સાર્ત્રનો અસ્તિત્વવાદ/૧. અસ્તિત્વવાદનો પરિચય

Revision as of 01:39, 13 September 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧. અસ્તિત્વવાદનો પરિચય


જીવ, જગત અને ઇશ્વર વિષેનું ચિંતન એટલે તત્ત્વજ્ઞાન એવી સામાન્ય સમજ પ્રવર્તે છે. તત્ત્વજ્ઞાનના અનેક સંપ્રદાયો વિવિધ દૃષ્ટિબિંદુથી આ પ્રશ્નો વિષે વિચારે છે. ઇન્દ્રિયોથી જાણી શકાતા વિશ્વ કરતાં બ્રહ્માંડમાં કંઈક વિશેષ તત્ત્વ કે તત્ત્વો અસ્તિત્વમાં છે તેવી પારગામી દૃષ્ટિ ઘણા તત્ત્વચિંતકોના ચિંતનમાં પાયારૂપ છે. એક દૃષ્ટિએ તમામ તત્ત્વજ્ઞાન અસ્તિત્વવાદી જ હોય છે કારણ કે જીવ, જગત અને ઈશ્વર અથવા પરમ તત્ત્વના અસ્તિત્વની વિચારણા કોઈ પણ તત્ત્વજ્ઞાનમાં અનિવાર્ય છે. ‘અસ્તિત્વ’નો અર્થ આ સંદર્ભમાં વિશાળ છે. પરંતુ કેટલીક વાર ‘સત્ત્વ’ (Essence) અને ‘અસ્તિત્વ’(Existence)ને જુદાં પાડવામાં આવે છે. ગ્રીક તત્ત્વચિંતનમાં, કોઈ પણ વસ્તુઓના એક વર્ગનાં સામાન્ય લક્ષણોનો અલગ રીતે વિચાર કરીને તેના ‘સત્ત્વ’નો ખ્યાલ કરવામાં જ બુદ્ધિનું મૂળ કાર્ય છે તેમ માનવામાં આવતું. દા. ત., બધા મનુષ્યોમાં સમાન એવાં લક્ષણો જુદાં તારવીને ‘બુદ્ધિશાળી પ્રાણી’ એવી મનુષ્યની વ્યાખ્યા બાંધવામાં આવી. આ જ રીતે આવશ્યક લક્ષણો અને આકસ્મિક લક્ષણો જુદાં રાખીને કોઇ પણ વસ્તુના ‘સત્ત્વ’ને ગ્રહણ કરવાનો બુદ્ધિનો વ્યાપાર જ્ઞાનને ઉપકારક ગણી શકાય. તત્ત્વચિંતનની આવી અમૂર્તિકરણની(Abstraction) ક્રિયાને પરિણામે, જ્ઞાન, મૂળ તત્ત્વ અને મૂલ્યનાં સ્વરૂપની ચર્ચા તત્ત્વજ્ઞાનમાં પૃથક્કરણ દ્વારા જ થતી આવી. માણસનું વિશિષ્ટ અને વાસ્તવિક અસ્તિત્વ અને તેની પરિસ્થિતિની રજૂઆત તત્ત્વજ્ઞાનના અભ્યાસક્ષેત્રમાં સમાવેશ પામી શકી નહિ. બુદ્ધિવાદીઓ અને અનુભવવાદીઓ વચ્ચે જ્ઞાનના સ્વરૂપ વિષે મતભેદ છે. સુખવાદીઓ અને કર્તવ્યવાદીઓ વચ્ચે મૂલ્યના સ્વરૂપ વિષે મતભેદ છે. અધ્યાત્મવાદીઓ અને ભૌતિકવાદીઓ વચ્ચે સત્તત્ત્વના મૂળ સ્વરૂપ વિષે મતભેદ છે. આ તાત્ત્વિક મતભેદોના અનેક સૂક્ષ્મ પ્રકારો પણ છે. તે જ પ્રમાણે તત્ત્વજ્ઞાન શા માટે ? એ પ્રશ્નના પણ વિધવિધ પ્રત્યુત્તરો છે. મનની શાંતિ માટે, આશ્વાસન માટે, બુદ્ધિના સંતોષ માટે, જીવનવ્યવહારના માર્ગદર્શન માટે કે માત્ર વિચારક્રિયાને તેના અંતિમ છેડા સુધી લઈ જવા માટે તત્ત્વચિંતનની પ્રવૃત્તિ હોઈ શકે. વિલિયમ બૅરેટ જણાવે છે કે વીસમી સદીમાં તત્ત્વજ્ઞાનનો વિકાસ માત્ર તત્ત્વજ્ઞાનના અધ્યાપકો દ્વારા જ થઈ રહ્યો છે. આ વિષય લોકભાગ્ય રહ્યો નથી, નિષ્ણાતોનો બની ગયો છે. તત્ત્વજ્ઞાનનાં સામયિકોમાં આવતા લેખોને આધ્યાત્મિક વલણ ધરાવનાર શ્રદ્ધાળુઓ સમજી શકતા નથી, પરંતુ વિષયની સૂક્ષ્મતાનો લાંબા ગાળાનો સંપર્ક તેમાં જરૂરી થઈ પડ્યો છે. પહેલાંના ફિલસૂફે કલ્પ્યા ન હોય તેવા વિષયો અને તેવી પદ્ધતિઓ આધુનિક તત્ત્વજ્ઞાનમાં અપનાવવામાં આવે છે. વિજ્ઞાનને જેમ જુદી શાખાઓના તદ્જ્જ્ઞ સિવાય અન્ય કોઈ સમજી શકે નહીં, તેમ તત્ત્વજ્ઞાનમાં પણ બન્યું છે. પરંતુ બૅરેટ માને છે કે વૈજ્ઞાનિકોના અમૂર્ત અને સૂક્ષ્મ સિદ્ધાંતો હોવા છતાં, તેમના સંશોધનોની સામાન્ય માણસના રોજિંદા વ્યવહાર ઉપર સીધી અસર થઈ શકે છે ત્યારે તત્ત્વચિંતકોની સમાજજીવન ઉપરની અસર આ સદીમાં ઘટતી ગઈ છે. જોકે સત્યને ભોગે વિષયને ઉપયોગી કે લોકપ્રિય બનાવવાનો આદેશ આપી શકાય નહીં. અમેરિકા અને ઇંગ્લેન્ડમાં તત્ત્વજ્ઞાનની આ દશા હતી ત્યારે બીજા વિશ્વયુદ્ધના અંતે ફ્રાંસમાં અસ્તિત્વવાદની વિચારધારા પ્રચલિત થઈ. એ માત્ર તત્ત્વજ્ઞાનના અધ્યાપકો પૂરતી મર્યાદિત ન રહી. યુરોપમાં સાહિત્યક્ષેત્રે પણ તે પ્રસરતી રહી. વિચારનું આ નવું આંદોલન બધા ક્ષેત્રના બુદ્ધિજીવીઓને સ્પર્શી ગયું, પરિણામે બીજા કોઈ પણ તાત્ત્વિક સિદ્ધાંત કરતાં અસ્તિત્વવાદનું ક્ષેત્ર વિશાળ થયું. રૂઢિચુસ્ત ફિલસૂફોને વિચારોની સ્વચ્છંદતાથી, તત્ત્વજ્ઞાનમાં અરાજકતા ફેલાવાનો ભય લાગ્યો. શબ્દના અર્થની કે ભાષાના સ્વરૂપની ચર્ચામાં રોકાયેલા તત્ત્વચિંતકોને પ્રેમ, મૃત્યુ, ઈર્ષ્યા, ચિંતા, શૂન્યતા વગેરે બાબતોનો ઉલ્લેખ કેન્દ્રમાં રાખતા અસ્તિત્વવાદીઓ વિષયાંતર કરી રહ્યા છે તેવું જણાયું. અસ્તિત્વવાદ માત્ર યુદ્ધકાલીન હતાશાનું પરિણામ છે અથવા તો ટૂંકા ગાળાનો લાગણીનો ઊભરો છે તેવી ટીકાઓ પણ થવા લાગી. તત્ત્વવિચારણા તરીકે અસ્તિત્વવાદની ખાસિયતો ધ્યાનમાં લેવાથી અસ્તિત્વવાદ વિષેની કેટલીક ગેરસમજ દૂર થશે. પરમતત્ત્વ(Reality) માત્ર બુદ્ધિથી ગ્રહણ કરી શકાય અને કોઈ પણ વસ્તુનું અચલ રૂપ તાર્કિક પૃથક્કરણ દ્વારા જાણવું એ જ તત્ત્વજ્ઞાન છે તેવી બુદ્ધિવાદી માન્યતાનો અસ્તિત્વવાદ વિરોધ કરે છે. તે ઉપરાંત મનુષ્યના અસ્તિત્વને અન્ય વસ્તુના અસ્તિત્વની હરોળમાં મૂકવા અસ્તિત્વવાદીઓ તૈયાર નથી. માણસ સ્થાનિક દેશ-કાળનાં બંધનમાં ફસાયેલો છે એટલે ‘પરમ તત્ત્વ દેશ-કાળથી પર છે,’ ‘શાશ્વત છે,’ ‘અનંત છે,’ ‘વિરોધમુક્ત છે,’ ‘જીવ માત્ર વિશ્વાત્માનો અંશ છે’ વગેરે બાબતોનું જ્ઞાન અમૂર્ત છે, જીવનથી વેગળું છે. અલબત્ત, વિજ્ઞાન, સામાન્ય વ્યવહાર અને તર્કશાસ્ત્રમાં બુદ્ધિની મર્મગ્રહણની પ્રક્રિયા અવશ્ય મદદરૂપ છે પરંતુ તત્ત્વજ્ઞાનમાં, સત્ય માત્ર શોધવાનું નથી; જીવવાનું છે. માણસ અન્ય વસ્તુઓની જેમ પરિમિત છે; અપૂર્ણ છે; માણસ સ્વતંત્ર છે પણ પોતાના જ સ્વાતંત્ર્યના દુરુપયોગથી એ સ્વાતંત્ર્ય ગુમાવી દે છે; માણસના અસ્તિત્વમાં વિરોધાભાસ છે. તેનો અનુભવ વ્યક્તિને હતાશ કરે છે; જીવનનો અર્થ પામવાની વ્યક્તિની જિજ્ઞાસા માત્ર બૌદ્ધિક પ્રવૃત્તિથી સંતોષાતી નથી. મનુષ્યજીવનની સંદિગ્ધતાનું ભાન તીવ્ર બનતું જાય તેમ બુદ્ધિથી શોધેલો તાત્ત્વિક ઉકેલ મિથ્યા જણાય છે. અસ્તિત્વલક્ષી વિચારકો તાત્ત્વિક વિચારણામાં બુદ્ધિની પ્રતિષ્ઠા જરૂર સ્વીકારે છે પરંતુ બુદ્ધિની સર્વોપરિતા સ્વીકારતા નથી. મનુષ્યના ઘણા અનુભવો જુદી જુદી કક્ષાની તીવ્રતા ધરાવે છે. તેની તત્ત્વોન્મુખતા ભિન્ન પ્રકારની છે. જીવ અને જગત વિષે, આવા અનુભવો પણ કંઈક સમજાવી શકે છે. તત્ત્વજ્ઞાનમાં સમાન પરિસ્થિતિમાં જીવતા માણસોના અંગત અનુભવોને પણ વાચા મળે તે જરૂરી છે. દા. ત., કોઈ પણ વ્યક્તિ પોતાના ‘મૃત્યુ’ વિષે વિચારે ત્યારે તટસ્થતાથી વિચારી શકે નહીં કારણ તેનું મૃત્યુ તેને જે રીતે સ્પર્શી શકે તે રીતે બીજાને સ્પર્શી શકે નહીં. તમામ માણસોના મૃત્યુને લાગુ પાડી શકાય તેવી મૃત્યુની વ્યાખ્યા શોધવી એ એક બાબત છે, પણ પોતાના મૃત્યુની આગાહીથી ચિંતિત થવું એ જુદી બાબત છે. અસ્તિત્વવાદીઓ આ બીજા પ્રકારના અનુભવને પણ મહત્ત્વ આપે છે. અસ્તિત્વવાદનું વિવિધ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. સેલ્વન જણાવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના નક્કર વાસ્તવિક અસ્તિત્વ ઉપર વિચાર કરશે ત્યારે તેને અનેક અનુભવો થશે. પોતાના અસ્તિત્વ ઉપર સ્થળકાળની એક છાપ પડી હોય છે. પોતે કોણ છે, શા માટે અહીં છે તેવો પ્રશ્ન પુછાય છે. બીજા મને જેવી રીતે જુએ છે તેવી રીતે હું મારો વિચાર ન કરું, પણ મારા પોતાના અસ્તિત્વનો અંગત અનુભવની દૃષ્ટિએ વિચાર કરું ત્યારે હું અસ્તિત્વવાદી પરિસ્થિતિમાં છું તેમ કહી શકાય. પોતાના અસ્તિત્વની અનુભૂતિ હમેશાં ચિંતા ઉપજાવે છે કારણ વ્યક્તિ પોતાના અસ્તિત્વનું મૂળ શોધી શકતો નથી. તે જ રીતે સ્વાતંત્ર્યની જાગૃતિ મનુષ્યમાં ઉદ્ભવે છે પણ તેનું શું કરવું તે સમજાતું નથી. જીવનનો અર્થ શોધવો છે, પણ અનુભવ અર્થહીનતાનો થાય છે. સત્ય પામવું છે પણ તટસ્થ રહીને નહીં-જાતે અનુભવીને મેળવવું છે અને તેમ કરવા જતાં કદાચ સત્યનું સ્વરૂપ બદલાઈ જાય. રિન્ટ્લીનના મત મુજબ અસ્તિત્વવાદ એ માનવીની પરિમિતતાનું તત્ત્વજ્ઞાન છે. પરિમિતતાનો અનુભવ અને તેમાંથી ઉદ્ભવતી હતાશા મૂળભૂત અસ્તિત્વલક્ષી પરિસ્થિતિ ગણાય. બ્રેશાખ આ જ હકીકત ઉપર ભાર મૂકતાં જણાવે છે : ‘અસ્તિત્વવાદીઓ માનવીય પરિસ્થિતિઓમાં નિરંતર જોવા મળતા સંઘર્ષો આલેખે છે...જિંદગી એક સાહસ છે અને તાર્કિક રીતે પરિબદ્ધ થયેલા કોઈ પણ માળખામાં તેને બાંધી દેવાના પ્રયાસ સામે અસ્તિત્વવાદીઓ વિરોધ કરે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીની એક વ્યાખ્યાનમાળાને પ્રોફે. હાઈન્માને પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરી છે. હેગલ અને માર્ક્સની વિચારધારાઓથી અસ્તિત્વવાદ ક્યાં ભિન્ન છે તે બાબતનો ઉલ્લેખ કરતાં હાઈન્માન સૂચવે છે કે હકીકતમાં વિરાટ માનવસમાજમાં સાધન-સામગ્રીની વિપુલતા છતાં, માનવીને પોતાને એકલા પડી ગયાનો જે અનુભવ થાય છે તે અસ્તિત્વવાદની મૂળ સમસ્યા છે. માનવસમસ્યાઓનો હેગલ અને માર્કસે સૂચવેલો ઉકેલ નિષ્ફળ ગયો માટે અસ્તિત્વલક્ષી વિચારણા ઉદ્ભવી તેવું હાઈન્માન માને છે. સાહિત્યની દષ્ટિએ અસ્તિત્વવાદની વિચારણા કરતાં કુ. હેઝલ બાર્ન્સે સાર્ત્ર, સાઇમન-દ-બોઇવાર અને આલ્બર્ટ કામૂને માનવતાવાદી અસ્તિત્વવાદીઓ તરીકે ઓળખાવ્યા છે. માનવીય પરિસ્થિતિનું તત્ત્વગામી ચિત્રણ અસ્તિત્વવાદી સાહિત્યમાં રજૂ કરવામાં આવે છે. સ્વાતંત્ર્ય એ માણસનું મૂલ્ય છે એટલે સાહિત્યસર્જનની ક્રિયા આ મૂળભૂત ચેતનાની મુક્ત અભિવ્યક્તિ છે. માનવજીવનની અપ્રગટ શક્યતાઓને સાકાર કરવાનું સાહિત્યનિર્માણનું ધ્યેય છે. આ સંદર્ભમાં અસ્તિત્વવાદી સાહિત્ય એ ‘શક્યતાઓનું સાહિત્ય’ છે તેમ બાર્ન્સ માને છે. ફ્રેંચ, ઇટાલિયન, ઈંગ્લિશ અને અમેરિકન મૂળ લેખોને આધારે સાર્ત્ર ઉપરના એક સંગ્રહમાં તેના તંત્રી એડીથ કેરન જણાવે છે કે ‘અસ્તિત્વવાદ’ એ શબ્દ ફ્રેંચ અસ્તિત્વવાદી ગ્રેબ્રિયલ માર્સલે ૧૯૪૩માં પ્રચલિત કર્યો હતો. સાર્ત્ર અને સાઈમન-દ-બોઈવાર મિત્ર સાથે જ્યારે ‘કાફે ફલોરે’માં મળ્યા ત્યારે ‘તમે અસ્તિત્વવાદી છો?’ એવા પ્રશ્નથી ખુદ સાઇમન-દ-બોઇવારને આશ્ચર્ય થયું હતું, પરંતુ અસ્તિત્વવાદી વિષયો જેવા કે મૃત્યુ, ચિંતા, એકલતા, શૂન્યતા વગેરેનું પાત્રસૃષ્ટિ દ્વારા નિરૂપણ કરતું તેવું સાહિત્ય અસ્તિત્વવાદી ગણી શકાય તેમ માનવામાં આવતું હતું. ‘પૂર્વ અને પશ્ચિમનાં મૂલ્યોના સમન્વય’ એ વિષય ઉપર ૧૯૫૯માં ‘ઇન્ડિયન ફિલૉસૉફિકલ કાઁગ્રેસ’ના અધિવેશનમાં, એક વ્યાખ્યાનમાં ડૅા. સર્વપલ્લી રાધાકૃષ્ણને અસ્તિત્વવાદનું વર્ણન આ પ્રમાણે કર્યું છેઃ ‘જ્યારે આપણે વસ્તુઓના અસ્તિત્વ અને માણસોના અસ્તિત્વ વિષેના ભેદ પ્રત્યે જાગૃત થઈએ ત્યારે તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં અસ્તિત્વવાદી વિચારધારા એક મૂળભૂત તત્ત્વચિંતનના પ્રકાર તરીકે પ્રગટ થાય છે.’ બૌદ્ધ સંપ્રદાય અને અસ્તિત્વવાદની સરખામણી કરતાં ઑસ્ટ્રેલિયન પ્રોફે. આટિંગ્સ્ટોલ જણાવે છે (હીબર્ટ જર્નલ, ૧૯૬૪) કે અસ્તિત્વની તીવ્ર પ્રતીતિ અને જોખમકારક સ્વાતંત્ર્યનો અનુભવ આ તત્ત્વો બન્ને સંપ્રદાયમાં મૂળભૂત છે. દુઃખ, નિરાશા અને પરિવર્તન વિષે બુદ્ધ અને હાઇડેગરનાં મંતવ્યો સરખાં છે. અમેરિકામાં ‘હોલી ફૅમિલી કૉલેજ’ના તત્ત્વજ્ઞાન વિભાગના ચેરમેન ડૉ. ફ્રેડરિક પેટકાએ પાંચ વ્યાખ્યાનો અસ્તિત્વવાદની વિષયો ઉપર ૧૯૬૦માં આપ્યાં. ડૉ. પેટકાની દૃષ્ટિએ અસ્તિત્વવાદની પાંચ મુખ્ય સમસ્યાઓ છેઃ (૧) જ્ઞાનની સમસ્યા, (૨) સત્તત્ત્વની સમસ્યા, (૩) માનવીના અસ્તિત્વની સમસ્યા, (૪) આંતરક્રિયાની સમસ્યા, (૫) પારગામિતા(transcendence)ની સમસ્યા.

(૧) જ્ઞાનની સમસ્યા

કલ્પના, લાગણી, અંતઃસ્ફુરણા(intuition), મનઃસ્થિતિઓ (moods) વગેરે અબૌદ્ધિક વ્યાપારોનું જ્ઞાનની પ્રક્રિયામાં ઘણું મહત્ત્વ છે તેવી અસ્તિત્વવાદની પાયાની સ્વીકૃતિ છે. અસ્તિત્વનાં મૂળભૂત લક્ષણોની અનુભૂતિપૂર્વકની જાગૃતિ એ જ્ઞાનનો મહત્ત્વનો પ્રકાર છે. માનવજીવન આકસ્મિક છે, પરિવર્તનશીલ છે, પરિમિત છે અને તેની નક્કર વાસ્તવિકતા બુદ્ધિનાં સામાન્ય અનુમાનોથી પહોંચી શકાતી નથી. બૌદ્ધિક જ્ઞાનની મર્યાદા પ્રત્યે સતત જાગૃત રહેવાનો અસ્તિત્વવાદીઓનો આદેશ છે. અહીં તર્કનો ગૌરવભંગ થતો નથી પણ તેની સર્વોપરિતા પડકારાય છે. અંતર્જ્ઞાન(Intuition) એ જ્ઞાનનું મહત્ત્વનું પ્રમાણ છે તેમ અસ્તિત્વવાદીઓ માને છે. મનુષ્યનું સમગ્ર વ્યક્તિત્વ આવા અંતર્જ્ઞાનથી સત્તત્ત્વ પ્રત્યે અભિમુખ બને છે. આવું અંતર્જ્ઞાન બીજી વ્યક્તિઓને સમાવવાની મુશ્કેલી રહે છે. તર્કના માળખામાં તેને મૂકી શકાય નહીં. એટલા માટે ઉપમા, પ્રતિરૂપ કે પ્રતીક દ્વારા આવી અનુભૂતિને પ્રગટ કરવામાં અનુકૂળતા રહે છે. સાહિત્ય જેવું પ્રવાહી માધ્યમ એ જ કારણે અસ્તિત્વવાદીઓ સ્વીકારે છે. પેટકાની સુંદર રજૂઆત તેમના જ શબ્દોમાં મૂકવી અસ્થાને નહિ ગણાય. ‘Existentialists have a definite preference for the new, original, a typical and emotionally charged complexity of situations in which the true existential condition of the free person is manifested at its best.’ અંતર્જ્ઞાનને જ્ઞાનના માધ્યમ તરીકે સ્વીકારનાર અસ્તિત્વવાદીઓનું તત્ત્વજ્ઞાન ભૂમિતિના સિદ્ધાંતોની માફક એક તટસ્થ ચિંતક સ્વીકારી લે તેવી આશા રાખવી નિરર્થક છે. પરંતુ કાન્ટ અને બ્રૅડલે જેવા બુદ્ધિવાદીઓ પણ પરમતત્ત્વને બુદ્ધિ દ્વારા પામી શકાય નહીં તેવું કબૂલ કરે છે. પરમતત્ત્વ અથવા સત્તત્ત્વ વિષે વિચાર કરીને તેનાં સામાન્ય લક્ષણો સ્થાપવાં અને પછી માનવીથી ન પામી શકાય એવાં આ લક્ષણો એ જ સત્તત્ત્વનાં છે એમ ખાતરી કરાવવી, એ જાતની વિચારપદ્ધતિ સામે અસ્તિત્વવાદને સકારણ રોષ છે. સત્તત્ત્વનું સમગ્રરૂપ કોઈ જાણી શકવાનો દાવો કરી શકતું નથી એટલે બુદ્ધિએ શોધી કાઢેલું સ્વરૂપ એ જ શ્રેષ્ડ છે તેવું માનવા અસ્તિત્વવાદીઓ તૈયાર નથી. જીવનની ઘણી ક્ષણોએ આપણને જુદા જુદા સ્વરૂપની આંતરિક અનુભૂતિ થાય છે. તેને બૌદ્ધિક આકાર આપવો મુશ્કેલ છે.

(૨) સત્-ની સમસ્યા

ઍરિસ્ટૉટલ પછીના કેટલાક ફિલસૂફો અસ્તિત્વ (Being) અને સત્તા (Reality)નો ભેદ પાડે છે; જુદી જુદી કોટિનું અસ્તિત્વ વિવિધ કક્ષાની સત્તા ધરાવે છે. દા. ત., સ્વપ્ન અને જાગૃતિ બન્ને અસ્તિત્વમાં છે પણ જાગૃતિ વધારે સત્તા ધરાવે છે. અસ્તિત્વવાદીઓ સજીવતા (Life) અને સત્તાને સમકક્ષ ગણે છે. સજીવન, સચેતન, પરિવર્તનશીલ અને વિકસી શકે તેવી બાબતો Reality એ શબ્દથી સૂચિત થાય છે. સત્તત્ત્વ એ જ્ઞાતાથી સ્વતંત્ર છે પરંતુ જ્ઞાનની ક્રિયામાં જ્ઞાતા અને જ્ઞેય પદાર્થ બન્ને એક થઈ જાય છે. અસ્તિત્વ એ દરેકનો અંગત અનુભવ છે એટલે તેમાં ઝીલવામાં આવેલું સત્-નું પ્રતિબિંબ દરેક માટે સરખું નથી. પોતાના અસ્તિત્વની આંતરિતાની પૂરી જાગૃતિ એ સત્તત્ત્વનો જ એક ભાગ છે.

(૩) માનવીના અસ્તિત્વની સમસ્યા

અસ્તિત્વવાદીઓની કેન્દ્રીય સમસ્યા માનવીના અસ્તિત્વ અંગેની છે. માનવીના અસ્તિત્વમાં પણ તેના જાગૃત સચેતન અસ્તિત્વની અનુભૂતિ મુખ્ય બાબત છે. વસ્તુઓ કરતાં માનવીનું અસ્તિત્વ કઈ રીતે જુદું પડે છે તે જાણવું આવશ્યક છે. માનવીય અસ્તિત્વ અને માનવ સિવાયનું અસ્તિત્વ એવો ભેદ પાડ્યા પછી કેટલાક ચિંતકો માનવીના અસ્તિત્વમાં અધિકૃત અને બિનઅધિકૃત અસ્તિત્વ તેવો તફાવત પાડે છે. માણસનું અસ્તિત્વ જગત સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલું છે. જગત મિથ્યા નથી. મનુષ્ય પામર નથી. જીવ વિરાટસૃષ્ટિનો એક અંશમાત્ર નથી. દરેક જીવને વૈયક્તિક અસ્તિત્વ છે. માનવીના અસ્તિત્વનું મુખ્ય લક્ષણ સભાન પરિવર્તનશીલતા અને ધ્યેયગામિતા. માણસને સ્વાતંત્ર્ય છે માટે મૂલ્યાંકન છે. મનુષ્ય ભવિષ્યમાં પ્રક્ષેપણ કરી શકે છે. ‘સ્વ’ની સીમાઓને ઓળંગી શકાય છે. જો કે દરેક માણસ પોતાની આંતરિક ચેતનાનો આવો વિસ્તાર કરી શકતો નથી. ઊંઘમાં ચાલતા માણસોની જેમ ઘણા માણસો ટેવની સપાટીએ પોતાનો જીવનવ્યવહાર ટકાવી રાખે છે અને પોતાનું સ્વાતંત્ર્ય વેચીને સલામતી ખરીદે છે. વહેણથી વિરુદ્ધ તરવું જેમ મુશ્કેલ છે તેમ જગતમાં રહેવા છતાં ટોળામાં વ્યક્તિત્વને ઓગળી જતું બચાવવું મુશ્કેલ છે. માણસનું અસ્તિત્વ ત્રણ રીતે સલામત બનાવવામાં આવે છે : (૧) વ્યવહાર અને વિજ્ઞાનમાં, ભૌતિક વસ્તુઓને જરૂરિયાતો મુજબ ઉપયોગમાં લેવા માટે બૌદ્ધિક ઉપાયો કરીને, (૨) સમાજના નીતિ-ધોરણોને અનુસરીને અને (૩) ધાર્મિક અનુભવો કરીને. અસ્તિત્વવાદીઓ કહે છે કે બુદ્ધિ તો માત્ર સાધન છે. વ્યવહાર માટેનું નિમિત્ત છે. વ્યક્તિની જરૂરિયાતો સફળ રીતે સંતોષવાને માટે બુદ્ધિની મદદ લેવી પડે છે. બુદ્ધિનું કાર્ય વ્યવસ્થાલક્ષી છે. ભાષાનો પણ આવો જ હેતુ છે. તે આંતરવ્યવહારનું એક સાધન છે. એટલે રૂઢિચુસ્ત તત્ત્વજ્ઞાનીઓએ જ્યારે એમ માન્યું કે બુદ્ધિ માણસને વિશ્વના મૂળતત્ત્વ અને વસ્તુઓના હાર્દરૂપ અચલ સ્વરૂપનું ભાન કરાવશે ત્યારે તેને બુદ્ધિના સ્વરૂપ વિષે વધારે પડતો મોહક ખ્યાલ હતો તેમ કહી શકાય. તે જ પ્રમાણે સામાજિક ધોરણને તાબે થવા માટેના આદેશ એ પણ સામાજિક સલામતીની જરૂરિયાતને લીધે ઉદ્ભવે છે. એટલે સામાજિક અંકુશનું સાધનરૂપ મૂલ્ય છે. એ કોઈ દૈવી યોજનાનો ભાગ નથી. સંગઠિત સમાજજીવન અને સંગિઠત ભૌતિક જીવનમાં પણ જે વિસંવાદિતા રહે તે ધાર્મિક કક્ષાએ દૂર કરવામાં માણસનું અસ્તિત્વ વધુ સલામતી શોધે છે. ધર્મ આ રીતે સાંસ્કૃતિક અને સામાજિકતાનું પરિણામ છે. ત્રણ જાતની આ સલામતીઓ પણ કેટલીક વાર ઓછી પડે ત્યારે હતાશ માનવીનું એકલવાયું અસ્તિત્વ ભારરૂપ લાગે છે. ટેવની કક્ષાએ અને અનુકરણની સપાટીએ ધોરણબદ્ધ જીવન ટકાવી રાખવામાં કોઈ મૂળભૂત આંતરિક સંઘર્ષ આવતો નથી. પરંતુ ચેતનાની તીવ્રતાની કક્ષાએ જ્યારે આંતરિક મથામણ થાય છે ત્યારે કુદરતથી અને સમાજથી વિખૂટા પડી ગયાનું ભાન થાય છે.

(૪) આંતરક્રિયાની સમસ્યા

માણસ જગતમાં એકલો નથી બીજા માણસોનું અસ્તિત્વ તેના સ્વાતંત્ર્યને ભયમાં મૂકે છે. અસ્તિત્વવાદ માટે માણસો વચ્ચેના આંતરવ્યવહારના પ્રશ્નો બહુ ઉગ્રતા ધારણ કરે છે કારણ કે પોતાના અસ્તિત્વનો અંગત અનુભવ બીજા આગળ કઈ રીતે રજૂ કરવો એ પ્રશ્ન છે. ‘પોતાનાથી અવિભક્ત અને બાકી બધાથી વિભક્ત’ એવી વ્યક્તિવિશેષતા(individuality)ની વ્યાખ્યા આપવામાં આવી છે. આ દૃષ્ટિએ વ્યક્તિના કેટલાક અનુભવોનું અન્ય વ્યક્તિમાં સંક્રમણ કરવું અશક્ય છે. એટલે એક બાજુ માણસ, સમાજમાં પોતાનાં વ્યક્તિત્વને ઓગાળી નાખવા માગતો નથી અને બીજી બાજુ પોતાના આંતરિક જીવનની સમૃદ્ધિ અથવા રિક્તતા બીજી વ્યક્તિને પહોંચાડી શકતો નથી. આ કરુણ વિકલ્પો છે. પ્રચારનાં અને માહિતી-પ્રસરણનાં સાધનો એ આંતરક્રિયાનો એક પ્રકાર છે, પરંતુ વ્યક્તિનો ‘વિયોગ’ તેનાથી ઘટતો નથી. આર્થિક બાબતોની લેવડદેવડ પૂરતો સંદેશાવ્યવહાર વિરાટ સામાજિક ક્ષેત્રે અપનાવાય છે, પરંતુ આંતરિક ચેતના તેનાથી પુષ્ટ થતી નથી. વિરાટ માનવસમૂહોમાં ઉત્પન્ન થયેલી મનુષ્યની એકતા માત્ર કૃત્રિમ અને ઉપરછલ્લી છે કારણ કે તેના મૂળમાં સામૂહિક અનુકરણ છે. આધુનિક યુગનો માનવી વધુ સૂચનવશ થયો છે તેવી અસ્તિત્વવાદની ફરિયાદ છે. તે ચિંતાઓ પણ છાપામાં છપાયેલી હોય તેવી કરે છે તેના અનુભવો પણ ઉછીના લીધેલા હોય તેવું લાગે છે. બીબાંઢાળ માન્યતાઓમાં તેના વિચારો રૂંધાઈ જાય છે. વ્યક્તિ જાણે કે સમાજ નીચે દટાઈ ગઈ છે. આ બિનઅધિકૃત અસ્તિત્વ છે. જો કે અસ્તિત્વવાદમાં સમાજ-વિરોધી વલણ નથી પણ સામાજિકતા એ જ વ્યક્તિની સમસ્યાને તાત્ત્વિક ઉકેલ છે તેવું માનવા તેઓ તૈયાર નથી.

(૫) પારગામિતાની સમસ્યા

મનુષ્યથી પર એવા કોઈ તત્ત્વના અસ્તિત્વ વિષે સ્વીકારાત્મક કે અસ્વીકારાત્મક નિર્ણય લેવાની જરૂરિયાત કેટલાક તાત્ત્વિકોને જણાય છે. કુદરત અને સમાજ ઇન્દ્રિયોને અને બુદ્ધિને સુલભ એવી વસ્તુઓ પૂરી પાડે છે એટલે વ્યક્તિની મોટા ભાગની જરૂરિયાતો પૂરી પાડવામાં આ બન્ને ક્ષેત્રે વાસ્તવિક સફળતા સાંપડે છે પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રે તર્ક દ્વારા આ સફળતા પ્રાપ્ત થતી નથી. કેટલાક અસ્તિત્વવાદીઓ આસ્તિક છે, ઈશ્વરવાદી છે. દા. ત., કિર્કગાર્ડ, પૉલ ટીલીક, ગેબ્રિયલ માર્સલ, માર્ટિન બુબર. કેટલાક નિરીશ્વરવાદી અસ્તિત્વવાદીઓ છે, જેવા કે સાર્ત્ર, હાઇડેગર અને યાસ્પર્સ–પરંતુ માનવીય અસ્તિત્વ કરતાં ભિન્ન અને ઊર્ધ્વ કોટિના અસ્તિત્વ વિષે બન્ને પ્રકારના વિચારકો માટે સમસ્યા ઉદ્ભવે છે. પહેલાં અસ્તિત્વનો પૂર્વતાર્કિક ભૂમિકાએ અનુભવ થાય છે તેમાંથી અર્થ પામવાની જરૂરિયાત ઉદ્ભવે છે અને તેમ કરવામાં તેને સ્વાતંત્ર્યનું ભાન થાય છે તેનાથી વ્યક્તિ ચિંતિત થાય છે. ભૂતકાળની શૂન્યતા અને ભવિષ્યકાળની શૂન્યતાનું ભાન થાય છે. આ પારગામી દશામાં પરિતૃપ્તિ મળશે કે નહિ તે બાબતમાં એકમતિ નથી. ‘ઇશ્વરનું મૃત્યુ થયું છે’ તેવી નિત્શેની ઉક્તિ ઘણા અસ્તિત્વવાદીઓએ સ્વીકારી છે. કૉલિન વિલ્સન જણાવે છે તેમ આધુનિક તત્ત્વજ્ઞાનની શરૂઆત ડેકાર્ટે કરતાં તત્ત્વજ્ઞાનને વૈજ્ઞાનિક ભૂમિકાએ લાવવાના પ્રયાસો થયા. પરિણામે ડેકાર્ટના અનુયાયીઓએ તત્ત્વજ્ઞાન અને ધર્મના પ્રશ્નો તદ્દન જુદા ગણ્યા. વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા તત્ત્વચિંતકોએ જીવનનો અર્થ શું છે? માણસના મૂળ સ્વાતંત્ર્યનું સ્વરૂપ શું છે? વગેરે પ્રશ્નો ગૂઢ ગણ્યા. અસ્તિત્વવાદીઓ આવા પ્રશ્નો પૂછે છે. આવા પ્રશ્નો, નિરર્થક છે તેમ માનતા નથી. પરંતુ વિલ્સનને આશ્ચર્ય એ થાય છે કે લગભગ બધા જ અસ્તિત્વવાદીઓ નિરાશામય વાતાવરણ માનવજીવન માટે કલ્પી લે છે. વેલ્સ, શૉ કે ચેસ્ટર્ટનના સાહિત્યની જે આશાવાદી ભૂમિકા છે તે હક્સલે, ગ્રેહામ ગ્રીન, યુજીન, આયોનેસ્કો, હેમિંગ્વે કે ટી. એસ. ઇલિયટનાં સર્જનમાં નથી. આમ અસ્તિત્વવાદમાં ચેતનાની સીમાઓ વિસ્તારવાની ક્રિયાનો સ્વીકાર કરવામાં આવ્યો છે છતાં આવા પ્રયાસનું અંતિમ પરિણામ શંકાસ્પદ ગણવામાં આવ્યું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અપાયેલાં પૉલ રૌબિકઝેકનાં અસ્તિત્વવાદ વિષેનાં વ્યાખ્યાનો ૧૯૬૪માં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં. ફ્રેંચ અને જર્મન અસ્તિત્વવાદની લાક્ષણિકતા રજૂ કરતાં રૌબિકઝેક જણાવે છે કે ‘સત્ત્વ’ અને ‘અસ્તિત્વ’નો ભેદ પાડીને ‘અસ્તિત્વ’ને મૂળભૂત ગણનાર વિચારધારા નિરપેક્ષ અસ્તિત્વવાદી કહી શકાય. પરિણામે તેમાં માણસને ‘વ્યક્તિ’ તરીકે મહત્ત્વ આપવામાં આવે છે. ‘માનવસ્વભાવ’નાં સામાન્ય વિધાનોને તેમાં મહત્ત્વ નથી. અસ્તિત્વવાદ માણસની વ્યક્તિવિશેષતા જાળવવાના હેતુ છે તેમ છતાં, ‘અસ્તિત્વ’નું પૃથક્કરણ તેમને નિરાશાવાદી બનાવે છે તેમ રૌબિકઝેક માને છે. અસ્તિત્વવાદમાં માનવસ્વાતંત્ર્યની હિમાયત કરવામાં આવી છે પરંતુ આ માનવસ્વાતંત્ર્ય જીવનની અર્થહીનતાના સંદર્ભમાં મિથ્યા બની જાય છે તેવો આક્ષેપ રૌબિકઝેક ફ્રેંચ અને જર્મન અસ્તિત્વવાદ સામે રજૂ કરે છે.