Superintelligence

Revision as of 01:23, 4 September 2023 by Atulraval (talk | contribs) ()

‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’
પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો


Made to Stick.jpg


Superintelligence

by Nick Bostrom
Paths, Dangers, Strategies
સુપર ઇન્ટેલિજન્સ
માર્ગ, જોખમ, વ્યૂહ
સારાંશનો અનુવાદ: છાયા ઉપાધ્યાય


લેખક પરિચય:

નીક બોસ્ટ્રોમ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને 'ફ્યુચર ઑફ હ્યુમિનિટી ઇન્સ્ટિટ્યૂટ'ના સ્થાપક સંવાહક છે.‌ સુપર ઈન્ટેલિજન્સ સહિત તેમની ૨૦૦ જેટલી કૃતિઓ પ્રગટ થઈ છે. ન્યુયોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલર લિસ્ટમાં સ્થાન પામનાર પુસ્તક સુપર ઇન્ટેલિજન્સ-ની ભલામણ બીલ ગેટ્સે પણ કરી છે.

પુસ્તક વિશે:

સુપર ઇન્ટેલિજન્સ (2014)  : માણસ કરતાં વધારે બુદ્ધિશાળી મશીન બનાવવાથી માણસાઈમાં શું પરિવર્તનો આવશે તેની ઝલક આ પુસ્તકમાં આપવામાં આવી છે. આમાં આપવામાં આવેલી વિગત જુદાં જુદાં ક્ષેત્રોનાં તથ્યો, આંકડા અને અભ્યાસથી ભરપૂર છે. આપણે સુપર ઇન્ટેલિજન્સ ભવિષ્ય સુધી કઈ રીતે પહોંચીશું અને તે કેવું હશે તેની દૃશ્યાવલી તમને અહીં જોવા મળશે.


પૂર્વભૂમિકા:

આમાં મારે માટે શું છે? મશીન માણસજાતને કેવી રીતે મહાત કરશે તે જાણો.

એવી કેટલી ફિલ્મો, કાર્ટૂન, સાઈ-ફાઈ સિરીઝ તમે જોઈ હશે કે જેમાં એક કે બીજા પ્રકારની સુપર ઇન્ટેલિજન્ટ રૉબોટ રેસ બતાવી હોય? નોંધપાત્ર સંખ્યામાં. બરાબર? ટર્મિનેટર જેવી ફિલ્મમાં રૉબોટ આપણી દુનિયા કબજે કરવા આવે છે; બીજી ફિલ્મોમાં તે આપણને મદદ કરે છે અને વોલ-ઇ જેવી બીજી કેટલીકમાં રૉબોટ એકદમ વ્હાલા લાગે તેવા હોય છે. આ બધું બેશક કાલ્પનિક છે પણ શું આ બાબત હંમેશાં કાલ્પનિક રહેવાની છે? શું સુપર ઇન્ટેલિજન્સ આવવામાં જ છે? તે ક્યારે આવશે અને કેવું હશે?

આ પુસ્તકમાં આપણે જાણીશું એ.આઇ. તરફની આપણી યાત્રાનો ઇતિહાસ, આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ તે, નૈતિકતા અને સુરક્ષાના કેવા-કયા પ્રશ્નોને આપણે સંબોધવા પડશે તે અને બીજાં બધાં મશીનને પાછળ મૂકી દે તેવું મશીન બનાવવા શું કરવું તે.

આ પુસ્તકમાં તમને જાણવા મળશે : • મોટાભાગના વૈજ્ઞાનિકોને કેમ લાગે છે કે 2105 સુધીમાં આપણે સુપર ઇન્ટેલિજન્સ રચી કાઢીશું; • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-કૃત્રિમ બુદ્ધિમત્તા અને આખા મગજના અનુકરણ કરવા વચ્ચે શું તફાવત છે અને • 1956માં ડાર્મથ (Dartmouth) ખાતે થયેલા સંમેલને કેવી રીતે ટેક્નોલૉજીના વિકાસમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી.

અગત્યના મુદ્દાઓ:

૧. ઇતિહાસ જોતાં કહી શકાય તેમ છે કે સુપર ઇન્ટેલિજન્સ– માણસ કરતાં વધારે બુદ્ધિશાળી ટેક્નોલૉજી– ખૂબ ઝડપથી વિકસી રહી છે.

ઇતિહાસ જોતાં કહી શકાય તેમ છે કે સુપર ઇન્ટેલિજન્સ– માણસ કરતાં વધારે બુદ્ધિશાળી ટેક્નોલૉજી– ખૂબ ઝડપથી વિકસી રહી છે. આપણને પશુઓથી જુદી પાડતી બાબત કઈ? પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે અમૂર્ત વિચાર કરી શકવાની સાથે સાથે આપણે માહિતી સંચિત કરી તેનું આદાનપ્રદાન પણ કરી શકીએ છીએ. ટૂંકમાં, આપણા સુપર ઇન્ટેલિજન્સને કારણે આપણે સજીવોમાં શિખરે છીએ.

તો, માણસ કરતાં વધારે બુદ્ધિશાળી હોય તેવી નવી પ્રજાતિના આગમનનો અર્થ શું કરવો?

સૌથી પહેલાં આપણે ઇતિહાસ પર નજર નાખવી પડશે. જેમ કે, શું તમને ખબર છે કે ટેક્નોલૉજીમાં ક્રાંતિકારી ફેરફારો થવાની ઝડપ સમય સાથે વધી છે? દાખલા તરીકે, શરૂઆતનો તકનિકી વિકાસ એટલો ધીમો હતો કે કેટલાંક હજાર વર્ષ પહેલાં દસ લાખની વસ્તીની જરૂરિયાતને પહોંચી વળવાની ત્રેવડ કેળવવામાં દસ લાખ વર્ષ લાગે તેમ હતું. ઇ.સ.પૂર્વે 5000માં થયેલી ખેતીની શોધને કારણે તે સમયગાળો ઘટીને બસો વર્ષ થઈ ગયો. ઔદ્યોગિક ક્રાંતિ પછીના ગાળામાં આ સમયમર્યાદા ફક્ત 90 મિનિટ જ રહી.

સુપર ઇન્ટેલિજન્ટ મશીન જેવી તકનિકનો વિકાસ એટલે દુનિયાને આપણે જેવી જાણીએ છીએ તેમાં ધરમૂળથી પરિવર્તન. પણ, ટેક્નોલૉજી અત્યારે કયા પગથિયે છે?

આપણે એવાં મશીન તો બનાવી લીધાં છે જે માણસે આપેલી માહિતીનો ઉપયોગ કરીને નવું શીખી શકે અને તર્ક કરી શકે. જેમ કે, સ્વચાલિત સ્પામ ફિલ્ટર–જે જથ્થાબંધ મોકલાતા ઇમેઈલથી આપણા ઇન બોક્સને બચાવે છે અને અગત્યના મેસેજ સાચવી રાખે છે.

આમ છતાં, માણસની સામાન્ય બુદ્ધિ સામે તો આ બધું કાંઈ ન કહેવાય. છેલ્લા કેટલાક દસકાથી તે 'સા.બુ.' જ એ.આઈ. સંશોધનોનું ધ્યેય છે. વળી, માણસના માર્ગદર્શન વગર આપમેળે શીખતા અને વર્તન કરતા સુપર ઇન્ટેલિજન્સની વાત આવે ત્યારે બીજા કેટલાક દસકા જશે તેમ લાગે છે. પણ, આ ક્ષેત્રમાં પ્રગતિ ખૂબ ઝડપથી થઈ રહી છે. તેથી આપણે વિચારીએ છીએ તેના કરતાં આ બધું વહેલું આવી પડવાનું. આવા મશીનની આપણા જીવન પર ખાસી સત્તા હશે. તે એટલું તેજ હોવાનું કે આપત્તિના સંજોગોમાં આપણે તેને બંધ કરી નહીં શકીએ અને તેથી તેની બુદ્ધિ જોખમી હોઈ શકે.

૨. મશીન ઇન્ટેલિજન્સ બાબતે છેલ્લા દોઢ દસકામાં ઘણા ચઢાવ ઉતાર આવ્યા છે.

1940માં કમ્પ્યુટરની શોધ પછીથી વિચારી શકે તેવું મશીન બનાવવા વૈજ્ઞાનિકો મથતા રહ્યાં છે. તે દિશામાં એક નોંધપાત્ર પ્રગતિ એટલે કૃત્રિમ બુદ્ધિ એટલેકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ; માણસની બુદ્ધિની નકલ હોય તેવાં માણસે બનાવેલાં મશીન.

વાતની શરૂઆત થાય છે 1956 ડાટમથ સમર પ્રોજેક્ટથી. માણસ જેવાં કામ કરી શકે તેવાં બુદ્ધિશાળી મશીન બનાવવાની શરૂઆત ત્યાંથી થઈ.

કેટલાંક મશીન કેલ્ક્યુલેટરવાળી ગણતરી કરે, કેટલાંક સંગીત રચી શકે અને કેટલાંક કાર ચલાવી શકે, પણ એક મુશ્કેલી હતી. સંશોધકોને ખ્યાલ આવ્યો કે કામ ઘણું સંકુલ છે. સમગ્ર પ્રક્રિયા માટે એ.આઈ.ને વધારે માહિતી પૂરી પાડવી પડે છે. એવા કામને પહોંચી વળે તેવું હાર્ડવેર ત્યારે ઉપલબ્ધ નહોતું.

1970ના મધ્ય સુધીમાં એ.આઈ. માટેનો રસ ઓછો થયો. પણ, '80ની શરૂઆતમાં જાપાને એક્સપર્ટ સિસ્ટમ--જે કેટલાક નિયમોને અનુસરીને તેને આપેલા ડેટા પરથી એવી વિગતો તારવી આપતી હતી જે નિર્ણયો લેનારાઓને ઉપયોગી થાય–બનાવી. જો કે, આ ટેક્નોલૉજીને પણ સમસ્યા નડી--માહિતીના ઢગલા સાચવવા અઘરું પડતું હતું અને વધુ એક વાર એ.આઈ.માંથી લોકોનો રસ ઘટી ગયો.

'90ના દસકમાં એક નવું વહેણ ઊભું થયું-- ચેતા અને જનીનિક બંધારણની નકલ કરતી તકનિક વડે માણસની જૈવિક નકલ હોય તેવાં મશીન બનાવવાં. આ પ્રક્રિયાને કારણે આજે આપણે અહીં છીએ. આજે સર્જરી કરતાં રૉબોટથી માંડીને સ્માર્ટફોનમાંના સાદા ગુગલ સર્ચ સુધી બધે એ.આઈ. હાજર છે. ટેક્નોલૉજી એવી સુધરી, વિકસી છે કે ચેસ, સ્ક્રેબલ અને જીઓપર્ડિ જેવી રમતોમાં તે માનવ ખેલાડીને હરાવે છે!

છતાં, આપણી અત્યાધુનિક ટેકનોલોજીમાં પણ સમસ્યાઓ છે. આવાં એ.આઈ. કોઈ એક રમત માટે પ્રોગ્રામ્ડ કરી શકાય છે પણ એવું એ.આઈ. નથી જે કોઈ પણ રમતમાં કુશળ હોય.

છતાં, આપણાં બાળકો તો અત્યંત વિકસિત એવું કશુંક --સુપર ઇન્ટેલિજન્સ (એસ.આઈ.)ની શરૂઆત–જોઈ શકવાનાં. હકીકતે, 2009માં મેમ્ફિસ વિશ્વ વિદ્યાલય ખાતે મળેલી આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સની બીજી કોન્ફરન્સ વખતે ભાગ લઈ રહેલા વિશેષજ્ઞોએ એક સર્વેમાં ભાગ લીધો. તે સર્વે પરથી ખબર પડી કે મોટાભાગના વિશેષજ્ઞો માને છે કે 2075 સુધીમાં માણસ જેટલાં જ બુદ્ધિશાળી મશીન બની જશે અને તે પછીના બીજાં 30 વર્ષમાં સુપર ઇન્ટેલિજન્સ અસ્તિત્વમાં આવી જશે.

૩. સુપર ઇન્ટેલિજન્સ બે જુદા જુદા રસ્તેથી આવશે.

એ તો સ્પષ્ટ થઈ જ ગયું છે કે સારી ટેક્નોલૉજી બનાવવા‌નો અસરકારક રસ્તો માનવબુદ્ધિની નકલ કરવી એ છે પણ માહિતીના પ્રકાર જુદા જુદા હોય છે. આથી, એક બાજુ કેટલાક વૈજ્ઞાનિક એ.આઈ. વત્તા માણસની નકલ એમ સિન્થેટીક મશીનની વકીલાત કરે છે જ્યારે કેટલાક નિષ્ણાત માનવ બાયોલોજીની જ બેઠી નકલ કરવાના હિમાયતી છે. હૉલ બ્રેઈન એમ્યુલેશન(ડબલ્યુ.બી.ઈ.) જેવી ટેક્નોલૉજી વડે માણસની જૈવિક નકલ કરવાનું શક્ય બને તેમ છે.

આ બે વચ્ચે શું તફાવત છે?

માણસ જે રીતે વિચારે છે અને શીખે છે તેની નકલ કરવા એ.આઈ. સંભાવનાઓની ગણતરી માંડે છે. માણસની સંકુલ ક્ષમતાઓની નકલ કરવા એ.આઈ. તર્કનો ઉપયોગ કરીને સરળ રસ્તા શોધે છે. જેમ કે, ચેસ રમવા પ્રોગ્રામ કરેલું એ.આઈ. પહેલાં બધાં શક્ય પગલાં નક્કી કરશે. પછી તેમાંથી એવી ચાલ પસંદ કરશે જેના વડે જીતવાની સંભાવના સૌથી વધારે હોય. આ રીતમાં ડેટા બેન્ક એવી જોઈએ જેમાં ચેસની પ્રત્યેક ચાલ હોય.

આથી, ચેસ રમવા ઉપરાંત બીજું પણ કરી શકે તેવા એ.આઈ. માટે તેને આપણી દુનિયાની ઢગલાબંધ માહિતી આપવી પડે અને વળી તેના પર પ્રક્રિયા કરવાની થાય. સમસ્યા એ છે કે આવું કરવા ડેટાના જેટલા જથ્થા પર જે ઝડપે પ્રક્રિયા કરવાની થાય તેની ક્ષમતા અત્યારના કમ્પ્યુટરમાં નથી.

બીજા રસ્તા ખરા? એક સંભવિત ઉકેલ છે જેને કમ્પ્યુટર વૈજ્ઞાનિક એલન ટ્યુરીંગ 'ધ ચાઈલ્ડ મશીન' કહેતા તેવું કાંઈક બનાવવાનો, એવું કોમ્પ્યુટર જેની પાસે પ્રાથમિક માહિતી હોય અને પછી તે પોતાના અનુભવો પરથી શીખે એ રીતે બનાવેલું હોય.

બીજો વિકલ્પ છે ડબલ્યુ.બી.ઈ., જે આપણા મગજના આખેઆખા ચેતાબંધારણની નકલ હોય અને જે મગજની કાર્યપદ્ધતિનું અનુકરણ કરે. એ.આઈ. કરતાં આ પદ્ધતિમાં સારું એ છે કે તેણે માનવમગજની સમગ્ર કાર્યપ્રણાલી સમજવાની જરૂર નથી--તેણે ફક્ત મગજના ભાગ અને તેમની વચ્ચેના જોડાણની નકલ કરવાની રહે છે.

જેમ કે, વૈજ્ઞાનિક કોઈ લાશમાંથી સ્ટેબિલાઇઝ કરેલું મગજ લે, તેને આખે આખું સ્કેન કરે અને તેમાંની માહિતીનો ડેટા તરીકે અનુવાદ કરે. પણ, આપણે રાહ જોવી પડશે. આ પ્રક્રિયા કરવા જરૂરી ટેક્નોલૉજી--જેમ કે મગજનું શ્રેષ્ઠ ચોકસાઈવાળું સ્કેનિંગ– નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ થાય એમ નથી પણ એક દિવસ તે થશે.

૪. સુપર ઇન્ટેલિજન્સ ખૂબ ઝડપથી આવશે કાં તો વ્યૂહાત્મક પ્રભાવને કારણે અથવા તો લાંબા ગાળાના સામૂહિક પ્રયત્નોના પરિણામ તરીકે.

માનવજાતની મોટાભાગની ક્રાંતિકારી શોધ કાં તો બીજા વૈજ્ઞાનિક ત્યાં પહોંચે તે પહેલાં પહોંચનાર કોઈ એકે કરી છે કાં તો ખૂબ મોટા આંતરરાષ્ટ્રીય સહયોગથી થઈ છે. તો, એસ.આઈ.ના વિકાસ બાબતે તે બંને માર્ગોનો અર્થ શું કરવો?

જો, થોડાક વૈજ્ઞાનિકોનું જૂથ એ.આઈ. અને ડબલ્યુ.બી.ઈ. સંબંધે ઊકેલ શોધી કાઢે તો તે એકમાત્ર સુપર ઇન્ટેલિજન્ટ મશીન હોવાની સંભાવના ઘણી વધારે છે. તેમ થવાનું કારણ એ કે સ્પર્ધાને કારણે તે જૂથે ખાનગીમાં કામ કર્યું હોય.

મેનહટ્ટન પ્રોજેક્ટ યાદ કરો--એ જૂથ જેણે એટમ બૉમ્બ બનાવ્યો. તેમની ગતિવિધિઓ ગુપ્ત રાખવામાં આવેલી કારણ કે અમેરિકી સરકારને ભય હતો કે તેમનાં સંશોધનોનો ઉપયોગ કરીને રશિયનો આગવું આણ્વિક આયુધ બનાવી લેશે.

જો એસ.આઈ. તે રીતે બન્યું તો પહેલા સુપર ઇન્ટેલિજન્ટ મશીનનો હાથ બીજા મશીનો કરતાં વ્યૂહાત્મક રીતે ઉપર રહેશે. જોખમ એ છે કે જો આવા એકમાત્ર એસ.આઈ. સુધી નઠારા હાથ પહોંચી ગયા તો તેઓ તેનો ઉપયોગ સામૂહિક નિકંદન માટે કરી શકે. અથવા, તે મશીનમાં કોઈ ખરાબી આવી અને તે પોતે કશુંક ખતરનાક– જેમ કે માણસો મારી નાખવા– કરી બેસે ત્યારે આપણી પાસે સ્વ બચાવ માટે ના તો સાધનો હશે ના તો બુદ્ધિમત્તા.

પણ જો વૈજ્ઞાનિકોનાં ઘણાંબધાં જૂથ સાથે મળીને કામ કરે, એકબીજા સાથે એડવાન્સ્ડ ટેક્નોલોજીની આપલે કરે તો માનવજાત ધીમે ધીમે એસ.આઈ. બનાવી કાઢશે. આવા સામૂહિક પ્રયત્નમાં ઘણાં બધા વૈજ્ઞાનિકો સંકળાશે જે દરેક પ્રક્રિયાનું પ્રત્યેક પગલું ચકાસશે અને ધ્યાન રાખશે કે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ થાય. આવા સામૂહિક પ્રયત્નનો પુરોગામી એટલે હ્યુમન જિનોમ પ્રોજેક્ટ, જેમાં માણસના ડી.એન.એ.નું મેપિંગ કરવા ઘણાં બધા દેશોના ઘણાબધા વૈજ્ઞાનિકો જોડાયેલા.

બીજો એક સારો વિકલ્પ તે સમાજની ચાંપતી નજર– સુરક્ષા સંબંધી ધોરણો અને નાણાકીય કરારની શરતો એવાં રાખવાં કે વૈજ્ઞાનિકો સ્વતંત્ર રીતે કામ કરવામાં પાછા પડે.

આવા સામૂહિક પ્રયત્નો ચાલતા હોય તેવામાં ઝડપી પ્રયત્નો વડે કોઈ એક એસ.આઈ. બની જવાની શક્યતા તો છે જ, પણ સામૂહિક ધોરણે બનનારા મશીનનાં સુરક્ષા ધોરણો માણસ માટે વધારે અનુકૂળ હોવાનાં.

૫. સુપર ઇન્ટેલિજન્સને માનવીય મૂલ્યો શીખવા પ્રોગ્રામ્ડ કરીને આપણે અણધારી મુશ્કેલીઓ રોકી શકીશું.

તમે આ ચિંતનકણિકા લાખો વખત સાંભળી હશે–આપણે શું ઈચ્છીએ છીએ તેના વિશે સભાન રહેવામાં જ શાણપણ છે–અને તે વાત સાચી છે. આપણે જ્યારે સુપર ઇન્ટેલિજન્સ તરફ આગળ વધી જ રહ્યા છીએ ત્યારે ટેક્નોલૉજી તેના હેતુ બાબતે ગેરસમજ ના કરે અને કોઈ ખતરનાક નુકસાન ના કરી બેસે તે પાકું કઈ રીતે કરવું?

આ સમસ્યાનું સમાધાન એસ.આઈ.ને સોંપાયેલ કામના પ્રયોજનનું પ્રોગ્રામિંગ કરવામાં છે. દાખલા તરીકે, આપણે પેપર ક્લિપ બનાવવા માટેનો એસ.આઈ. બનાવ્યો. વાત ખૂબ નાની છે પણ તે મશીન દુનિયાભરની સામગ્રી વાપરીને યુ પિનના હિમાલય ઊભા ના કરી દે તે માટે શું કરવું તે જોવું પડે.

આ છેતરામણું છે. કારણકે, એ.આઈ. તો જે કામ માટે તેને પ્રોગ્રામ કર્યું હોય તે કામ કરે જ્યારે એસ.આઈ. તેના પ્રોગ્રામની ઉપરવટ જઈ શકે અને તે પણ એવું કે તેની સરખામણીમાં વામણાં એવાં આપણાં મગજ ધારી પણ ના શકે.

પણ, આ સમસ્યાના ઉકેલ છે. જેમ કે, એ.આઈ. હોય કે ડબલ્યુ.બી.ઈ.--તેઓ આપમેળે માનવીય મૂલ્યો શીખે તેવું તેમનું પ્રોગ્રામિંગ કરી શકાય. દાખલા તરીકે, એસ.આઈ.ને શીખવી શકાય કે તે જે કામ કરવા જઈ રહ્યું છે તે પાયાનાં માનવીય મૂલ્યોની લાઈનદોરીમાં છે કે નહીં તે ચકાસવું. આ રીતે આપણે એસ.આઈ.ને 'બિનજરૂરી પીડા ઓછામાં ઓછી કરવી' અથવા 'વધુમાં વધુ નફો મેળવવો' જેવા હેતુ માટે પ્રોગ્રામ્ડ કરી શકીએ.

તે પછી, કંઈ પણ કરતાં પહેલાં મશીન ગણતરી કરશે કે પ્રસ્તાવિત કામ માનવીય હેતુઓ સાથે મેળ ખાય છે કે કેમ. એમ બની શકે કે અનુભવ વધતાં એ.આઈ. એવી સમજ કેળવી લે કે કયાં પગલાં યોગ્ય છે અને કયાં નથી.

એક બીજી સંભાવના પણ છે. આપણે એ.આઈ.નું પ્રોગ્રામિંગ એમ પણ કરી શકીએ કે માનવજાતના મોટાભાગનાં મૂલ્યોને આધારે તે આપણો ઇરાદો તારવી લે.

આ રીતે : એ.આઈ. માણસના વર્તનનો અભ્યાસ કરે અને સરવૈયું કાઢી સર્વસામાન્ય માનવીય અપેક્ષાઓ નક્કી કરે. તે મશીન આપમેળે પોતાને પ્રોગ્રામ કરી શકે તે રીતે પ્રોગ્રામ્ડ હશે. જેમ કે, બધી સંસ્કૃતિઓનાં ખાનપાનના રીતિરિવાજ જુદાં જુદાં હોય પણ ઝેરી ખોરાક ન ખાવો એ ચલણ બધે જ હોવાનું. નિરીક્ષણ કરીને સતત શીખતું જતું એસ.આઈ. સમય સાથે દુનિયામાં આવતાં પરિવર્તનોને અનુરૂપ પોતાનાં ધોરણો બદલતું જશે.

૬. બુદ્ધિશાળી મશીનો સમગ્ર માનવીય કામદાર વર્ગની જગ્યા લઈ લેશે.

સત્યાનાશ ને નિકંદનની વાતો બહુ થઈ. મશીનને કારણે થનારા સાક્ષાત્કાર બાબતે આગોતરા ભયભીત થવાને બદલે આવો, જોઈએ કે સામાન્ય બુદ્ધિશાળી ટેક્નોલોજી કઈ રીતે વિકસાવી શકાય તેમજ કામમાં લઈ શકાય.

ટેક્નોલોજીની વધતી જતી સુગમતા અને ઘટતી જતી કિંમતને કારણે જેના માટે માણસના હાથ-પગની જરૂર પડે તેવાં કામ કરનારાં મશીનોનું જથ્થાબંધ ઉત્પાદન સસ્તું પડશે. તેનો અર્થ એમ કે મશીનો બધાં માનવ કારીગરોની જગ્યા તો લેશે જ, તે મશીનોની જગ્યાએ બીજાં મશીન પણ મૂકી શકાશે.

જેમ કે, જો ડબલ્યુ.બી.ઈ. કારીગરને આરામની જરૂર પડે તો, માણસની જેમ જ, તેના બદલે બીજા મશીનને કામે લગાડશે. આથી, ઉત્પાદનનો સમય જરા સરખો પણ બગડશે નહીં. વળી, આમ કરવું ખૂબ સહેલું પડશે– એક ડબલ્યુ.બી.ઈ. ટેમ્પ્લેટ પ્રોગ્રામ કરી શકાય જે એમ માને કે પોતે હમણાં જ વેકેશન માણીને આવ્યું છે. વળી, આવા ટેમ્પ્લેટની અગણિત નકલ કરી નવા નવા મશીન કારીગર ઊભા કરી શકાય.

બેશક, આ એક પ્રકારે મશીનોને ગુલામ બનાવવા જેવું છે અને તેને લગતા નૈતિક પ્રશ્નો પણ ઊભા થાય છે. દાખલા તરીકે, કોઈ એક મશીનને ખ્યાલ આવે કે પોતે આજે સાંજે મૃત્યુ પામવાનું છે તો આપણે તેને સાંજે મરવાનું આવકારવા પ્રોગ્રામ્ડ કરીશું. પણ શું આ નૈતિક છે? આ કૃત્રિમ કર્મચારીઓને ઊર્મિશીલ ચેતન ગણવા કે અચેતન સાધન?

એસ.આઈ. મશીન ફક્ત આપણું કામ જ પડાવી નહીં લે; તેઓ આપણા અંગત જીવનની રોજિંદી બાબતો પર પણ કબજો જમાવશે. જેમ જેમ આ મશીનોનાં મગજ માણસના મગજ જેવાં થતાં જશે, આપણે તેમનો ઉપયોગ આપણા જીવનને બહેતર બનાવવા કરી શકીશું; જેમ કે, આપણે એવો પ્રોગ્રામ બનાવી શકીશું જે આપણા વિચારોને શબ્દોમાં મૂકી આપે કે આપણાં વ્યક્તિગત ધ્યેયોને આપણા કરતાં વધારે સારી રીતે ગોઠવી આપે.

આવી પ્રગતિનો અર્થ એમ થાય કે માણસનું અસ્તિત્વ મોટાભાગનું પરચાલિત, ઓછા જોખમવાળું, સાહસના અભાવવાળું અને વધારે પડતું ગોઠવાયેલું બની જશે. અને તે આપણને ક્યાં લઈ જશે? આવા ભવિષ્યમાં આપણે સમય કેવી રીતે પસાર કરીશું?

૭. સુપર ઇન્ટેલીજન્ટ ભવિષ્યમાં સામાન્ય માણસ ગરીબ બનશે અથવા રોકાણો પર આધાર રાખનાર બનશે; ધનવાનો નવી નવી સવલતો ખરીદશે.

એ તો સ્પષ્ટ જ છે કે રૉબોટિક કારીગરો આપણા અર્થશાસ્ત્રને જ નહીં, આપણી જીવનશૈલી અને ઇચ્છાઓને સમૂળગાં બદલી નાખશે. મશીની મજૂરો સસ્તા થવાથી કામદારોનો પગાર એટલો ઓછો થઈ જશે કે કોઈ પગાર પરથી જીવનનિર્વાહ કરી શકશે નહીં. વળી, મશીનોને નોકરીએ રાખી શકનારા ગણ્યાગાંઠ્યા શેઠિયા થોડાં મશીન વડે અઢળક ધનોપાર્જન કરશે.

આ વાત આપણને વળી જૂના મુદ્દા પર લઈ જાય છે કારણ કે, ધનસંચય ક્યાં થશે તેનો આધાર એના પર છે કે એસ.આઈ. કોઈ એક ખાસ જૂથે બનાવેલું છે કે તે કોઈ લાંબા ગાળાના સામૂહિક પ્રયત્નનું પરિણામ છે? જો પહેલો વિકલ્પ હશે તો મોટાભાગના લોકો પાસે આવક ઊભી કરવાના રસ્તા મર્યાદિત થઈ જશે--જેવાં કે મકાન ભાડે આપવું કે પછી બચત ઉપર જીવનનિર્વાહ કરવો.

પણ, જેમની પાસે મિલકત કે બચત નહીં હોય તેમનું શું?

તે વંચિત રહી જશે. તેમણે છેલ્લી પાઈ ખર્ચીને પોતાને ડિજિટલ જીવન સ્વરૂપમાં અપલોડ કરવા પડશે--જો એવી ટેક્નોલોજી આવી ગઈ હશે તો; નહીં તો અતિધનાઢ્યોની ખેરાત પર આધાર રાખવો પડશે.

અને ધનપતિઓ?

આજે તેઓ જેને સૌથી વધુ મહત્ત્વની ગણે છે તેવી સગવડોમાં તેમને કોઈ રસ નહીં રહે. મશીનો બધું કામ કરી લેતાં હોવાથી માનવસર્જિત કંઈપણ વસ્તુ કે બાબત વિરલ બનશે, જેમ આજે હસ્તકળાની ચીજો છે તેમ. આજે જેમ વાઇન કે ચીઝ છે તેમ ભવિષ્યમાં કદાચ માણસે બનાવેલા કી ચેઈનની કિંમત હશે.

પણ, ઉત્પાદનની નવી વિધાને કારણે આપણે કલ્પી પણ ન હોય તેટલા પ્રકારની ટેકનોકલૉજિકલ ચીજવસ્તુઓ--કદાચ ફરીથી યુવાની મેળવવાનું કે અમર થવાનું--શક્ય બનશે. આથી, પોતિકા ટાપુ કે યાટ્ચ ખરીદવાને બદલે ધનકુબેરો પોતાને ડિજીટલ દિમાગમાં કે જેનો વિનાશ ન થઈ શકે તેવાં હ્યુમેનોઈડ વર્ચ્યુઅલ શરીરોમાં અપલોડ કરવામાં નાણાં ખર્ચશે.

જો કે આ કલ્પનો એમ ધારી લીધા પછીનાં છે કે સુપર ઇન્ટેલિજન્ટ કારીગર રૉબોટ ન તો કોઈ ક્રાંતિ કરશે કે ન તો માનવસભ્યતાનો નાશ કરશે. આથી, એસ.આઈ. માટે જે કોઈ રસ્તે આગળ વધીએ, સુરક્ષાનો મુદ્દો મહત્ત્વનો રહેવાનો છે.

૮. સુપર ઇન્ટેલિજન્સ વિકસાવતાં પહેલાં આપણે સુરક્ષાને પ્રાધાન્ય આપવું પડશે.

એ તો સ્પષ્ટ છે કે એસ.આઈ. તરફની ગતિ અનેક પ્રકારની સુરક્ષાના પ્રશ્નો ઊભા કરવાની અને તેમાં સૌથી ખરાબ શક્યતા માનવજાતના નિકંદનની છે. જે હેતુઓ સાધવા આપણે એસ.આઈ. બનાવવા ઈચ્છીએ છીએ તે ધ્યાનમાં રાખીને આપણે કેટલીક સાવધાનીઓ રાખીશું પણ એટલું પૂરતું નથી.

તો શું કરવું?

એસ.આઈ. જેવી અતિ શક્તિશાળી તાકાતને લાવતાં પહેલાં પ્રત્યેક શક્ય સંભાવના ચકાસી જોવી. દાખલા તરીકે, ધારો કે કેટલીક ચકલીઓએ ઘુવડનું બચ્ચું દત્તક લીધું. વફાદાર ઘુવડનું પાસે હોવું ચકલીઓ માટે તો ફાયદાકારક જ રહે; એક વધારે શક્તિશાળી પક્ષી સુરક્ષા કરે, ભોજન શોધી લાવે અને નાનાં મોટાં બીજાં કામ કરે. પણ આ બધા મોટા ફાયદા મોટાં જોખમ સાથેના છે: ઘુવડને ભાન પડે કે પોતે ઘુવડ છે અને બધી ચકલીઓ ઓહિયાં કરી જાય.

આથી, ચકલીઓ માટે તાર્કિક અભિગમ એ થયો કે ઘુવડ ચકલીઓને પ્રેમ કરે તે માટેનું ઝીણવટભર્યું આયોજન કરવું અને તે માટે ઘુવડ શેતાની તાકાત બને તો શું થાય તેની બધી શક્યતાઓ ધ્યાનમાં લેવી.

તો, આપણે આપણા અતિ બુદ્ધિશાળી રૉબોટિક બાળઘુવડને માણસને ચાહવાનું કઈ રીતે શીખવીશું?

આપણે જાણીએ છીએ તેમ લાંબા ગાળાના આંતરરાષ્ટ્રીય સહયોગ વડે આપણે સુરક્ષાને પ્રાથમિકતા આપી શકીએ.

પહેલો એસ.આઈ. બનાવી કાઢવાની સ્પર્ધાત્મક દોડ જોખમી કેમ છે?

કારણ કે, વૈજ્ઞાનિકો તેમની ઝડપ માટે સુરક્ષાને અવગણે અને પોતાનું કામ બીજાને બતાવે નહીં. તેનો અર્થ એમ કે જો કોઈ એક એસ.આઈ. બનાવવામાં ખતરનાક સરતચૂક થાય અને તેને કારણે માનવજાત પર ગંભીર જોખમ ઊભું થાય ત્યારે તે મશીનને બંધ કરવા જેટલી તેની ડિઝાઇન સમજતા હોય તેવા માણસો ગણ્યાગાંઠ્યા હશે.

તેને બદલે જો સરકારો, સંસ્થાઓ અને સંશોધક જૂથ એકબીજા સાથે જોડાય તો તેઓ ધીમે ધીમે એક સુરક્ષિત અને ઘણું ઉપયોગી એસ.આઈ. બનાવી શકે. કારણ કે, બધાં જૂથ ડિઝાઇનના દરેક તબક્કે એકબીજાનું કામ જોતાં જઈ એકબીજા સાથે સુરક્ષાને લગતા વિચારનું આદાનપ્રદાન કરી શકે. એટલું જ નહીં, તેનાથી થનારા વૈશ્વિક સ્તરના ફાયદાને કારણે આંતરરાષ્ટ્રીય સુપર ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ વિશ્વશાંતિનો પ્રસારક બની શકે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો જ દાખલો લો, જેના કારણે અમેરિકા અને રશિયા વચ્ચે સંબંધોમાં સ્થિરતા આવી છે.

અંતિમ સારાંશ

આ પુસ્તકનો મુખ્ય સંદેશ:

માણસની આવડત કરતાં અનેક ગણી વધારે ક્ષમતાવાળું સુપર ઇન્ટેલિજન્ટ મશીન બનાવવાની વાત એક જોખમી ઉમેદ અને ખતરનાક રસ્તો છે. આવી ટેક્નોલોજી સુરક્ષિત હોય તે પાકું કરવું પડશે અને તે માટે આપણે જવાબદારીપૂર્વક તપાસ્યા વગરના ટેક્નોલોજીકલ આવિષ્કારો કરતાં સુરક્ષાને પ્રાથમિકતા આપવી પડશે. આપણી પ્રજાતિનું ભવિષ્ય આપણા આધારે છે.

નિક બોસ્ટ્રોમ દ્વારા લિખિત "સુપર ઇન્ટેલિજન્સ : માર્ગ, જોખમ, વ્યૂહ" સામાન્ય કૃત્રિમ બુદ્ધિમતા (આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલીજન્સ-એ.જી.આઈ.)ની માનવજાત પર થનારી સંભવિત અસરો, તેનાં જોખમો અને પડકારોની વાત કરે છે. બોસ્ટ્રોમ એ.જી.આઈ.ની સંકલ્પનાની વાત માંડે છે જે પ્રત્યેક બૌદ્ધિક કામમાં માનવીય બુદ્ધિમતાને વટી જાય તેવું સ્વચાલિત તંત્ર હોવાનું છે. આ પુસ્તક એ.જી.આઈ. વિકસાવવા માટેના તેમજ તેના વિકાસને અસર કરવાના હોય તેવા વિકલ્પો વિશે વાત કરે છે.

માનવીય હેતુઓ અને મૂલ્યો સાથે સુમેળમાં ન હોય તેવાં એ.જી.આઈ.ને કારણે ઊભા થનારા સંભવિત જોખમ પર બોસ્ટ્રોમ ભાર મૂકે છે. માનવજીવન સાથે સુસંગત ન હોય તેવી નૈતિકતા અથવા જુદી સમજ તેમજ જુદાં મૂલ્યોને કારણે માણસ અને એ.જી.આઈ વચ્ચે ઊભી થનારી અવાંછનીય સંભાવનાઓ બાબતે તે પ્રશ્નો ઊભા કરે છે.

આ પુસ્તકમાં બોસ્ટ્રોમ એ.જી.આઈ.ના વિકાસના સકારાત્મક પરિણામોની ખાતરી આપે તેવાં વ્યૂહ અને રસ્તાઓની ચર્ચા કરે છે. યોગ્ય મૂલ્યઘડતર માટેનું મજબૂત માળખું ઊભું કરવાનું મહત્ત્વ, એ.જી.આઈ.ની ડિઝાઇન સુરક્ષા દરકાર સાથે કરવી અને એ.જી.આઈ.ને કારણે ઊભા થનારા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણો બનાવવાં વિશે તે વાત માંડે છે.

ટૂંકમાં, "સુપર ઇન્ટેલિજન્સ : માર્ગ, જોખમ, વ્યૂહ" પુસ્તક એ.જી.આઈ.ની સંભવિત અસરોની તપાસ માટે ગહન વિચારણા અને તેના વિકાસ સાથે સંકળાયેલાં જોખમ અને વ્યૂહ વિશેની માહિતી પૂરી પાડે છે. સાથે સાથે તે પડકારોના ઉકેલ માટે આગોતરી તૈયારી કરવાના મહત્ત્વ પર ભાર મૂકીને તે ટેક્નોલોજી માનવજાત માટે ફાયદાકારક પરિણામો આપનારી બને તે પાકું કરવાની વાત કરે છે.

"સુપર ઇન્ટેલિજન્સ : માર્ગ, જોખમ, વ્યૂહ"માંથી કેટલાંક વિચાર બિંદુ :

1. પહેલું અતિ બુદ્ધિશાળી મશીન બનાવવું તે માણસજાતનું છેલ્લું સંશોધન હશે; સિવાય કે મશીન પોતે એટલું ભોળું હોય કે આપણને કહી દે કે તેને કાબૂમાં કઈ રીતે રાખવું.

2. આપણી પાસે એક ગ્રહ છે અને આપણે તેને ખૂબ ઝડપથી વાપરી રહ્યા છીએ. ભવિષ્યની સંકુલતાઓ સામે માર્ગદર્શક તરીકે આપણે પાસે એક દોરી છે અને આપણે તેને ઝડપથી ઉકેલી રહ્યા છીએ.

3. ટેક્નોલૉજીનો ઈતિહાસ એટલે એક એવી સમયસારણી જેમાં ઠીકઠાક નહીં, સુવ્યવસ્થિત અને મજબૂત કામ કરતાં સાધનો અને પદ્ધતિઓ બદલી નંખાતાં રહ્યાં.

4. તેના મશીનના બંધારણ વખતે આપણે તેનામાં માનવીય મૂલ્યો મૂક્યાં હોય તેથી કદાચ સુપર ઇન્ટેલિજન્ટ એ.આઈ. તે મૂલ્યોની કદર કરે. પણ‌ તે મૂલ્યો માટે થઈને મૂલ્યો જાળવે નહીં. શક્ય છે કે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા તે તેમનો ઉપયોગ પણ કરે.

5. "આપણું મિત્ર ના હોય એવું સુપર ઇન્ટેલિજન્સ એક જ વાર અસ્તિત્વમાં આવી ગયું તો તે તેનામાં કોઈ ફેરફાર કરતાં કે તેની પસંદ બદલતાં આપણને રોકશે; આપણું નસીબ એ દિવસે નક્કી થઈ જશે. "

6. "રન વેની જે ધારે સ્વ સુધારણા પર કાબૂ છૂટી જાય છે તે સરહદને ક્યારેક 'ટૅક ઑફ' કહે છે."

7. "સુપર ઇન્ટેલિજન્સ અને તેના પરના કાબૂ વિશે ઉઠતા સવાલોને કારણે લાગણીઓનાં સ્વરૂપ અને ભવિષ્ય, માનવસ્વભાવ અને ભવિષ્ય સાથે તેની સુસંગતતા બાબતે પ્રશ્નો ઊભા થાય છે."

8. "માણસજાતની મુખ્ય યોજના છે ટેક્નોલોજીના યુગ તરફ મંડાણ કરતી વખતે જ તેનાં પ્રતિકૂળ પરિણામોને રોકવાં."