પ્રતિસાદ/કરુણાન્તિકા અને પૂરું સત્ય

Revision as of 04:57, 9 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

બધાં મહાન સત્યો સ્વયંસ્પષ્ટ સત્યો છે. જેમ કે જીવન ટૂંકું છે અને નિયતિ અચોક્કસ છે... પણ એક બીજા વર્ગનાં સ્વયંસ્પષ્ટ સત્યો છે જેને મહાન સત્યો ન કહી શકાય. જેમ કે ન્યૂયોર્કમાં ઘણી બધી મોટરકારો અને વિશાળકાય મકાનો છે... વર્તમાનકાળની લોકપ્રિય કળા બંને વર્ગનાં સત્યોનો ઉપયોગ કરે છે... પણ કેટલીક વાર મહાન સત્યો એવાં તો ઘૃણાત્મક ભારથી કહેવામાં આવતાં હોય છે અને એવા સ્વરમાં કહેવામાં આવતાં હોય છે — કારણ કે કલાત્મક અક્ષમતાની આ જ તો જાદુઈભરી શક્તિ હોય છે – કે એ મહાન સત્યો નહીં, પણ ડરામણાં જુઠાણાંઓ લાગે... આપણા યુગના મોટા ભાગના સંવેદનશીલ અને સભાન કલાકારો ઉપર એની વિલક્ષણ અસર થઈ. એ લોકો બધા પ્રકારની સ્વયંસ્પષ્ટતાથી – મહાન કે નાની – ગભરાવા માંડ્યા... સમકાલીન કળામાં લગભગ જે બધું સાહિસક છે એ આ ભયાનક ડરનું પરિણામ છે. આટલા ડરથી ઊભો થયેલો સાહસનો દેખાવ મારામાં હતાશા પ્રેરે છે. યુવાન કલાકારો જો ખરેખર પોતાની હિંમતને પુરવાર કરવા માંગતા હોય તો એમણે આ સ્વયંસ્પષ્ટ સત્યોના રાક્ષસને નાથવો જોઈએ અને એને કલાત્મક રૂપ આપવા યત્ન કરવો જોઈએ, બાવરું બનીને એનાથી દૂર ભાગી ન જવું જોઈએ. કારણ કે મહાન સત્યો હકીકત છે... કેટલીક વસ્તુઓ નથી એવો ડોળ કરવો જ્યારે હકીકતમાં એ હોય; આ રીતે તો મોટા ભાગની સિદ્ધ આધુનિક કલા અપૂર્ણતા, વંધ્યત્વ, અકાળ જરાજીર્ણાવસ્થા અને મૃત્યુને નોતરે છે.

આલ્ડસ હક્સલી



કરુણાન્તિકા અને પૂરું સત્ય

સત્ય—પૂરું સત્ય—સત્ય સિવાય કંઈ નહીં – કેટલી ઓછી વાર આવું સત્ય જૂના કાળના સાહિત્યે કહ્યું છે! છૂટક છૂટક સત્ય—હા, કોઈ પણ સારું પુસ્તક આપણને છૂટક સત્યો આપે છે – ન આપે તો એ સારું પુસ્તક કહેવાય નહીં. પણ પૂરું સત્ય નહીં. ભૂતકાળના મહાન લેખકોમાંથી બહુ જ થોડાએ એ કામ કર્યું છે. પણ હોમર-ઓડિસીનો હોમર એ થોડામાંનો એક છે – આમ આલ્ડસ હક્સલી કહે છે.

પછી એ પ્રશ્ન કરે છે, સત્ય? કયું સત્ય? ૨ + ૨ = ૪? રાણી વિક્ટોરિયા ગાદી ઉપર ૧૮૩૭માં આવ્યાં? કે પ્રકાશ ૧૮૭,૦૦૦ માઈલની સેકન્ડે ગતિ કરે છે? સાહિત્યમાં સ્પષ્ટ રીતે જ આવી જાતનું સત્ય ખાસ દેખાશે નહીં. અહીં વાત છે એ તો સત્યાભાસ(verisimilitude)થી વિશેષ કંઈ નહીં. જ્યારે કોઈ એક સાહિત્યિક રચનામાં અનુભૂતિઓ વર્ણવાઈ હોય અને એનો મોટા પ્રમાણમાં આપણી ખરી કે સંભવિત અનુભૂતિઓ સાથે મેળ ખાય ત્યારે આપણે અલબત્ત ખોટી રીતે એમ કહેતા હોઈએ છીએ કે ‘આ લખાણ સાચું છે.’ પણ વાત અહીં પતતી નથી. મનોવિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં એક કેસ નોંધાયો હોય; એ વૈજ્ઞાનિક રીતે સાચો હોય અને એનો પણ વાચકને પોતાની સાચી કે સંભવિત અનુભૂતિ સાથે મેળ ખાતો લાગી શકે. પણ મનોવિજ્ઞાનનું પાઠ્યપુસ્તક કંઈ કળાકૃતિ નથી. માત્ર સત્યાભાસ, માત્ર લેખકે વર્ણવેલી અનુભૂતિનો વાચકની અનુભૂતિ સાથે મેળ બેસવો એ કળાકૃતિને સાચા દેખાવા માટે પૂરતું નથી ‘Good art possesses a kind of Super-truth – is more probable, more acceptable, more convincing than fact itself.’ કારણ કે કળાકારની સંવેદનશીલતા, પ્રત્યાયનની ક્ષમતા અને પ્રતીતિકરતા અર્પવાની જે શક્તિ હોય છે તે ઘટનાઓ અને જેમને ઘટનાઓ ઘટતી હોય છે તે મોટા ભાગના લોકોને હોતી નથી. મોટા ભાગના લોકો કરતાં કળાકારો ઘટનાઓમાંથી વધુ મેળવે છે અને એમણે જે પ્રાપ્ત કર્યું છે એ એમની તીક્ષ્ણ દૃષ્ટિ વડે એ વધુ ક્ષમતાપૂર્વક સંક્રમણ કરી શકે છે. કોઈક સારી સાહિત્યિક રચના માટેનો આપણો સામાન્ય પ્રતિભાવ આવો હોય છે : “મેં આમ જ વિચાર્યું હતું. મને આમ જ લાગ્યું હતું, પણ હું એ સ્પષ્ટપણે શબ્દોમાં મૂકી શકતો નહોતો.” હવે આ પશ્ચાદ્ભૂમાં હોમર પૂરું સત્ય કહેતો હોય છે એટલે શું, એ સમજાવી શકાય. એ જે અનુભૂતિઓ નોંધે છે એનો આપણી સાચી કે સંભવિત અનુભૂતિઓ સાથે સારા પ્રમાણમાં મેળ ખાતો હોય છે. આ અનુભૂતિઓનો મેળ માત્ર મર્યાદિત ક્ષેત્રમાં જ નહીં, પણ આપણી સમગ્ર શારીરિક–આધ્યાત્મિક હસ્તીને આવરી લે છે. એ સાથે આપણને એમ પણ અભિપ્રેત છે કે હોમર એટલી તીક્ષ્ણદૃષ્ટિ વડે અને કલાત્મક ક્ષમતાથી આ અનુભૂતિઓને વર્ણવે છે કે વિલક્ષણ રીતે આપણને એ પ્રતીતિકર અને સ્વીકાર્ય બને છે. હક્સલીએ આના દૃષ્ટાંતરૂપે ઓડિસીના ૧૨મા સર્ગમાંની એક ઘટનાને પોતાના લેખની શરૂઆતમાં ટાંકી છે તે જોઈએ : ‘એ લોકો છ હતા, વીરનાયકના સૌથી શ્રેષ્ઠ અને બહાદુર સાથીદારો. વહાણમાંની પોતાની જગ્યાઓથી પૂંઠ ફેરવતા ઓડિસ્યૂસે સમયસર એમને ઊંચકાતા, હવામાં તરફડિયાં મારતા, ચીસો પાડતા, પોતાના નામે જીવ ઉપર આવીને વારંવાર પુકારતા જોયા. જે બચી ગયા હતા એ અસહાયતાપૂર્વક જોયા સિવાય બીજું કંઈ કરી શકે એમ નહોતા; સૈલા (Scylla) પોતાની ગુફાની મોંફાડમાં હજી ચીસો પાડતા અને હજી ઓડિસ્યૂસની તરફ હાથ લાંબા કરતા જતા ભયાનક તરફડિયાં મારતા એના સાથીદારોને આરોગ્યે જતી હતી.’ ઓડિસ્યૂસના કહેવા પ્રમાણે સમુદ્રના ઘાટોમાંથી જે એની સફર દરમ્યાન એને પસાર થવાનું આવ્યું એમાં આ દેખાવ સૌથી વધુ ભયાનક અને દુઃખદાયક હતો. અંતે સંકટ પૂરું થયું. ઓડિસ્યૂસ અને એના સાથીદારો સિસિલીના દરિયાકિનારે નાંગર્યા; પોતાનું ભોજન બનાવ્યું. એ ભોજન એમણે પ્રખર કુશળતાથી બનાવ્યું. ઓડિસીનો આ ૧૨મો સર્ગ આ શબ્દોથી પૂરો થાય છે : ‘એમણે પોતાની ભૂખ અને તરસને છીપાવી અને પછી એમણે પોતાના વહાલા સાથીદારોને યાદ કર્યા અને રૂદન કર્યું, અને એમનાં આંસુઓની વચ્ચે ધીરેથી એમના ઉપર નિદ્રા સવાર થઈ.’ હક્સલી કહે છે કે જરા વિચાર કરો કે બીજા કોઈ મહાન કવિએ કેવી રીતે ચાલી જતા વહાણ ઉપરના સૈલાના હુમલાની ઘટનાનો અંત આણ્યો હોત. યાદ રાખો કે છ સાથીદારોને એમના મિત્રોની આંખો સમક્ષ ઝૂંટવી લેવામાં આવે છે અને ઓહિયાં કરી દેવામાં આવે છે. ઓડિસી સિવાયની બીજી કોઈ પણ કવિતામાં બચી જનારાઓએ શું કર્યું હોત? અલબત્ત એમણે રૂદન કર્યું હોત, જેમ હોમરે એમને રડતાં બતાવ્યાં. પણ એમણે રૂદન પહેલાં રાંધ્યું હોત? અને તે પણ પ્રખર કુશળતાથી! એમણે પૂરી તૃપ્તિથી પોતાની તરસ અને ભૂખ છીપાવી હોત? અને રૂદન પછી કે રડતાં રડતાં જ શાંતિપૂર્વક સૂઈ ગયા હોત? ના. એમણે આમાંથી એકેય ન કર્યું હોત. એમણે માત્ર રૂદન કર્યું હોત. પોતાના દુર્ભાગ્ય અને પોતાના સાથીદારોની ભયાનક નિયતિ ઉપર શોકાતુર થયા હોત અને સર્ગ કરુણ રીતે એમનાં આંસુઓથી સમાપ્ત થયો હોત. પણ હોમરે પૂરું સત્ય કહેવાનું પસંદ કર્યું. એ જાણતો હતો કે ગમે એટલી ક્રૂરતાપૂર્વક નિકટના સંબંધીઓ છીનવાઈ ગયા હોય તોપણ પાછળ રહેલાઓને ખાવું પડતું હોય છે; એ ભૂખ વેદના – આંસુ કરતાં વધુ અગ્રતા ધરાવે છે. એને બરાબર ખબર હતી કે વિશેષજ્ઞો વિશેષ કુશળતાપૂર્વક કામ કરવાનું ચાલુ રાખતા હોય છે. અને પોતાની સિદ્ધિમાંથી ક્રૂર ઘટના પછી પણ તૃપ્તિ મેળવતા હોય છે. પછી આ કુશળતા અને સિદ્ધિ માત્ર ભોજન બનાવવામાં કેમ ન સમાઈ જતી હોય. એ જાણતો હતો કે ભરેલા પેટે માણસને શોકમગ્ન થવું પરવડે; જમ્યા પછીનું દુઃખ એ વિલાસ-લક્સરી છે. અને થાકનું પણ એવું જ છે. થાકને કારણે શોકને ભુલાવતી મધુર નિદ્રાદેવી એમના ઉપર સવાર થાય છે. હોમરે આવી વસ્તુને કરુણ જોવા કરતાં પૂરું સત્ય કહેવાનું વધારે મુનાસિબ માન્યું. અહીં ઇલિયડમાંનો એક પ્રસંગ પણ ટાંકવા જેવો છે, જે હક્સલીની વાતનું સમર્થન કરે છે. હમણાં જયંત પંડ્યાનો ઇલિયડનો પદ્યાનુવાદ પ્રસિદ્ધ થયો છે – એની ભોળાભાઈ પટેલની પ્રસ્તાવનામાં ટાંકેલો એ પ્રસંગ જોઈએ : ‘ઍગેમેમ્નના ગ્રીક સૈન્યમાંનો રાજવી એકિલીઝી ટ્રોયના રાજકુમાર હેક્ટરનો વધ કર્યા પછી એના મૃતદેહને હડધૂત કર્યા કરતો હતો અને હેક્ટરના પિતા, ટ્રૉયના રાજા પ્રાયમને એ મૃતદેહ સોંપવાનો ઇનકાર કર્યા કરતો હતો. પણ આખરે રાજા પ્રાયમના – દુઃખી પિતાના ચહેરામાં એકિલીઝને પોતાના પિતાનો ચહેરો દેખાય છે અને હેક્ટરના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સોંપી દેવા તૈયાર થાય છે. પછી ઇલિયડમાંની એ ઘટનાને આલેખતા ભોળાભાઈ લખે છે કે ‘પુત્રશોકનિમગ્ન ભૂખ્યા-તરસ્યા રાજા પ્રાયમને એકિલીઝ ભોજન માટે નિમંત્રી ખાદ્ય તૈયાર કરે છે અને જે ભોજન ધર્યાં તે પ્રાયમ તૃપ્તિથી ખાય છે એટલું જ નહીં પણ એકિલીઝ તરફ પ્રશંસાભાવે જુએ છે.’ શોકાતુર રાજા માટે પણ તીવ્ર ભૂખ અગ્રેસર થાય છે. હક્સલી પ્રમાણે આ પછી કોઈ લેખક પૂરું સત્ય કહેનારો હોય તો તે ‘ટૉમ જોન્સ’નો લેખક ફિલ્ડિંગ છે. ‘ટૉમ જોન્સ’ ઓડિસિયન પુસ્તક છે. ઓડિસિયન કારણ કે ક્યારેય એ કરુણજનક નથી. ગમે એટલી દર્દભરી, આપત્તિજનક ઘટના કેમ ન હોય, કોઈ હકીકત છોડી દેવામાં આવી નથી. હોમરની જેમ ફિલ્ડિંગ બધી હકીકતો આવરી લે છે, એકેયને ટાળતો નથી. એટલે જ તો એમનાં પુસ્તકો કરુણજનક નથી બનતાં. ખરા કરુણાન્તિકાના રચનારાઓ રાસાયણિક શુદ્ધતાનો આગ્રહ સેવે છે. વાસ્તવિક જીવનમાં પણ જુઓ તો પાત્રો કે પરિસ્થિતિઓ ગમે તેવી કેમ ન હોય, અપ્રસ્તુત વિગતો નરમ પાડી દેતી હોય છે. ફિલ્ડિંગની અતિ મોહક સોફી વેસ્ટર્ન જુઓ. પેલા ઇનકીપરને થાકેલી સોફિયાને ઘોડા ઉપરથી ઉતારતાં પડી જવાની શી જરૂર હતી? કોઈ પણ કરુણાન્તિકામાં ઇનકીપર સોફીના વજનથી પછડાઈ પડ્યો ન હોત, કરુણના સંદર્ભમાં વજન અપ્રસ્તુત છે. હક્સલી રમૂજભરી રીતે ઉમેરે છે – નાયિકાઓ ગુરુત્વાકર્ષણના નિયમથી પર હોય પણ ઇનકીપરના પડવાનું જ પૂરતું નથી. ઇનકીપર નીચે ચત્તો પડ્યો અને સોફીને સાથે પોતા ઉપર ખેંચી. સોફી એના ઓશિકા જેવા પેટ ઉપર પડી અને ઈજામાંથી બચી ગઈ. પણ એ પડી ત્યારે માથું નીચે ગયું અને પગ ઉપર લટક્યાં. ઇનના દરવાજા પાસે ઊભેલા ગમારો ખડખડાટ હસી પડ્યા. ફિલ્ડિંગે અહીં કરુણાન્તિકાનો સર્જક જે વિટો – veto – વાપરે એ વાપર્યો નહીં, એને કરુણાન્તિકાના સર્જક બનવું નહોતું. કરુણાન્તિકા બનાવવી હોય તો માનવીય અનુભૂતિની સમગ્રતામાંથી કલાકારે એકમેવ તત્ત્વને છૂટું પાડવું પડે અને પોતાની સામગ્રી માટે એનો જ ઉપયોગ કરવો પડે. કરુણાન્તિકા એ સત્યની અખિલાઈમાંથી છુટ્ટી પડેલી વસ્તુ છે. ‘Tragedy is chemically Pure. Hence its Power to act Quickly and intensely on our feelings. All chemically Pure art has this Power to act upon Quickly and intensely.’ જેમ કે રાસાયણિક રીતે શુદ્ધ બિભત્સ સાહિત્યની (પૉર્નોગ્રાફી) આવેગમય અસર વિષયાસક્તિના પૂર્ણ સત્ય કરતાં વધુ ઝડપી રીતે કામ કરતા ડ્રગ જેવી હોય છે. એની રાસાયણિક શુદ્ધતાને કારણે કરુણાન્તિકા અત્યંત પ્રભાવક રીતે વિરેચનનું કાર્ય કરે છે. કરુણાન્તિકાના સંસર્ગમાં આવો કે આપણી હસ્તીનાં સર્વ તત્ત્વોની ભલે ક્ષણ પૂરતી પણ સુઘડ, સુંદર ભાત રચાય છે. આ બધું કરુણાન્તિકા સિદ્ધ કરે છે એટલે તો એ આપણે માટે આટલી મૂલ્યવાન છે. તો પૂરા સત્યને વરેલી કલાનું શું? આપણે જોઈએ – પૂરા સત્યવાળી કલા કરુણાન્તિકાની સીમાઓની બહાર ઊભરાય છે અને કરુણ કથા શરૂ થઈ એ પહેલાં શું બન્યું હતું અને એ પૂરી થયા પછી શું બનશે અને બીજે એકીસાથે શું બની રહ્યું છે એ સર્વ એ બતાવે છે – ભલે પછી એ માત્ર ગર્ભિત હોય કે સૂચનોથી બતાવતી હોય. શુદ્ધ કરુણાન્તિકા એ વિશાળકાય ધસમસતી સર્વત્ર વહેતી નદી ઉપરનું એક વમળ માત્ર છે – કલાકારની સ્વેચ્છાથી પસંદ કરાયેલું વમળ. પૂરા સત્યવાળી કલા વમળની સાથે સાથે આખા નદીના અસ્તિત્વને સૂચિત કરવાનું યોજે છે. એ કરુણાન્તિકા કરતાં તદ્દન જુદી વાત છે. પૂરા સત્યવાળી કલામાં વેદના એટલી જ વાસ્તવિક હોય છે. પ્રેમ અને અજેય મન એટલાં જ પ્રશંસાપાત્ર અને મહત્ત્વ ધરાવતાં હોય છે. જેમ કે સૈલાના બલિઓની વેદના કે ટૉમ જોન્સને જ્યારે એમ લાગે છે કે એણે સોફિયાને પોતાને વાંકે ગુમાવી દીધી છે ત્યારની એની માનસિક પીડા એ ઓથેલોને ડેસડેમોનાના ખૂન પછી થતી પીડાથી જરીકે ઓછી નથી. પણ પીડાઓ અને અજેયતાને પૂરા સત્યવાળો લેખક વધુ વિશાળ સંદર્ભમાં મૂકે છે. પરિણામે એ કરુણાન્તિકા જેવાં રહેતાં નથી, બીજું પરિમાણ ધારણ કરે છે. પૂરા સત્યવાળી કલા આપણા ઉપર તદ્દન જુદી અસર જમાવે છે. આપણે જ્યારે પૂરા સત્યવાળું પુસ્તક વાંચતા હોઈએ છીએ ત્યારે આપણી મનોદશા ક્યારેય વીરતાભરી ઉલ્લાસિતા ધરાવતી નથી હોતી. એ મનોદશા સ્વીકૃતિની, સમાધાનની હોય છે (સ્વીકૃતિ પણ વીરતાભરી હોઈ શકે). રાસાયણિક રીતે અશુદ્ધ હોવાથી પૂરા સત્યવાળું સાહિત્ય કરુણાન્તિકાની જેમ તીવ્ર ઉત્કટતાથી હલાવી શકે નહીં. કરુણાન્તિકા વાંચતાં કે સાંભળતાં જે ઉલ્લાસિતા (Exultation) અનુભવીએ એ થોડા સમય માટે પણ કેફી હોય છે. કરુણાન્તિકાએ ઊભી કરેલી ભાત દીર્ઘકાળ સુધી આપણે પકડી રાખી શકતા નથી. લોહચુંબક લઈ લો કે લોઢાની કરચોની જે ભાત હતી તે અસ્તવ્યસ્ત થઈ જશે. પૂરા સત્યવાળા સાહિત્યે ઊભી કરેલી સ્વીકૃતિની ભાતની ડિઝાઈન ભલે એટલી ચમત્કૃતિભરી સુંદર ન હોય, પણ એ વધારે સ્થાયી છે. કરુણાન્તિકાનું વિરેચન ઉદ્રેક અને અતિ ઉગ્ર હોય છે. પણ પૂરા સત્યવાળા સાહિત્યનું સૌમ્ય વિરેચન ટકાઉ હોય છે. વર્તમાન સાહિત્ય વધુ ને વધુ પૂરા સત્યથી સભાન થતું ગયું છે—અસંબદ્ધ વસ્તુઓના વિશાળ સાગરોમાંથી અને લેખકે પસંદ કરેલા કોઈ પણ બિંદુથી દરેક દિશામાં અનંત રીતે વિસ્તરતી ઘટનાઓ અને વિચારોથી એ પૂર્ણપણે સભાન થયું છે. કૃત્રિમ સીમા લાદવાનું—જે કોઈને કરુણાન્તિકા લખવી હોય એને એ કરવું જ પડે—એ હવે જે લોકો સમકાલિકતાથી થોડા પણ કંપાયમાન છે એમને માટે લગભગ અશક્ય બની ગયું છે. આનો અર્થ અલબત્ત એવો નથી કે આધુનિક લેખકે પોતાને માત્ર પ્રકૃતિવાદી રીતથી સીમિત કરી દેવું. એક એક દેખાતી વિગત કે પદાર્થની લાંબી યાદી આપવાને બદલે પૂરા સત્યની હસ્તી ગર્ભિત રીતે દર્શાવી શકાય. કૃતિ માત્ર સ્વૈરકલ્પના જ હોય, છતાં એનો ગર્ભિતાર્થ પૂરું સત્ય કહેવાનો હોય. સમકાલીન સાહિત્યમાંનું એક પણ મહત્ત્વનું સર્જન શુદ્ધ કરુણાન્તિકા નથી. સમકાલીન સર્જકો ગમે એટલા જુદા કલાકીય હેતુ કેમ ન ધરાવતા હોય કે એમની શૈલી કે નૈતિક-તાત્ત્વિક ધોરણો ગમે એટલા જુદા કેમ ન હોય, પણ એ બધાને પૂરા સત્યમાં રસ છે. પ્રુસ્ત, ડી. એચ. લોરેન્સ, આન્દ્રે જિદ, કાફકા, હેમિંગ્વે – આ પાંચ અર્થપૂર્ણ અને મહત્ત્વના લેખકો છે. બધા એકબીજાથી તદ્દન જુદા છે. બધામાં એક જ વસ્તુનું સામ્ય છે —કોઈએ શુદ્ધ કરુણાન્તિકા લખી નથી. બધાની નિસબત પૂરા સત્ય સાથે છે. છેવટે હક્સલી કહે છે કે કેટલીક વાર એને વિચાર આવે છે કે સ્વરૂપ તરીકે કરુણાન્તિકાનું ભાવિ સમાપ્ત તો નથી થયું ને? પણ ભૂતકાળની ઉત્કૃષ્ટ કરુણાન્ત કૃતિઓ જે રીતે આપણને હલાવે છે, અને આપણી વિવેકબુદ્ધિની સામે જઈને પણ સમકાલીન રંગમંચ અને ફિલ્મની ખરાબ કરુણાન્તિકાઓ આપણને જે રીતે સ્પર્શે છે એ હકીકત રાસાયણિક રીતે શુદ્ધ કલાના દિવસો પૂરા નથી થયા એમ કહેવું જોઈએ. કરુણાન્તિકાનો સૂર્ય આજે અસ્ત થતો લાગે કારણ કે આપણા યુગના મહત્ત્વના લેખકો નવા જ શોધાયેલા પૂરા સત્યના વિશ્વ સાથે એટલા વ્યસ્ત છે કે શુદ્ધ કરુણાન્તિકાના સ્વરૂપ ઉપર ધ્યાન આપી શક્યા નથી. પણ એવું માનવાને કારણ નથી કે આ અવસ્થા હંમેશ માટે ટકવાની છે. કરુણાન્તિકા અત્યંત મૂલ્યવાન છે. એને મરવા દેવાય નહીં. એવું કોઈ કારણ નથી દેખાતું કે આ બે સાહિત્યપ્રકારો પોતપોતાના ક્ષેત્રમાં એક સાથે હસ્તી ધરાવી ન શકે. માનવીય ચેતનાને આ બંનેની જરૂર છે. હક્સલીએ એક દૃષ્ટિકોણ અપનાવી કરેલું આ વેધક વિશ્લેષણ છે, અને એની દૃષ્ટિ લાંબે સુધી જોઈ શકે છે. આજે એક વસ્તુનો ગમે એટલો મહિમા હોય, પણ એથી કરીને ફરી શુદ્ધ કરુણાન્તિકાના દિવસો નહીં જ આવે એમ કહી શકાય નહીં. એનો પક્ષપાત પૂરું સત્ય નિરૂપણ કરતી કૃતિઓ પ્રત્યે લાગે છતાં શુદ્ધ કરુણાન્તિકાનું સ્થાન પણ એ પૂર્ણપણે સ્વીકારે. અખિલાઈને ગ્રાહ્ય કરવા મથતી એની મેધા આપણને સ્પર્શે છે.

તા. ૨૦-૧૨-૧૯૩