ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાજેન્દ્ર પટેલ/લિફ્ટ

Revision as of 02:38, 7 September 2023 by Meghdhanu (talk | contribs) (added photo)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રાજેન્દ્ર પટેલ
Rajendra Patel.png

લિફ્ટ

રાજેન્દ્ર પટેલ

બે દિવસથી લિફ્ટ બંધ હતી. જાણે બધું જ થંભી ગયેલું.

આખું જીવન માનોને થીજી જ ગયું. કંટાળા તથા મૂંઝવણથી હું અકળાઈ ઊઠ્યો હતો. સાવ નિરુદ્દેશે મારા દેશમાં માળના ફલૅટનો દરવાજો ખોલી, લિફ્ટની જાળી પાસે આવી નીચે જોઈ રહ્યો. કશીક અજાણી રિક્તતા મને ઘેરી વળી. એક અંતહીન અંધ ક્ષણ મને ગૂંગળાવતી હતી. તેથી હું મનોમન લિફ્ટ ચાલુ થાય તેવું પ્રબળ ઇચ્છવા લાગ્યો. એ બે દિવસ મારા જીવનના સૌથી લાંબા દિવસ હતા.

ત્રીજા દિવસે સવારે અચાનક હું ઊઠ્યો. જાણે મને લિફ્ટનો દરવાજો ખૂલ્યાનો અને બંધ થવાનો અવાજ સંભળાયો. લિફ્ટ મને બોલાવતી હોય તેવું લાગ્યું. હું બેડરૂમમાંથી દોડ્યો. ફલૅટનું બારણું ધડાધડ ખોલીને બહાર નીકળી લિફ્ટની જાળી તરફ જોયું. સવારના આછા અજવાળામાં લિફ્ટની જાળી પાછળ કેબલને ખસતો જોયો ને મારા કોષકોષ મલકાઈ ઊઠ્યા. કદાચ, જીવનમાં આટલો આનંદિત અવસર પહેલી વાર અનુભવ્યો.

ગામથી શહેરમાં રહેવા આવવાનું નક્કી કર્યું ત્યારે ઓછા બજેટમાં, સારી લોકાલીટીમાં, મોટા મકાનમાં રહેવાનો આગ્રહ સેવ્યો. એક મિત્ર મને મસમોટાં બહુમાળી મકાનોની યાદીમાંથી આ ફ્લૅટ બતાવ્યો. ચારે બાજુથી મોટા બિલ્ડિંગોથી ઘેરાયેલા આ બહુમાળી મકાનના દસમા માળના ફલૅટની બારી ખોલી તો એક બાજુ સામે ખુલ્લું મેદાન જોઈ મેં તેની ઉપર કળશ ઢોળેલો. મકાન શોધતાં તે દિવસોમાં હું એટલો અટવાયેલો કે દસ માળના આ મકાનની લિફ્ટ તરફ મારું ધ્યાન જ ગયેલું નહીં.

તે પણ જેવા અમે ત્યાં રહેવા આવ્યાં કે તરત જ સૌ પ્રથમ મારું ધ્યાન આ લિફ્ટ ઉપર ગયું. ઑફિસ જવા નીકળતો ત્યારે લિફ્ટનું બટન દબાવ્યા પછી બેત્રણ મિનિટ વહી જતી ત્યારે, હું અધીરો થઈ જતો, રઘવાયો રઘવાયો પૉર્ચમાં આંટા મારતો ને ક્યારેક જંગલી પશુની જેમ બંધ જાળીને હચમચાવી નાખતો. ત્યારે અધીરાઈમાં પસાર કરેલી એ બેત્રણ મિનિટ મને દશ, પંદર મિનિટ જેવી લાંબી લાગતી. પણ જેવો લિફ્ટમાં પ્રવેશતો ને લિફ્ટ ચાલુ થતી કે હું આંખ પળ માટે મીંચી લેતો. ત્યારે લાગતું કે કશુંક મારી અંદર ઊતરી રહ્યું હોય અને કશા કારણ વગર બધું ગમવા લાગતું. એ બેત્રણ મિનિટ મને થોડીક સેકન્ડો જેવી લાગતી. હું લિફ્ટની બહાર નીકળતાં સહેજ વહાલથી તેની દીવાલને અડી લેતો.

પહેલાં, નવાસવા, જવા આવવાના સમયમાં કામમાં ગળાડૂબ હોઉં એટલે આસપાસના કશામાં ધ્યાન જતું નહીં. પણ એક દિવસે હું ઑફિસથી ઘરે આવ્યો ત્યારે સ્કૂટર પાર્ક કરતાં જ સામે લિફ્ટ આવીને ઊભી. જાણે મારા માટે જ તે ક્ષણે ત્યાં ન આવી હોય! હું ઝડપભેર લિફ્ટની જાળી ખોલી અંદર પ્રવેશી ગયો. એ ચીલઝડપ હતી. તેથી મારા પ્રવેશતાં પહેલાં ઉપર બીજા કોઈ કોલ આપી લિફ્ટ ઉપર ખેંચી ન જાય. એ ક્ષણમાં મેં જોયું કે મારું અસ્તિત્વ લિફ્ટની જોડે એકાકાર થઈ ગયેલું. પણ, હજુ લિફ્ટનો દરવાજો બંધ કરું તે પહેલાં એક સુંદર રૂપાળી કન્યા મારી પાછળ જ ઝડપથી પ્રવેશી. તેણે ઝડપથી લિફ્ટનો દરવાજો બંધ કર્યો અને સાતમા માળનું બટન દબાવ્યું. મેં પણ દસમા માળનું બટન દબાવ્યું. આમ એક સાથે બટન દબાવવા જતાં અનાયાસ અમારો સ્પર્શ થઈ ગયો. ક્ષણ બે ક્ષણ લિફ્ટ જેટલો જ તેનો એ સ્પર્શ ગમ્યો. કદાચ પહેલી વાર મારું ધ્યાન તેના તરફ ગયું. અમે બંનેએ સામસામે અનાયાસે જ ‘Sorry’, કહ્યું. તેની મોટી આંખમાં તરવરતી પાણીદાર કીકી મને જોઈ રહી અને હું પણ અનાયાસ તેની સામે નજર માંડી બેઠો. લિફ્ટ ઉપર ચડતી હતી. મેં ક્ષણ માટે દર વખતની જેમ આંખ બંધ કરી તો તે તરવરતી રહી. અમે ઘણા સમયથી, કદાચ જન્મોથી પરિચિત હોઈએ તેવું લાગ્યું. કોણ જાણે મને થયું કે આના સાંનિધ્યમાં બસ લિફુટ ઉપર ને ઉપર ચડ્યા જ કરે… અને ક્યાંય ઊભી ના રહે તો કેવું સારું! એક હળવા આંચકા સાથે સાતમા માળે લિફ્ટ ઊભી રહી. તે સાતમા માળના એક ફ્લેટ તરફ જતી રહી. લિફ્ટ આઠમા માળે આવી ત્યારે મને થયું, હું પાછો સાતમા માળે જાઉં પણ આમ વિચાર ચાલે ત્યાં તો દસમા માળે લિફ્ટ આંચકા સાથે ઊભી રહી. હું નાછૂટકે બહાર નીકળી મારા ફુલૅટમાં ઘુસી ગયો.

પહેલવહેલો મને લિફ્ટમાં વધુ રસ ત્યારે પડેલો કે જ્યારે અમારા લિફ્ટમૅને મને એક વાત કરી, બન્યું એવું કે એક દિવસ હું ને લિફ્ટમૅન બંને એકલા લિટમાં ભેગા થઈ ગયા. આમ તો હતો તે લિફ્ટમૅન પણ રહેતો મોટા ભાગે લિફ્ટ બહાર. લોકોના ટાંપાર્ટયાં ને ધક્કામાં જ રહેતો. મોટા ભાગે એવું બનતું કે લિફ્ટમાં એકલા હોવાનો Chance પણ ભાગ્ય બનતો. આટલા મોટા બહુમાળી ફ્લૅટમાં કોઈને કોઈ આવતું જતું રહેવાનું જ. મને એકલો જોઈ તે બોલ્યો, ‘સાહેબ, તમારાં પગલાં શુકનવંતાં છે.

તમે નસીબદાર ને ખૂબ સારા માણસ છો.’ મેં કહ્યું, ‘ભલા માણસ, આમ કેમ કહે છે?’ એ કહે, ‘સાહેબ, તમારે માનવું હોય તો માનજો ને ના માનવું હોય તો ના માનશો. પણ જ્યારે તમે લિફ્ટમાં આવો છો ત્યારે ત્યારે મોટા ભાગે લિફ્ટ આખી ભરાઈ જાય છે, અણધાર્યાય લોકો આવી જાય છે. મારું ખાસ marking છે. ઘણા લોકો એવા હોય છે કે તેઓ આવે ત્યારે કોઈ જ ના આવે. લિફ્ટ ખાલી જ આવે – જાય. કોઈ આવતું હોય તોય રોકાઈ જાય, ને બીજા ફેરમાં આવે. સાહેબ, તમે લિફ્ટ માટે શુકનવંતા છો.’

જીવનમાં પહેલી વાર કોઈકે આવા સારાં વખાણ કર્યા હોય એટલે, કે લિફ્ટ જોડે લગાવ થઈ ગયો હોય એટલે પણ મને તે બોલ્યો તે બધું ગમ્યું. એટલું જ નહીં પણ મેં તેથી લિફ્ટની ચોતરફ ખૂબ જ વહાલ અને પ્રેમથી નજર ફેરવી. જાણે બધું ખૂબ ચિરપરિચિત લાગ્યું. આમ ને આમ અહીં રહેવા આવ્યા પછી મને લિફ્ટમાં આવવું જવું ખૂબ ગમવા માંડ્યું. ધીરે ધીરે લિફ્ટ જોડે મારી આત્મીયતા બંધાવા લાગી. હવે મને કંટાળો આવતો નહીં ને ઊલટાનું સવાર પડે ને મને લિફ્ટ યાદ આવે. ઑફિસ જવા કરતાં લિફ્ટમાં જવાની વાતથી હું વધુ હરખાઈ જતો. કોણ જાણે ઘણી વખત મને લાગતું કે બાળકોને લિફ્ટમાં જવુંઆવવું ગમતું હોય છે તો તેઓ પણ લિફ્ટને પ્રેમ કરતાં હશે? ભૂલકાંની ધમાલ અને તોફાન જોઈ ઘણી વાર મેં લિફ્ટને હસતી અનુભવી છે. આમ જ્યારથી લિફ્ટ જોડે દોસ્તી થઈ ત્યારથી બધું બદલાવા લાગ્યું. છે એવું નથી કે મને મારા જ બિલ્ડિંગની લિફ્ટ જ ગમે છે. પણ બીજા કોઈ પણ બિલ્ડિંગની લિફ્ટ એટલી જ ગમવા લાગી. સમય જતાં લિફ્ટની અંદર પ્રવેશતાં બધાં જ ગમવા લાગ્યાં. જાણે એક જ ઉદ્દેશથી પ્રવાસ કરતા સહપ્રવાસી. લિફ્ટમાં વિહારની તે પળોમાં હું બધાના ચહેરા વાંચવા માંડ્યો. એક પ્રકારની આત્મીયતા હું અનુભવવા માંડ્યો. તેથી એક દિવસ પેલી સુંદર કન્યા સાતમે માળથી પ્રવેશી તેવો જ હું મલકાઈ ઊઠ્યો. મેં ધીરેથી કહ્યું ‘Good Morning’. એ પણ સહેજ હસીને મીઠું રણકી ‘Very Good Morning’, તેણે લગાવેલા પરફયુમથી લિફ્ટ મઘમઘી ઊઠી. ત્યારથી મારા લિફ્ટમાં જવા-આવવાના સમય પહેલાં એ આવી ગઈ હોય તો તેની સુગંધથી મને ખબર પડી જતી, તે સુગંધથી મેં તેનો સમય નક્કી કર્યો ને હું અનાયાસે જ એ સમયમાં આવવાનું પસંદ કરવા લાગ્યો. ધીરે ધીરે મને એ પણ ખબર પડવા લાગી કે પાંચમા માળવાળા અન્કલ કે છઠ્ઠી માળવાળા આન્ટી કે નવમાં માળવાળા કર્નલ કે ત્રીજા માળવાળા સિંધી સજ્જન તાજેતરમાં આવી ગયા હોય, તો મને તેનો અહેસાસ થઈ જતો.

જ્યારે જ્યારે પેલી સુંદર છોકરી આવતી ત્યારે લિફ્ટનુંય રૂપ આંખે ઊડીને વળગે તેવું થઈ જતું. કોણ જાણે ધીરે ધીરે મને અનુભવાવા માંડ્યું કે જ્યારે જેવી વ્યક્તિ લિફ્ટમાં હોય ત્યારે તેવું વાતાવરણ અનુભવાતું. કર્નલ હોય ત્યારે ભારેખમ વાતાવરણ લાગતું. ઝઘડાળું આન્ટી હોય ત્યારે લિફ્ટ હંમેશા તંગ રહેતી. પેલા સિંધી સજ્જન હોય ત્યારે લિફ્ટમાં વધુ શાંતિ અને સંવાદિતા લાગતી. sportman ભાઈ હોય ત્યારે નવચેતનવંતું વાતાવરણ અનુભવાતું. જાણે દરેક વ્યક્તિનો ભાવ તે લિફ્ટમાં ફુટ થતો ન હોય? તેથી જ્યારે જ્યારે હું લિફ્ટમાં પ્રવેશતો ત્યારે તેમાં ખોવાઈ જવાનું મન થઈ આવતું. ઘણી વખત એવું બનતું કે લિટમાં હું એકલો હોઉં ત્યારે બહાર નીકળ્યા વગર જ ઉપરનીચે જતો આવતો. આમ લિફ્ટ મારા જીવનનો એક ભાગ બની ગઈ. સાચું કહું ઘણીયે વાર મને લિફુટ પેલી સુંદર પરી જેવી કન્યા લાગતી ને ઘણીયે વાર એ કન્યાને લિફ્ટમાં ઓગળી જતી મેં જોઈ છે. જાણે કે લિફ્ટ કન્યા.

કેટલીયે વાર લિફ્ટની સ્નિગ્ધ સપાટીનો સ્પર્શ પેલી પરીની ત્વચા જેવો લાગતો. જાણે કે લિફ્ટના એક એક કોષ સ્મિત વેરતા ન હોય!

અનેક વાર સ્વપ્નમાં લિફ્ટ દેખાવા લાગી. અરે! એક વાર તો લિફ્ટમાં સાક્ષાત્ કૃષ્ણ ભગવાન દેખાયા. હીંડોળાની જગ્યાએ લિફ્ટ શણગારેલી. સુંદર ફૂલો ને હીરામાણેકના ઝગારા મારતી લિફ્ટની અંદર સાક્ષાત્ કૃષ્ણ વાંસળી વગાડતા ઊભા હતા. ને લિફ્ટ ઉપરનીચે હીંડોળાતી હતી. આ સ્વપ્ન બાદ તો ઘણીયે વાર મને લિફ્ટ શ્રીકૃષ્ણના વાહન ગરુડ જેવી લાગી હતી. એક દિવસ તો મને સ્વપ્નમાં પેલી સુંદર કન્યા દેખાઈ. હું ને તે બંને લિફ્ટમાં હતા ને લિફ્ટ ઉપર ને ઉપર ચાલી, ઉપર ને ઉપર છેક દશમા માળથીયે ઉપર આકાશમાં, તેથીયે ઉપર વાદળની પેલે પાર અને તેથીયે ઊંચે છેક સ્વર્ગલોકને દ્વાર. સ્વર્ગલોકમાં ચોફેર લિફ્ટ જ લિફ્ટ, જુદા જુદા આકારની, રંગરૂપની. પછી ધીરે ધીરે લિફ્ટ નીચે ઊતરી છેક તળિયે. ધરતીના પેટાળમાં. લાવાની પણ કશી અસર થઈ નહીં. અંધકારને ચીરતી તે આગળ ને આગળ ઊતરી ત્યારે અમને તો સ્વર્ગ જેવું બધું આહલાદક લાગેલું. જ્યારે લિફ્ટ ગ્રાઉન્ડફ્લોર પર ઊભી રહી ત્યારે ટોળેટોળાં અમને જોવા ઊભેલાં, ફૂલોથી વધાવવા લાગ્યાં. ચોફેર સુગંધ જ સુગંધ. પણ અમે કંઈ વિચારીએ તે પહેલાં તો લોકો લિફ્ટના દરવાજામાંથી લિફ્ટમાં પ્રવેશવા માંડ્યા, લોકો લિફ્ટમાં ઊમટવા માંડ્યા. એક, બે, દસ, વીસ, પચ્ચીસ, પચાસ, સો, હજાર, લાખ. આખી દુનિયાના લોકો લિફ્ટમાં ઘૂસતા જ ગયા. ઘૂસતા જ ગયા. અમને ગૂંગળામણ થવા લાગી. મારી આંખ ખૂલી ત્યારે હું મહામુશ્કેલીથી શ્વાસ લેતો હતો. હું હાંફતો હાંફતો ફલૅટનો દરવાજો ખોલી બહાર આવ્યો ને લિફ્ટની જાળી પકડી ઊભો રહી ખાલી સ્પેસને તાકી રહ્યો. થયું લિફ્ટ ઊભી રહે તે નર્ક ને ચાલે તે સ્વર્ગ.

હવે મારે મન લિફ્ટ લિફ્ટ ન હતી પણ જીવંત સાથી હતી. જ્યારે જ્યારે મારા મનમાં લિફ્ટ વિષે વિચાર આવતા ત્યારે ત્યારે હું તેની જોડે એક હોઉં તેવું લાગતું. પછી તો એવું બનતું ગયું કે લિફ્ટમૅન પણ ગમવા લાગ્યો. લિફ્ટમાં આવતા-જતા બધા લોકો ય મારા જ અસ્તિત્વનો એક ભાગ લાગવા માંડ્યા. તેથીયે આગળ બહારના લોકો જાણે કોઈ મહાકાય લિફ્ટમાં આવતા-જતા, ભાગમ્ દોડ કરતા. આનંદ-દુઃખ અનુભવતા, જીવનમૃત્યુના ફેરા ફરતા, એકમેકમાં બદલાતા, બદલતા કલેવર લાગવા માંડ્યા. લિફ્ટે પાંજરાની જગ્યાએ ઘડિયાળનું સ્વરૂપ લઈ લીધું હતું. મેં ઘણીયે વાર લિફ્ટને માત્ર લિફ્ટ ગણવા પ્રયત્ન કર્યો, પણ જેમ જેમ હું તેમ કરતો ગયો તેમ તેમ વધુ ફસાતો ગયો. આખરે તેમાં ભળી જવાનો પ્રયત્ન કર્યો. તેના અણુએ અણુમાં અણુ બની ધબકવા પ્રયત્ન કર્યો ત્યારે હું સમજી શક્યો કે જે લિફ્ટ હતી તે તો અનન્ય વાસ્તવિકતા હતી. જેવો હું છું તેવી જ છે આ લિફ્ટ. ઘણી વાર લાગવા માંડ્યું કે જ્યારે હું લિફ્ટમાં હોઉં છું ત્યારે ગઈ કાલ અને આવતી કાલનું અસ્તિત્વ રહેતું નહીં. એક પ્રલંબ વર્તમાનકાળ વહી જતો અનુભવતો. તેથી તેની જોડે વહી જવામાં આનંદ આવતો.

ત્યાં એક વખતે બન્યું એવું કે સતત વરસતા વરસાદને લીધે ફૂલૅટથી નીચે ઊતરવાનું બન્યું નહીં. ત્યારે લિફ્ટમાં વિહાર કરવાનું બનતું નહીં. તેથી જીવ વલોવાઈ જતો. તેમાં વળી આ વખતે વરસાદે માઝા મૂકી. એક જ દિવસમાં અઢાર ઇંચ વરસાદ પડ્યો, બધું જ જળબંબાકાર. દસમા માળ ઉપરથી નીચે જોતાં કાળા ડામરના રોડની જગ્યાએ હિલોળા લેતાં પાણી જ દેખાય. રસ્તા ઉપર પાંચ ફૂટ પાણી, ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી જ પાણી, ભોંયરા અને બેઝમેન્ટ પાણીથી છલકાઈ ગયા. લિફ્ટનો નીચેનો ભાગેય પાણીમાં ગાયબ. પાણી એટલું બધું પડ્યું કે બધાની બુદ્ધિ જ બહેર મારી ગઈ. તેવે સમયે કોણ જાણે કેમ પેલી અતિસુંદર કન્યા લિફ્ટમાં વિહાર કરવા નીકળી. તે લિફ્ટમાં નીચે ઊતરી. તેનાથી ભૂલમાં ગ્રાઉન્ડફ્લોરની જગ્યાએ બેઝમેન્ટનું બટન દબાઈ ગયું. લિફ્ટ જેવી બેઝમેન્ટમાં પ્રવેશી કે ચારેકોરથી પાણી અંદર ધસી આવ્યું ને જોતજોતાંમાં ઇલેક્ટ્રિક કરન્ટ તેને ભરખી ગયો. તે ચીસાચીસ કરે તે પહેલાં તો બેભાન થઈ મરી ગઈ. લાઈટ બંધ કરાવી, ભોંયરાનાં પાણી ફાઇટર દ્વારા ઉલેચાયાં. આખા બિલ્ડિંગના લોકોનાં મોં નિસ્તેજ થઈ ગયાં.

પણ જ્યારે મેં જાણ્યું કે પેલી કન્યા કરંટથી કોલસા જેવી કાળી થઈ ગઈ છે ત્યારે દસમા માળની સીડી એક જ શ્વાસે ઊતરી ગયો. ભોંયરામાં

જ્યાં આ ઘટના બની હતી ત્યાં પહોંચ્યો. ચારે બાજુ અંધારું હતું. હતો દિવસ પણ વીજળી બંધ કરાવી દીધેલી જેથી વધુ અકસ્માત ન થાય. તેની લાશ ઉપર સફેદ ચાદર ઓઢાડેલી તે જોઈ હું નર્વસ બની ગયો. મારા પગ જાણે સીસા જેવા થઈ ગયા. હું અંધારામાં એક સૂકા થડ જેવો ઊભો રહ્યો. મેં નીચે નમી તેના ઉપરની ચાદર ખસેડી તેનો ચહેરો જોયો. તેનો કાળો પડી ગયેલો ચહેરો કળતાં વાર લાગી. એક બાજુ તેના કુટુંબીજનોની રોકકળ, બીજી બાજુ અંધારું, પરસેવો, કાદવની દુર્ગધ, લોકોનું ટોળું ને આ મસમોટું તોતિંગ ક્રૉન્ઝિટ બિલ્ડિંગ ભેંકાર લાગવા માંડ્યું બધું. હું મહામહેનતે ધીરે ધીરે બેઝમેન્ટની બહાર આવ્યો. દશ માળ ચડતાં દસ વાર ઊભું રહેવું પડ્યું. જાણે શક્તિ ગાયબ થઈ ગયેલી ને હું સાવ જ નિચોવાઈ ગયેલો. દસમા માળ ઉપર આવીને લિફ્ટની ખાલી જગ્યા જોઈ મન વિષાદથી ભરાઈ ગયું. લિફ્ટનું પાંજરું જાણે કે પક્ષી ઊડી ગયાનો શોક ન મનાવતું હોય?

ઘણા કલાકો પછી હું થોડોક સ્વસ્થ થયો. ટેલિફોન ડાયરી કાઢી. ઘર લેવેચ કરતા બ્રોકરનો નંબર શોધી તેને ટેલિફોન કર્યો. મેં કહ્યું, નારાયણભાઈ, મારે એક ઘર જોઈએ છે. શહેરથી થોડેક દૂર, ટેનામેન્ટ. માળ વગરનું ટેનામેન્ટ અને આ ફ્લૅટ કાઢી નાખવો છે…’ પેલા બ્રોકરે બધું લખી લીધું અને તરત ઘટતું કરવાનું વચન આપી ફોન મૂકી દીધો. હું બારીમાંથી દૂર ગોરંભાયેલું આકાશ જોઈ બેચેન થઈ ઊઠ્યો.

એ રાત્રે હું સૂઈ શક્યો નહીં. ઊંઘની ગોળી લઈ સૂવા પ્રયત્ન કર્યો. ગઈ કાલ સુધી તો જાણે એવું હતું કે લિફ્ટ વગરના મકાનમાં રહેવા જવું એટલે જાણે આત્મા વગરના ખોળિયામાં રહેવું. વહેલી સવારે આંખ મીંચાઈ. સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં હું લિફ્ટમાં ઉપર ને ઉપર જઈ રહ્યો હોઉં તેવું લાગ્યું. ઉપર ઊંચે જતાં જતાં કંઈ કેટલાય સમયે હું એવી જગ્યાએ પહોંચ્યો કે ત્યાં પેલી કન્યાએ મારું અભિવાદન કર્યું. હળવેથી મારો હાથ પકડી તે મને એક લિફ્ટમાંથી બીજી લિફ્ટમાં વળી તેમાંથી નવી લિફ્ટમાં લઈ જતી હતી. જાણે તેનો ઉદ્દેશ મને કોઈ એવી લિફ્ટમાં લઈ જવાતો હતો કે જ્યાં હું કાયમ લિફ્ટ બની રહી શકું.

સવારે આંખ ખૂલતાં જ મેં બ્રોકરને પાછો ફોન કર્યો ને કહ્યું, નારાયણભાઈ, મેં ગઈ કાલે ટેલિફોન કરી ટેનામેન્ટ લેવાનું કહ્યું હતું, તે હવે કેન્સલ રાખશો. હવે મારે એક એવું ઘર, એવો ફલેટ જોઈએ છે જે આ શહેરમાં ઊંચામાં ઊંચો હોય. દસમા માળથીયે ઊંચે. તેના સૌથી ઉપરના માળમાં રહેવું છે…’