ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન શાહ/જામફળિયામાં છોકરી

Revision as of 00:37, 2 September 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જામફળિયામાં છોકરી

સુમન શાહ

બાગ છે. મોતીબાગ. બાગને બાંકડે બેઠેલા મને આજે અચાનક થાય છે – બાગનું નામ મોતીબાગ કેમ છે.

માળી છે શનાભાઈ. શનોભાઈ કહે છે :

જેની નેચે તમે બેઠા છો ભૈ, એ ઝાડને એક સાલ સાવન મંઈનામોં ફૂલોંને બદલે મોતી ફૂટેલોં. ડાળે ડાળે ને ડાખળીએ ડાખળીએ. ઢગલે ને ઢગલે ગરેલોં – એટલોં બધાં એટલોં બધોં કે આ તમારો બોંકડો દેખાતો ઓછો થયેલો. એ વારાનોં, હઉ આંને મોતીબાગ કહે છે.

બાંકડાની ધાર બન્ને હાથે ઝાલી રાખી મેં ઊંચું જોયું :

બોરસલી હતી, ભૂરા આકાશમાં. મોતી ન્હોતાં, ફૂલ હતાં, બોરસલીનાં.

પછી શનોભાઈની આંખોમાં જોઈ મેં એને એક સ્મિત આપેલું – એ લઈ એ એના કામે પળેલો.

સવારના છ વાગતાંમાં મોતીબાગમાં તો કોણ આવે મારા સિવાય? ગામ આવ્યો ત્યારનો રોજ આવું છું. દર સાલ આવું છું – આ મારો દર ઉનાળાનો રિવાજ છે. શ્રાવણમાં જોકે ક્યારેય આવ્યો નથી. જરૂર, ત્યારે વરસી હશે આ બોરસલી. મોતીય વરસ્યાં હોય. જોકે શનોભાઈએ મને વગર પૂછ્યે કહ્યું તેનું શું? એને કાંથી ખબર કે મને બાગનું નામ મોતીબાગ કેમ છે એવો સવાલ થયેલો? બાગનું મોતીબાગ નામ તો હું નાનપણથી સાંભળતો આવ્યો છું. શનોભાઈ કયા શ્રાવણની વાત કરે છે? કોણ જાણે.

મને અત્યારે જ એક નવો સવાલ થાય છે – નામ આનું શનાભાઈ નહિ ને શનોભાઈ કેમ છે.

પહેલાં આવા સવાલ મને કદી નથી થયા. જોકે હમણાંનું જરા એવું જ ચાલે છે. મનમાં કંઈ ને કંઈ અળવીતરા વિચારોનાં ટીપાં ટપક્યાં કરે. થોડા દા’ડા પર મને થયેલું હું હું કેમ છું – ને – રમા રમા કેમ છે. ખરેખર તેમ થયેલું કે રમા રમા છે તે તો બરાબર છે, પણ જીવનમાં મારા રમા મારી જોડે જે છે તે શું કરવા છે…

અમે નડિયાદ રહીએ છીએ. ઉનાળાનું વૅકેશન પડે એટલે રમા પિયર જાય – સૂરત. આઠ વરસની દીકરી મમતા ને નાનો બિટ્ટુ એની જોડે જ જાય. આ વેળાય ત્રણે જણાં ગયાં જ છે. પણ હું? હું તો અહીં જ આવું. ગામ આવું એટલે મોતીબાગમાં તો વગર ચૂક્યે આવું. એમ જ સમજોને કે મોતીબાગમાં આવવા જ ગામ આવું છું. ગામ-ઘરમાં હવે એક ફૈબા જ રહ્યાં છે – એમને મળવા આવું છું એમ પણ કહેવાય. જોકે એવું લાગે દર ઉનાળે કશુંક જો મળી આવે તો લેવા ગામ આવું છું. પાછો જઉં ત્યારે થાય મળી ગયું, પણ શું એ તો ક્યારેય સમજાય નહીં.

રમા તો ઘણી વાર સૂરત આખું વૅકેશન રહી પડે. આ વેળા તો નડિયાદ બધાં મારી પહેલાં પહોંચી જવાનાં છે. રમા પાછી ફરે એટલે સરસ સરસ ખાવાનું બધું ખાસ લાવે : ‘ધનજીભાઈ’નાં ભજિયાં ને પેટિસ તો લાવે જ, કોઈ વાર ગોબાપૂરીય લાવે. આ વખતે પણ કંઈ ને કંઈ લાવવાની જ. હંમેશની જેમ છોકરાં મને આ વેળાએય પૂછશેઃ શું લાવ્યા, પપ્પા? ગામથી તમે શું લાવ્યા? તો ગલ્લાંતલ્લાં કરી વાતને ઉડાવી દઈશ. કહીશ: જુઓ આ વખતે તમને બન્નેને સરસ મજાના રેઈનકોટ અપાવી દઈશ – સ્કૂલ તમારી ચાલુ થાય, કે તરત.

પણ આવું કહેતો હોઈશ ત્યારે જોકે રમાય બોલતી જ હશે : એ શું લાવવાના’તા? ધૂળ ને ઢેફાં? જઈને બેહી રિયા અશે બાગને બાંકડે – હું ને રમા બન્ને સાથે બોલતાં હોઈશું એટલે કોઈનું કોઈને કંઈ સંભળાશે જ નહિ – નંઈ તો પછી ચૉટી રિયા અશે હીંચકે ઝૂલતા એમનાં ફૈબા જોડે – લાડકા નંઈ નાનપણાના…! જોકે છોકરાં તો તાં લગીમાં દોડી ગયાં હશે, રમવા, શેરીમાં…

અમે ઘણીવાર એકમેકને વારફરતી સાંભળવાને બદલે એમ સાથે ને સાથે બોલીએ છીએ. એટલે અવાજોની અથડાકૂટડી સિવાય કંઈ થતું નથી. મેં રમાને અનેક વાર કહ્યું છે : સાંભળ તો ખરી શું કહું છું તે – જોડે ને જોડે શું બોલ્યે રાખે છે? પણ જવાબમાં રમા સામી તાડૂકે છે તે તમે સાંભળોને! હારે ને હારે તમે શું કામ ભચડ્યે રાખો છો? ડાચલાકૂટ વિનાનું તમને કંઈ આવડે છે ખરું? એની એવી તોછડાઈ મારાથી સહેવાય નહીં, નરી ચીઢ થાય, બધું અકારું થઈ પડે. થાય, આનું તે શું કરું હવે? એવી વખત મને એના દેદારેય ન ગમે. ખાસ તો વાયલનું એનું ઢીલુંઢીલું નજરું બ્લાઉઝ મને બહુ અખરે. રમા કેટલાય વખતથી બ્રેસિયર તો પહેરતી જ નથી – કહે છે, ઘરમાં ને ઘરમાં જરૂર શી છે એવાં લટકાંમટકાંની..

આ ફેરી જોકે મને થાય છે ગામથી જામફળ જરૂર લઈ જઈશ. આ મોતીબાગની નીચે જ જામફળિયું છે. ડાળખીએ ડાળખીએ મોતી ફૂટ્યાંની આ શનોહેભાઈવાળી વાત પણ લઈ જવાશે. મમતા-બિટ્ટુને તો એમાં બહુ જ મજા પડશે, નવાઈ લાગશે. બોરસલીને મોતી ફૂટ્યાંની વાત રમાનેય ગમશે, કદાચ – કેમકે એનું કંઈ કહેવાય નહિ – એવુંય કહે કે તો પછી મોતી જ ઉખેડી લાવવાં’તાંને… જામફળમાંય વાંધા પાડે: નર્યા નાનકૂડાં! કાચાં નસ્ય! કેમનાં પકડી લાય્‌વા? ડચૂરો કેટલો ભરાય છે – કહેતી, ફેંકશે, બારી બહાર…

મોતી ફૂટ્યાની વાતે મેં બીજી વાર ઊંચે જોયું. બોરસલી જ હતી, ભૂરા જ આકાશમાં ને મોતી નહોતાં, ફૂલ જ હતાં, બોરસલીનાં જ હતાં. સામે, પણ ખાસ્સો દૂર – શનોભાઈ જ હતો – એવો જ – કામે વળગેલો. ચાર-પાંચ દા’ડાથી બાગના આ ભાગમાં એ લૉન બેસાડવાનું અઘરું કામ કરી રહ્યો છે. નજીકના કોઈ ફાર્મમાં ઉગાડેલી તૈયાર લૉનનાં માટીસોતાં ચોસલાં સુધરાઈવાળા ઊંટલારી ભરીને મૂકી ગયા છે તે કડિયો લાદી બેસાડે એમ શનાભાઈ ચોસલું-ચોસલું બેસાડી રહ્યો છે.

હું જોઈ રહ્યો છું કે શનોભાઈને લૉન બેસાડવાનું ફાવતું નથી, કે પછી એને કરવું નથી. શનાભાઈની હથેળીઓ ટૂંકી છે ને આંગળાં તો એથીય ટૂંકાં, તે પેલાં ચોસલાં હથેળી બહાર વધી પડે છે ને લચકઈને ભાંગી જાય છે. આ બધામાં જોકે, ખરી કહેવાની વાત તો ક્યારની રહી જ જાય છે…

અહીં બાંકડે બેઠો-બેઠો હું એક છોકરી આવે એની રાહ જોઉં છું. કાલેય નહોતી આવી. જુવાન છોકરી છે-ગામની નથી, અજાણી છે – બહારની – શહેરની છે. ચારપાંચ દા’ડાથી એ પણ બાગમાં આવે છે – મારી જેમ, વહેલી સવારમાં. પણ કાલની આવી નથી. પરમ દિવસે નીચલાણમાં જામફળિયામાં એની જોડે જે થયું મારાથી – અદ્ભુત – એવું તો એકેય ઉનાળે બન્યું નથી. એવું તો ક્યારેય બેંતાલીસ વર્ષની મારી કેરિયરમાં કદાપિ બન્યું નથી. જે બન્યું, એ મારા જીવનમાં પહેલીવારકું છે.

બન્યું છે એમ કે તે દિવસે નીચે જામફળિયામાં મારાથી એ છોકરીને બાઝી પડાયું છે, સમજોને, કે વળગી પડાયું છે. એ તો ઠીક, પણ પછી મારાથી ગાલે એના – ચુમ્બન જેવું થઈ ગયું છે – હોઠે નહીં, કેમકે હિમત ત્યારે, લાગે છે કે ખૂટી ગઈ હશે – એટલે એને બચ્ચી જ કહેવાય. બધું અવશપણે થઈ ગયેલું – હાંફળફાંફળમાં. મારો ખાસ કોઈ ઈરાદો નહોતો.

ઘેર ગયા પછી છોકરીને બધું બહુ વિચિત્ર લાગ્યું હોય, ને આખું ન પણ ગમ્યું હોય. છોકરી જો આવે, તો મારે નવું કંઈ નથી કરવું – ખાલી સૉરી કહેવું છે – દિલથી એની માફી માગવી છે….

જરા માંડીને કરું આખી વાત :

પહેલવારકી મેં એને આ લૉનનાં ચોસલાં આવ્યાંને, એ દિવસે જોઈ. વાત એમ હતી કે હું મારા નિયમે કરીને બેઠો’તો અહીં, બાંકડે – અને, સામેના બાંકડે એ જાણે એકાએક જ કશા છોડવાની જેમ ઊગી આવેલી! હશે બન્ને બાંકડા વચ્ચે પચીસેક ફૂટનું અંતર. મારા અચરજનો પાર નહોતોઃ સાલું ક્યારનું તો કોઈ હતું નહીં, ને આ આવી કાંથી? ઉપરથી સીધી ઊતરી આકાશી પવનના રસ્તે? કે પછી બાગની આ ચોમેર ભમતી હવામાંથી બની આવી? છોકરીના આવવાથી મારી સામેનું આખું એવું થઈ ગયું – જાણે રંગમંચ, છોકરી ફ્રૉકમાં હતી. સફેદ ફૉક. એમાં ચાંલ્લા-ચાંલ્લાની ડિઝાઈન જણાતી’તી, કદાચ, જાંબલી-જેવા પોલકા ડૉટ્સની ડિઝાઈન હતી. વાળના એણે બે ચોટલા વાળેલા ને આગળ છાતીના ઉભાર પર રમતા મૂકેલા. ઉભાર, કળવામાં મુશ્કેલી ન પડે એવો ઠીક ઠીક મોટો ગણાય – એને એમ જોતાં, મેં જોયેલું, કે મારી હથેળી ખૂલી ગયેલી, જોકે તરત મેં એને મૂઠીમાં પાછી વાળી લીધેલી. છોકરીએ ચોટલા બરાબર કસીને વાળેલા ને બેવડ બાંધેલા, તોય, ઠીક ઠીક લાંબા હતા. મને થયેલું વાળ આના બહુ જ લાંબા છે – ખુલ્લા કરે તો પગનાં મોજાંનેય ઢાંકી પાડે.

છોકરી જોડે જે બન્યું, એ દિવસે, ત્યારે વાળ એના, હું કહું છું એમ ખુલ્લા હતા – પૂરેપૂરા ખુલ્લા.

એ બૂટમાં હતી. સફેદ બૂટ. કૅન્વાસના. મોજાં હતાં – એય સફેદ. હાથમાં એના કદાચ ગુલાબ હતું. એ જોયા કરતી’તી બેઠી-બેઠી હાથમાં રાખેલા ફૂલને. કોઈ કારણે ચોટલા એણે ઉલાળીને પાછળ કરી દીધેલા. પછી ગુલાબને એ ફેરવી ફેરવીને જોયા કરતી’તી – ક્યારેક ઝડપી વળ આપતી’તી – જેથી ગુલાબની ચકરડી થાય.

બીજે દિવસે જાસૂદ હતું એના હાથમાં – પછી ત્રીજે કે ચોથે દિવસે પોયણું હતું એના હાથમાં. જે બન્યું મારાથી, એની જોડે, એ દિવસે, ત્યારે એનું ફ્રૉક જાંબલી હતું ને એમાંના પોલકા-ડોટ્સ સફેદ હતા – ત્યારે પણ હાથમાં એના પોયણું હતું.

મેં પહેલે જ દિવસે નોંધેલું કે છોકરીની હથેળીઓ તો ખાસ્સી લાંબી અને પાતળી-પાતળી છે એની જોડે જો શેકહૅન્ડ થાય તો મારી હથેળી તો ક્યાંય ગોપવઈ જાય! તરત જ ત્યારે ધ્યાનમાં આવી ગયેલું કે છોકરી શામળી છે, પણ તાજી જ જુવાન છે. ચહેરો એનો નાનો છે, પણ બહુ જ સુરેખ.

હું એને જોયે રાખું, એમ ટીકી ટીકીને, તે સારું નહિ એમ સમજાતાં પહેલે દિવસે તો હું પછી ઊઠી ગયેલો ને બાગની અંદરની બાજુથી પદમ-તળાવડી પહોંચી ગયેલો. રસ્તે એક મને ખાસ થયા કરતું’તું કે છોકરીની પાંપણનાં પતંગિયાં જરાય ઠરતાં નથી. મને થતું, છોકરી કશું તૈયાર ફળ છે – સમજોને કે મઘમઘતું જામફળ.

અત્યારે પણ નીચેથી આખું જામફળિયું પવનમાં એવી જ રસીલી પીમળ ફેલાવી રહ્યું છે. મેં નજર નીચલાણમાં કરી. જામફળિયું જ હતું – એવું જ ધૂણતુંઝૂમતું. પવનની સરસરાટીય કેવી ઊકલતી ફેલાતી રહી છે ચોમેર…!

શનોભાઈ બેસાડી રહ્યો છે તે લૉનનાં ચોસલાં ફૂટ-ફૂટનાં જણાય છે – ચોરસ ચોરસ કાપેલાં છે, પણ પાણીભીનાં છે, એટલે થોડું મુશ્કેલ પડે છે. પહેલાં તો દરેક ચોસલાને આંગળાંથી કળે કળે ઉપાડવાનું, ઉપાડવાનું તો ઉપાડવાનું. પણ પછી, ચોસલાં ગોઠવાતાં ચાલ્યાં છે એટલે આઘે હેમખેમ પહોંચાડવાનું, રસ્તામાં લચકઈને ભાંગી જાય નહીં એનું પાકું ધ્યાન રાખવાનું. શનોભાઈથી ધ્યાન રહેતું નથી, કે પછી રાખવા માગતો નથી, અત્તાર લગીમાં નાખી દેતાં પાંચ-છ તો ભાંગ્યાં જ છે.

લો! કહેતાંમાં જ ભાંગ્યું!

ચોસલું ભાંગ્યું તે કોઈ જોઈ તો નથી ગયું ને – એ જાણવા શનોભાઈ બાઘું મારે છે, કેમકે કયારનાં ભાંગતાં જ રહ્યાં છે – ને દૂર છું તોય ભાળે છે મને. હસી પડે છે. મારાથીય જવાબમાં હસાવું જોઈએ પણ ખાલી હસવા જેવું જ થાય છે.

કેમકે મને છોકરીની હવે ચિન્તા થવા લાગી છેઃ એ આમ બીજે દિવસેય આવી નહીં. થાય છે કે આવશે તો ખરી જ. પણ ન જ આવે તો? જે બન્યું એથી ડરી ગઈ તો નહીં હોયને? ગુસ્સે ભરાઈ હોય. કદાચ હું આગળ વધું એવી બીક લાગતી હશે એને. જોકે ય ઊંધુંય બની શકેઃ લલચાઈ હોય, ઉમળકે ઓગળતી ઓછી ઓછી થતી હોય તો આવતી કેમ નથી? કોઈને કહી દીધું હોય, ને તેને લઈને આવે તો? ભલું પૂછવું. તો તો ભારે પડી જાય – ગામડાગામમાં લેવાના દેવા પડી જાય. જોકે એવી નથી – કાં કશો વાંધો લીધેલો? ને મેંય કરી કરીને એવું તે શું કરી નાખ્યું છે? એમ ગભરાવાની જરૂર નથી – કોઈને લાવશે, તો સમજાવીશ, કે ભઈલા, થઈ ગયું એ થઈ ગયું, માફ કરી દો.

મારો રોજનો નિયમ એવો કે તડકા ચઢતા થાય એટલે પછી ઊભો થઉં. ને ચાલવા માંડું ઘર ભણી. ફૈબા બેઠાં જ હોય મારી વાટ જોતાં. કોઈ કોઈ વાર ઘેર જતાં પહેલાં નીચે જામફળિયામાં લટાર મારી આવું. જામફળિયું એટલે જામફળની મોટી વાડી. મોતીબાગની જમણી તરફ છે. સૂરજ એની નીચેથી ઊગે છે. વાડીમાં વહેલી સવારે તો કોઈ ન હોય – સિવાય કે ઝમઝમતું એકાંત. ચકલાં, ખિસકોલીઓ હજી તો ધીમે ધીમે શરૂ થતાં હોય. પછી આવે લેલાં. એમના મોજીલા કૂદકા – ધીરેધીરે તાનમાં આવે લેલાં ને કૂદકા થાય ઊડણફડાકા – અહીંથી તહીં ને તહીંથી અહીં. એકથી બે ને બેથી ચાર-છ-આઠના જૂથમાં. કલબલનો થાય કલશોર – ચાંચો ને પાંખોની માર-કાપભરી કિકિયારીઓના કાફલા. જોતજોતામાં તો જામફળિયું શાન્તિમાંથી મીઠા કોલાહલની જાણે ફૅક્ટરી.

જામફળિયામાં જેમજેમ ઊડે જાઓ તેમતેમ ઉગમણે જાઓ. મને એ ઊંડાણ બહુ ગમે. નડિયાદમાં કાંથી મળે આ બધું? છેક ઉગમણે બીડ છે – ગાંડા બાવળના કંઈ કેટલાય છતરિયાળા ઝૂંડવા ને બીજાં ઝાંખરાંપાંખરાંની લુખ્ખાશભરી અડાબીડ ઝાડી. – સવારમાં તો સૂરજ પોતે જ ટોર્ચ જેવો – કશું શોધતો – જાણે બગાસાં ખાતો મગન પગી.

છોકરી જોડે જે બન્યું એ દિવસે, મગન પગી નહોતો, આગલી સાંજનો – વતન ગયેલો. મને થાય છે, મગન હોત તો કેવું સારું – જે થયું, એ થાત જ નહીં.

જોકે એવું જે થાય છે તે આ છેલ્લા બે દાડામાં મને અનેકાનેક વાર થયું છે.

ખરેખર તો મારે કાલની જેમ આજેય ઘેર પાછા જ જવું જોઈએ. છોકરી માટે આમ બેસી રહેવું ઠીક નથી. કોઈ મતલબ નથી એક અણજાણ છોકરીની આમ રાહ જોવાનો. એવુંય બને કે વગર મફતના વેતરાઈ જવાય. છોકરી જો કોઈને લઈને આવે, તો તો મને બિલકુલ જ પાલવે નહીં. જોકે જોડે આવવા એને મળે કોણ? અરે પણ, ઊતરી છે કોને તાં એય કાંથી જાણવાનો’તો? નામ સરખું નથી જાણતો…! ખેર. જે થયું એ થયું – માફી, એવું હશે તો રણછોડરાયની માગી લઈશ, જઈ આવીશ એક દિવસ ડાકોર.

પણ ના. ઘેર પાછા જવાનો અર્થ નથી. કાલની જેમ મને આજે વહેલો પાછો ફરેલો જોઈને ફૈબાને કાલ થયેલું એથી વધુ અચરજ થવાનું. એટલે ઘેર તો નથી જવું. એવુંય બને કે એમને કંઈ વહેમ પડે. ફૈબા મારાં બહુ ચતુર છે. વહાલાં છે મને. જેવાં શાણાં છે તેવાં જ રૂપાળાં છે. એમની થોડી દુઃખની વાત છે. બાળવિધવા છે. પદ્મા એમની બાળપણની બહેનપણી. મૂળજી – ફળિયાનો છોકરો. મૂળજી, ફૈબા, પદ્મા ને બીજાં છોકરા-છોકરી – બધાં ભેળાં રમ્યાં હશે – થપ્પો, ઘર-ઘર કે રેતીનાં દેરાં. બને કે ફૈબાનું દેરું પદ્માએ લાત મારી ભાંગી નાખ્યું હશે ને પછી ફૈબાએ પદ્માનું ભાંગી નાખ્યું હશે. બન્યું એમ કે ફૈબાનાં લગન મૂળજી હારે થયાં. પવાને એ અંદરથી ગમેલું નહીં – બધું આ મને ફૈબાએ જ કહેલું છે – કેમકે પદ્મા માનતી કે મૂળજી એનો હતો. પછી પદ્માનાં લગન તો થયાં જ – નગરશેઠ જોડે. શેઠ પદ્માથી મોટો, બીજવર, અઢાર વર્ષે મોટો, પણ નગરશેઠ. કમનસીબ એવું કે ફૈબા એક જ મહિનામાં રાંડેલાં – હજી તો સાસરેય નહીં વળાવેલાં. મૂળજી કોઈનું સમચરી કરવા કરનાળી ગયેલો, ચાંદોદ પાસે, પાછાં ફરતાં નર્મદામાં મોટું તોફાન ઊઠેલું ને એ લોકોની પનઈ ઊંધી વળી ગયેલી. મૂળજી કે કોઈ બચેલું નહીં. કહે છે ભારે તોફાની પવનો રમણે ચડેલા. સીધું વહેવાનું છોડીને નદી કલાકો લગી ઘૂમરાવે ઘૂમ્યા કરેલી. સમાચાર કોઈ બીજી પનઈવાળાઓ લાવેલા ને તેય ચાર-ચાર દા’ડા પછી…

મને થાય છે છોકરી આવી; પણ ના, નથી. કંઈ નહીં. આવે કે ન આવે, મારે ઘેર નથી જવું. કાલે વહેલા ગયાનો થોડો પસ્તાવો થયેલો – આખો દા’ડો અમળાયા કરેલોઃ શું કામ વહેલો નીકળી આવ્યો? રાતે તો એમ જ થતું’તું કે ક્યારે સવાર પડે ને ક્યારે પહોંચું મોતીબાગમાં… એથી, નથી જતો.

ફૈબાની વાત પૂરી કરુંઃ એમને મારે માટે પહેલેથી બહુ જ વહાલ. નાનો હતો ત્યારે ફૈબા મને હેઠો જ ન મૂકે – કેડમાં જ રાખે. મને ઝાંખું ઝાંખું યાદ છે, નિશાળેથી પાછો ફરું એટલે દોડતાંકને ઊંચકી લે ને છાતીએ ચાંપી બન્ને ગાલે બચીઓ પર બચીઓ ભરી અકળાવી મૂકે. ફૈબા હાલા સરસ ગાતાં ને મનેય, એમને ખોળે માથું મૂકું ત્યારે જ ઊંઘ આવે. આ રમા જોડે લગન થવાની વાત આવી એટલે પછી, સમજોને કે હું મોટો થયો તોય હીંચકે ફૈબા જોડે ઝૂલવાનો નિયમ આજની તારીખેય ચાલુ છે. ફૈબાને વારતા કહેતાંય બહુ આવડે – અરે સાચી વાત પણ એવી રીતે કરે, જાણે વારતા કહે છે – એટલે જોકે ગમે નહીં એ જુદી વાત… પદ્માનો લગન પછી કેવો તો અંજામ આવ્યો એ વાત, બાકી, મને તદ્દન એવી જ રીતે કરેલી.

લો! વળી પાછું શનોભાઈનું ચોસલું લચકઈ ગયું! વળી પાછું શનોભાઈએ બાઘું માર્યું ને વળી પાછો ભાળ્યો – મને જ. હસ્યો. પણ આ વખતે તાં રહ્યો-રહ્યો બોલે છે :

હ્ઉં કરું ભૈ? વાતમાં કંઈ માલ જ નથી તાં!

જવાબમાં મારાથી પણ એ વખત જેવું હસવા-જેવું જ થાય છે. પણ પછી –

એક સળેકડી શોધી ભોંય પર હું ચિત્ર કરવા લાગ્યો છું. છોકરીનો ચહેરો બનાવવા એક મોટું લાંબું મીંડું દોરું છું. નોકરી મારી ડ્રાફટ્સમૅનની છે નડિયાદમાં પીડબલ્યુડીમાં – ડ્રૉઈન્ગ મારું પહેલાંથી સારું એનો પ્રતાપ – બાકી એવી સારી નોકરી મળે આ જમાનામાં? રામ-રામ ભજો! – છોકરીની આંખો, નાક-ની લાઈનો કરી હું એના હોઠની લાઈન કરવા જઉં છું એ જ વખતે મને થયું કોઈ મારી બિલકુલ નિકટ ઊભું રહી ગયું છે.

મેં જોયું તો શનોભાઈ. તદ્દન મારી સામે ખડો હતો. કહે :

સાએબ ખરું કઉં, આ બીજે ઉગાડેલી લૉનનો ચૉહલોં ઑંમ ઠઠાડવાનું મને બ્‌ઉ ગમતું નથી. કાલે તો એક આખી બીજી ઊંટલારી લાવ્વાના છે..

મને થાય છે શનોભાઈ નજીક તો આવી જ ગયો છે. વાત વધારશે એમાં શક નથી – ને મારાથી પછી છટકાશે નહીં એય એટલું જ નક્કી છે. બીજું તો ઠીક, છોકરીની રાહ જોવામાં ભંગાણ પડશે. એટલે…

બાંકડેથી ઊઠું છું ને સળેકડી તોડીને ફેંકતા, સાથે બગાસું ખાવા જેવું કરતાં બોલું છું:

થાય શું ભઈ? નોકરી એ નોકરી – કર્યા વિના છૂટકો થોડો છે?

 – બોલતાં બોલતાં શનોભાઈથી હું ખાસ્સો દૂર પહોંચવા કરું છું, જાણે બાગની અંદરના ભાગે મને અચાનક કશું કામ યાદ આવ્યું હોય…

થોડે જઈ મેં પાછળ જોયું તો શનોભાઈ પણ ચોસલાંના એના ઢેબા ભણી પાછો જતોતો. એની ચાલમાં ધીમાશ હતી, પણ સાથે, કામને નપેટવાની ચિન્તાય ઓછી નહોતી. નામ એનું શનોભાઈ કેમ છે ને શનાભાઈ કેમ નથી એ પૂછવાની એ પૂરી તક હતી – મને બરોબર યાદેય હતું – પણ પંચાતીમાં પડેલો જ નહીં…

વાત હું ફૈબાની – ના ફૈબાએ કરેલી પદ્માનાં લગન પછીના અંજામની કરતો’તો. ફૈબાની એ લઢણ મને હજી ભળાય-સંભળાય છે :

એવું છે ભઈ આ પદમ-તળાવડી છેને, તે પદ્માને લીધે છે. મોતીબાગ ગામને છેડે છે, ઊંચલાણમાં. નાનકડી ડુંગરી પર જ કહેવાય. બાગની જમણી બાજુએ જેમ જામફળિયું છે એમ ડાબી બાજુએ પદમ-તળાવડી છે. ત્યારે સયાજીરાવ ગાયકવાડનું રાજ હતું. ગામ રાજાના તાબામાં. પદ્માનો વર નગરશેઠ તે ગામનું પહેલું મોભી માણસ. તળાવડીમાં પોયણાં, ત્યારે હોતાં થતાં. –

આ વખતે મને, જામફળિયામાં ખુલ્લા વાળમાં શોભતી ને હાથમાં પોયણું રાખી ઊભેલી છોકરી – જેની જોડે જે બન્યું – તદ્દન દેખાય છે.

હવે તો મોટાં મોટાં થાય છે ને સફેદ તો એવાં, જાણે હંસ. તળાવડીને બિલકુલ અડીને હતી નગરશેઠની હવેલી. હજી છે, ખખડધજ, જૂની જટ. ત્યારે તો હવેલી પદ્માનું સાસરું જ ને? ભર્યુંભાદર્યું ને ઝાકમઝોળ – લગન પછી પદ્મા મને કદી મળેલી નહીં, મારા રંડાપા વખતે આછું મળી ગયેલી, એટલું જ. પણ ભગવાનને ઘેર કેવું છે તે તો જુઓ : શેઠ-શેઠાણીને પાશેર માટીની ખોટ હતી – હજાર ઉપાયે ખોટ ખોટ જ રહી. જોકે તોય બન્ને એકમેકને જોડાયેલાં રહ્યાં : નગરશેઠે બીજી – એટલે કે ત્રીજી – ન કરી તે ન જ કરી. પદ્માએ પણ મનને વશમાં રાખેલું. પાછલાં વરસોમાં નગરશેઠ સાવ નંખઈ ગયેલો તે મેડીએ પલંગે પડ્યો પડ્યો માળા જપ્યા કરે. પદ્મા તો કોડીલી, પણ દુખિયારી તે સાંજ પડ્યે રોજ મેડીએથી ઊતરે ને તળાવડીમાં પગ બોળી બેઠી રહે – રાત ઢળતી થાય તાં લગી. એ, એનો રોજનો નીમ. મેડીનાં પગથિયાં છેક તળાવડીમાં ઉતારેલાં છે – હજી હશે, દેખાતાં.. એક સાંજે પદ્મા બેઠી’તી પગ બોળીને. પૂનમ હતી, તે આકાશે થાળી જેવડો ચંદ્રમા. કહે છે પદ્માને શું થયું તે ઊભી થઈ ને ચંદ્રમાને જોતી જોતી તળાવડીનાં પાણી પર ચાલતી થઈ – જેટલે ચાલી એટલે પાણીએ સપાટી બની એને ધારીય ખરી, પણ પછી શું થયું, તે કોઈ જાણતું નથી. ગઈ તે ગઈ પદ્મા – પછી ક્યારેય પાછી ન આવી. બીજે વરસે શેઠેય ગયો, ભગવાનને ઘેર, કહે છે –

પઘાને કોઈ સામેથી લેવા આવેલું – લઈને આકાશે ઊડી ગયેલું. કોઈ કોઈ તો એમેય કહે છે, પદ્મા પાણી પર ચાલતી-ચાલતી છેક સામે કિનારે ગયેલી ને પછી સીમમાં થઈ વગડામાં ચાલી ગયેલી. વગડો જામફળિયાની બીડની પછીતે છે…

એ પૂનમ શરદપૂનમ હતી, ભઈલા. મારે તે દા’ડે અપ્પાસ હતો.

તમે અપ્પાસ દર પૂનમે જે કરો છો, તે એટલે?

હં કહી ફૈબા છેડાથી આંખો લૂછવા લાગેલાં – રડી પડાયેલું એમનાથી.

શનોભાઈથી બચવા મેં બાગના આ વચલા ભાગે તો પહોંચી લીધું – ફર્યો અહીંતહીં. પણ હવે શું? અહીં ને અહીં ચાલ્યા કરું તો નાહકનો ટાઈમ બગડે –

એમ સમજાતાં તરત પાછો ફરું છું ને પાછો બાંકડે બેસું છું. બેસતાંમાં તરત થાય છે – કારણ તો અહીં છે – છોકરીનું – એની રાહ જોવાનું પણ.

જોકે મોતીબાગનો આ તો બીજો બાંકડો છે. પહેલાં બેઠો’તો એની સામેનો.. એટલે બોરસલીવાળો હવે ખાલી છે ને બરાબર મારી સામે છે. બાંકડો બદલાયો. એટલે એક સારું થયું ને એક ખોટું થયું. સારું એ કે શનોભાઈ ને એમનાં ચોસલાં – બેસતાં કે લચકાતાં – બધું, મારી પૂંઠે ગયું – દેખાતું બંધ. બાગનો ગેટ પણ પૂંઠે ત્રાંસમાં ચાલી ગયો. જોકે એટલે જ ખોટું થયું: છોકરીની રાહ જોવાનું એથી થોડું અગવડભર્યું થઈ ગયું. ડોકું વારે વારે આમ પાછળ કરવું પડવાનું, ને પીઠેથી આમ ઢળી-ઢળીને જોવું પડવાનું –

છતાં, જોઉં, રાહતો જાઉં. મારું મન કહે છે છોકરી આવશે, જરૂર આવશે.

શનાભાઈનાં આ લચકઈ જતાં ચોસલાં જેવું, બીજા કોનું થાય છે? કોઈનું થાય છે ખરું, પણ મને યાદ – હા, યાદ આવી ગયું – એવું, રમાનું થાય છે, રમાનું. શિયાળામાં બાજરીના રોટલા રમા હાથથી ઘડે. ને ત્યારે મેં જોયું હોય કે એનીય હથેળીઓ ટૂંકી ટૂંકી છે – ને એટલે રોટલો મોટો થતાં થતાંમાં તો લબડી પડે છે! જોકે રમાની હથેળી? જવા દો વાત. એના નખમાં તો મેલ હોય છે જ, આંગળાંના વેઢામાં કાપે કાપે મેલની છારી બાઝેલી હોય છે. કહું એને હું કે હાથ એકાદ વાર તો સાબુથી ધો દા’ડામાં! – ખાવા બનાવતાં પહેલાં તો ધો! પણ ગણકારે તો રમા શેની?

આંગળાં તો મારાં કુલિગ શોભનાબેનનાં બહુ જ ચોખ્ખાં. મારા સાહેબનાં સ્ટેનો છે એ. નડિયાદમાં અમે પીડબલ્યુડીમાં ચાર-પાંચ વર્ષથી સાથે છીએ. મારાથી તો સિનિયર છે, ઉમ્મરમાંય દસબાર વર્ષ મોટાં હશે. ગોરાં, જાડાં તો ખરાં, પણ જાજરમાન. હથેળીઓ એમની એમના જેવી જ ફૂલેલી ભરાઉ ગુલાબી પોચી-પોચી. એમને એક કટેવ છેઃ વાત કરતાં કરતાં બિલકુલ મારી નજીક આવી જાય છે – ક્યારેક તો સાવ અડોઅડમાં વેંતનું જ છેટું. મને એમની હથેળીઓની ખબર એ રીતે કે શોભનાબેન મળે કે તરત, અને ઓફ્ફટાઈમ હોય ત્યારે તો ખાસ – મારી બન્ને હથેળી પોતાની હથેળીઓમાં લઈ લે ને બહુ જ હેતથી, હલો, કેમ છો, શું ચાલે છે, ભાભી કેમ છે, મજામાં તો છોને – એમ સવાલો પર સવાલો કરી નાંખે. એમનું ત્રાંસું થઈ ગયેલું ડોકું. ત્યારે હસતાં હોય. એમના સરસ સફેદ દાંત અને લાલ લિપ્સ્ટિકનો કૉન્ટ્રાસ્ટ હું જોઈ રહ્યું – એટલે જવાબો આપવામાં, એટલું મોડું થાય…

એ શુક્રવારે, ગામ આવવા નીકળવાનો’તો એ શુક્રવારે, મારાથી એવું જ મોડું થયેલું. શોભનાબહેન એમની ઝડપી ચાલે, અમારા સેક્શનમાં એકાએક મારા કામે આવેલાં. હું મારી ખુરશીમાં હતો. આવતાંની વારમાં જ મારા ટેબલ પર કોણીઓ ટેકવી મોંમાં મોં ઘાલી કશુંક સમજાવવા માંડેલા – મને થયેલું શબ્દો એમના મોંમાંથી નહીં, પણ ચશ્માંના જાડા કાચમાંથી આવે છે. વાતના મુદ્દામાં મને કંઈ ગમ પડેલી જ નહીં – ને હું હંહં કર્યે રાખતો’તો. તાં અચાનક જ મારી બન્ને હથેળીઓ પોતાની એક હથેળીમાં એમણે ઝડપી લીધી ને બીજી હથેળીની પહેલી આંગળી હવામાં અથાડી અથાડીને કશી દલીલ બસ ચગાવતાં રહ્યાં. પ્રશ્ન એવો હતો કે શું – એમનો ચહેરો તણાઈ રહેલો. વાત નીકળી જ છે તો કહી દઉંઃ ત્યારે એમનો સાડી-છેડો સાવ ખસી ગયેલો ને એમના ચુસ્ત વાદળી લો-કટ બ્લાઉઝમાં માંડ માંડ સમાવાયેલાં એ બે ગોરાં કબૂતર બહુ ઘેરું ઘૂ ઘૂ કરતાં’તાં. શોભનાબહેનની હથોળીઓમાંથી મારી હથેળી કાઢી લેવા મેં સિફત વાપરેલી, પણ મારી નજરને કબૂતરો પરથી ઉખેડતાં મોડું થયેલું. હા, એટલું તો મોડું જ ગણાય વળી. જોકે એટલે, કે ગમે તે કારણે, છૂટી પડેલી મારી પેલી હથેળીને શોભનાબહેન પોતાના અંગૂઠાનો નખ ઘોંચી, ઝડપથી જતાં રહેલાં – જાણે મેં કશું અઘટતું કર્યું હોય એવો એમનો મને છણકો લાગેલો.. એમની એ વિચિત્રતા મારા માટે નવી હતી, તે ચચરે છે હજી…

અહીં હું જ્યાં બેઠો છું, બીજે બાંકડે, એ મૂળે તો છોકરીનો છે – મારો તો પેલો, હવે જે સામે છે – બોરસલીવાળો. અરે, છોકરી અહીં જ બેસતી! હું, હું બેઠો છું તાં જ! એ ભાનથી મને મારી બેઠકથી અંદરની તરફ ભીતરમાં કશુંક સળવળતું લાગ્યું, ખુશ થઈ જવાયું. છોકરીને બાઝી પડાયેલું ત્યારે – જરા જેટલો વખત જેટલું કંઈ સારું લાગેલું એ યાદ આવ્યું. ભલે હોઠને નહીં પણ એના ગાલને મારા બે હોઠનું અડવું ને ચમ્પાવું જે થયેલું, ને ત્યારે જે થોડુંક મને જીવનમાં પહેલી વાર જુદું ને જુદાનો જે જરી રોમાંચ જગવનારું થયેલું – એ યાદ આવ્યું. થયું, છોકરી ફરી ન મળે તોય શું? એની આ યાદ તો અમર છે – કદી જરા જેટલીય મરવાની નથી. જોકે એટલે જ કદાચ હું ઝંખું છું એને. કાલે તો મારે નીકળી જવું પડશે નડિયાદ જવા – સવારે નહીં તો સાંજે – કેમ કે રજાઓ મારી પૂરી થાય છે.

તો શું કરું?

મને ક્યાંય લગી કંઈ સૂઝતું નથી. વિચારો જ્યાંથી ફૂટે છે એ ફુવારો ઠપ્પ પડી ગયો છે… મોતીબાગનો ગામના ઊંચલાણનો હળવો પવન પણ જાણે સવારને તળિયે બેસી ગયો છે.

બાંકડેથી નમીને હું બીજી વાર બીજી એક સળેકડી શોધું છું ને મને પાછું ફરીથી થાય છે બેઠો-બેઠો છોકરીનો ચહેરો બનાવું. મને ચહેરાનું લાંબું મીઠું દોરતામાં જ યાદ આવે છે, કે કેવો પહોંચેલો એ દિવસે જામફળિયે. આમ તો પરમ દિવસે જ ને? પણ જાણે, અનેકાનેક દિવસોની વાત હોય.

હકીકતે એવું છે કે બાગના જે ભાગમાંથી જામફળિયામાં ઉતરાય છે એ ભાગથી બાગ બહુ જ ઢળેલો છે – સમજોને કે બેસી પડેલો છે. એટલે બને એવું કે ચાલતાં-ચાલતાં જ ઢાળ ચાલુ થઈ જાય – એવું લાગે જાણે પૂંઠેથી કોઈ ધકેલવા લાગ્યું આપણને… તે અજાણતાં જ ચાલ દોડતી થઈ જાય ને છેલ્લે તો કૂદતાં-કૂદતાં જ પહોંચી જવાય જામફળિયાના ચોકમાં. છોકરી તે દિવસે નિયમ પ્રમાણે બાગમાં નહીં દેખાયેલી – કદાચ એટલે, કે પછી મારી ટેવને કારણે – જે હોય એ – હું જામફળિયે ગયેલો. ચોક વચ્ચે જ એક થાળકૂવો છે. છોકરી જોડે જે બન્યું છે, એ થાળકૂવા પાસે બન્યું. મગના પગીની છાપરી કૂવાની બાજુમાં જ છે, પણ એ ત્યારે હતો નહીં. સમજોને કે સવારના અકબંધ એકાન્ત સિવાયનું જામફળિયામાં કોઈ નહોતું. ચકલાં, લેલાંય હજી કોક કોક જ કૂદતાં’તાં. એવામાં મેં જોયું તો, પગ લગીના ખુલ્લા વાળમાં એ ઊભી’તી – પૂંઠ હતી એની, એટલે જુદું લાગેલું કોણ હશે? કોઈ વનદેવી? જોકે એ એ જ છે એમ તો મને બીજા જ પલકારે સમજાઈ ગયેલું, એના પેલા સફેદ બૂટને લીધે. ઢાળેથી ચોકમાં પહોંચતાં મારો ખખડાટ તો થયેલો, પણ એણે ન તો પાછું જોયું, કે ન તો એ હાલેલી. મને થયેલું, કશા ધ્યાનમાં તો નથી ઊતરી ગઈને! મેં જરા પણ અવાજ ન થાય એવાં દબાતાં પગલે છોકરી ભણી જવા માંડેલું – જવા માંડેલું કહેવા કરતાં, સરવા માંડેલું કહું તો સાચું કહેવાય.

છોકરીનો ચહેરો બિલકુલ, છે-તેવો કરવા સળેકડીનું ચિત્ર અત્તારલગીમાં મેં બે-ત્રણ વાર ભૂંસ્યું છે. યાદ છે તેવી છોકરી, શી ખબર નથી ઊતરતી. એટલે મને થોડો કંટાળો આવી રહ્યો છે, વળી નીચા નમ્યા રહેવાથી કમર ખેંચાય છે…

એટલે સળેકડી ફેંકી હું સીધો થયો ને બાંકડાની પીઠે અઢેલીને નિરાંતવે થયો. થયું, અદબ વાળવાથી વધારે સારું લાગશે : જેવો હું અદબ વાળી રહ્યો એવી મારી નજર સામેના બાંકડે પડી – બાંકડે – મારા પેલા મૂળ બાંકડે – બોરસલીવાળા બાંકડે –

હું શું જોઉં છું?

કોઈ બેઠું છે. છોકરી –? કદાચ, કેમકે ફ્રૉકમાં નથી. ના, આ તો કોઈ પુરુષ છે, છોકરી નથી, નથી જ – બધું, અત્યારે કહું છું એથી અનેક ગણી ઝડપે થયું : મેં જોયું કે બાંકડે કોઈ પુરુષ બેઠો છે ને ચોપડી વાંચી રહ્યો છે. શી ખબર ક્યારે ગોઠવાઈ ગયો, કોણે ગોઠવી દીધો? પઅઅણ, એણે કપડાં, મારાં – છે – એવાં પહેર્યાં છે કે શું? એવું કેમ? પુરુષ, વધારે જોતાં મને અદલ મારા જેવો લાગવા લાગ્યો.

સામે કોઈ અરીસો તો ગોઠવાયો નથી. મેં ટી-શર્ટ પહેર્યું છે એમ એણે ટી-શર્ટ પહેર્યું છે : સફેદ. એનાય ટી-શર્ટની ડાબી બાજુએ ખિસ્સું નથી – છાપ છે – અૅમ્બ્‌લમ – એ પણ મારું છે એવું જ જણાય છે. બાંકડેથી ઊઠીને જરા લહેરાતી ચાલે હું ચાલવા લાગ્યો પેલાની તરફ – એટલે આમ તો, સામે જ. ખાતરી થઈઃ એ જાણે એ નહોતો, હું હતો. મારાવાળી જ કંપનીનું હતું એનું ટી-શર્ટ, કેમકે એમ્બ્લમ બિલકુલ સેમ હતું :

દોડતો ભૂરો ઘોડો –ના, ઊડતો –ને તે પર મૂકીને સાવ ચીપકેલો આસમાની જૉકી :

ગામ આવ્યો એની બીજી જ સાંજે ‘જેઠીબા’ હૉલમાંથી લીધેલું – તાં શહેરમાં લાગે છે તેવાં નહીં, પણ મિનિ-ટાઈપનાં ‘સેલ’ હવે ગામડાંમાંય લાગવા માંડ્યાં છે કે શું? તે અમસ્તો જોવા જ ગયેલો. ગમ્યું એટલે લઈ લીધું ને પહેર્યું. પેલાએ પણ ‘જેઠીબા’માંથી જ લીધું હશે.

હલો, ગુડ મોર્નિન્ગ –

બહુ નજીક પહોંચી ગયેલા મારે પેલાને પૂછવું જ પડ્યું. એણે પણ મને કહેવું જ પડ્યું :

ગુડ મૉર્નિંગ.

– ને મેં જોયું કે એ મારા એબ્લમને જતો’તો, સાથે, એણે સ્મિત કર્યું, તેમ મેં પણ કર્યું – ખરેખર તો અમે બન્નેએ સ્મિત એકસાથે કરેલું.

એક નાની પળ ખાલી ગઈ.

જોકે આમ તો ભરેલી, કેમકે મારે એને પૂછવું’તું તે એ પળ દરમ્યાન જ સળવળેલું: મારે પૂછવું’તું એને, કે ટી-શર્ટ ‘જેઠીબામાંથી જ લીધેલું ને – ખાસ તો કહેવું’તું – બહારથી આવો છો – પૂછવું’તું એય, કે ક્યાંથી આવો છો. કદાચ એણેય મને એ જ પૂછવું-કહેવું’તું – પણ એકમેકને અમે કશું જ કહ્યું નહીં.

એટલે બીજી એક પળ – અરધી – ખાલી ગઈ.

એ દરમ્યાન, વળી નાનું સ્મિત આપીને એ પાછો એની ચોપડીમાં ચાલી ગયો. હુંય મારે બાંકડે પાછો જવાને ફર્યો તે જાણે ટૂંકી લટારે ચડ્યો..

મને થયું કોણ હશે આ – કાંથી આવ્યો હશે? જોકે એ અજાણ્યાને મળતાંની વારમાં જ મને છોકરી સાંભરેલી – સાંભરેલી શું, સાંભરેલી જ હતી ને? તરત ઝબક થઈ: આને છોકરીએ તો નહીં મોકલ્યો હોય ને? બને કે આ એનો માણસ હોય, – પહેલાં મારી હિલચાલ પર નજર રાખે, ને પછી કશું પણ મખાંતરું કાઢી પડપૂછે ચડે – લડવા માંડે છોકરીના બારામાં – થાય, એવુંય થાય – કંઈ ક્‌હેવાય નહીં.

 – હું બેઠો મારે બાંકડે. એ, સામેના બાંકડે – હતો એમ જ, ચોપડી વાંચતો. પાછળ ફરીને એક વાર નજર મેં ત્રાંસમાં ગેટ પર નાખી – કદાચને છોકરી આવી પહોંચવાની હોય. આઘે, શનોભાઈનેય જોઈ લીધો. મને થયું, ચોપડી વાંચનારો માણસ, લડવાડિયો – ગુંડો – ન હોય, વળી, લાગે છે તો મારા જેવો! તોપણ એ સ્થિતિ અને તંગ લાગવા માંડી. મેં જોયું કે તંગથી વધારે તંગ થતી’તી. એટલે હું ઊઠ્યો – એવા વિચારે કે જામફળિયામાં જરા ડોકિયું કરી આવું ને ઝડપથી પછી ઘર ભેગો થઉં. મને થયેલું આ તે શી અલાબલા? કાલે તો જવું છે રમા મમતા બિટ્ટ પાસે, નડિયાદ –

હું, એ પગ-વાટે હતો કે જે બાગના એ બેઠેલા ભાગે લઈ જાય, ને પછી તાંથી પહોંચી જવાય જામફળિયે ચોકમાં. મારી પેલા ભણી પૂંઠ હતી. મારાં ડગ આગળ ધપતાં’તાં – જોકે ત્યારે પેલો શું કરતો’તો તેની મને કશી ખાતરી હોતી, પણ એવામાં જ મારા કાને એના શબ્દો પડ્યા?

એ તરફ ના જશો – જામફળિયે ના જશો –

સાંભળતાંવેત હું પાછો ફર્યો, ને પગ-વાટ, બને એટલી ઝડપે પૂરી કરી પેલાની તદ્દન સામે ખડો થઈ ગયો. મેં પૂછ્યું એને :

કેમ – કેમ? કેમ – તાં કેમ નહીં?

કેમકે એ તાં નથી ગઈ –

કોણ? છોકરી? તમે ક્યાંથી જાણો એને? તમે કોણ છો?

મને એવા ચાર-ચાર સવાલ એક્કી સાથે થયેલા, પણ મોઢાથી એક્કી સાથે બોલાય નહીં, એટલે વારફરતી પૂછેલા.

હા, છોકરી – એ જ કે જેની તમે ગઈ કાલથી રાહ જુઓ છો. મને મળેલી પદમ-તળાવડીએ, ત્રણ-ચાર દિવસ થઈ ગયા.

એણે ચોપડીમાં આંગળું રાખી ચોપડી બંધ રાખેલી. મારે એને પૂછવું’તું કે હું છોકરીની રાહ જોઉં છું એવી જાણ એને થઈ શી રીતે. પણ પૂછ્યું સાવ જુદું જ:

તે પોયણું એને, તમે તોડી આપેલું?

ના – એ એણે જાતે તોડેલું – તળાવડીમાં જાતે ઊતરેલી. એ વખતે હું એનાં બૂટમોજાં સાચવતો કિનારે બેસી રહેલો –

બીજે દિવસે પોયણું તમે તોડી આપેલું?

ના – એય એણે જાતે તોડેલું – હું પહોંચ્યો ત્યારે એ ઑલરેડી પાણીમાં હતી. બૂટમોજાંની એ દિવસે એણે પરવા નહીં કરેલી. મેં તો એને બહાર નીકળવા હાથનો માત્ર સહારો આપેલો.

ક્યાંની છે એ?

બૅન્ગલોરની.

તમે ક્યાંના છો?

બૅન્ગલોરનો, પણ છોકરી વિશે કંઈ કરતાં કંઈ જ જાણતો નથી!

નામ પણ નહીં?

ના, નામ પણ નહીં.

મારે એને પૂછવું’તું કે તો પછી જાણો છો શું? જે જાણતા હો એ કહો એમ કહેવું’તું એને. પણ, ન પૂછ્યું, ન કહ્યું. અને પેલો નહીં કરેલો સવાલ અત્તારે કર્યો :

છોકરીની હું રાહ જોઉં છું એની જાણ તમને શી રીતે થઈ?

મને એ હસીને કહેવા લાગ્યો?

એમાં શું? તમારો ચહેરો જ કહી આપે છે!

એવું માનતા હો, તો તો બહુ કહેવાય – મોં પર કંઈ બધું ડીટેઈલમાં નથી હોતું –

એ હસતો રહ્યો. એને જોતાં મને યાદ આવ્યું કે બાગનું નામ મોતીબાગ કેમ છે એવો મને થયેલો સવાલ શનોભાઈ પણ વગર પૂછ્યે જ જાણી ગયેલો – કેવું કહેવાય?

તમે પૂછેલું એને, કે કાંની છે?

ના – એને મેં કહેલું, કે હું બૅન્ગલોરનો છું.

તો પછી?

તો પછી કંઈ નહીં! એણે કહ્યું કે પોતેય બૅન્ગલોરની છે.

તમે એનાં બૂટમોજાં સાચવવા કિનારે બેઠેલા તે એમ કરવા એણે તમને રીક્વેસ્ટ કરેલી ખરી?

ના. મેં એને એમ કરી આપવાની ઑફર કરેલી – એને જોતામાં જ મને લાગેલું કે એને એનો કશો વાંધો નહીં જ હોય –

એએમ – ? બહુ ક્‌હેવાય. સારું, નીચે જામફળિયું છે એ તમે કેવી રીતે જાણો?

કેમકે એ તરફથી પવન જે આવે છે તેમાં સુવાસ જામફળની છે –

પણ ‘જામફળિયું’ એવું નામ કેવી રીતે જાણો છો?

એમ જ! દરેક બાબતને ચોખ્ખાં કારણો હોતાં નથી – અને મને એટલું તો સૂઝે કે નહીં?

 – બોલીને એણે ચોપડીમાંથી આંગળી કાઢી લીધી, ચોપડી સામે કરી, ને અધરેથી આગળ વાંચવા જેવું કરી રહ્યો.

 – મને થયું, હવે મારે આને પડતો મૂકવો જોઈએ. મારે પૂછવું’તું એને, કે મને જામફળિયે જતાં રોકેલો કેમ. પણ ન પૂછ્યું.

ને હું એને બાંકડે પડતો મૂકીને પેલી જ પગ-વાટે પાછો જઉં છું– જ્યાંથી પછી પહોંચી જવાય છે, જામફળિયાના ચોકમાં.

ઊતરતાં, કૂદાવા માંડ્યું ત્યારે મને થયેલું – મને રોકવાવાળો એ કોણ?

એટલો મોડો જામફળિયે પહેલાં કદી ગયો નથી. મેં જોયું કે વાડીની લગભગ બધી જ જામફળીઓ પવનમાં રીતસરનું ધૂણતી’તી. એમનાં ડાળપાદડાં નાચતાં’તાં ને કશુંક જોડે ગાતાં’તાં. ચોકનું આકાશ કાયમથી જેવું હોય છે એવું જ હતું : ભૂરું, ખુલ્લું – બાકી જામફળીઓનો, વાડી તે મોટો છતરી-માંડવો – એવો તો છરાયેલો વિસ્તર્યો છે કે વાડીમાં સીધા તડકાને તો જગ્યા જ નહીં મળે. ગળાઈ-ચળાઈને આવે, એ આવે. લાગ્યું કે ચોકનું આકાશેય બપોરા વખતે તો તગતગ થવા લાગતું હશે, પણ પવનને કોણ રોકે?

આ જુઓ – ઘડીભર મારા વાળ ગોઠવણીમાંથી ઊડતા જ રહ્યા. મેં જોયું કે પવન વધ્યો ને ધીમે ધીમે પુષ્કળ થવા લાગ્યો – જામફળિયું હવામાં અધ્ધર ઊંચકાવાનું ન હોય..!

મેં જોઈ એ જગ્યા – થાળકૂવા પાસેની, જ્યાં છોકરી ઊભેલી. અત્તારે તાં કોઈ નથી. મગનની છાપરીય સૂની દીસે છે. ચકલાં, લેલાં, ખિસકોલાં દિવસ ચડતો થયેલો એથી કે ગમે એમ, મને થાક્યાં લાગતાં’તાં. પણ હોલા શરૂ થઈ ગયેલા. જામફળિયું એમના ઘુક્ ઘૂક્ ઘૂંકૂ ઘૂઅથી વધારે નકરું લાગતું’તું. ધ્યાન આપતાં લાગ્યું, હોલા એક-બે નહીં બધા બહુ છે! નજર ચોમેર ફેરવી, તો વળી અચરજ – વાડીના આથમણા ભાગે બે-ત્રણ જામફળી પર પોપટ પોપટ પોપટ. મને થયું આ જામફળિયું નથી. પોપટફળિયું છે. લીલાંપીળાં ફળોને એ લાલ ચાંચોથી કોચતા’તા ને ટુકડા ટેસથી ખાતા’તા – કોઈ કોઈ ફળથી ચાંચમારો સહેવાતો નહોતો તે તૂટીને ધબ પડતાં’તાં નીચે – વધારે ઊભા રહીએ, તો ધબ ધબના આવરા-જાવરા સંભળાય…

હું એ જ જગ્યાએ જઈ ઊભો – એવી રીતે, જેવી રીતે છોકરી ઊભી’તી. જોકે તરત મને થયું હું કોઈ વનદેવી-દેવતા નથી. જે બન્યું, તે, જેમ બન્યું, તેમ – કહું છું :

દબાતા પગલે સરકીને હું એ ઊભેલીની એકદમ પાછળ, બિલકુલ પાસે પહોંચી ગયો હોત, એના ખુલ્લા વાળના એ ભરપૂર વહેણમાં મેં મારું આખું મોઢું મૂકી દીધું હોત, ને બન્ને હાથથી એને ભીંસી લીધી હોત – પણ મને થયું, ના – છોકરી ભડકીને ચીસ પાડી ઊઠે. એટલે ઝડપી ને સંભળાય એવા પગરવે એની સામે જઈ ઊભો. હશે અમારી વચ્ચે ત્રણ-ચાર ફૂટનું અન્તર – સાચે જ, એ કશા ધ્યાનમાં હતી – બંધ હતી એની આંખો – જે જોકે તરત ખૂલી. તરત મેં એને કેમ છો કહ્યું ને કહેતાંકહેતાંમાં તો મારા શરીરે પેલું અન્તર અરધાથી વધારે કાપી નાખેલું – જે દરમ્યાન એ બોલી’તી : રોજ તમે જ હોવ છોને સામેના બાંકડે? એના એ સવાલથી અમારી વચ્ચેની હતી – તે દૂરતા અલોપ થઈ ગઈ, કે ગમે તે થયું – કંઈ પણ… હું એને બાઝી પડ્યો ને સામે મારાથી હોઠે નહીં પણ ગાલે એના ચુમ્બન થઈ ગયું. કશું વધે એ પહેલાં જ હું જાતે જ છૂટો થઈ ગયેલો – કેમકે બાઝ્યો કે તરત કોઈ ભાન સળવળેલું, કે નામ વગરનો કોઈ ડર ફણગેલો – ખબર નથી – પણ એવું બાઝવું ભીંસ ન કહેવાય – આલિંગન તો નહીં જ નહીં, તરતની એ એવી હાંફળ-ફાંફળ હતી – જેમાં, બાઝેલા રહેવું, ને સાથોસાથ, પોલા-પોલા, અરધાપરધા. જોકે એટલામાંય છોકરીના ઉભારને અડાયેલું તો ખરું જ, હાથને મારા એની કમરની પાતળાઈ તો વરતાયેલી જ, હોઠને એના શ્યામ ગાલની સુંવાળપ તો પરખાયેલી જ. પણ એને ચુમ્બન ન કહેવાય – બહુ બહુ તો બચ્ચી કહેવાય : એ થઈ રહી’તી તે જ પળે મને ફૈબાની મારે ગાલે થયેલી બચ્ચીઓના બુચકારા સંભળાતા અડેલા. છોકરી તરફથી એક સટાક્ તમાચાની દહેશત જાગી’તી – હું છૂટો પડી ગયેલો તોપણ.

આ જે કંઈ બધું કહ્યું તે એના કેટલાયમા ઓછા ભાગમાં બનેલું!

મારે છોકરીને ‘સૉરી’ કહેવું’તું, પણ જડ જેવો ઊભો જ રહી ગયેલો. મારા એમ ઊભવાને એ સમજી ગઈ હોય કે શું – ‘ડઝન્ટ મેટર’, કે કંઈક એવું જ બોલેલી, મને બરાબર યાદ નથી આવતું – પણ એવી રીતે બોલેલી, જેનો અર્થ એવો થાય કે વાંધો નહીં, સમજું છું, થઈ જાય કોઈ વાર. એ વખતે છોકરી મને બહુ જ મૅચ્યૉર લાગેલી ને મને વહેમ પડેલો કે શું આ કોઈ સાચેસાચની વનદેવી તો નહીં હોયને..

મારે જવું ન્હોતું, ને પૂછવુ’તું, કે શું તમે કશી ઉપાસના કરો છો? ગામ એ માટે આવ્યાં છો. છતાં મને એમ જ થવા માંડેલું કે મારે, ત્યાંથી બને એટલી ઝડપે નીકળી જવું જોઈએ. એટલે જેવું હું જવા-જેવું કરવા ગયેલો, કે તરત એણેય મને ‘આવજો – બાઆય’ કરી સ્મિત સાથે વેવ કરેલું. પરિણામે મારી ઝડપ ઝડપી થઈ ગયેલી ને જામફળિયે ઊતરેલો એ જ ઢાળે કમરેથી વળેલો ચડીને પાછો હું બાગમાં પહોંચી ગયેલો ને ત્યાંથી પછી ઘેર.

હીંચકે ફૈબા જોડેની વાતોમાં, કે ઉપર મારે ઓરડે – બારીએ ઊભતાં કે પથારીમાં સૂતાં – બધો જ વખત મને એ બધું સાંભર્યા કરેલું ને અદ્ભુત લાગ્યા કરેલું – દિલમાં છોકરી માટે કંઈ કેવાય મનસૂબા, ઉદરાવા ને ઉદબુદા ઊઠેલા….

પણ આજે? આજે તો દિલ ખાલી છે, ઠીબા જેવું.

આજે ઘેર જવાનું મોડું થઈ ગયું છે – ફૈબા ઊંચાંનીચાં થતાં હશે – તોય થાય છે કે ન જઉં, આ કૂવાના થાળે સૂઈ જઉં ને સૂતો સૂતો ચોકનું આકાશ જોઉં – બને કે છોકરી આકાશમાં મળી આવે…!

જો કે મને ડ્રાફ્ટ્સમૅન દરજ્જાના માણસને એવુંતેવું બહુ પાલવે નહીં. એટલે ઢાળ ચડી બાગમાં ગયો – મનમાં હતું કે પેલો જો બાંકડે હજીય ચોપડી વાંચતો બેઠો હશે, તો એનો, કશુંય કારણ નથી છતાં આભાર માનીશ – જેથી એને તો ઠીક, મને સારું લાગશે. પણ મેં જોયું : બાંકડે કોઈ નહોતું, ઉપર બોરસલી હતી – એ જ – એ જ ભૂરા આકાશમાં. ઊંચું મારું મસ્તક જેવું નીચું થયું કે તરત દેખાયો શનોભાઈ – પરસેવે ભીનો, નરી-ખરડાયેલી હથેળીઓવાળો. એની જોડે કંઈ વાત કરું એ પહેલાં એ જ બોલ્યોઃ

એ સાએબ તો અવણાં જ જતા રિયા – આ ચપતરી આપી છે તમાર માટે –

જેને શનોભાઈ ચપતરી કહેતો’તો, એ કાગળની નાની કાપલી હતી. લખ્યું’તું એમાંઃ મળશું ફરી કોઈ વારઃ બસ – બીજું કંઈ નહોતું. ચપતરી ચોળીને ચીઢથી મેં બાંકડા નીચે નાખી દીધી – ને શનોભાઈને કહ્યું:

શનોભાઈ, કાલે મારો છેલ્લો દિવસ છે – હવે, આવતી સાલ. જોકે કાલે સવારે એક વાર આવી જઈશ ખરો – મારે નીચેથી જામફળિયેથી જામફળ લઈ જવાં છે – છોકરાં માટે. હા-હા, હો-હો, આવજોને મગન પાંહેથી લઈ જજો તમતમાર – કરતો, વળી પાછો એ એના કામ ભણી પળ્યો.

ઘેર પહોંચ્યા પછી બધું બહુ જલદી જલદી બન્યું. ફૈબા ને હું જમ્યાં. પછી લગાર હું હીંચકે બેઠો. આવી ગયો તારે જવાનો દા’ડો – કહીને ફૈબાએ પિત્તળનો એક દાબડો આપ્યો – બૅગમાં મૂકવાનું ભુલાય નહિ – એમાં ઠાકોરજીનો પરસાદ છે, બંટાગોળીઓ, છોકરાં માટે. તરત મેં એક બંટા કાઢીને આખી જ મોંમાં પધરાવી – મારી એવી રીત જોઈ ફૈબા હસી રહ્યાં : રમાને કહેજે કે ઘણાં વરસથી આવી નથી તે, ફૈબા બોલાવે છે. પછી ઉપરને મારે ઓરડે જઈ હું સૂતો – જાગ્યો ત્યારે જ ખબર પડી કે કેટલીય સરસ ઊંઘ આવી ગઈ’તી..

મેં બૅગ સરખી કરી. પછી આળસ મરડી રહ્યો’તો ને કશા જ ભાવ વિના ઊભો’તો બારી પાસે. ઊંડે એક વિચાર સરકતો’તો – છોકરીને મેં દુભવી – એક અજાણી છોકરી જોડે નાનશો રંજાડ કર્યો – એટલે તો ભાગી ગઈ! આવી જ કાં પાછી? મને મારા બેહૂદા વર્તન માટે વસવસો થતો’તો તે જ વખતે મેં સામેના ઘરની જાળી પાછળ શું જોયું? પેલો – એ જ મારા જેવો! મને સાચું ન લાગ્યું – જરા ધ્યાનથી જોયું – કોઈ હોતું – જાળી હતી, ને સળિયા – ઘરેલુ અંધારાને કાપતા.

મને થયું આ ફેરી સાલું બધું જાતજાતનું થયું – નડિયાદ, રમા, મમતા-બિટ્ટુ, શોભનાબહેન – બને, કે મને હવે બહુ જ જુદાં લાગે…

છેલ્લે દિવસે સવારે મોતીબાગમાં હું ગયો તો ખરો જ, પણ સીધો જ જામફળિયે ગયો – કેમકે જામફળ લઈ તરત મારે પાછા ફરવું’તું.

મારા અપારના અચમ્બા વચ્ચે ચોકના થાળકૂવા કને છોકરી ઊભી’તી! એ જ રીતે!

સાચે જ એ એ જ હતી. મારું કાળજું ઊછળવા માંડેલું. એવી જ પૂંઠ કરેલી. એવું જ ફ્રૉક. એ જ સફેદ બૂટમોજાં – એવા જ ખુલ્લા લાંબા વાળ – એવું લાગે મારો એ એ જ દિવસ છે – જરાય ખસ્યો કે બદલાયો નથી –

એની પૂંઠ હતી, હું આઘે હતો, જતો’તો એની જ તરફ – તોય ચાલતાં-ચાલતાં જ બોલ્યો, મોટેથી બોલ્યો :

હલો, કેમ છો? મજામાં? આટલા દિવસથી કાં ચાલી ગયેલાં? – એમ સામટા સવાલો કર્યા – જોકે એક પછી એક, પણ જલ્દી જલ્દી.

સાંભળતાંવેંત મારા ભણીની થઈ એ તરત બોલી :

તે દિવસથી હું અહીં રોજ સાંજે આવતી’તી – કેમકે બાગમાંય સાંજે જ આવતી’તી – આજે, સવારે આવી છું.

મારે આ તકે પૂછવું’તું એને કે તમે પદમ-તળાવડી શી રીતે પહોંચી ગયેલાં. પેલા વિશેય પૂછવું’તું. એ દિવસોમાં કેટલાં વહેલાં આવતાં’તાં – વગેરે. પણ મને થયું એવી બધી પૂછાપૂછીથી હું બહુ વરવો લાગીશ. એટલે જુદું જ બોલ્યો :

મેં તો તમારી આશા છોડી દીધેલી. સારું થયું કે મારે જામફળ લેવાનાં બાકી હતાં –

 – પણ મેં તો તમારી આશા રાખેલી. આજે મારો પણ છેલ્લો દિવસ છે.

 – તમને કાંથી ખબર કે મારો છેલ્લો છે?

 – મને શનોભાઈએ કહ્યું. હુંય તમારી જેમ જામફળ લેવા આવી છું – મગનભાઈ અંદરમાં ગયા છે જામફળ તોડવા…

બે-ત્રણ પળો ખાલી ગઈ.

 – અહીંથી પદમ-તળાવડીએ જઈને પછી પાછી જઈશ.

 – તે તમે ત્યાં શું કરવા જાઓ છો વારે વારે?

 – બસ એમ જ…

 – એકાદ પળ વળી ખાલી ગઈ.

 – એ દરમ્યાન મને થવા લાગ્યું કે આની બન્ને હથેળીઓ મારી હથેળીઓમાં લઉં ને શોભનાબહેન સ્ટાઈલમાં ઝટ ઝટ બધું બોલવા માંડું: સૉરી, એ દિવસે જે થયું મારાથી બહુ ખોટું થયું – મને માફ કરી દો. પણ મારાથી એવું કંઈ જ થયું નહીં. કોણ જાણે સૉરી કહેવાનો મારો કશો ભાવ જ બચેલો નહીં. મારું શરીર પણ, ઊભુંતું તાં જ ઊભેલું રહેવા માગતું’તું – વધારામાં મેં અદબ વાળી લીધી. પણ છોકરી ખૂબ ધીમા અવાજે કશુંક જરૂર બોલી :

 – તે દિવસે જે થયું એ માટે હું બહુ સૉરી ફીલ કરું છું.

તમે? – તમે શું કરવા?

 – કેમકે તમારે મારે કારણે જતાં રહેવું પડ્યું. તમને મેં રોક્યા પણ નહીં, તમને છોભીલાપણું –

ના-ના, એવું તો કંઈ નહીં.’

હું આગળ બોલ્યા જ કરત – કંઈ ને કંઈ – પણ મગન પગી આવી ગયો. મનેય એમ થયું કે હવે કંઈ કહેવું નથી.

છોકરીને મગને બાર-પંદર જામફળ આપ્યાં – એની થેલીમાં મૂકી આપ્યાં. છોકરીએ એને વીસની નોટ આપી. પેલાએ કપાળે અડાડવા-જેવું કરી નોટ ગજવામાં મૂકી. એ ગયો પછી થેલીમાંથી સાત જામફળ – મોટાં મોટાં; શોધીને કાઢ્યાં એટલે સાત – છોકરીએ મને આપતાં હસીને કહ્યું :

આ તમારે લેવાનાં છે મારા તરફથી. ને હા, ફરી મળો ત્યારે મને તમારે તમે-તમે નથી કહેવાનું.. હું તો તમારાથી બહુ જ નાની છું.

મેં જામફળ એક પછી એક કરીને મારી થેલીમાં મૂક્યાં ને માત્ર ‘ઓકે’ બોલ્યો. થેલી હાથમાં ઝૂલતી’તી ને મારા ચહેરા પર એક સ્મિત બન્યું’તું – તેને મેં ટકવા દીધું – ને ‘થૅન્કસ’ બોલ્યો.

પછી શું કરવું તે સમજાયું નહીં.

એટલે ‘બાઆય’ કર્યું. એકદમની ઝડપથી ઢાળ ચડવા તરફ જવા લાગ્યો. એ જોતી’તી મને એમ – જતો, તેની મેં પાછું જોઈ એક વાર ખાતરી કરી લીધી. મને થતું’તું કે આમ ઝોડની જેમ નીકળી જઈ રહ્યો છું તે સારો તો નથી જ લાગતો – આટલી સાલસ વ્યક્તિ સામે આવી રીતે વર્તવું વિચિત્ર કહેવાય, પણ આખાનું અંદરનું કારણ એ હતું કે મને મારી જાત પર જ કશો ભરોસો નહોતો – નાનો નવો ડર થવા લાગેલો કે આ સૂના-સૂના જામફળિયામાં છોકરીને હું કંઈ ને કંઈ પૂછયા જ કરીશ – એ તો ઠીક, મારાથી એને કશુંક એવું જ પાછું અડપલું કરી બેસાય એમ લાગે છે – એટલે કે મને એમ કહેવાનું મન થઈ આવે, કે તમને વાંધો ન હોય તો જામફળિયાની ઉગમણે લઈ જઉં તમને – બીડ – જોવા. તરત એ શું કહે? જાણી શકાય? કહે કે : પાછું, ‘તમને’ બોલ્યા? ‘તને’, વાંધો ન હોય એમ બોલો, તો તરત આવું.

ટૂંકમાં, એવું જ બધું બને કે અમે એકમેકમાં નિકટથી વધારે નિકટ સરીએ ને અમારા આ સમ્બન્ધની જે પાતળી અમથી લકીર છે તે વકરીને કશું ગૂંચવાડિયું ચિતરામણ બની જાય.

શી ખબર કશું અટપટું મને દૂર રહ્યું-રહ્યું, દાંતિયાં કરી – લાગ્યું કે ચીડવે છે. વધારે લપટાવાની બીક જોકે – લાગ્યું કે ચોખ્ખી છે –એટલે પછી, સમજોને કે મેં જેવું જેટલું જ્યાં હતું તેવું તેટલું ત્યાં જ રાખીને બાકીનું સઘળું ફટ તોડી નાખ્યું – મેં કેટલી ઝડપે તોડી નાખેલું ને કેટલું બધું તોડી નાખેલું તેની તો મોતીબાગમાં થઈ ગામ ચીરી ઘરે હાશ કરી હીંચકે બેઠો ત્યારે જ ખબર પડી’તી…

એ છેલ્લા દિવસે સાંજે પછી હું નડિયાદ જતી બસમાં હતો, ડ્રાઇવરની પાછળ, પણ આમ, પહેલી ગણાય છે, લાંબી સળંગ, એ સીટમાં હતો. એટલે સૌ પૅસેન્જરોને હું સામેથી દેખાતો’તો, ને મનેય એ બધાં, સામે જ હતાં. બેની ત્રીજી સીટી પર કોઈ ભરવાડ હતો. એની બાજુમાં એની દીકરી લાગતી’તી. જોવા જેવું એ હતું કે એ દીકરીને બાદ રાખતાં, આખી બસમાં કોઈ સ્ત્રી-પૅસેન્જર જ નહોતું – નાનામોટા જુવાન, જૈફ, પણ પુરુષો જ પુરુષો.

ભરવાડની દીકરી પર નજર પડતાં મને છોકરીના પેલા શબ્દો યાદ આવતા’તા: ‘હું તો તમારાથી બહુ જ નાની છું.’ જ્યારે નજર પડે, ત્યારે સંભળાય : ‘હું તો તમારાથી બહુ જ નાની છું.’

આમ તો કંઈ નહોતું, પણ હવે મને નડિયાદ પહોંચવાની તાલાવેલી થતી’તી. બસ બરાબર જ દોડતી’તી – છતાં મારાથી વારે વારે કાંડાઘડિયાળમાં જોવાતું’તું – લાગતું, પહોંચી જવાશે ઈન-ટાઈમ, તોય આખી વાતનો આછો કંટાળો ઊપસ્યા કરતો’તો.

મને થયું, બધી બસો અંતરાલમાંથી દોડતી હોય, ત્યારે એક જાતની એકધારી સ્પીડ પકડે છે ને તે વખતે એની ઘર્ઘરાટી પણ જાણે દળાતી – ને ઓગળતી લાગતી હોય છે. આનુંય હવે એમ થવા લાગેલું – પવન પણ એવો જ પૂરપાટ પ્રવેશતો જતો’તો, ઝાડઝાડવાંય સટાસટ પાછળ સર્યે જતાં’તાં.

બસની એ એકતાનતાને લીધે, કે પછી બધા પૅસેન્જરોના ચહેરા ઘૂંટ્યા કરતી મારી થાકેલી નજરને કારણે મારી આંખો અવારનવાર બિડાઈ જતી’તી. થોડી વાર પછી, પેલું જે પુરુષો-પુરુષો હતું તે બદલાવા માંડ્યું લાગતું’તું. ત્રણની એક વચલી સીટ પરના ત્રણેત્રણ પૅસેન્જર સરખેસરખા હતા – મેં જોયું કે એ શનોભાઈ હતા – ત્રણ ત્રણ શનાભાઈ. બાજુની બેની સીટ પર બે બે શોભનાબહેન હતાં – એની પાછળનીમાં બે-બે મગન. ને એનીય પાછળની પર બે-બે મૂળજી હતા – એની ત્રાંસમાં એક ત્રણની સીટ પર ત્રણ ત્રણ પદ્મા હતી. એ પછીની કોઈ બેની સીટ પર બે-બે ફૈબા હોવાં જોઈતાં’તાં – પણ એક જ હતાં.

છેક છેલ્લી લાંબી સળંગ સીટ પર મેં જોયું કે ત્રણ નહિ, પણ છ હતાઃ પેલા મારા જેવા ટી-શર્ટમાં – જાણે છનું એક આખું પૅક. આ સરખા-સરખામાં છોકરી ક્યાંય ન્હોતી…

આંખો અજવાળવાને મેં પાંપણો પલકારી ત્રણ-ચાર વાર. બધું જોયા પછી નજર ભરવાડની દીકરી પર અટકી-ને પેલું, પોતે સામેથી સંભળાય એ પહેલાં, આ વખતે તો હું જ બબડ્યો: હું તો તમારાથી બહુ જ નાની છું –

પછીથી તો ઝોકું ઊકલીને સાવ સુકાઈ ગયું – મેં બહાર જોયું તો નડિયાદ આવવા જેવું થતું’તું. એ પળોમાં મને આખું જામફળિયું દેખાયું, પણ એક વાતે હું ખૂબ જ દુઃખી થઈ ગયો – મારું મોઢું પડી ગયું – થયું, અરરર, છોકરીનું નામેય નથી જાણતો? કેટલું ખરાબ? પૂછ્યું નહીં! ભૂલ્યો તે કેવું ભૂલ્યો!

રમા-મમતા-બિટ્ટુને મળવાથી સારું લાગ્યું’તું – જોકે પાંચેક મિનિટ તો બધું બહુ જ જુદું લાગતું’તું – અજાણ્યું-અજાણ્યું.

રમા-મમતા-બિટ્ટુથી વીંટળાઈને બેઠો છું. રમાએ અમને જમાડી લીધાં છે – સૂરતથી આ વેળા એનાથી કંઈ લવાયું નથી. મને વીંટળાયેલાં બધાં બંટાગોળીનો પરસાદ ખાતાં છે, ને સાથે, સાંભળતાં છે બોરસલીને મોતી ફૂટ્યાની મેં માંડેલી વારતા.

વારતા કાળજીથી બહેલાવી છે ને કહું છુંય ભાવથી, પણ ફડકમાં : ફડક મને એ વાતે છે કે જામફળવાળી થેલી રમા ગમે ત્યારે ઠાલવવાની છે ને જેવાં મહીંથી જામફળ બહાર ગબડી રહેશે કે તરત તતડી ઊઠવાની છે:

આટલાં જ? આટલાં અમથાં તે કોને હારુ? અક્કલ તમારી આથમી ગયેલી કે શું? સાત? ગણીને સાત? લીધાં કોની પાંહેથી? – બોલતી રમા એક્કીટશે તાકી રહેશે મારી આંખોમાં.

 – પૂરતાં છે એવું હું કહેવા ચાહીશ, પણ કહી શકીશ નહીં.

રમાની – તાકી – નજરમાં પછી વહેમની ચમક સળવળવી શરૂ થશે.

 – પણ એનુંય હું કશું કરી શકીશ નહીં.

પાછો પકડી લઈશ મોતી ફૂટ્યાંની વારતાનો દોર ને પ્રેમથી વારતા કહેવા માંડીશ.

પણ, હું બોલતો હોઈશ, બરાબર એ જ વખતે ગુસ્સે ભરાયેલી રમાય જોડે ને જોડે કંઈનું કંઈ કંઈનું કંઈ બોલ્યે જતી હશે. એટલે છેવટે તો, ઘરમાં શબ્દોની અથડાકૂટડી અથડાકૂટડી જ તરતી હશે, કોઈથી કશું, કશું જ પમાશે નહીં.

છેલ્લે, છોકરાં હું કે રમા કશા ચિત્રમાં લડતાં – પણ અટકેલાં – પુરાયેલાં જણાઈશું – હાલતાંચાલતાં કે બોલતાં બંધ – સાંભળતાંય બંધ.

હું ઈચ્છું કે ફડક ટળે. હું ઈચ્છું કે મારી વારતા વગર ભંગાણે વહેતી ચાલે.

જોકે અત્યારે જ –

રમાના હાથ દેખીતા જ મને થેલી ઉપાડવાને જતા જણાય છે…