ્સ માયાળુ છે?" એવો પ્રશ્ન પૂછતાં આ હકીકત સ્પષ્ટ થશે. શૃંખલાબદ્ધ અભ્યાસોએ પુરવાર કર્યું છે કે, અન્ય કોઈ સમર્થક માહિતીના અભાવમાં પણ આપણે આ પ્રશ્નનો જવાબ હકારમાં આપીએ એવી શક્યતા છે કેમ કે મન આપોઆપ સૂચવેલા વિચારની પુષ્ટિ કરે છે. પ્રભામંડળ અસર અને પુષ્ટિ પૂર્વગ્રહ સર્જાવાનું કારણ છે, આપણું મન ઝડપી નિર્ણયો લેવા તલપાપડ રહે છે. પરંતુ ઘણીવાર આ વૃત્તિ ભૂલોની પરંપરા સર્જે છે, કારણ કે આપણી પાસે ત્રુટિહીન કૉલ કરવા માટે હંમેશા પૂરતો ડેટા નથી હોતો. ડેટાસેટમાં પડેલી ખાલી જગ્યાઓ ભરવા આપણું દિમાગ ખોટાં સૂચનો અને સરલીકરણોને તાબે થાય છે અને આપણને સંભવત: ખોટાં તારણો તરફ ખેંચી જાય છે. પ્રાઇમિંગની જેમ, આ જ્ઞાનાત્મક ઘટનાઓ પણ અસંપ્રજ્ઞાત મનમાં ઘટે છે અને આપણાં પસંદગીઓ, નિર્ણયો અને ક્રિયાઓને અસર કરે છે.

૪. સ્વતઃ શોધપ્રણાલી (હ્યુરિસ્ટિક્સ): ઝડપી નિર્ણયો લેવાની લ્હાયમાં મન કેવી રીતે શોર્ટકટ લે છે

ઘણીવાર આપણે એવી પરિસ્થિતિઓમાં મૂકાઈ જઈએ છીએ જ્યાં ઝડપી નિર્ણય લેવાની આપણને ફરજ પડે છે. આવા સમયે આપણને મદદરૂપ થવા, મગજે આસપાસના વાતાવરણને પરખવા નાનાં નાનાં શૉર્ટકટ્સ વિકસાવ્યા છે, જેને હ્યુરીસ્ટિક્સ કહેવાય છે. મોટેભાગે, આ પ્રક્રિયાઓ અત્યંત મદદરૂપ પણ થતી હોય છે, પરંતુ મુશ્કેલી એ છે કે આપણું મન સ્વભાવગત રીતે એનો અતિરેક કરે છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં એમની આજમાઈશ કરતાં, આપણે ગફલત કરી બેસીએ છીએ. હ્યુરિસ્ટિક્સ શું છે અને તે કેવી ભૂલો કરાવી શકે છે તે સુપેરે સમજવા એના નાનાવિધ પ્રકારોમાંથી બેનું જ પરીક્ષણ કરીએ: અવેજી હ્યુરિસ્ટિક અને ઉપલબ્ધતા હ્યુરિસ્ટિક. અવેજી હ્યુરિસ્ટિક એટલે એક એવો સંદર્ભ જેમાં આપણે પૂછેલા પ્રશ્ન કરતાં બીજા સરળ પ્રશ્નનો જવાબ આપવા દોરાઈએ છીએ. ઉદાહરણ તરીકે, આ પ્રશ્ન જુઓ: તે મહિલા શેરિફના પદ માટે ઉમેદવાર છે. ચૂંટાઈને આવી તો કેટલી સફળ થશે? જે પ્રશ્નનો જવાબ અપેક્ષિત છે એની જગ્યાએ આપણે આપમેળે એક સરળ પ્રશ્ન ઘડી કાઢીએ છીએ, જેમ કે, “આ મહિલા એક સારી શેરિફ બની શકે એવું લાગે છે?” આ હ્યુરિસ્ટિક મુજબ, ઉમેદવારની પૃષ્ઠભૂમિ અને નીતિઓ પર સંશોધન કરવાને બદલે, આપણે સ્વને એક વધુ સરળ પ્રશ્ન પૂછીએ છીએ કે શું આ મહિલા સારા શેરિફની માનસિક છબીમાં ફીટ થાય છે. કમનસીબે, આપણી મનઘડંત શેરીફ-છબીને અનુરૂપ ન હોવાની પરિસ્થિતમાં એ મહિલા રદિયાને પાત્ર બની જાય છે - ભલેને પછી તેની પાસે ગુના સામે લડવાનો વર્ષોનો અનુભવ હોય કે પછી તે એક આદર્શ ઉમેદવાર હોય. બીજી બાજુ છે, ઉપલબ્ધતા હ્યુરિસ્ટિક જેમાં વારંવાર સંભળાતી કે આસાનીથી યાદ રાખી શકાતી માહિતીને તમે સવિશેષ મૂલ્ય આપો છો. ઉદાહરણ તરીકે, સ્ટ્રોકને કારણે થતાં મૃત્યુનો આંક અકસ્માતના મૃત્યુઆંક કરતાં વધારે છે, પરંતુ એક અભ્યાસમાં 80 ટકા લોકોએ આકસ્મિક મૃત્યુને વધુ સંભવિત ભાગ્ય ગણાવ્યું. એટલા માટે કે મીડિયામાં આકસ્મિક મૃત્યુના સમાચાર વધુ સંભળાય છે, અને તે આપણા મન પર એક મજબૂત છાપ છોડી જાય છે. સ્ટ્રોકથી થતા મૃત્યુની તુલનાએ ભયાનક આકસ્મિક મૃત્યુને આપણે આસાનીથી યાદ રાખીએ છીએ, પરિણામે આપણે આ જોખમો પરત્વે અયોગ્ય પ્રતિક્રિયા આપીએ છીએ.

૫. આંકડાની ભેજામારી: શા માટે આંકડા સમજવામાં આપણે ગોથાં ખાઈએ છીએ અને સંપૂર્ણપણે ટાળી શકાય તેવી ભૂલો કરી બેસીએ છીએ.

અમુક વસ્તુઓ થશે કે કેમ તે અંગે કેવી રીતે આગાહી કરી શકાય? એ માટે એક અસરકારક રસ્તો છે બેઝ રેટ પર નજર. અહીં સંદર્ભ છે આંકડાકીય આધારનો, જેના પર અન્ય આંકડા આધાર રાખતા હોય છે. ઉદાહરણ તરીકે, ધારો કે એક મોટી ટેક્સી કંપની પાસે 20 ટકા પીળી કૅબ અને 80 ટકા લાલ કૅબ છે. મતલબ, પીળી ટેક્સી કેબનો બેઝ રેટ છે 20 ટકા અને લાલ કેબનો બેઝ રેટ છે 80 ટકા. કેબ ઓર્ડર કરી રંગનું અનુમાન લગાવવા માંગતા હો તો તો બેઝ રેટ યાદ રાખો. તમારું અનુમાન સાચું પડશે. આમ, ઘટનાની આગાહી કરતી વેળા હંમેશા બેઝ રેટ યાદ રાખવો હિતાવહ છે, પરંતુ કમનસીબે આવું થતું નથી. હકીકતમાં, બેઝ-રેટની ઉપેક્ષા પ્રતિમાન બની ગયું છે. બેઝ રેટની અવગણના કરવાનું મુખ્ય કારણ છે સંભાવ્યની તુલનાએ અપેક્ષિત પર વધારે ધ્યાન આપવાની આપણી વૃત્તિ. એ કેબ્સની ફરી એક વાર કલ્પના કરો: પાંચ લાલ કેબને પસાર થતી જોતાં જ તમને લાગશે કે આગામી કૅબ તો પીળી જ હોવી જોઈએ. પરંતુ કોઈપણ રંગની કંઈ કેટલી કેબ ભલે પસાર થતી, આગામી કેબ લાલ હોવાની સંભાવના હજુ પણ લગભગ 80 ટકા જ હશે. અને બેઝ રેટ યાદ રાખીશું તો આપણને એ વાતનો ખ્યાલ આવશે. એથી વિરુદ્ધ, આપણે જેની અપેક્ષા રાખીએ છીએ - પીળી કૅબ - તેના પર જ સઘળું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને અંતત: ખોટા પડીએ છીએ. બેઝ રેટની ઉપેક્ષા એ આંકડાકીય કામની વ્યાપક સમસ્યા સાથે સંલગ્ન એક સર્વસામાન્ય ભૂલ છે. આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે દરેક વસ્તુ સરેરાશ તરફ પ્રતિગમન કરતી હોય છે. અહીં એ હકીકત પ્રતિપાદિત થાય છે કે તમામ પરિસ્થિતિઓને તેમનો સરેરાશ દરજ્જો હોય છે, અને સરેરાશથી ભિન્નતા પણ આખરે સરેરાશ તરફ જ નમતી હોય છે. દાખલા તરીકે, દર મહિને સરેરાશ પાંચ ગોલ મારતી ફૂટબોલ સ્ટ્રાઈકર સપ્ટેમ્બરમાં દસ ગોલ કરે, તો તેનો કોચ રાજીનો રેડ થશે. પરંતુ બાકીના વર્ષમાં તે દર મહિને લગભગ પાંચ ગોલ કરવાનું ચાલુ રાખે, તો તેનો કોચ કદાચ તેની ટીકા કરશે. જોકે, સ્ટ્રાઈકર આ ટીકાને પાત્ર નથી, કારણ કે તે માત્ર સરેરાશ તરફ પ્રત્યાગમન કરી રહી છે.

૬. આઅપૂર્ણ ભૂતકાળ: અનુભવની જગ્યાએ પાશ્ચાત્દૃષ્ટિ થકી ઘટનાઓને યાદ કરવાનું કારણ શું છે

આપણું મન અનુભવોને સીધેસીધા યાદ રાખતું નથી. આપણી પાસે મેમરી સેલ્વ્ઝ તરીકે ઓળખાતાં બે અલગ અલગ ઉપકરણો છે, જે પરિસ્થિતિઓને ભિન્નરૂપે યાદ રાખે છે. પહેલું છે જાત અનુભવ (experiencing self), જે વર્તમાન ક્ષણમાં આપણી અનુભૂતિને રેકોર્ડ કરે છે. તેનો પ્રશ્ન હોય છે: "હાલમાં શું અનુભવો છે?" બીજું છે સ્મરણશીલ સ્વ (remembering self) જે ઘટના પાશ્ચાત્ આખી ઘટમાળને રેકોર્ડ કરે છે. તેનો પ્રશ્ન હોય છે: "એકંદરે કેવું રહ્યું?" અનુભવી રહેલી વ્યક્તિ શું બન્યું તેનો વધુ સચોટ હિસાબ આપી શકે છે, કારણ કે અનુભવ દરમિયાન આપણી લાગણીઓ હંમેશા વધારે સચોટ હોય છે. પરંતુ ઘટના બાદ સ્મૃતિઓની નોંધણી કરતી રીમેમ્બરિંગ સેલ્ફ ઓછી સચોટ હોવા છતાં આપણી યાદશક્તિ પર હાવી થઈ જતી હોય છે. રીમેમ્બરિંગ સેલ્ફનાં આવા પ્રભુત્વનાં બે કારણો છે. પહેલું છે સમયગાળાની અવગણના, જેમાં આપણે ઘટનાની કુલ અવધિની અવગણના કરી ઘટનાની ચોક્કસ સ્મૃતિ પર વધારે ભાર મૂકીએ છીએ. બીજું છે ચરમનો નિયમ, જે મુજબ આપણે ઘટનાના અંતે શું થાય છે તેના પર વધુ ભાર મૂકીએ છીએ. રીમેમ્બરિંગ સેલ્ફના વર્ચસ્વનું ઉદાહરણ લઈએ. એક પ્રયોગ હેઠળ કોલોનોસ્કોપી કરાવી હોય એવા લોકોની પીડાદાયક યાદોની માપણી કરવાનું ઠેરવવામાં આવ્યું. કોલોનોસ્કોપી પહેલાં, લોકોને બે જૂથોમાં વહેંચી દેવામાં આવ્યા: એક જૂથના દર્દીઓ પર લાંબીલચક કોલોનોસ્કોપી કરવામાં આવી અને બીજા જૂથના દર્દીઓ માટે પ્રક્રિયા ટૂંકાવી દેવામાં આવી પણ એમની પીડાનું સ્તર સર્જરીના અંતિમ તબક્કામાં વધારી દેવાયું. તમને થશે કે લાંબી પ્રક્રિયામાંથી પસાર થનારા દર્દીઓ સૌથી વધારે નાખુશ હશે, કારણ કે તેમને લાંબા સમય સુધી પીડા સહન કરવી પડી. બેશક, સર્જરી વખતે પહેલા જૂથના દર્દીઓને એવું જ લાગ્યું હતું. પ્રક્રિયા દરમિયાન, દરેક દર્દીને પીડા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમની એક્સ્પીરિયંસીંગ સેલ્ફએ સચોટ જવાબ આપ્યો. લાંબી પ્રક્રિયામાંથી પસાર થનારને એ અનુભવ બદતર લાગ્યો. જો કે, અનુભવ પછી, રીમેમ્બરિંગ સેલ્ફ હાવી થતાં, ટૂંકી પ્રક્રિયામાંથી પસાર થનારા દર્દીઓએ સૌથી ખરાબ અનુભવ હોવાનો દાવો કર્યો. આ સર્વેક્ષણ આપણને અવધિની અવગણના, ચરમના નિયમ અને આપણી ખામીયુક્ત સ્મરણપ્રક્રિયાનું સ્પષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

૭. તન નહિ, મન : ધ્યાનના કેન્દ્રનું સમાયોજન આપણા વિચાર અને વર્તન પર કેવી નાટ્યાત્મક અસરો ઉપજાવી શકે છે

કાર્યના આધારે આપણું મન વિવિધ માત્રામાં ઊર્જા વાપરતું હોય છે. ચિત્ત એકાગ્ર કરવાની જરૂર ન હોય અને થોડી ઊર્જાથી ચાલી શકે એમ હોય, ત્યારે આપણે સંજ્ઞાનાત્મક ટાઢકની સ્થિતિમાં હોઈએ છીએ. તેમ છતાં, મનને ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે, ત્યારે તે વધુ ઊર્જા વાપરે છે અને જ્ઞાનાત્મક તાણની સ્થિતિમાં પ્રવેશ કરે છે. માનસિક ઊર્જાનાં સ્તરોમાં થતા આવા ફેરફાર આપણા વર્તનને પ્રભાવિત કરે છે. સંજ્ઞાનાત્મક સહુલિયતની સ્થિતિમાં, આપણું મન સાહજિક સિસ્ટમ 1ને હવાલે થાય છે, પરિણામે તાર્કિક અને વધુ ઊર્જાની માંગ કરતી સિસ્ટમ 2 નબળી પડી જાય છે. મતલબ, સાહજિક, સર્જનાત્મક અને ખુશ હોવા છતાં આપણે ગફલત કરી બેસતા હોઈએ છીએ. જ્ઞાનાત્મક તાણની સ્થિતિમાં, આપણું ભાન વધારે સતેજ બની જાય છે, અને તેથી સિસ્ટમ 2 ચાર્જ લઈ લે છે. સિસ્ટમ 1ની તુલનાએ સિસ્ટમ 2 આપણા નિર્ણયોને ડબલ-ચેક કરવા માટે અધિક સજ્જ હોય છે, પરિણામે ઘણા ઓછા સર્જનાત્મક હોવા છતાં આપણે અંતતઃ ઓછી ભૂલો કરીએ છીએ. ચોક્કસ કાર્યો કરવા માટે આવશ્યક મનોસ્થિતિમાં પહોંચવા કેટલી ઊર્જા વપરાવી જોઈએ તેનું પણ તમે નિયમન કરી શકો છો. આનો એક રસ્તો છે: પુનરાવર્તિત માહિતી પ્રત્યે મનની મોકળાશ કેળવો. માહિતી પુનરાવર્તિત થાય અથવા તો કોઈક રીતે યાદગાર બની જાય, તો તે વધુ નક્કર બની જતી હોય છે. કેમ કે આપણા મનનો વિકાસ જ એ રીતે થયો છે કે જ્યારે પણ તે સ્પષ્ટ, સમરૂપ સંદેશા ઝીલે ત્યારે સકારાત્મક પ્રતિક્રિયા જ આપે. એટલે કંઈક પરિચિત વસ્તુ જોતાંની સાથે જ આપણે જ્ઞાનાત્મક સરળતાની સ્થિતિમાં પ્રવેશ કરીએ છીએ. બીજી તરફ, જ્ઞાનાત્મક તાણ આપણને આંકડાકીય સમસ્યાઓ કે એવી જ બીજી બાબતોને ઉકેલવામાં મદદરૂપ થાય છે. મૂંઝવણભરી માહિતી, જેમ કે ન વાંચી શકાતી કૃતિ, આપણી સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે આપણે આવી મનોસ્થિતિમાં પ્રવેશીએ છીએ. સમસ્યાને સમજવાના પ્રયાસમાં આપણું દિમાગ ઉત્સાહિત થઈ ઊર્જા-સ્તરમાં ઉછાળ લાવે છે, પરિણામે આપણી હાર માની લેવાની શક્યતા નહિવત થઈ જાય છે.

૮. જોખમ ઉઠાવવાં: સંભાવનાઓની પ્રસ્તુતિ આપણા જોખમસંબંધી નિર્ણયોને અસર કરે છે

વિચારોની મૂલવણી તથા સમસ્યાઓ પ્રત્યેનો આપણો અભિગમ એમની રજૂઆતને આધીન હોય છે. વિધાન કે પ્રશ્નની વિગતો કે ફોકસમાં ઓગણીસ-વીસનો ફર્ક પડે તો પણ એમનું સંચાલન કરવાની આપણી રીતમાં નાટકીય પરિવર્તન આવી શકે છે. આપણે જોખમોનું મૂલ્યાંકન કેવી રીતે કરીએ છીએ તેમાં આનું જવલંત ઉદાહરણ મળી શકે છે. તમને એવું લાગી શકે કે એકવાર જોખમની સંભાવના નક્કી થઈ ગઈ પછી પ્રત્યેક વ્યક્તિનો એના પ્રત્યેનો દૃષ્ટિકોણ એકસરખો જ રહેશે. પણ એવું નથી. કાળજીપૂર્વક ગણતરી કરેલ સંભાવનાઓના સંદર્ભમાં પણ, આંકડાકીય રજૂઆતની પદ્ધતિ માત્ર બદલી નાંખતાં આપણો એના વિશેનો અભિગમ બદલાઈ જતો હોય છે. ઉદાહરણ તરીકે, આંકડાકીય સંભાવનાને બદલે સાપેક્ષ આવૃત્તિની દૃષ્ટિએ વ્યક્ત કરવામાં આવેલી દુર્લભ ઘટનાની શક્યતા લોકો વધુ આંકશે. મિસ્ટર જોન્સ પ્રયોગ તરીકે ઓળખાતા એક પરીક્ષણમાં મનોરોગ ચિકિત્સકોનાં બે જૂથોને પૂછવામાં આવ્યું કે મિસ્ટર જોન્સને મનોરોગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવા સલામત છે? પ્રથમ જૂથને કહેવામાં આવ્યું કે મિસ્ટર જોન્સ જેવા દર્દીઓમાં "હિંસા કરવાની 10 ટકા સંભાવના રહેલી છે," અને બીજા જૂથને કહેવામાં આવ્યું કે "મિસ્ટર જોન્સ જેવા દર 100 દર્દીઓમાંથી, અંદાજિત 10 હિંસાનું કૃત્ય કરતા હોય છે." બે જૂથોમાંથી, બીજા જૂથના લગભગ બમણા ઉત્તરદાતાઓએ મિસ્ટર જોન્સના ડિસ્ચાર્જની વાતને રદિયો આપ્યો. આંકડાકીય રીતે જે ઉપયુક્ત છે તેની વિરુદ્ધમાં આપણું ધ્યાન ભટકાવવાની બીજી રીતને વિભાજક ઉપેક્ષા કહેવાય છે. આપણે સાદાસીધા આંકડાઓને અવગણી પ્રબળ માનસિક છબીઓની આભા હેઠળ નિર્ણયો લઈએ ત્યારે આવું બને છે. દાખલા તરીકે આ બે નિવેદનોને ચકાસો: "આ દવા બાળકોને X રોગથી રક્ષણ આપે છે પરંતુ એનાં સેવનથી કાયમી વિકૃતિકરણની 0.001 ટકા શક્યતા છે" અને "આ દવા લેનારા 100,000 બાળકોમાંથી એક કાયમ માટે વિકૃત થઈ જશે." બંને નિવેદનો સમાન હોવા છતાં, બીજું નિવેદન વિકૃત બાળકની છબી ઉપસાવે છે અને આમ વધુ પ્રભાવશાળી બની રહે છે. પરિણામે, આપણી દવા અપાવવાની શક્યતા ઓછી થઈ જાય છે.

૯. આપણે રોબોટ્સ નથી: આપણે ફક્ત તર્કસંગત વિચારસરણી પર આધારિત પસંદગીઓ નથી કરતા એનું કારણ?

વ્યક્તિ તરીકે આપણી પસંદગીના માનક કયા છે? વર્ષો સુધી, અર્થશાસ્ત્રીઓના એક શક્તિશાળી અને પ્રભાવશાળી જૂથે એવું ચલાવ્યું કે આપણે તર્કસંગત દલીલના આધારે જ સઘળા નિર્ણયો લઈએ છીએ. તેઓની દલીલનો આધાર હતો ઉપયોગિતા સિદ્ધાંત જે અનુસાર નિર્ણય લેતી વેળા વ્યક્તિ માત્ર તર્કસંગત તથ્યોને ધ્યાન પર લે છે અને પોતાને શ્રેષ્ઠ પરિણામ આપી શકે એવા વિકલ્પની પસંદગી કરે છે. એટલે કે, ઉપયોગિતા આધીન નિર્ણય લે છે. ઉદાહરણ તરીકે, ઉપયોગિતા સિદ્ધાંત કંઈક આવું નિવેદન કરશે: જો તમને કિવી કરતાં નારંગી વધુ પસંદ છે, તો તમે કિવી જીતવાની 10 ટકા શક્યતાની સામે નારંગી જીતવાની 10 ટકા શક્યતાવાળી તક તરફ આકર્ષાશો. એ તો દેખીતું છે, બરાબર? આ ક્ષેત્રના અર્થશાસ્ત્રીઓનું સૌથી પ્રભાવશાળી જૂથ એટલે શિકાગો સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને એના ખ્યાતનામ વિદ્વાન એટલે મિલ્ટન ફ્રિડમેન. યુટિલિટી થિયરીનો ઉપયોગ કરીને, શિકાગો સ્કૂલે દલીલ કરી કે માર્કેટમાં વ્યક્તિઓ તર્કસંગત નિર્ણયો જ લેતા હોય છે; અર્થશાસ્ત્રી રિચાર્ડ થેલર અને વકીલ કાસ સનસ્ટીને પાછળથી આ વ્યક્તિઓને ઇકોન્સ નામ આપ્યું. ઇકોન્સ હંમેશા તર્કસંગત જરૂરિયાતોને આધારે માલસામાન અને સેવાઓનું મૂલ્યાંકન કરે છે અને એક સરખી રીતે વર્તે છે. આ ઉપરાંત, ઇકોન્સ ઉપયોગીતાના માપદંડ થકી તેમની સંપત્તિનું તર્કસંગત મૂલ્યાંકન પણ કરે છે. ધારો કે જ્હોન અને જેની, બંનેની સંપત્તિ $5 મિલિયન છે. ઉપયોગિતાના સિદ્ધાંત અનુસાર, સમાન સંપત્તિના માલિક હોવાની રૂએ બંને પોતપોતાની નાણાવ્યવસ્થાથી સમાન રીતે ખુશ હોવાં જોઈએ. પરંતુ, ચાલો ચીજોને થોડી જટિલતા બક્ષી ચકાસીએ. ધારો કે આ $5 મિલિયનની સંપત્તિ કેસિનોમાં રમેલા એક દિવસના જુગારનું પરિણામ છે અને જુગારની શરૂઆતમાં બંનેની નાણાંકીય સ્થિતિ અલગ અલગ હતી. જ્હોન માત્ર $1 મિલિયન લઈને આવેલો અને પાંચગણા કમાયો જ્યારે જેની $9 મિલિયન લાવેલી અને હારતાં હારતાં $5 મિલિયન પર આવી ઊભી. શું તમને હજુ પણ એવું લાગે છે કે જ્હોન અને જેની તેમના $5 મિલિયનથી સમાન રીતે ખુશ હશે? ના, ખરું ને? તો સ્પષ્ટપણે, ચીજોનું મહત્ત્વ ફક્ત ઉપયોગિતાના માપદંડથી સિદ્ધ થતું નથી. હવે પછી આપણે જોઈશું કે ઉપયોગિતા સિદ્ધાંત ધારે છે એટલી તર્કસંગત રીતે આપણે ઉપયોગિતાને જોતા નથી અને એટલે જ વિચિત્ર અને દેખીતી રીતે અતાર્કિક એવા નિર્ણયો લઈએ છીએ.

૧૦. મનની મર્મર: તર્કસંગત નિર્ણયો લેવાને બદલે, આપણે વારંવાર ભાવનાત્મક પરિબળોથી પ્રભાવિત થઈ જઈએ છીએ એનું શું કારણ?

ઉપયોગિતા સિદ્ધાંત નહિ; તો બીજું શું કામ કરી જાય છે? એક વિકલ્પ છે, લેખક દ્વારા વિકસાવવામાં આવેલી પ્રોસ્પેક્ટ થિયરી. કાનમેનનો પ્રોસ્પેક્ટ સિદ્ધાંત ઉપયોગિતાના સિદ્ધાંતને પડકારે છે અને કહે છે કે પસંદગી કરતી વખતે આપણું વર્તન હંમેશા તર્કસંગત જ હોય છે એવું નથી હોતું. ઉદાહરણ તરીકે આ બે સિનારિયોની કલ્પના કરો. પહેલા સિનારિયોમાં તમને $1,000ની શરૂઆતી મૂડી આપી બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું કહેવામાં આવે છે: બીજા $500ની સ્થાયી મૂડી સ્વીકારવી અથવા તો $1,000 જીતવાની 50 ટકા શક્યતાવાળો વિકલ્પ અપનાવવો. બીજા સિનારિયોમાં, તમને $2,000ની શરૂઆતી મૂડી આપી બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું કહેવામાં આવે છે: $500ની ખોટ સ્વીકારવી કે $1,000 ગુમાવવાની 50 ટકા શક્યતાવાળો વિકલ્પ અપનાવવો. આપણે કેવળ તર્કસંગત પસંદગી કરતા હોઈએ, તો આપણે બંને કિસ્સાઓમાં સમાન પસંદગી કરીશું. પરંતુ હકીકતમાં એવું નથી બનતું. પ્રથમ કિસ્સામાં, મોટાભાગના લોકો ખાતરીપૂર્વક શક્યતાને સ્વીકારે છે, જ્યારે બીજા કિસ્સામાં, મોટાભાગના લોકો જુગાર રમતા હોય છે. આવું કેમ બને છે તે સમજવામાં પ્રોસ્પેક્ટ થિયરી મદદરૂપ થાય છે. આ સિદ્ધાંત અનુસાર, આપણા તર્કવિરુદ્ધ વર્તનની પાછળ બે કારણો રહેલાં હોય છે: બંને આપણો નુકસાન પ્રત્યેનો અણગમો છતો કરે છે. એ હકીકત છે કે આપણે સૌ મુનાફાવસૂલીની ચિંતા ઓછી કરીએ છીએ અને નુકસાનથી વધુ ડરીએ છીએ. પહેલું કારણ એ છે કે આપણે સંદર્ભ બિંદુઓના આધારે વસ્તુઓને મહત્ત્વ આપીએ છીએ. બંને સિનારિયોમાં, $1,000 અથવા $2,000થી કરેલી શરૂઆત આપણી જુગાર રમવાની તૈયારીનું સીમાંકન કરે છે કારણ કે પ્રારંભબિંદુ આપણે આપણી સ્થિતિને કેવી રીતે મૂલવીએ છીએ તેમાં નિર્ણાયક ભાગ ભજવે છે. પ્રથમ સિનારિયોમાં સંદર્ભબિંદુ $1,000 અને બીજામાં $2,000 છે; મતલબ, $1,500 પર બાજી સંકેલવી પહેલા સિનારિયોમાં ભલે જીત જેવું લાગે છે, પરંતુ બીજામાં એ અણગમતી, ધરાર હાર બની રહે છે. અહીં આપણો વિચાર સ્પષ્ટ રીતે અતાર્કિક હોવા છતાં, આપણે તે સમયના વાસ્તવિક મૂલ્ય તથા આપણા પ્રારંભિક બિંદુના પરિપ્રેક્ષ્યમાં મૂલ્યની પરિભાષા કરીએ છીએ. બીજી બાજુ, આપણે ક્ષીણ થતી સંવેદનશીલતાના સિદ્ધાંતથી પ્રભાવિત છીએ. ભળાતા મૂલ્ય કરતાં વાસ્તવિક મૂલ્ય અલગ હોઈ શકે છે. દાખલા તરીકે, બંને નુકસાનનું નાણાંકીય મૂલ્ય સમાન હોવા છતાં, $1,000થી ગગડી $900 પર આવી જવું એ $200થી ગગડી $100 પર આવી જવા જેટલું ખરાબ નથી લાગતું. એ જ રીતે આપણાં ઉદાહરણમાં, $1,500થી તૂટી $1,000 પર આવી જતાં થયેલા નુકસાનનું મૂલ્ય $2,000થી તૂટી $1,500 પર આવી જતાં થયેલા નુકસાનના મૂલ્ય કરતાં વધારે જ આંકવામાં આવે છે.

૧૧. ભ્રામક છબીઓ: વિશ્વ સમજવા મન સંપૂર્ણ ચિત્રો ઘડે છે, પરંતુ અતિવિશ્વાસ અને ભૂલો તરફ દોરી જાય છે એવું કેમ?

પરિસ્થિતિઓને સમજવા, આપણું મન સ્વાભાવિક રીતે જ્ઞાનાત્મક સુસંગતતાનો ઉપયોગ કરે છે: વિચારો અને વિભાવનાઓને સમજવા આપણે સંપૂર્ણ મન:ચિત્રો ઘડીએ છીએ. ઉદાહરણ તરીકે, આપણા મનમાં હવામાન અંગે ઘણી છબીઓ અંકિત હોય છે. કહો કે, ઉનાળુ હવામાન માટે આપણા મનમાં એક છબી છે: કાળઝાળ ગરમીમાં પરસેવે નવડાવતા એક તપતા સૂર્યનું ચિત્ર. આ છબી ચીજોને સમજવામાં મદદ કરવાની સાથેસાથે આપણને આધારભૂત નિર્ણય લેવામાં પણ સહાય કરે છે. આપણે નિર્ણય લઈએ છીએ, ત્યારે આપણે આ ચિત્રોનો સંદર્ભ લઈએ છીએ અને તેના આધારે આપણાં ધારણાઓ અને તારણો બાંધીએ છીએ. ઉદાહરણ તરીકે, ઉનાળામાં કયાં કપડાં પહેરવાં એ નક્કી કરવા આપણે ઉનાળાનાં હવામાનની આપણી મનોછબી પર આધાર રાખીએ છીએ. સમસ્યા એ છે કે આપણે આ છબીઓમાં જરૂર કરતાં વધારે વિશ્વાસ રાખીએ છીએ. ઉપલબ્ધ આંકડા અને ડેટા આપણી મનોછબી સાથે અસંગત હોવાની પરિસ્થિતિમાં પણ આપણે છબીઓની આંગળી પકડી ચાલવા માંડીએ છીએ. ઉનાળામાં, હવામાનખાતું પ્રમાણમાં ઠંડા હવામાનની આગાહી કરે તો પણ તમે શોર્ટ્સ અને ટી-શર્ટમાં બહાર જશો કારણ કે ઉનાળાની તમારી મનોછબી તમને એવાં કપડાં પહેરવાનો નિર્દેશ કરે છે. પછી ભલેને બહાર નીકળી ધ્રૂજવાનો વારો આવે! ટૂંકમાં, ઘણીવાર ખામીયુક્ત મનોછબીઓ પર આપણે આંધળો વિશ્વાસ કરી બેસતા હોઈએ છીએ. પરંતુ આ અતિવિશ્વાસને નાથી આપણે વધુ સચોટ આગાહીઓ કરી શકીએ એનાંય રસ્તા છે. ભૂલો ટાળવાની એક સરળ રીત છે સંદર્ભ વર્ગની આગાહીનો ઉપયોગ. સામાન્ય માનસિક છબીઓના આધારે નિર્ણય લેવાને બદલે, ચોક્કસ ઐતિહાસિક ઉદાહરણોનો ઉપયોગ કરી વધુ સચોટ આગાહી કરવાની કોશિશ કરો. ઉદાહરણ તરીકે, અગાઉ ઠંડા ઉનાળુ દિવસે બહાર ગયેલા ત્યારે તમે શું પહેર્યું હતું તે યાદ કરો. આ ઉપરાંત, આગાહીમાં સફળતા કે નિષ્ફળતા મળતાં કેવા પગલાં લઈ શકાય તેને પરિભાષિત કરતી લાંબાગાળાની જોખમ નીતિ પણ ઘડી શકાય. તૈયારી અને સંરક્ષણ થકી તમે સામાન્ય મનોછબીઓને બદલે પુરાવા પર આધાર રાખી શકો છો અને વધુ સચોટ અનુમાન કરી શકો છો. આપણા હવામાનસંબંધી ઉદાહરણના કિસ્સામાં, આનો અર્થ એ થાય કે સલામતી માટે સ્વેટર પણ સાથે રાખવું હિતાવહ છે.

અંતિમ સારાંશ

ડેનિયલ કાનમેનનું પુસ્તક "વિચારવલોણું, તેજ અને મંદ" (2011) નિર્ણય લેવાની પ્રક્રિયાને ચલાવતી બે વિચારપ્રણાલીઓનું અન્વેષણ કરે છે. પુસ્તકમાં આપણા નિર્ણયોને અવારનવાર ભૂલો અને અતાર્કિકતા તરફ દોરી જતા જ્ઞાનાત્મક પૂર્વગ્રહો અને હ્યુરિસ્ટિક્સની ગંભીર તપાસ કરવામાં આવી છે. અહીં મુખ્યત્વે બે વિચારપ્રણાલીઓની વિભાવના રજૂ થાય છે: પ્રણાલી 1 અને પ્રણાલી 2. પ્રણાલી 1 આપમેળે અને સહેલાઈથી કાર્ય કરે છે તથા ઝડપથી નિર્ણયો લેવા માટે અંતર્જ્ઞાન અને હ્યુરિસ્ટિક્સ પર આધાર રાખે છે. તે પૂર્વગ્રહોને આધીન થતી હોય છે અને ઘણીવાર માનસિક શોર્ટકટ પણ લેતી હોય છે. બીજી બાજુ, પ્રણાલી 2 એ સભાન પ્રયત્નો અને તર્કથી સંચારિત થતી ધીમી પણ સુચિંતિત વિચારપ્રણાલી છે. કાનમેન આપણા નિર્ણયોને અસર કરતાં વિવિધ જ્ઞાનાત્મક પૂર્વગ્રહો અને ભ્રમણાઓની ચર્ચા કરે છે, જેવાં કે ઉપલબ્ધતા હ્યુરિસ્ટિક, એન્કરિંગ ઇફેક્ટ અને પુષ્ટિ પૂર્વગ્રહ. લેખક સુપેરે પ્રતિપાદિત કરે છે કે કેવી રીતે આ પૂર્વગ્રહો નિર્ણયક્ષમતામાં અડચણ ઊભી કરે છે, વાસ્તવિકતા વિશેની આપણી અવધારણા પર પ્રભાવ પાડી શકે છે. પુસ્તક નુકસાન પ્રત્યે લોકોના અણગમાની પણ સૈદ્ધાંતિક તપાસ કરે છે અને લોકો સમકક્ષ લાભ મેળવવા કરતાં નુકસાન ટાળવાનું વધારે પસંદ કરતા હોય છે એ સત્ય તરફ અંગુલિનિર્દેશ કરે છે. આપણા નિર્ણયો કેવી રીતે પસંદગીઓ દ્વારા પ્રભાવિત થતા હોય છે તેમજ આપણે જોખમને કઈ રીતે જોઈએ છીએ તેની પણ ચર્ચા કરે છે. કાનમેન અતિવિશ્વાસ અને આશાવાદી પૂર્વગ્રહની વિભાવનાઓની ઊંડી તપાસ કરે છે અને લોકો તેમની ક્ષમતાઓ અને સકારાત્મક પરિણામોની સંભાવનાને કેવી રીતે તૂલ આપતા હોય છે તે પણ સમજાવે છે. આત્યંતિક ઘટનાઓ સમય જતાં સરેરાશ તરફ પ્રત્યાગમન કરે છે એ ખ્યાલને નિદર્શિત કરતી સરેરાશ રીગ્રેશનની વિભાવનાની પણ લેખક ચર્ચા કરે છે. સમગ્ર પુસ્તકમાં, કાનમેન એમની દલીલોને સમર્થન આપવા માટે તેમણે અને તેમના સાથીદારોએ કરેલા અસંખ્ય પ્રયોગો અને અભ્યાસોની વ્યવસ્થિત રજૂઆત કરે છે. આપણી વિચારસરણી આપણા પૂર્વગ્રહોથી કેવી રીતે પ્રભાવિત થાય છે અને કેવી રીતે આ પૂર્વગ્રહો આર્થિક નિર્ણયો, વ્યવસાયિક વ્યૂહરચના અને વ્યક્તિગત સંબંધો જેવાં જીવનના વિવિધ પાસાંઓને અસર કરે છે એના પર પણ લેખક પ્રકાશ ફેંકે છે. નિષ્કર્ષમાં, પુસ્તક આપણી નિર્ણય લેવાની પ્રક્રિયાને સંચાલિત કરતી બે વિચારપ્રણાલીઓનું વ્યાપક અન્વેષણ પૂરું પાડે છે. લેખક આપણાં નિર્ણયો ભૂલો અને અતાર્કિકતા તરફ ધકેલી દેતા પૂર્વગ્રહો અને હ્યુરિસ્ટિક્સ પર પ્રકાશ પાડે છે તથા માણસની જ્ઞાનાત્મક ક્ષમતા અને નિર્ણયપ્રક્રિયાની ઝાંખી કરાવે છે.

"વિચારવલોણું, તેજ અને મંદ"માંથી ઉદ્ધૃત કેટલાંક નોંધપાત્ર અવતરણો:

1. અંતઃપ્રેરણા એ માન્યતા જ છે, ના એથી વધુ, ના એથી ઓછું. 2. નિર્ણય લેતી વેળા આપણે જે આત્મવિશ્વાસ અનુભવીએ છીએ તે એની સત્યતાની સંભાવનાનું તર્કબદ્ધ મૂલ્યાંકન નથી. 3. જીવનમાં કંઈપણ એટલું મહત્ત્વનું નથી જેટલું તમે વિચારો છો. 4. મન આસાનીથી કાર્યકારણના ભ્રમનો શિકાર થઈ જતું હોય છે. 5. જે સ્પષ્ટ છે તેને પણ આપણે જોઈ ન શકીએ એવું બને અને આપણા આવા અંધત્વ પ્રત્યે પણ આપણે આંધળા હોઈએ, એવું પણ બને. 6. ભૂતકાળને દરરોજ જેટલી સરળતાથી સમજાવવામાં આવે છે એટલો જ ભવિષ્ય અપ્રત્યાશિત હોવાનો વિચાર નબળો પડે છે. 7. સફળતા = પ્રતિભા + નસીબ. મહાન સફળતા = થોડી વધુ પ્રતિભા + ઘણું નસીબ. 8. આપણે એવું માની લઈએ છીએ કે જે દેખાય છે તે જ અને તેટલું જ છે. 9. ક્યારે શંકા કરવી તેનું જ્ઞાન એટલું જ મહત્ત્વનું છે જેટલું શું માનવું તે. 10. આપણે જીવનમાં જે કંઈ જોઈએ છીએ તે ઉપલક હોય છે એ માન્યતાને નકારવા આપણે બધા તત્પર હોઈએ છીએ. 11. જ્ઞાનાત્મક વિજ્ઞાનમાં આપણે માનીએ છીએ એટલું સરળ કંઈપણ નથી હોતું.