પ્રતિસાદ/આધુનિક વિજ્ઞાન અને માનવતાવાદ

Revision as of 16:06, 8 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

રૉબર્ટ યુંકની ઉદારમતવાદની કરુણાન્તિકા વિશેની સમજણ ગ્રીક કરુણાન્તિકા જેવી છે. પણ ગ્રીક કરુણાન્તિકાના રૂપકોને બદલે યુંક હમણાંના યંત્રોદ્યોગનાં પ્રચલિત આદિરૂપો દ્વારા એ સમજાવે છે. એક વિભાવના તરીકે, એક યુટોપિયા તરીકે અમેરિકા પ્રચલિત પુરાકથાશાસ્ત્ર ઉપર આધિપત્ય ભોગવે છે. એક બિનસાંપ્રદાયિક પુરાકલ્પન તરીકે અમેરિકા મંત્રમુગ્ધ કરે છે. અમેરિકા નૂતન વિશ્વ છે – ભૂતકાળ વગરનો દેશ; એક સરહદ, અનેક તકોની ભૂમિ; એ વર્તમાનમાં બેઠેલું ભવિષ્ય છે. એ પશ્ચિમી યંત્રોદ્યોગકીય સભ્યતાનો નિચોડ છે – નિરંતર ગતિમાન યંત્ર... અમેરિકા જાતિસંહારક હિંસામાંથી જન્મેલો સમાજ હતો. છતાં જૂની સરહદમાંની હિંસા પ્રોમેથિયન હતી, એક વ્યક્તિ કેટલીયે વિષમતાઓ સામે સંઘર્ષમાં ઊતરતી... બીજી નવી સરહદ તરીકે વિજ્ઞાનની સંરચના એ જુદા પ્રકારનું આધિપત્ય છે; નવી સરહદની રણભૂમિ વિજ્ઞાનની પ્રયોગશાળાઓ અને કાર્યશિબિરો છે. એ જમીનની માલિકી કે કોઈ વર્ગ કે જાતિ ઉપર વિજય પ્રાપ્ત કરવાની આકાંક્ષા નથી રાખતું. એને બદલે એ પ્રકૃતિ ઉપર માણસનું સંપૂર્ણ આધિપત્ય શોધે છે, માણસના બનાવેલા કાયદાઓ વડે માણસે બનાવેલા બ્રહ્માંડને પુનઃસર્જિત કરવાની નેમ રાખે છે... એ જે કંઈ આદિમ, જે કંઈ અસ્તવ્યસ્ત, જે કંઈ પ્રચુર પ્રમાણમાં ઊગી નીકળે છે કે જે ધીરે ધીરે મ્યૂટેશન દ્વારા ઉત્ક્રાન્ત થાય છે એ બધાનો નાશ કરે છે. કોઈ પણ વસ્તુ સ્પર્શ્યા વગરની કે અન્વેષણ વગરની રહેવા દેવામાં આવતી નથી... જૂની સરહદની હિંસાને ખ્રિસ્તી અને માનવીય મૂલ્યોએ મંદ પાડી હતી, પણ વાઢકાપવાળા વિજ્ઞાનની હિંસા કોઈ પણ સંદર્ભ પ્રત્યે ઉદાસીન છે.

શિવ વિશ્વનાથન



આધુનિક વિજ્ઞાન અને માનવતાવાદ

આ વર્તમાન જગતમાં વિજ્ઞાન અને હિંસાનું સ્વરૂપ આપણી સમક્ષ એક વિશાળકાય-ભયાવહ પ્રશ્ન બનીને ઊભું છે. એને પૂરેપૂરી રીતે, એની પૂરી સંકુલતામાં સમજવું એ આપણા ગજા બહારની વાત લાગે છે. છતાં આશિષ નાન્દી સંપાદિત પુસ્તક, Science, Hegemony and Violence’માંના પ્રવેશક અને શિવ વિશ્વનાથનના લેખનો થોડો અંશ લઈ આ પ્રશ્ન વિશે કંઈક વિચારવા યત્ન કરીએ. પ્રવેશમાં આશિષ નાન્દીએ બહોળી ભૂમિકા ઉપર આ પ્રશ્ન હાથ ધર્યો છે. બીજા વિશ્વયુદ્ધ પછી રાજ્ય (State) માત્ર રાષ્ટ્રીય સલામતી અર્થે જ નહીં, પણ વિજ્ઞાન અને વિકાસ માટે પણ અનિવાર્ય બની ગયું છે. આજે વિજ્ઞાન અને વિકાસને નામે સામાન્ય નાગરિક પાસેથી પ્રચંડ બલિદાનો માંગી શકાય છે અને એની ઉપર અનેક દુઃખો ઝીંકી શકાય છે. એ નાગરિક રાજીખુશીથી કરે છે એ વળી આખા તરકટનો જ ભાગ છે. રાષ્ટ્રની સલામતી અર્થે પણ શું નાગરિકો સ્વેચ્છાથી જ ભોગ નથી આપતા? શાંતિવાદીઓ અને યુદ્ધવિરોધીઓનો ગમે એટલો જોરદાર પ્રતિકાર કેમ ન હોય, પણ લગભગ બધા દેશોમાં મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો પોતાની પૂર્ણ ઇચ્છાથી રાજા અને રાષ્ટ્ર માટે પોતાના પ્રાણ હોમી દે છે. હવે એવાં ચિહ્નો પણ દેખાવા લાગ્યાં છે કે વિજ્ઞાન અને વિકાસ માટે પણ સારા એવા નાગરિકો વીરતાપૂર્વક પોતાનું જીવન અર્પી દેવા તૈયાર હોય છે. ૧૯૮૫માં એક જાપાનિસ ડૉક્ટરે હિરોશિમા અને નાગાસાકી ઉપરની એટમિક બૉમ્બવર્ષાનાં વખાણ એમ કહીને કર્યાં કે એથી જાપાનને આડકતરો લાભ થયો છે. આપણા દેશમાં ભોપાલમાં પણ ગૅસની કરુણાન્તિકા સર્જાયા પછી ૧૯૮૪ની ચૂંટણીમાં એ જ સત્તાને લોકોએ ચૂંટી, જેનો ગૅસ-હોનારતમાં હિસ્સો હતો. એવી જ રીતે સ્ટીલનાં કારખાનાઓ અને વિશાળ બંધો માટે ઘણી વાર ત્રીજા વિશ્વના એ જ પ્રદેશો અને વિભાગોમાંથી માંગ આવે છે જે ઔદ્યોગિકતાના સૌ પ્રથમ શહીદ બને એવી પૂરેપૂરી શક્યતા હોય છે. તો વિજ્ઞાન અને વિકાસ પ્રત્યેની આ પ્રતિબદ્ધતાનો સ્રોત શો છે? હિંસાનાં બીજ શું આંશિક રીતે વિજ્ઞાનના સ્વરૂપમાં જ રહેલાં છે? આધુનિક વિજ્ઞાનમાં જ શું એવું કંઈક છે જે શક્તિશાળી અને સમૃદ્ધને સહયોજક બનાવે છે? પહેલાં વિજ્ઞાન સાધન હતું, સાધ્ય નહીં; અને રાજ્ય કે રાષ્ટ્રનું સાધ્ય તો ચોક્કસ જ નહીં. આ પછી વિજ્ઞાનનું સ્વરૂપ બદલાયું છે અને માનવીય હિંસાનું પણ. વ્યક્તિગત, મોઢામોઢ, આવેગપૂર્ણ હિંસા જે પારંપરિક બલિદાન અને કૌટુંબિક વેરની સંકલ્પના સાથે જોડાયેલી હતી એની જગ્યા હવે સંસ્થાકીય હિંસાએ લીધી છે. ૧૯૬૨માં અમેરિકાના પ્રમુખ જોન. એફ. કેનેડીએ ભાષણ આપ્યું ત્યારથી વિજ્ઞાન એ રાજ્ય-સત્તાનું રીઝન બની ગયું. અમેરિકાનું મહત્ત્વનું ધ્યેય એ માણસને ચંદ્ર ઉપર પહોંચાડવાનું બની ગયું. પહેલી વાર એક રાજ્ય બીજા રાજ્યને રાજકીય કે લશ્કરી ક્ષેત્રમાં કે રમતગમતમાં નહીં, પણ નાટ્યાત્મક ટેક્નોલૉજી કહીએ એવા વિજ્ઞાનમાં હરાવી દેવા માટે મેદાનમાં પડ્યું. આ ભભકાદાર વિજ્ઞાનને સામ્યવાદની સામેના વિચારસરણીય સંગ્રામમાં એક રાજકીય મોરચા તરીકે વાપરવાનું શક્ય બન્યું. કેનેડીના ભાષણનો એક બીજો પણ ગર્ભિતાર્થ હતો. વિજ્ઞાન અને ટેક્નોલૉજી વચ્ચેની સરહદ છેલ્લાં બસો વર્ષથી થોડી નબળી તો પડતી જ જતી હતી, એ પ્રક્રિયા કેનેડીની વિજ્ઞાનની સંકલ્પનામાં ચરમસીમાએ પહોંચી. ૧૯૮૦ની સાલમાં દુનિયાના બધા વિજ્ઞાનીઓમાં શુદ્ધ વિજ્ઞાનીઓનું પ્રમાણ પાંચ ટકાથી પણ ઓછું હતું. સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે વિજ્ઞાન અને ટેક્નોલૉજી વચ્ચેનો તફાવત ખૂબ દરકારપૂર્વક જાળવવામાં આવે છે. આ વિજ્ઞાનના તત્ત્વવેત્તાઓને કારણે નહીં, પણ એટલા માટે જાળવવામાં આવે છે કે જેથી ટેક્નોલૉજીની જે સામાજિક ટીકા કરવામાં આવે એને શુદ્ધ વિજ્ઞાનના ઓથા નીચે વાળી દેવાનું શક્ય બને; પછી એમ બતાવી શકાય કે સત્ય માટેની ખોજ માનવીય લાલસા, હિંસા અને સત્તાથી પ્રદૂષિત નથી થઈ. ભારત મુક્ત સમાજનું એક અસાધારણ દૃષ્ટાંત છે જ્યાં રાજકીય એલીટે સ્વાતંત્ર્યપ્રાપ્તિના આરંભનાં વર્ષોથી જ ખાસ હેતુપૂર્વક યોજ્યું કે વિજ્ઞાન રાજ્યની જવાબદારી રહે અને સાથે સાથે રોજ-બ-રોજના રાજકારણના દબાણથી મુક્ત રહી જ્ઞાનનું ક્ષેત્ર પણ બની રહે. ખાસ કરીને જવાહરલાલ નેહરુએ – જે વિજ્ઞાન દ્વારા માનવીના મુક્તિના દર્શને રંગાયેલા હતા – એમણે વિજ્ઞાનને રાજકારણની બહાર રાખવાનો નિર્ણય કર્યો, પણ એ પણ નિશ્ચિત કરી લીધું કે વૈજ્ઞાનિક જાગીર સાથે એકમાત્ર રાજ્યનો સીધો અને વિશેષાધિકારનો સંબંધ રહે. આ નુસખાએ વિજ્ઞાનને રાજકારણની બહાર ન રાખ્યું, પણ બીજી જાતનું રાજકારણ દાખલ કર્યું. આ સમકાલીન ભારતમાં વિજ્ઞાન અને સમાજ વચ્ચે જે વિશિષ્ટ સંબંધ છે તે એના વિરોધાભાસમાં રહ્યું છે. સૌ પ્રથમ ન્યૂક્લિયર બૉસ, હોમી ભાભાના સમયથી ભારતમાં ન્યૂક્લિયર વૈજ્ઞાનિકોને સ્વાતંત્ર્ય અને સત્તા આપવામાં આવી જે લગભગ સંપૂર્ણ કહી શકાય એવી હતી. ન્યૂક્લિયર વૈજ્ઞાનિકોને નાણાંકીય બંધનોમાંથી તદ્દન મુક્ત રાખવામાં આવ્યા. એમને સંશોધન માટે ખૂબ તકો આપવામાં આવી. યુનિવર્સિટીઓ જ્યારે ફંડોના અભાવથી પીડાતી હતી ત્યાં સંશોધન-સંસ્થાઓ ફંડોથી સમૃદ્ધ થઈ. પણ વૈજ્ઞાનિકોએ નવી સંસ્થાઓમાં સંશોધન માટેની તકો પ્રાપ્ત કરી જે મેળવ્યું એના બદલામાં રાજકીય સ્વાતંત્ર્ય ગુમાવ્યું. રાજ્યે સ્થાપેલી આ વિશેષ વૈજ્ઞાનિક સંસ્થાઓ ગુપ્તતા અને રાજકીય તટસ્થતા(Poilitical clearance)નો ખૂબ કડક અમલ કરતી હતી. દરેક જુવાન ન્યૂક્લિયર વૈજ્ઞાનિકને બે જાતનાં સ્વાતંત્ર્ય વચ્ચે પસંદગી કરવાનો વારો આવ્યો, જેમ જેમ વિજ્ઞાન વધુ ને વધુ યંત્રોદ્યોગ તરીકે ગણાવા માંડ્યું કે ભારતે પણ યંત્રોધોગને વધુ ને વધુ ન્યાય્ય ઠરાવવા માંડ્યું. રાજકીય અને વૈજ્ઞાનિક પ્રસ્થાપિતાએ વૈજ્ઞાનિક મિજાજ(scientific Temper)ની વાતો શરૂ કરી. બંને માટે વૈજ્ઞાનિક મિજાજનું સૂત્ર ભારતીય સમાજમાં પોતાને મળેલા નવા સ્ટેટસને કાયદેસરતા બક્ષવા માટે સાધનરૂપ બન્યું. ધીમે ધીમે ભારતમાં ટેક્નોલૉજી વિજ્ઞાનનું અધિકૃત ધ્યેય બની ગયું. ભારતીય મધ્યમ વર્ગ માટે વિજ્ઞાન એટલે ભભકાદાર ટેક્નોલૉજી, પછી આ ટેક્નોલૉજી નાવીન્યપૂર્ણ હોય કે જરીપુરાણી હોય, નૈતિક હોય કે અનૈતિક હોય — એવો કોઈ વાંધો રહ્યો નહીં. દાયકાઓ જૂની પશ્ચિમી ટેક્નોલૉજીઓની જાહેરખબર અપાય અને વિજ્ઞાને જાણે મોટી ફાળ ભરી હોય એમ ભારતમાં ખરીદાય – પછી ભલેને સ્વયં પશ્ચિમમાં એ જોખમકારક અને પર્યાવરણની દૃષ્ટિએ પ્રતિકૂળ ગણાઈ હોય. શિવ વિશ્વનાથને એમના લેખમાં ન્યૂક્લિયર ક્ષેત્રના સર્વગ્રાહી ઇતિહાસકાર રૉબર્ટ યુંકનાં પાંચ પુસ્તકોને લઈને વાત કરી છે. આપણે માત્ર લેખના પ્રથમ ભાગ ઉપર દૃષ્ટિ ફેરવીશું અને એમાંથી થોડું લઈશું જેમાં એમણે યુંકના પુસ્તક, ‘Tomorrow is Already Here’ને લઈને માંડણી કરી છે. વિશ્વનાથન પ્રમાણે યુંક ઉદારમતવાદી માનવતાવાદનું પ્રતિનિધિત્વ કરે છે. અનિષ્ટનું એમને સારું જ્ઞાન છે, પણ એનું એમને હંમેશાં આશ્ચર્ય રહ્યું છે. એમનું દર્શન માત્ર માનવતાવાદમાંથી જ નથી નીપજ્યું, પણ નાઝી કૉન્સન્ટ્રેશન કેમ્પમાં એ લગભગ મૃત્યુ સુધી પહોંચી ગયા હતા એ અનુભવની પણ નીપજ છે. એમનાં પુસ્તકોમાં ન્યૂક્લિયર વિજ્ઞાનની કારકિર્દી સમજવાનો યત્ન છે. પહેલા વિશ્વયુદ્ધ પછી આણ્વિક પદાર્થવિજ્ઞાન માટે વિજ્ઞાનીઓને તીવ્ર આકર્ષણ હતું. ન્યૂક્લિયર પદાર્થવિજ્ઞાનનાં શરૂઆતનાં એ સુંદર વર્ષો લીલારૂપ, શોધનાં વર્ષો હતાં. મ્યૂનિચના કાફેઓમાં કલાકો સુધી વિજ્ઞાનીઓ વચ્ચે વાતચીતો થતી રહેતી; આરસપહાણના ટેબલો ઉપર ગાણિતિકી સમીકરણો લખાતાં અને વેઇટરોને કડક સૂચનાઓ આપવામાં આવતી કે એમની રજા વગર એ ભૂંસી નાખવાનાં નહીં. એવું પણ ઘણી વાર બનતું કે કોઈ અજાણી વ્યક્તિ એમની અનુપસ્થિતિમાં કોઈ ઉકેલભર્યા સમીકરણને નોંધી લઈ જતી. ૧૯૪૯માં લોસ એલેમૉસમાં (કંપની સંશોધનનગર) એક પ્રૌઢ વિજ્ઞાનીએ યુંક સમક્ષ એકરાર કર્યો : “What an extraordinary and incpomprehensible thing; my whole youth was absolutely devoted to truth, freedom and peace, yet fate has seen it fit to deposit me here where my freedom is limited, the truth that I am trying to discover is locked behind massive gates and ultimate aim of my work has to be construction of the most hideous weapons of war.” ક્યાં પહેલાની વિજ્ઞાનીઓની લીલામય ક્રિયાશીલતા અને સત્ય માટેની ખોજ અને ક્યાં બીજા વિશ્વયુદ્ધ પછી દમનકારી ક્લેશમય ન્યૂક્લિયર વૈજ્ઞાનિક જગતની કઠોર વાસ્તવિકતા! આજની આ વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતા બે વિજ્ઞાનીઓની યુંકે વાત કરી છે તે જોઈશું, જેથી આપણને એમના સંકુલ ચારિત્ર્યનો, એમના દ્વિર્ભાવનો તો ખ્યાલ આવે જ. પણ એ સાથે આધુનિક વિજ્ઞાન જગતનો બહુસ્તરીય પરિવેશ પણ આપણી સમક્ષ કંઈક અંશે તાદૃશ થઈ ઊઠે. અમેરિકી વિજ્ઞાની ક્લૉસ ફુક્સ એક દેશદ્રોહી વિજ્ઞાની હતો, જેણે રશિયાને આણ્વિક રહસ્ય જણાવી દીધું હતું. પણ યુંક એને જરા જુદી રીતે પ્રમાણે છે. એને દેશદ્રોહી કહેવા કરતાં પ્રોમેથિયસ કહેવાનું એ વધારે યથાર્થ માને છે. આપણે જાણીએ છીએ કે ગ્રીક પુરાકથા પ્રમાણે પ્રોમેથિયસે સ્વર્ગમાંથી અગ્નિ ચોરી લાવી માનવોને આપ્યો હતો અને એ માટે ઝિયસે એને ભયાનક યાતના તળે મૂક્યો હતો. પ્રોમેથિયસના ઉદ્યમની જેમ ક્લૉસ ફુક્સનું કાર્ય પણ એક વખત સિદ્ધ થયા પછી ભૂંસી શકાય એમ નહોતું. એણે આખો માનવીય ઇતિહાસ બદલી નાખ્યો; બૉમ્બ માટેની અમેરિકી ઇજારાશાહી તોડી નાખી અને સ્પર્ધા ઊભી કરી દીધી. પ્રોમેથિયસની જેમ ક્લૉસની ભેટ પણ ચોરેલી હતી અને એટલે સદા એ હિંસા અને અપરાધભાવ સાથે જડાયેલી છે. ફુક્સના પિતા ક્વેકર પાદરી હતા; એમણે કહ્યું, “હું ક્લૉસની તીવ્ર આંતરિક પીડા સમજી શકું છું...” ક્લૉસ કહેતો, ‘હું જો આ નહીં કરું તો માનવજાતિ ઉપર જે તલવાર લટકી રહી છે એ કદી દૂર નહીં થાય.’ “ઘમંડ અને શંકાની પ્રોમેથિયન મનોવૃત્તિવાળો કોઈ પણ વિજ્ઞાનીને કહેવો હોય તો એ ક્લૉસને જ કહેવો પડે. પ્રોમેથિયસની જેમ એને એક ચોરેલી ભેટ સાથે વિલક્ષણ દ્વિર્ભાવ સાથે જીવવું પડ્યું. પ્રોમેથિયસની જેમ એ અગ્નિનો સાચો ચોર હતો; એણે એ લોકો પાસેથી અગ્નિ ચોર્યો જે પોતે ભગવાન હોય એવી રમત રમતા હતા. ક્લૉસે પોતાની સજા જે રીતે સ્વીકારી લીધી એમાં એક પ્રકારની ભવ્યતા રહેલી હતી. ફુક્સ કુટુંબની મિત્ર, માર્ગરેટ હેગર કહે છે, “સમકાલીન નીતિનાં ધોરણોથી ફુક્સ અપરાધી હતો, પણ એટલા માટે અપરાધ કરવા પ્રેરાયો કે જેથી રાષ્ટ્રો અને માનવજાતિ સમજી શકે કે વર્તમાન સામાજિક સંગઠન આપણને ક્યાં લઈ જઈ રહ્યું છે.” હવે આપણે ક્લૉસથી જુદા પ્રકારનું સંકુલ અને પડકાર રૂપ ચારિત્ર્ય પાસે જઈએ. શિવ વિશ્વનાથન પ્રમાણે એ સમયની વૈજ્ઞાનિક દુનિયામાં જો કોઈનું સૌથી મોહક-ચિત્તાકર્ષક વ્યક્તિત્વ હોય તો એ જ્યુલ્સ રૉબર્ટ ઓપનહેમરનું હતું. યુંકે એના પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આજે જો શૅક્સપિયર ને હેમ્લેટ લખવાનું આવે તો કોઈ રાજકુંવર નહીં, પણ કોઈ એટમિક વિજ્ઞાની હેમ્લેટ બન્યો હોત. ઓપનહેમરની તેજસ્વી પ્રતિભા અનેક ક્ષેત્રોમાં ફરી વળી હતી. — a theoretical Physicist with experimental brilliance, a Polymath who could discuss, Proust. Dante, the Gita and pure Physics with equal verve. છતાં વિજ્ઞાનને માનવતાવાદથી નિયંત્રિત કરવા જતાં કેવી તો નબળાઈઓ છતી થાય છે એ પણ ઓપનહેમરમાં સ્પષ્ટ દેખાય છે. જ્યારે એટમબોમ્બનો સ્ફોટ થયો ત્યારે આ માણસ બોલી ઊઠ્યો હતો કે વિજ્ઞાનીએ પાપને જાણ્યું હતું. અને એ આ જ માણસ છે કે જેણે હિરોશિમા ઉપર નાખવાના બૉમ્બ માટે ટેક્નિકલ પ્રશ્નનો ટેક્નિકલ જવાબ આપ્યો હતો અને હાઇડ્રોજન બૉમ્બ બનાવવાની અંતિમ યોજનાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. He is both innocence and evil, the idiot and the posessed-emerging eventually as the most Dostoyevskyian figure in modern science. અકિરો કુરોશિવાની ફિલ્મ ‘રેશોેમોન’માં જેમ એક જ ઘટના ત્રણ જુદા દૃષ્ટિબિંદુઓથી જોવામાં આવી છે એવી રીતે ઓપનહેમરની દંતકથાના ત્રણ જુદાં પ્રભેદો છે – એક શહીદ ઓપનહેમર, બીજો ઓપનહેમર જ્યુડાસ તરીકે અને ત્રીજો ઓપનહેમર ઈશુ ખ્રિસ્તને સજા કરી હાથ ધોઈ નાખ્યા હતા એ પોન્ટિયસ પાયલેટની ભૂમિકામાં. ઓપનહેમર અત્યંત પ્રતિભાવંત વૈજ્ઞાનિક વિશેષજ્ઞ તો હતો જ, પણ એ એક જાહેર વ્યક્તિ, લોકોનાં હૃદયમાં વસેલો વીરનાયક પણ હતો, જે વિજ્ઞાનનાં ગૂઢ રહસ્યોને જનતા સમક્ષ ખુલ્લાં કરતો હતો. પણ અમેરિકી લશ્કરી સત્તાધીશોને એની કોઈ કિંમત નહોતી; એમને માટે તો એ હાઇડ્રોજન બૉમ્બ ઉપર થરથરતો, મૂળિયાં વગરનો બુદ્ધિજીવી હતો અને એટલે સલામતી માટે જોખમી હતો. ઓપનહેમરની પ્રવૃત્તિઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી, અને એનું સિક્યોરિટી ક્લિયરન્સ આંચકી લેવામાં આવ્યું. ઓપનહેમરની અવમાનનાએ જનતામાં હલચલ મચાવી દીધી. જનતામાં એ એટમિક યુગના ડંખેલા અંતરાત્માના પ્રતીક સમો હતો. કાયદેસરનાં પગલાં લેવાય એ પહેલાં જ એની આસપાસ શહીદીનું તેજોવલય રચાઈ ગયું. વિજ્ઞાનીના આ રાજકીય શહીદ તરીકેના ચિત્રની સંનિધિમાં એની જ્યુડાસ તરીકેની ભૂમિકા પણ જોવા જેવી છે—ખાસ કરીને એટલા માટે કે એણે પોતે જ એના મિત્ર હાર્કો ચેવેલિયરને દગો દીધો હતો એનો એકરાર કર્યો છે. ત્રીસીના ગાળામાં ઓપનહેમરને મોટા પ્રમાણમાં ડાબેરી સંપર્કો હતા, પણ પછી એણે એમને પડતા મૂક્યા હતા. પણ અમેરિકી ગુપ્તચર વિભાગને આટલી હકીકત એને રાજકીય રીતે સંદેહાત્મક વ્યક્તિ ઠરાવવા પૂરતી હતી. એ વખતે ઓપનહેમર લૉસ એલેમૉસના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા, પણ ગુપ્તચર વિભાગે એમનો પીછો છોડ્યો નહોતો અને સતત એમના ઉપર કહેવાતા સામ્યવાદી સંપર્કોને ઉઘાડા પાડવાનું ત્રાસદાયક દબાણ લાવ્યા કરતા હતા. છેવટે થાકીને ઓપનહેમરે પોતાનો મિત્ર ચેવેલિયર સામ્યવાદી એજન્ટ હતો એવી રંગીન વાત ઘડી કાઢી. ચેવેલિયર કેલિફોર્નિયામાં રોમાન્સ લેંગ્વેજિસનો પ્રાધ્યાપક હતો. બંને મિત્રો કલાકો સુધી આનાતોલ ફ્રાન્સ અને પ્રુસ્ટ ઉપર ચર્ચાઓ કરતા અને ઓપન-હેમરના ઘરમાં રાંધવાના પણ પ્રયોગો કરતા. ચેવેલિયરને તો ખ્યાલ જ નહોતો કે ઓપનહેમરે એને આ રીતે સંડોવ્યો હતો. ચેવેલિયર ઉપર ગુપ્તચર વિભાગે એટલો તો ત્રાસ ગુજાર્યો કે છેવટે એને પૅરિસ જતા રહેવું પડ્યું. ૧૯૫૩માં ઓપનહેમરને ચેવેલિયરને ફ્રાન્સમાં મળવાનું થયું ત્યારે પણ હજી ઓપનહેમરે એકરાર નહોતો કર્યો. બંને મિત્રો ભેટ્યા અને છૂટા પડ્યા : હાકોં ચેવેલિયરને પછીથી એ યાદ આવતાં કમકમાટી આવી જતી. યુંક કહે છે કે આપણે માત્ર ઓપનહેમરની સત્તા માટેના આકર્ષણની કે એની જરૂરિયાતની વાત નથી કરતા. એને એ હકીકત પોન્ટિયસ પાયલેટ બનાવે છે જ્યારે શુદ્ધ વિજ્ઞાન જાતિસંહાર પરથી હાથ ધોઈ નાંખે છે. એક વખત સુપ્રા નેશનલ પ્રયોગશાળા અંગે વાત થતાં ઓપનહેમર ફ્રેન્ચ રાજદૂતને કહે છે, “આ પ્રયોગશાળા ન્યૂક્લિયર એન્જિનિયરિંગને નહીં, પણ શુદ્ધ સંશોધનને જ વરેલી હોવી જોઈએ. એટમ બૉમ્બ હકીકતમાં એક ગેજેટથી વધુ કશુ નહોતો.” આ વિધાનની નાઇવિટી આશ્ચર્યકારક છે. જાણે કે પોતાનામાં રહેલા ફૉસ્ટ-એપ્લાઇડ વિજ્ઞાનીને એક સાધારણ ભૂલ હોય એમ નકારી કાઢ્યો. હાઇડ્રોજન બૉમ્બ બનાવવામાં એણે પૂરેપૂરો સહકાર આપ્યો હતો. ઓપનહેમર હવે પાપનો એકરાર કરનારો વિજ્ઞાની રહ્યો નહોતો. એને કોઈ દર્દ નહોતું. પશ્ચાત્તાપ નહોતો. “In oppenheimer’s carrer we observe not the resolution of moral anguish, but the bueaucratic closure, not heroic denouement, but the closing of a file. The Scientist as hero collapses into the organization man. He who had read Dante turns out evetually to be a clerk. He who boasted of having read the Gita remains only a fragile humanist.” છેવટે શિવ વિશ્વનાથન પ્રશ્ન પૂછે છે કે માનવતાવાદ વિજ્ઞાનનું નિયંત્રણ કરી શકે? આ પ્રશ્નમાં જ માનવતાવાદ આ બાબતમાં કેવો તો અપૂરતો ઠર્યો છે એ જવાબ આવી જાય છે. પ્રશ્ન એ થાય છે કે બધી જ જવાબદારી શું વિજ્ઞાની ઉપર આપણે ઢોળી દઈ શકીએ? એને જે જડબેસલાક રાજકીય-સામાજિક તંત્રમાં કામ કરવું પડે છે એથી તદ્દન ઉતરડી જઈને નૈતિક ભૂમિકા ઉપર નિર્ણયો લેવા એને માટે કેટલે અંશે શક્ય છે? તોતિંગ સંશોધન-કેન્દ્રો આજે વૈજ્ઞાનિક સંશોધનો માટે જરૂરિયાત બની ગયાં છે. બીજા વિશ્વયુદ્ધ પછી અનેક વિજ્ઞાનીઓએ એટમ બૉમ્બ સામે જેહાદ ચલાવી હતી. ઘણા વિજ્ઞાનીઓ લૉસ એલેમૉસ (કંપની સંશોધનનગર) છોડીને યુનિવર્સિટીના મુક્ત વાતાવરણમાં પાછા ફર્યા હતા. પણ ૧૯૪૭ સુધીમાં તો એટમ બૉમ્બ સામેની જેહાદ નિષ્ફળ ગઈ હતી અને વિજ્ઞાનીઓ ફરી પાછા લૉસ એલેમૉસ પહોંચી ગયા હતા. એમને લૉસ એલેમૉસમાં કામ કરવાનું રોમાંચિત લાગતું હતું. તો શું આધુનિક વિજ્ઞાન એ જ એક આખરી માર્ગ છે? વૈકલ્પિક વિજ્ઞાનની કોઈ ગુંજાશ નહીં? એમ લાગે છે કે વિશ્વીકરણ અને આધુનિક વિજ્ઞાનના વિકલ્પો માટે વિચાર કરવાનો હિમ્મતભર્યો સમય હવે પાકી ગયો છે — જરૂર છે વાસ્તવિકતાની ઠોસ સમજવાળા અને એમાંથી માર્ગ કાઢનારા દાર્શનિકોની. છેવટે આશિષ નાન્દી સાથે આપણે કહીએ કે આધુનિક વિજ્ઞાનનો વિકાસ બીજા બધા પ્રકારનાં વિજ્ઞાનના ભોગે કરવો એ સાંસ્કૃતિક ધ્યેય ન હોઈ શકે; આધુનિક વિજ્ઞાનની સંસ્કૃતિએ હારી ગયેલા સમાજો અને જ્ઞાનની બીજી પદ્ધતિઓની તદ્દન અવહેલના કરી છે. આધુનિક વિજ્ઞાન માનવીય રેશનાલિટીમાં અંતિમ સત્ય ન ગણાવું જોઈએ; બીજાં માનવીય સાહસોની જેમ એ પણ અવકાશ, કાળ અને માનવીય સંપ્રજ્ઞતાથી સીમિત છે.

તા. ૨૦-૩-૯૫