કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૭. સંવનન

Revision as of 01:24, 16 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૭. સંવનન

પૃથ્વી પર
એનું સુખઃ
કણકણમાં ઊઠતા સ્પંદન જેવું,
તેજ તેજમાં ફૂટતા કંપન જેવું,
શ્વાસ ઉચ્છ્‌વાસે ઘૂંટાતી ગંધ જેવું,
ધસમસી વછૂટતા બંધ જેવું,
મર્યાદા ઓળંગતા સિંધુ જેવું,
ગર્ભ સિંચતા અમૃત-બિંદુ જેવું —
તો એનું દુઃખઃ
રૂંવે રૂંવે ચંપાતા અંગાર જેવું,
જતરડે ભીંસાતા તાર જેવું,
બપોરે ઊડતી એકાકી સમળી જેવું,
પૂંછડી કપાયલી નિશ્ચેત ગરોળી જેવું,
સવારે ઓસરતી ઓટ જેવું,
સુકાઈ ચરચરતા હોઠ જેવું, —
ક્ષણભંગુર, ક્ષણભંગુર, ક્ષણભંગુર,
એવી, એવી, એવી હે સખી, દેહમાત્રની રજ
જન્મજન્માંતરે કોઈ ક્ષણે
એનો કળશ સંભરી આટોપીએ
સઘળું શમવી તરતો ગોઠવીએ
માનસસરપર
એનું સુખઃ
સ્મૃતિની ઊઘડતી સવાર જેવું,
તેજ તેજના અંબરવિચાર જેવું,
દિશાદિશામાં પ્રસરતા રાગ જેવું,
પગલે પગલે વસંતતા બાગ જેવું,
ગંધે ગંધે પમરાતી કળી જેવું,
શ્રુતિની વિલંબિત સ્વરાવલી જેવું, —
તો એનું દુઃખ ઃ
પલકમાં મિચાતા નેણ જેવું,
અધૂરા અર્થહીન વેણ જેવું,
સંકોચાઈ હોલવાતા દીપ જેવું,
મૌક્તિકવિહીન ખુલ્લી છીપ જેવું,
અંતરમાં ન સમાતા રૂપ જેવું,
બાહ્યમાં ન પકડાતા ધૂપ જેવું, —
ક્ષણભંગુર, ક્ષણભંગુર, ક્ષણભંગુર,
એવાં, એવાં, એવાં હે સખી, માનસતરંગજલ
જન્મજન્માંતરે કોઈ ક્ષણે
એની છલકછલકતી અંજલિ સતત
સંપુટ રચી નિતરાવીએ વિકસિત
પદ્મપર
જે સહસ્રદલે,
સુખ ભૂલવે, દુઃખ મૂલવે
એક ભાવે સાંત, બીજે અનંત
રૂપે કૃષ્ણમય, પ્રાણે રાધામય,
હૃદયે ગોપીમય, ચિત્તે વૃંદાવનમય,
છંદે ચૈતન્યમય, લયે આનંદમય...

૩૦ જુલાઈ ’૬૮
અડિસ અબાબા

(સાયુજ્ય, પૃ. ૫૯-૬૧)